Vishwadeep Barad

Action Crime Thriller

3  

Vishwadeep Barad

Action Crime Thriller

વતનની ચિઠ્ઠી

વતનની ચિઠ્ઠી

7 mins
14.2K


‘Hay, Rick, you have to pay me 20 dollars tomorrow for this week ride…’ 'Ok I will.'( ‘હેય, રીક,તારે મને આ અઠવાડિયાનાં કારમાં લઈ જવા-આવવાનાં ૨૦ ડૉલર્સ આપવાનાં બાકી છે.' 'ઓકે, આપી દઈશ..’) રમેશ ડેની સાથે જોબ જવાં રાઈડ લેતો હતો. રમેશને સૌ રીક કહીને બોલાવતાં. રમેશ બાર કલાકની જોબ કરી થાકી લોથ જેવો થઈ ગયો હતો. પોતાનું એપાર્ટમેન્ટ્ ચાવીથી ખોલ્યું. એક બેડરૂમનાં એપાર્ટમેન્ટમાં પાંચ જણા રહેતાં હતાં. જેથી ઓછા ખર્ચમાં ચલાવી લેવાય. એક પટેલભાઈ આ એપાર્ટમેન્ટનાં માલિક હતાં નહીં તો એક બેડરૂમનાં એપાર્ટમેન્ટમાં પાંચ વ્યક્તિ રહી જ ના શકે અને પટેલભાઈ પણ બધાં કરતાં ૨૦ ડોલર્સ ભાડું વધારે લેતાં. રમેશ રસોડામાં ગયો. સેન્ડવીચ અને ચીપ્સ પડ્યા હતાં. જલ્દી, જલ્દી ખાઈ પોતાની સ્લીપીંગ બેગમાં સુવાં જતો હતો ત્યાં પથારી પાસે એક પત્ર પડ્યો હતો. ભારતથી આવ્યો હતો. રમેશે જોયું તો તેનાં મા-બાપનો પત્ર હતો. ખુશ થયો..વાંચવા લાગ્યોઃ

પ્રિય પુત્ર રમેશ,

‘તું સુકુશળ હોઈશ. તને અમેરિકા ગયાં એક વર્ષ થઈ ગયું. તું ત્યાં પહોંચી ગયાંનો પત્ર પછી તારાં તરફથી કોઈ પત્ર આવ્યો નથી. આપણાં પડોશમાં રહેતાં ડૉ.રમણભાઈનો દીકરો અઠવાડીયામાં બે વખત અમેરિકાથી તેને ફોન કરે છે. અને અમો કેવાં અભાગી છીએ કે તારો કોઈ ફોન કે પત્ર પણ નથી આવતો. બેટા, એવું ના બને કે બીજા છોકરાની જેમ અમેરિકા ગયાં પછી છોકારાઓ પોતાનાં મા-બાપને ભુલી જાય એમ. તને ખબર છે બેટા કે અમો એ ઘરબાર વેંચી અને અમારું જે પણ સેવિંગ હતું બધું ખાલી કર્યું ઊપરાંત બેંકમાંથી બે લાખની લોન લઈ તને અમેરિકા મોકલ્યો અને તું અમને સાવ ભુલી ગયો. તને ખબર છે કે બેટા, મારી એકની આવક ઉપર આપણું ઘર ચાલે છે. લોનનાં હપ્તા તો ભરવાજ પડે અને હપ્તા ભર્યા પછી બાકી જે પૈસા વધે છે તેમાંથી અહીંની કાળી મોંઘવારીમાં ઘર ચલાવવું ઘણું જ મશ્કેલ પડે છે. એકનાં એક દિકરા પર અમારાં કેટલાં આશા, અરમાન અને સ્વપ્ન હતાં!સાંભળ્યું છે કે ત્યાં સૌ જુવાનિયા ડાન્સ ક્લબ અને બારમાં જઈ ડ્રીન્કસ લે છે. મોઘામાં મોઘી સ્પોર્ટસ કાર લે અને છોકરીઓ સાથે ડેઈટ્સમાં જઈ, મોઘામાં મોઘી રેસ્ટોરન્ટમાં ડીનર લઈ પૈસા બહું જ ખોટી રીતે વેડફતાં હોય છે. અમોને અહીં ખાવાનાં સાસા પડે છે. બેટા, કંઈક તો અમારી દયા ખા. અમને લાગે છે કે તું પણ અમેરિકાનાં રંગીલા જીવનમાં ઓતપ્રોત થઈ ખોવાઈ ગયો છે. અમોને સાવ ભુલી ગયો છે. તું કેટલાં જલશા-મોજ મજા માણે છે! અને તારાં મા-બાપ અહીં રાતા પાણીએ રોવે છે. બેટા, તું અમારો આધાર છે, અમારી છત છે, જો એ પડી ભાંગી તો અમો તો ક્યાંયનાં નહીં રહીએ. મહિને ૧૦૦ ડોલર્સ મોકલે તો પણ ૫૦૦૦ રુપિયામાં અમારો ઘણો ખરો ખર્ચ નિકળી જાય. તારી મમ્મીને ડાયાબેટિસ સાથે બ્લડ પ્રેશર પણ રહે છે. ઘર ગથ્થુ ઉપાયથી ચલાવી લઈએ છીએ. ડૉકટર પાસે જઈએ તો મોટાં મોઢા ફાંડે છે. શું કરીએ? આશા રાખીએ છીએ કે આ પત્ર મળે તુરત પત્ર લખજે અને તારી કમાણીમાંથી થોડાં ડૉલર્સ મોકલી આપે તો અમારી નાવ ચાલે.’

