વસિયત
વસિયત


કૃતિ સવારનો નિત્યક્રમ પૂરો કરી સ્નેહને તૈયાર કરવા જતી હતી ત્યાં...
'હલ્લો... મોટાભાઈ '
'હા... બોલ વિવેક શું વાત છે ?'
'મોટાભાઈ મારે જરા આ વીકથી ઘરનું રીનોવેશન ચાલુ કરાવવુ છે તો ?'
'તો... તારે પૈસાની જરૂર છે અમને...?
' ના...'
' તો... પછી!'
' હું કહેતો હતો...જો તમે...'
'બોલ ચૂપ કેમ થઈ ગયો ?
'તમે આટલો એક મહિનો મારા માટે થોડીક તકલીફ લઈ આ બેઉ ને...'
'હા... ભાઈ સમજી ગયો... જો વિવેક તારે દરેક વખતે કંઈક ને કંઈક કામ આવી જાય. તને ખબર છે તારી જેમ જ હું પણ ઘર લઈને બેઠો છું. મારે પણ કામ હોય આપણાં બધાની શરત મુજબ હું આ બધું મુંગા મોંએ સહન કરી લઉં છું. તારી ભાભી પણ...
'મોટાભાઈ ફક્ત પંદરથી વીસ દિવસનો જ સવાલ છે તે પછી હું પણ બેઉને આપણી શરતથી વધુ બે મહિના રાખીશ. અને હા... જુહીએ પણ તેમ કહેવડાવ્યું છે...'
'ઠીક છે હવે... તારા જેવું કોણ થાય. મારે ફરી પાછા સીમા જોડે લમણાં લેવા પડશે. માંડ વાતને થાળે પાડું ત્યાં તું... તમારા બહાનાબાજીથી તે પણ હવે સારી રીતે...!'
'ના મોટાભાઈ આ બહાનું નથી... જો તમે ?'
'સારું... સારું...હવે.'
મોટાભાઈની સંમતિ મળતા વિવેક એ જુહીને કહ્યું: માંડ માંડ મોટાભાઈ માન્યા. તે પછી કૃતિ તરફ જોતા વિવેક બોલ્યો: 'કૃતિ... ચાલો જલ્દી તૈયાર થઈ જાવ મોટાભાઈને ત્યાં જવાનું છે...!'
'પણ... વિવેકભાઈ હજુ તો મહિનો !'
'કૃતિ આગળ બોલે તે પહેલાં... હા... હા... દલીલ બંધ કર અને ઉપડો... હવે માંડ રાજી થયાં છે ત્યાં... જુહી જાણે ત્રાસથી છૂટવા માંગતી હોય તેમ ગુસ્સામાં બોલી. કૃતિને કંઈ સમજ ન પડી પણ આવું તો ઘણી વાર બન્યું હતું. તે બે ભાઈની વચ્ચે વસિયતથી વહેંચાયેલા સ્નેહને તૈયાર કરવા લાગી. સ્નેહના વાળમાં સુગંધી તેલ નાંખી દાંતયો ફેરવતાની સાથે કૃતિ આગળ પસાર થયેલાં જિંદગીનાં દિવસો તરી આવ્યા.
નાના એવા ગામમાં સૌરભ શેઠનું એક મોટું નામ હતું. જાહ્નવીકા સમાજ સેવામાં પ્રવૃત્ત હતા. બંનેનું દાંપત્યજીવન આનંદમય પસાર થઇ રહ્યું હતું. સંતાનના આગમનથી આ આનંદમાં વધારો થયો.જાહ્નવીકા અને સૌરભના હૈયે આનંદ ઉભરાઇ રહ્યો હતો. બંને કુલદીપના ઉછેરમાં દિવસો પસાર કરતા રહ્યા. ગામમાં બંનેની આગવી ઓળખ હતી. ખેતીનું કામ મગન અને જીવી સંભાળતા. પણ એક દિવસે મગન ખેતરેથી પાછો વળતો હતો ત્યાં કાળોતરો જાણે રાહ જોઈને બેઠો હોય તેમ મગનને દંખી ગયો. જીવી ઉપર દુઃખ નો જાણે પહાડ તૂટી પડ્યો. નાની કંકુને લઈને હવે તે ક્યાં જશે. તે સાવ એકલી પડી ગઈ.
