વસિયત
વસિયત
અલીકાકા એટલે એકલવાયા અલગારી ઓલિયા. તેમના પત્ની જેતુનબાઈનું વર્ષો પહેલા કોલેરા થવાથી મોત થયું હતું. અલીકાકા સ્વભાવે ઉગ્ર અને ચીડિયા હોવાથી તેમના દીકરા અને વહુ સાથે બહુ ભળે નહીં. આ કારણથી તેઓ બધાથી અલગ રહેતા. પોતે બે બકરા અને બે બકરીને પાળતા. આ જ તેમની મિલકત. પોતે ભૂખ્યા સૂવે પણ બકરી કે બકરાને ચારો ચરવા લઈ ના ગયા હોય તેવું બનતું નહીં. બે વિઘા જમીન હતી. તે પોતે ખેડતા અને વાવતા. આ જમીનની ખેતી અને પાકની આવક પોતે લેતા. દીકરાને કહેતા કે કોઈ મારી ભેળા નહીં. જાતે કમાવ અને રહો. અલીકાકા કોઈ દિવસ મસ્જિદના ઓટલે ચઢ્યા નહોતા. કોઈ દિવસ રોજા રાખતા નહીં. નમાઝ અદા કરતા નહીં. બસ પોતાની બકરીને સવારે ખેતરે ચારો ચરવા લઈ જાય, ખેતરે કોઈ કામ હોય તો કરે અને ફકીરી જીવન જીવતા. એક બે રોટલા જાતે ઘડી ને શાક બનાવી ખાતા. માંદા પડે તો પણ દીકરાને ઘરે સારવાર લેવા કે ચાકરી માટે જતા નહીં. એંસી વર્ષે એક વાર જબરા માંદા પડ્યા. પંદર દિવસથી અનાજનો કોળિયો પણ મોઢામાં લીધો ન હતો. બધા લોકો ખબર પૂછવા આવતા તો કહેતા કે અલ્લાહ જે દિ બોલાવે તે દિ જઈશ. મોત મારા હાથમાં નથી. ખાટલે પડ્યા પડ્યા બધાને બે હાથ જોડી સલામ કરતા હતા.
છેલ્લે મોત સાવ નજીક આવ્યું ત્યારે પોતાના દીકરા મુસ્તનને બોલાવી કહ્યું ‘ બેટા આયખુ આખું એકલુ જીવ્યો છું. તારી મા મરી પછી તને મોટો કરવામાં જિંદગી ખર્ચી નાંખી છે. વહુને કવેણ કીધા હોય તો ... એમ કહી બે હાથ જોડી માફી માંગી. મારી મિલકત બે વિઘા જમીન તને આપુ છું પણ આ બે બકરા અને બકરી.... એમ અડધુ બોલી અડધી આંખો મીચી દીધી.
