વસુધૈવ કુટુમ્બકમ્ : શકુન્તલા
વસુધૈવ કુટુમ્બકમ્ : શકુન્તલા
મેનકાએ રાજર્ષિ વિશ્વામિત્ર થકી ઉત્પન્ન થયેલી નાની, તરતની જન્મેલી બાળકીને જંગલમાં ત્યજી દીધી ત્યારે મોરે તેને ભોજન કરાવી જીવતી રાખી હતી. પછી તેના રડવાનો અવાજ સાંભળી ઋષિ કણ્વ ત્યાં ગયા તો ત્યાં રૂપ રૂપના અંબાર, સુંદર બાળકી. ઋષિએ તેને લીધી અને મોટી કરી. તેણીને શકુન્તે થોડા દિવસ પાળીપોષી હતી તેથી તેનું નામ ઋષિએ શકુન્તલા રાખ્યું. શકુન્તલા એટલે શકુન્તે (મોરે) થોડા દિવસ પાળીપોષી મોટી કરેલી બાલિકા. આ સંબંધ માનવીજગત અને પશુ-પંખીજગત વચ્ચે છે.
શકુન્તલાએ મોટા થઈને આશ્રમમાં આવેલ ભારતવર્ષના સમ્રાટ દુષ્યન્ત સાથે ગાંધર્વવિવાહ કર્યા. તે ગર્ભવતી થઈ ત્યારે ઋષિએ તેણીને હસ્તિનાપુર રાજા દુષ્યંત પાસે મોકલી, પણ રાજા દુર્વાસા ઋષિના શ્રાપથી તેને ભૂલી ગયેલો. તેથી શકુન્તલા આશ્રમમાં પાછી આવી. ત્યાં તેને પુત્ર જન્મ્યો. તેનું નામ ભરત રાખવામાં આવેલું. આ ભરત ભારતવર્ષનો મહાપરાક્રમી રાજા થયો. તેના નામ પરથી આપણા દેશનું નામ ભારતવર્ષ પડ્યું છે. ભરત નાનો હતો ત્યારે સિંહો સાથે રમતો. તે સિંહને કહેતો જુંભ્રસ્વ સિંહ, દન્તાનતે ગણયામિ, અર્થાત્, સિંહ, મોઢું ફાડ, મારે તારા દાંત ગણવાં છે. પ્રાચીન સમયમાં આ સંબંધ માનવી અને વિકરાળ વન્યપ્રાણી વચ્ચે હતો. એક વાર્તા એ પણ છે કે સિંહણને એક શિયાળનું નાનું બચ્ચું મળ્યું, તેણીએ તેને મારી ખાધું નહીં પણ ધવડાવી મોટું કર્યું અને સિંહણના નાના નાના બચ્ચાઓ તેને મોટાભાઈ તરીકે માનતાં અને તેનું માન રાખતા. આ પ્રાણીજગતમાં પ્રેમભાવનાનો એક દાખલો છે. થોડા દિવસ પહેલાં અખબારમાં એક સમાચાર હતાં કે જંગલમાંથી એક છોકરી મળી છે જેને વન્યપ્રાણીઓએ મોટી કરી છે. ઘણીવાર આ બધું માનવામાં પણ ન આવે. આ સંબંધ વસુંધરા પરના માનવી-પશુ-પંખી-પ્રાણીઓ વચ્ચે છે.
ભારતીય સંસ્કૃતિ "વસુધૈવ કુટુમ્બકમ્ ના સિદ્ધાંતને વરેલી છે.