તે જાહ્નવીકાના પગે પડી ધ્રુસકે ધ્રુસકે ખૂબ રડી.
હવે કઈ રીતે જીવીશું.. અમારી કંકુડી... જીવીનાં ના ગળે સોસ પડ્યો. જીવી આ અણધાર્યા આઘાતથી સાવ ભાંગી પડી તેને જાણે એમ જ લાગ્યા કરતું હતું કે હવે આ દુનિયામાં એનું કોઈ નહોતું...! જાહ્નવીકા તેને સમજાવતાં બોલી: ' જીવી અમે છીએને... તું કેમ આવું વિચારે છે. હવેથી તમારે બંને અમારી સાથે રહેવાનું. મગનભાઈ સાથે આપણા આટલા અંજળ હશે.
જાહ્નવીકાની આંખ આંસુથી ભરાઈ આવી. જીવી રડતી રહી.
ત્યાં સૌરભ શેઠ નાનકડી કંકુનો હાથ પકડી બધાની વચ્ચે બોલ્યો: ' જીવી તું આ કંકુડીની બિલકુલ ચિંતા ના કરીશ. અમે તેને અમારી દીકરીની જેમ જ રાખીશું. તું અમારા પર ભરોસો રાખજે. કંકુડી કંઈ પણ સમજ્યા વિના શેઠની દીકરી કૃતિ બની ગઈ શેઠને વેલની જેમ વીંટળાય ગઈ. બધાની આંખ ભીની બની. મોટાભાઈ સાથે ફોન ઉપર વાત થયા પછી જુહી અને વિવેક જાણે કંઈ બન્યું ન હોય તેમ તેમના કામમાં પ્રવૃત્ત થયા.
કૃતિ સ્નેહનાં વાળને આખરી ઓપ આપી ગાલ પર પાવડર લગાવી રહી હતી. આ તેનો નિત્યક્રમ સ્નેહની સવાર આમજ પડતી. જો સુગંધી તેલ અને પાવડર સમયસર ન મળે તો ઘર માથે લેતો.
'હવે ટાપ-ટીપ બંધ કર અને જલ્દી તૈયાર થા. બહાર ડ્રાઇવર રાહ જુએ છે'. જુહી ડ્રોઈંગ રૂમમાંથી બારાડી.
'એ... હા, બહેન... તૈયાર થઈ ગયા છીએ. કૃતિએ થેલો તૈયાર રાખ્યો હતો.
આજ કાલ કરતાં કેટલાય વરસો પસાર થઈ ગયાં હતાં. આજે તો સ્નેહ પૂરા બે દશકા વટાવી ચૂક્યો હતો પણ હજી તે નિરાધાર લાચાર અવસ્થામાંજ હતો. પોતાની જાતે કશું કરી શકતો નહોતો. શેઠે તેની સારવાર પાછળ કોઇ કમી રાખી નહોતી એમ છતાં કોઈ ફાયદો થયો નહોતો. જાહ્નવીકાએ પણ દીકરા પાછળ રાત-દિવસ એક કરી તેમની આખી જિંદગી ખર્ચી નાખી હતી. અરે... ત્યાં સુધી દીકરાની સારવાર માટે બધા ગામ છોડીને શહેરમાં રહેવા માટે આવી ગયા હતા. આમ છતાં સ્નેહની પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો.
