વ્યથા
વ્યથા
હેતા એટલે સુંદરતાની મૂરત..... નાજુક, નમણી હરણી જેવી નટખટ હતી. હેતા આજ સવારથી ખૂબ ખુશ હતી. હેતા એક સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. હેતાનાં પતિ વિશાલ એક ડૉકટર હતાં. અને સાસુ, સસરા અને નાનાં દિયર એક ખુશખુશાલ પરિવાર હતો. ખૂબસુરત અને મળતાવડી હેતાને ઘરમાં કોઈ વાતની કમી ન હતી. પણ લગ્નનાં દસ વર્ષ થવાં છતાં ભગવાને તેને ખોળાનો ખુંદનાર ન આપ્યો હતો. બહારથી હસતી હેતા અંદરથી તૂટેલી હતી.
જીવનમાં કોઈ જાતની કમી ન હોય પણ જો એક સ્ત્રી મા ન બની શકે તો એ સ્ત્રીની વ્યથા કોઈ ન સમજી શકે...... પોતાનાં ગર્ભમાં એક અંશને પામીને, નાનાં બાળકની કાલીઘેલી બોલી સાંભળીને, એક પત્નીમાંથી મા ની પદવી જયારે મળે છે. એ ખુશીને વર્ણવી મુશ્કેલ છે.
વિશાલ તેનાં કામમાં હોય, સાસુ પણ પૂજાપાઠમાં હોય તો હેતાને બાળકની કિલકારી વગર હવે આ ઘર સૂનું લાગતું હતું. આજે હેતાનો જન્મદિવસ હતો. સવારથી ઘરમાં પૂજાપાઠ થયાં, મંદિરે જઈને દર્શન કર્યા અને હેતાને પતિ વિશાલે જન્મ દિવસનાં અભિનંદન પાઠવ્યા. વિશાલ હેતાને કહે આજે શું ભેટ જોઈએ છે ? તો હેતા વિશાલનો હાથ પકડીને કહે, " વિશાલ આજે મને તારી પાસેથી એક ખાસ ગીફટ જોઈએ છે આપીશ ને મને ? "
તો વિશાલે કહ્યુ.... " ડિયર, તું જે માંગીશ તે તને આજે મળશે. "
તો હેતા બોલી આપણા લગ્નને દસ વર્ષ થયાં મારી ઈચ્છા છે કે આપણે અનાથ આશ્રમમાં જઈને એક બાળક દત્તક લઈએ. તો આ સૂનું ઘર બાળકની કિલકારીથી ગુંજે ઊઠે. વિશાલ હેતાનાં આંસુ જોઈને પીગળી ગયો અને તેની હા જ હતી. પણ વાત વિશાલનાં માતા પિતાની હતી તે આ વાત માનશે કે નહીં તેની ચિંતા હતી.
વિશાલે આ વાત તેનાં માતા પિતાને કરી. શરૂઆતમાં તો આનાકાની કરી કે બાળક કંઈ જ્ઞાતિનું છે, કોનું છે ? વગેરે પણ પછી હેતાનું દુઃખ જોઈને તેઓએ આ નિર્ણયને સહર્ષ વધાવી લીધો.
આજે હેતાની ખુશી બમણી થઈ ગઈ કે તેને પણ મા કહેવાવાળું કોઈ હશે. અને વિશાલ અને હેતા અનાથ આશ્રમમાં ગયાં તેણે એક નાની બાળકી પર પસંદગી ઉતારી... તે વાંકળિયા વાળ, ભૂરી આંખોવાળી એ બાળકીનું નામ નિત્યા હતું. તે ત્રણ વર્ષની હતી. બાળકી પણ હેતાને જોઈ જાણે વરસોથી માની રાહ જોતી હોય તેમ હેતાને ભેટી પડી. વિશાલ અને હેતા જરૂરી કાગળોની કાર્યવાહીનું કામ પુરૂ કરી તેને ઘરે લઈ આવ્યા.
નિત્યા માટે હેતાએ નવાં રમકડાં, નવાં કપડાં અને મીઠાઈ લીધી હતી તે જોઈ નાની નિત્યા ખુશ થઈ ગઈ. હેતાનાં સાસુ સસરાએ પણ નિત્યાને વહાલથી આવકાર આપ્યો. રાત્રે વિશાલ બે કેક લઈને આવ્યો એક હેતાનાં જન્મ દિવસની અને એક નિત્યાનાં નવાં જન્મની. નિત્યા પણ થોડા દિવસોમાં બધા સાથે ભળી ગઈ. તેની કાલીઘેલી વાતોથી તેણે બધાનું દિલ જીતી લીધું.
એક માની સૂની ગોદ ભરાણી અને એક બાળકીને ઘર, મા બાપ અને પરિવાર મળ્યો. હેતાની વ્યથા દૂર થઈ અને બધાં ખુશખુશાલ જીવન જીવવાં લાગ્યા.