મા-બાપનાં અશિષ..

રમેશની આંખમાં ઝળઝળીયા આવી ગયાં. મારાં બિચારા મા-બાપને ક્યાં ખબર છે કે 'સ્વર્ગ સમાન અમેરિકા’માં ખુણામાં પડેલાં ગારબેઈજ કેન સમાન મારી આ અભાગી જિંદગીની અવસ્થા કોઈને નજરમાં ના આવે? ગેર-કાયદે પ્રવેશનાર હું કેવી જિંદગી જીવી રહ્યો છું તેનો અહેસાસ જંગલમાં વિખુટાં પડેલાં હરણનાં બચ્ચા પર સિંહનાં પડતા પંજા સમાન છે. એક ભીખારી કરતાં કંગાળ જિંદગી જીવતો હું..કૉકરોચ(વંદા)ની જેમ પેટ ભરવાં ખુણે-ખાંચરે સંતાતો રહી જિંદગી જીવી રહ્યો છું. પેસ્ટ-કન્ટ્રોલવાળો મારી પર દવા ના છાંટી દે એથી ચારે બાજું સંતાતો ફરું છું. રમેશ પેન અને કાગળ લઈ મા-બાપને સત્ય હકીકત લખવાં બેઠો.

પૂજ્ય પિતા અને મા,

આપનો પત્ર વાંચી હ્ર્દય દ્ર્વી ઉઠ્યું. મારાં મા-બાપની આવી હાલત થઈ જશે તેની મેં કલ્પ્ના પણ નહોંતી કરી. આનાં કરતાં હું અમેરિકા ના આવ્યો હોત તો સારું હતું. આપને લાગે છે કે હું કેટલો સુખી છું? જલશા કરું છું, પણ મારી હકીકતનાં પાનાં વાંચવાં જેવાં નથી. પણ કડવું સત્ય કહ્યા વગર છુટકો નથી. મારું પણ દીલ હળવું થાય અને આપને સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે કે આપનો દીકરો સ્વર્ગની સુવાળી પથારીમાં નથી આળટતો! પપ્પા, ત્યાંથી આપની વહાલભરી વિદાય લીધા બાદની મારી સાચી કથા લખી જણાવું છું.