બસ એક ખૂણામાં પડ્યા પડ્યા અવાજ વગરનું હસ્યા કરતો. જ્યારે પણ જુઓ તો ક્યારેક જાહ્નવીકાની તો ક્યારેક કૃતિની ગોદમાં આવીને બેસી જતો. બંને ક્યાંય સુધી એને ગોદમાં પંપાળતા રહેતા સૌરભ શેઠે શહેરમાં આવીને પણ ખ્યાતિ મેળવી સમયના વહેણમાં વિવેક અને કુલદીપને ધંધામાં સેટ કર્યા. કૃતિને દીકરી બનાવી એટલે તેનાં લગ્નની વાત કરી પણ કૃતિનું જીવન એટલે જાહ્નવીકા અને સૌરભ શેઠની 'કૃતિ' તે સ્નેહની લાચાર ભરી જીંદગી જોઈને લગ્ન માટે એકની બે ન થઈ. સ્નેહનો જન્મ થયાને એક વર્ષ બાદ ગામમાં ડોક્ટરે તેનું નિદાન કરતા કહ્યું હતું કે હવે તમારે દીકરાને આખી જિંદગી આ રીતે જ ઉછેરવો પડશે.
ડોક્ટરની વાત સાંભળતા જાહ્નવીકા અને સૌરભ એ એક અસહ્ય આઘાત અનુભવ્યો હતો. પણ બે ભાઈઓની હૂંફ અને ઈશ્વરની દયા હશે તો સ્નેહ સારો થઈ જશે. આ આશાએ એકબીજાને સાત આપી હતી. ગાલે પાવડર અડતા સ્નેહ ફરી પાછો કૃતિને જોઈ અવાજ વગરનું હસ્યો. કૃતિની આંખે ઝળઝળિયા આવ્યા. તે આળુ જોઈ ગઈ... સાદલનાં પાલવથી આંખ લુછી... દુઃખના કાળા વાદળ એક પછી એક પસાર થતા રહ્યાં... કૃતિ આ ઈશ્વર નિર્મિત આપત્તિને સ્વીકારી પરિસ્થિતિને અનુકૂળ થઈ પોતાનું દુઃખ ભૂલવા મથતી રહી. મા-બાપને તો તે જ્યારે ચાલતા પણ શીખી નહોતી ત્યારેજ ગુમાવ્યા હતા. જે ગણો તે શેઠ-શેઠાણીજ એનું જીવન હતું. એક દિવસે શેઠાણીનો સાથ છૂટી ગયો. શેઠ-શેઠાણીને નડેલા અકસ્માતમાં બંને ગંભીર રીતે ઘવાયા. અકસ્માતનાં સમાચાર જાણી કૃતિ પોતાની જાતને સંભાળવા અસમર્થ બની. તેમ છતાં તેણે બંનેને અંતિમ સમયે સ્નેહને પોતાના સાદલામાં વ્હાલથી સંકોરતાં વચન આપ્યું: 'બા-બાપુજી... તમે સ્નેહભાઈની ચિંતા ન કરશો આજથી આ મારા ભાઈલાનું જે ગણો તે હું છું.
હોસ્પિટલનાં બિછાને અંતિમ ઘડી ગણી રહેલી જાહ્નવીકાની આંખ છલકાઈ ઊઠી.
જ્યારે તેનાં બંને દીકરાઓ ના લગ્ન થયા હતા ત્યારે બંને વહુ દીકરાઓએ ભેગા મળીને કહ્યું હતું: 'આ ગાંડાને ક્યાં સુધી ઘરમાં રાખીશું... તે કરતા કોઈ સારી મેન્ટલ હોસ્પિટલમાં મૂકી આવ્યે તો...! પણ... માનું હૃદય ! દીકરાને અનાથ કરતા જીવ કપાતો હતો. અને ત્યારથી આમ આજ સુધી તેને છાતી સરસો ચાંપી રાખ્યો. ક્યારેય અળગો કર્યો નહોતો.
અને આજે...
