વ્યંગઃ વેલણ અને મિત્ર
વ્યંગઃ વેલણ અને મિત્ર
આજે ઘણા દિવસે રસોડામાં ગઈ. મહિનાથી બહારગામ ગઈ હતી. જેવો રસોડામાં પગ મૂક્યો ત્યાં ડૂસકા સંભળાયા. ચારે બાજુ નજર કરી કોઈ દેખાયું નહીં. ડૂસકાંને ધીમા પાડવા હવે તો સિસકારા સંભળાવા લાગ્યા. નવાઈ લાગી ઘરમાં કોઈ છે નહીં ને આ શું ચાલી રહ્યું છે? ત્યાં તો વળી ધબાક ધબાક અવાજ આવ્યો. જાણે નગારા પર ડાંડી ન કોઈ પીટી રહ્યું હોય! હવે મને થયું જે ખાનામાં વેલણ તેના ખાસ મિત્ર સાથે વસે છે તે ખાનું જોઉં.
મારી ધારણા સાચી પડી. જેવું ખાનું ખોલવા ગઈ ત્યાં હાથમાંથી છટકી પાછું બંધ થઈ ગયું. અરે, મારામાં તાકાત નથી. ફરી જોરથી ખોલ્યું તો આખળિયો (આડણી) તો બહાર ન નીકળી શક્યો પણ વેલણ નીકળીને ઉછળ્યું. જો અગમચેતી ન વાપરી હોત તો મારા કપાળે વાગત. મજાનું ઢીમણું ઉપસી આવત. આભાર માન્યો કૃષ્ણ ભગવાનનો કે બચાવી.
‘શું છે? કેમ આજે તોફાન મચાવો છો ?’
‘તમને શું ખબર પડે એક મહિનાથી ખાનામાં ગોંધાઈ રહ્યા છીએ.’
‘અરે, હું તો માત્ર મહિના માટે બહારગામ ગઈ હતી. તેમાં અકળાઈ ગયા?’
‘પેલી અનુષ્કાએ તો તમને હજી ખોખામાંથી પણ બહાર નથી કાઢ્યા તેનું શું ?’
ત્યાં આખળિયો વચમાં ટપક્યો, તમારી સરખામણી અનુષ્કા સાથે ન થાય. તમારો અને અમા્રો સંગ ૫૦ વર્ષ જૂનો છે.’
એમ વાત છે. તો ધાંધલ મારા ઘરમાં મચાવો છો કે બધે’?
પેલી ઐશ્વર્યા, જેટલી વાર સ્ટોરમા અમને ખરીદવા જાય ત્યારે તેનો પાગલ પતિ કહે,’તું એમ.બી.એ. ભણેલી નોકરી કરીશ કે મારી માની જેમ રોટલી?’
અમરને કહે,રોટલી નહી કરું તો રોજ ખાઈશું શું?’
કેમ મુંબઈની બધી રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ છે?’
ના, પણ હવે વાત જુદી છે! શું થયું? કાલે ઊઠીને બાળક આવશે તો રોજ બહારનું ખાવાનું ન ખવડાવાય. તેને તો તાજું ઘરનું મારી મમ્મીની જેમ હું બનાવીને ખવડાવીશ.’
માંડ માંડ ઐશ્વર્યા, અમરને સમજાવી સ્ટોરમાં અમને ખરીદવા આવી. બહેનબાએ મોંઘો દાટ આરસનો આખળિયો અને કલકત્તાનું જાડુ ગોળમટોળ વેલણ લેવાનું નક્કી કર્યું. આખળિયો ભારે હોવાથી ઉચકવા જતાં પડ્યો. દુકાનદારે ૫૦૦ રૂપિયા પડાવ્યા. વેલણ જોઈને અમર ગભરાયો. બોલ્યો, મારી મમ્મી તો એકદમ પતળા વેલણથી સરસ મજાના ગોળ ફુલકા બનાવતી !
ખરીદવા નીકળ્યા હતાં શું ને લઈને આવ્યા પ્રેશર કુકર !
‘હવે, જો અમને ખરીદવા આવે તો અમે હડતાળ પર જવાના. ભલેને ખાતાં વાસી પરોઠા અને જાડી કાચી રોટલીઓ ! પેટમાં દુખશે અને તેમનું બાળક રડશે તો અમે તાળીઓ પાડીશું.’
વેલણથી સહન ન થયું. ‘અરે, પાગલ માતા પિતાના વાંકે નિર્દોષ બાળને શામાટે હેરાન કરવાનો?’
આપણે તો બિચ કેંડીના સ્ટોરમાં બિરાજ્યા છીએ. અંહી તો નવા નિશાળિયાને રોટલી કેમ કરવી તે શિખવવામાં આવે છે. માત્ર ત્રણ ક્લાસના ૧૦૦૦ રૂપિયા.’
બાપરે બાપ ! અનુષ્કા નાની હતી ત્યારે તેની મા મફત શિખવાડતી હતી. તેની નાની બહેન આર્યા કેવી સરસ રીતે ઘર સંસાર ચલાવે છે.
ખેર અનુષ્કા અને ઐશ્વર્યના વર પાસે બે નંબરનું અઢળક નાણું છે. તેમના પતિ ધંધામાં ગોલમાલ કરે છે. કયો માલ બતાવે અને કેવો આપે ! ઉપરની મલાઈ મળે તેથી તેમને શું વાંધો આવે?’
ત્યાં વેલણે માથે હાથ મૂકી ઠુઠવો મૂક્યો. આખળિયો પોતાની છ મણની કાય લઈ કેવી રીતે તેને સાંત્વના આપે? મારી સામે કરગરીને જોવા લાગ્યો. મને તેની દયા આવી. અમારો તો ખૂબ જૂનો સંબંધ હતો. મેં વેલણને ઉંચક્યું અને હૈયા સરસું ચાંપ્યું. તે તો મને ધીબવા મંડ્યું.
કેમ, હવે તો મારી મમ્મી નથી. નાનપણમાં તારી દાદાગીરી સહન કરી. હવે નહી કરું. કહીને ફેંકવા જતી હતી ત્યાં બે હાથ જોડ્યા. અરે તમારા હાથના કાંટા મને વાગે છે!
ભાઈ અમેરિકામાં રહીએ એટલે કામ કરીએ. શિયાળામાં ગમે તેટલું ક્રિમ લગાાડીએ પણ હાથ સુંવાળા ન થાય. કોઈ વાર ગ્લવ્ઝ પહેરવાના ભૂલી જઈએ એટલે હાથ થોડા બરછ્ટ હોય.
વેલણને હૈયે ચાંપી શાંત કર્યું. ઠંડુ પાણી પિવડાવ્યું.