આપે એજન્ટને ૧૦ લાખ આપ્યા. ગેરકાયદે હું મેકસીકો આવ્યો. ત્યાંજ મારાં દુઃખનાં આંધણ ઉકળવાની શરુઆત થઈ. મને મેકસીકો એરપોર્ટથી બે માણસો એક જુની ગંદી કારમાં લઈ ગયાં. હું એમની ભાષા સમજી શકતો નહોતો અને એ મારી અંગ્રેજી ભાષા. ઈશારાંથી થોડું જે સમજાય તે સમજી લેતો. મને એક જંગલ જેવાં વિસ્તારમાં સાવ ભંગાર અને ગંધ મારતાં ઘરમાં લઈ ગયાં જ્યાં મારી જેવાં ગેરકાયદે અમેરિકામાં જવાં માટે આઠથી દસ માણસો હતાં. ખાવામાં મીટ(માંસ)સેન્ડવીચ, કોર્ન ચીપ્સ, બિન્સ આપવામાં આવ્યા પણ મેં માત્ર ચીપ્સ અને બીન્સથી ચલાવી લીધું. આજુબાજુનું વાતાવરણ બહુજ ગંદુ હતું. મચ્છરનો ભયંકર ત્રાસ હતો. એક સ્લીપીંગ બેગમાં જમીન પર ત્રણ જણાંને સાથે સુવાનું. મને તાવ, શરદી-ઉધરસનો હુમલો થયો તે લોકોએ કંઈ દવા આપી. પહેલવાન જેવાં પટ્ઠા માણસોનાં હાથમાં ગન પણ હતી અને તેઓ તાડુકીને જ વાત કરતાં એમની સ્પેનીશ ભાષામાં. બે દિવસબાદ રાત્રીનાં ૧૦ વાગ્યા પછીનાં સમયે અમો દસ જણાંને જંગલનાં રસ્તે ચાલીને લઈ ગયાં. રસ્તો વિકરાળ હતો. એક બે વખત બંદુકમાંથી ગોળીઓ છુંટવાનો આવાજ આવ્યો, અમો ગભરાયાં, સૌને દોડવાનું કહ્યું. બે માઈલ દોડ્યા બાદ અમોને એક વેનમાં બેસી જવાં કહ્યું. વેનમાં ૨૦ જણાં એટલાં ખીચો ખીંચ ભરવામાં આવ્યા કે બેસવું મુશ્કેલ થઈ જાય. અમોને તૂટ્યા-ફૂટ્યા ઈગ્લીશમાં કહેવામાં આવ્યું કે તમો સૌને અમેરિકા બોર્ડર પાર કર્યા બાદ અમેરિકામાં છોડી મુકવામાં આવશે અને ત્યાં તમોને નકલી ગ્રીન-કાર્ડ, નકલી સોસિયલ-સીક્યોરિટી કાર્ડ, ઓળખ-કાર્ડ આપવામાં આવશે. બોર્ડર ક્રોસ કરવામાં રીસ્ક(જોખમ) છે જેમાં તમારી જાન પણ જાય. હું બહું જ ગભરાયેલો હતો. ભુખ્યા, તરસ્યા અને ૧૧૦ ડીગ્રીની સખત ગરમીમાં વેનમાં ધાણીની જેમ શેકાઈ ગયાં. તરસથી જાન જતી હોય એવું લાગ્યું પણ કોઈ ઉપાય ક્યાં હતો? એક બે જણાએ તો પોતાનું પી(Urine)..તરસને છીપાવવાં..લખતાં શરમ આવે છે. ભુખ અને તરસ માનવીને ગીધ્ધડ બનાવી દે છે. હું તરસને લીધે એકાદ કલાક મુર્છિત થઈ ગયો. પણ તમારાં આશિર્વાદથી બચી ગયો. વહેલી સવારે ત્રણ વાગે એક ભયાનક વિસ્તારમાં ઉતારવામાં આવ્યા. ત્યાં બેત્રણ માણસો અમને એક અજાણી જગ્યાએ લઈ ગયાં. નાસ્તામાં બ્રેડ, બિસ્કિટ ક્રેકર, કોફી આપ્યા..હાશ..ઘણાં વખત પછી કંઈક સારું ખાવાં તો મળ્યુ. અમો અમેરિકાની સરહદમાં આવી ગયાં હતાં. નકલી પેપર્સ અમોને આપવામાં આવ્યા. અમો ટેક્ષાસ સ્ટેટમાં આવી ગયાં હતાં. ટેક્ષાસનાં બ્રાઉન્સવીલ શહેરમાં હું આવી ગયો. કોઈને પણ ઓળખું નહીં. શહેરમાં એક ભારતીયની હોટલ હતી. હું બાથરુમ જવાં ગયો. પહેલાં તો મારા હાલ જોઈ હોટેલમાં જવાની જ ના કહી. પપ્પા..મારાં હાલ એક શિકારીથી હણાયેલાં હરણાં સમાન હતાં. એકનાં એક કપડાં એક અઠવાડિયાથી પહેરેલાં, વેનમાં પાંચ કલાક ગરમીમાં રહેવાથી ગંધ મારે! બાવાની જેમ દાઢી વધી ગયેલી. મારાં કરતાં ભીખારી પણ સારા લાગે! મને ગુજરાતીની હોટેલ લાગી એટલે મેં ગુજરાતીમાં કહ્યું. 'ભાઈ હું ગુજરાતી છું. હું..આગળ બોલું તે પહેલાં મને કહ્યું અંદર આવો..મને હોટેલમાં રૂમ આપ્યો. મેં મારી કરુણ કથની કહી. બાબુભાઈ પટેલ બહુજ દયાળુ હતાં તેમણે મને કહ્યું કે તમે એક બે દિવસ અહીં હોટેલમાં રહી શકો છો, પછી તમારે કોઈ રસ્તો કાઢવો પડશે કારણ કે આ મેક્સિકન બોર્ડર છે જેથી અવાર-નવાર ઈમીગ્રેશન અને પોલીસનાં માણસો અમારી હોટેલમાં ચેક કરવાં આવે છે..મારી માટે તો એ ભગવાન સમાન હતાં.