કૃતિની વાત સાંભળતાં જ ગાંડા દીકરાની જવાબદારીનો ભાર તેની પેટની જણી દીકરીને સોંપતી હોય તેવો સંતોષ ભર્યો ભાવ જાહ્નવીકાનાં ચહેરે વર્તાતો હતો. જાહ્નવીકાએ સ્નેહનો હાથ કૃતિનાં ખોળામાં મુક્યો.. બંને મા-દીકરી બની સજળ નયને એક બીજાને જોઈ રહી. સૌરભે મોટા દીકરા કુલદિપનાં હાથમાં એક વસિયતનામું મૂક્યું. અને જાહ્નવીકા સૌરભ બંને દૂર ચાલ્યા ગયા. સ્નેહનાં મન આ કોઈ નવી વાત નહોતી. મા-બાપનાં એકજ દિવસે થયેલાં મૃત્યુનાં સમયે પણ તે અવાજ વગરનું હસતો રહ્યો.
આખું કુટુંબ બધી વાતે સાધન સંપન્ન હતું. શહેરમાં બંનેને મોટા બંગલા હતા. ડ્રાઇવર સાથે મોટર કાર હતી. નોકર- ચાકર કોઈ વાતની કમી નહોતી. જે સમયેજે જોઈએ તે હાજર. પણ બેઉ દીકરાની નજર બાપનાં વસિયત ઉપર હતી. અને વસિયતમાં સૌરભ શેઠે રાખેલી શરત મુજબ બન્ને દીકરાઓ સ્નેહ અને કૃતિની થોડા થોડા દિવસો માટે કહેવાતી સારસંભાળ રાખતા હતા.
કૃતિ નાનપણથી સ્નેહને નાના ભાઈની જેમ સાચવતી હતી. સ્નેહની વેદના જોઈને તેના માટે તેના હૃદયમાં અનુકંપા જાગતી. તેણે સ્નેહની જાતમાં તેની જાતનું આરોપણ કરીને જોયું અને સ્નેહને આજ સુધી કયા પ્રકારની મુશ્કેલીઓ પડી એનો અનુભવ કર્યો. કૃતિ ગ્રામ્ય જીવનમાં કુદરતના ખોળે ઉછરેલી હતી. તેનામાં કરુણા હતી. તે ભલે એક કાળી મજૂરી કરતા મજૂરનું સંતાન હતી પણ નાનપણમાં એક પછી એક એમ મા-બાપનો છાયો ગુમાવતાની સાથે તેનાં અંતરચક્ષુ ખુલી ગયા હતા. અમીરી અને ગરીબીનો ભેદ તેણે પારખી લીધો હતો. સ્નેહ તરફે તેને કરુણા જાગતા તેણે તેનું બધું સુખ છોડી સ્નેહની દેખભાળ કરવા જીવનને સમર્પિત કર્યું...
'આ ગાંડા સાથે રહી રહીને તું પણ ગાંડી થઈ લાગે છે. હવે અમારે ક્યાં સુધી આ ગાંડાની જમાત ભેગી કરવી. ભાઈસા'બ હું તો કહું છું આ ડોસાએ કરેલા 'વસિયત'ને મૂકો પૂળો, અને આ વસિયત અને બેય ગાંડાને કાયમ માટે મોટા ભાઈને ત્યાં નાંખતા આવો. હવે જુહીનો ગુસ્સો સાતમે આસમાને હતો.
'એ... હા... હા.. બહેન બસ આ નીકળ્યા...' સ્નેહ તરફ જોઈ દુઃખી થતા બોલી. ' ચાલ મારા ભાઈલા' સ્નેહ કશું સમજ્યો નહીં પણ એજ ફરી પાછું અવાજ વગરનું ધીમું ધીમું હસતા હસતા. કૃતિની પાછળ પાછળ ચાલતો રહ્યો. દરવાજે કૃતિએ શેઠ-શેઠાણીની તસવીર ઉપર નજર કરી. દીકરાના ઘરે ગોલ્ડન ફ્રેમમાં ગૂંગળામણ અનુભવતા હોય તેમ શેઠ-શેઠાણી કૃતિ તરફ આભારભરી દ્રષ્ટિએ જોઈ રહ્યા.