મારી વિનંતી અને આજીજીને લીધે મને એમની હોટેલમાં એકાદ વીક રહેવાં દીધો અને હું એમનાં રૂમ સાફ કરી દેતો. મને ત્યાંથી બસમાં બેસાડી દીધો અને મને કહ્યું કે સેનેટૉનિયોમાં મારાં મિત્રની મોટ્લ છે તે તમને ત્યાં રાખી લેશે. મેં તેમની સાથી વાત કરી લીધી છે. તું ગેર-કાયદે છો તેથી પગાર રોકડાં અને કલાકનાં ૨ ડોલર્સ જ આપશે. ગેર-કાયદે કોઈને રાખવામાં સરકારી જોખમ છે. મેં કહ્યું મને મંજુર છે.

પપ્પા, બાર, બાર કલાક જોબ કરું ત્યારે માંડ ૨૪ ડોલર્સ મને મળે! એમનો આભાર કે મને રહેવાં એક નાનો રૂમ આપેલ અને જેમાં હું રસોઈ પણ કરી શકું. દરિયાનાં મોજાને કાયમ કિનારા સાથે અથડાવાનું-પછડાવાનું અને ભાંગીને ભુક્કો થઈ જવાનું એમ મારું એવું જ થયું. મોટ્લ બરાબર ચાલતી નહોતી અને ખોટમાં જતી હતી. હોટ્લનાં માલિક ગંજુભાઈએ મને છુટ્ટો કર્યો. ગેર-કાયદે આવેલ વ્યક્તિ અહીં શું કરી શકે? મારે આગળ અભ્યાસ કરવો હતો. મને મોટું સ્વપ્ન હતું કે હું અહીં એન્જિનયરમાં માસ્ટર કરીશ પણ એ માત્ર સ્વપ્નજ રહ્યું. શહેરમાં કોઈ ગેર-કાયદે ઈમિગ્રાન્ટને જોબ આપે નહીં. મારાં જેવાં બીજા ત્રણ-ચાર ભારતીય હતાં એનાં સંપર્કમાં આવ્યો. પપ્પા, એક નાનું એવું એક બેડરૂમનું એપાર્ટમેન્ટ માંડ માંડ મળ્યું છે જેમાં મારી જેવીજ હાલતનાં અમો પાંચ જણાં રહીએ છીએ. કોઈ પણ જોબ આપવાં તૈયાર ના થાય. અમોને જે જોબ મળે તે ગેર-કાયદે અને ૧૦થી ૧૫ કલાક જોબ કરવાની અને મળે માત્ર ૨૦-૨૫ ડોલર્સ. એમાં ખાવાં-પીવા અને એપાર્ટમેન્ટનાં ભાડા કાઢવાનાં, અમારી ઘરની મિલકત ગરાજ સેલમાંથી લીધેલ જુનાં સોફાસેટ, તુટેલ ડાઈનીંગ સેટ, એકાદ બે તપેલી, ત્રણ ચાર સ્પુન અને જમવાં માટે પેપર્સ પ્લેટ જેથી વાસણ સાફ કરવાની ચિંતા નહીં. અને હા પપ્પા..પેલા વેનમાં અમોને મુકી ગયાં અને ડુપ્લીકેટ પેપર્સ આપ્યા તેનાં માણસો અમારો પીછો કરે છે અને એમને મારે ૨૦૦૦ ડોલર્સ આપવાનાં છે. મારાં આ નાના પગારમાંથી મહિને ૧૦૦ ડોલર્સ રોકડા આપી દેવાનાં નહીંતો એ લોકો બહું જ ખતરનાક હોય છે જો મહિને હપ્તો ના આપીએ તો એમને મારી નાંખતા જરી પણ દયા ના આવે! જાનનું જોખમ! શું કરું? પપ્પા, સુંવાળી લાગતી જાળમાં એવો ફસાયો છું કે એમાંથી છટકી શકાય એમ છે જે નહીં.

ઘણીવાર એવું થઈ જાય છે કે પાછો આવી જઉં. પણ જ્યાં ખાવાનાં સાસા પડે છે ત્યાં પાછા આવવાં માટે ટિકિટનાં પૈસા ક્યાંથી કાઢું? ઘણીવાર તો એવો નિરાશ થઈ જાઉ છું કે આપ—ઘાત…. જવાદો એ વાત. આ દીકરાનો એક દિવસ એવો નહીં ગયો હોય કે મારા મા-બાપ યાદ ના કર્યા હોય! તમારું સ્વપ્ન ક્યારે સાકાર થશે? પપ્પા મને ખબર નથી બસ આશાને સહારે જીવું છું કે એક દિવસ એવો આવશે..સોનાનો સૂરજ ઉગશે., પ્રભાતિયે મંગળ ગીતો ગવાશે અને આંગણે લક્ષ્મી આવી ડૉલર્સની માળા પહેરાવશે!

લી-આપનો કમ-નસીબ, વિહોણો સંતાન રમેશ..

રમેશે પત્ર લખ્યા પછી તુરંત વિચારવાં લાગ્યોઃ

'હું તો અહીં દુઃખી છું અને આ મારી સઘળી મુશ્કેલીઓનો અહેવાલ અને મારી જિંદગીની સાચી હકિકત આ પત્રમાં વાંચી મારા મા-બાપને કેટલો આઘાત લાગશે? મારાં મા-બાપ બહુજ લાગણીશીલ છે અને એમનું હ્ર્દય ભાંગી પડશે. એમને કંઈક થઈ જશે તો હું તો ક્યાંયનો નહીં રહું અને એનો જવાબદાર હું બનીશ. હું એક પુત્ર તરીકે આવી ખતરનાક બાજી નહીં રમી શકું.

રમેશે તુરતજ મા-બાપને લખેલ પત્ર ફાંડી નાંખ્યો અને નક્કી કર્યું કે બસ આવતી કાલે ગમે તે રીતે ૧૦૦ ડોલર્સ વેસ્ટર્ન યુનિયન દ્વારા મોકલી આપીશ. પેલાં મેક્સિકોનાં માણસોને ૧૦૦ ડોલર્સનો હપ્તો નહીં આપું તો એ શું કરી લેશે?..રમેશને ખબર નથી કે પોતે પોતાની જાત અને જાન સાથે કેટલી ખતનાક રમત રમી રહ્યો છે!


Rate this content
Log in

Similar gujarati story from Action