Nayanaben Shah

Inspirational

4  

Nayanaben Shah

Inspirational

વર્ષારાણી

વર્ષારાણી

5 mins
334


વિહંગની નજર છાપામાં ઓછી અને બારી બાજુ વધુ હતી. એ જાણતો હતો કે પત્ની ભલે રસોડામાં હોય પણ વરસાદ પડવાનું ચાલુ થશે કે ગેસ બંધ કરીને વરસાદમાં પલળવા જતી રહેશે એટલું જ નહીં સોસાયટીના છોકરાંઓને પણ બૂમ પાડીને બોલાવશે કે વરસાદ ચાલુ થઈ ગયો, ચલો બધા પલળવા જઈએ.

વિહંગ વિચારતો હતો કે વાદળ ઘેરાયા છે અને ગમે ત્યારે વરસાદ ચાલુ થઈ જશે. વરસાદની આગાહી ટી.વી. પર અને સ્થાનિક છાપામાં આવેલી જ. એવામાં જ વરસાદ વરસવાનું ચાલુ થયું. વિહંગની ધારણા મુજબ જ વિહારીકા ગેસ બંધ કરી બહાર નીકળી જો કે જતાં જતાં પતિને કહ્યું,"હું આજે મન દઈને પલળવાની છું. સિઝનનો પહેલો વરસાદ એમાંય જમીનમાંથી આવતી સુંગધ. તમારૂ કોઈ પરફ્યુમ એની તોલે ના આવે" જો કે પાછળનું વાક્ય પુરૂ થાય ત્યાં સુધી તો દરવાજાની બહાર જતી રહી હતી.

વરસાદ પડતાં વિહારીકા પાંત્રીસને બદલે પાંચ વર્ષની બાળકી બની જતી. વિહંગ પત્નીની બાલિશ ક્રિયા જોયાં કરતો. કયારેક તો પતિને પણ આગ્રહ કરતી કે તમે પણ પલળવા ચલો. પરંતુ ધીરગંભીર સ્વરે વિહંગ વિરોધ કરતો. પરંતુ વિહારીકા તો એની મસ્તીમાં જ રહેતી. જો કે વિહંગ પત્ની પર કોઈ પાબંદી રાખતો નહીંં. ખરેખર તો વિહંગને પત્નીની બાલિશતા ગમતી. એની નિર્દોષતા જોયા કરતો. કારણ વરસાદમાં એ નાનાબાળકની જેમ ખુશ થતી. એની ખુશી જોઈ વિહંગ મનોમન ખુશ થતો.

વિહંગની ધારણા મુજબ જ વિહારીકા ઘરની બહાર નીકળી બાળકોને બૂમો પાડી ભેગા કરતી. એમાં ય રાજસ્થાનથી આવેલી રવિ માંડ આઠ વર્ષનો હતો. એને તો આવો વરસાદ જોયો ન હતો. એ તો વરસાદમાં પલળવા વિહારીકા આન્ટી સાથે નીકળી પડ્યો. જયાં વરસાદ જ થોડો પડતો હોય ત્યાં પલળવા જવાની તો વાત જ કયાં આવે ? બીજા બધા બાળકોને તો ખાસ વાંધો આવતો ન હતો. એ તો દર ચોમાસામાં વિહારીકા આન્ટી સાથે પલળવા જતાં હતાં. પરંતુ રવિની મમ્મીને ડર રહેતો કે રવિને શરદી થશે,તાવ આવશે તો શું ? રવિ ઘરે વરસાદ બંધ થતાં પાછી આવી ત્યારે એની મમ્મી એનો હાથ પકડી વિહારીકા ને ત્યાં મૂકી આવીને બોલી, "લો હવે તમે જ એને રાખજો."

વિહારીકા રવિની મમ્મી સામે જોઈ હસીને બોલી,"પછી લેવા ના આવતા. આમ પણ અમે બંને એકલા જ છીએ."ત્યાં સુધી આદુ ફુદીનાની ચા લઈ રવિની મમ્મીને આપતાં બોલી,"હવે રવિ અહીં જ રહેશે.જતાં જતાં ચા પીતા જાવ કદાચ ત્યાં સુધી તમારૂ મગજ શાંત થઈ જાય" રવિની મમ્મી હસીને બોલી,"અમારી બાજુ ખાસ વરસાદ નથી પડતો એટલેે મને હંમેશ ડર રહે છે કે રવિ બિમાર પડશે તો ? "

ત્યારબાદ વરસાદમાં વિહારીકા સાથે બધા પલળવા જતાંં. એનો સ્વભાવ જ એવો હતો કે ગુસ્સે થયેલ વ્યક્તિ પણ એની મધુરવાણીથી પ્રભાવિત થઈ જતી. એની નિર્દોષતા સૌને ગમતી.

એકવાર કોર્પોરેશનવાળા જાહેરાત કરતાં હતાં કે પૂર આવવાની તૈયારી છે. નીચાણવાળા વિસ્તારના લોકો સલામત જગ્યાએ સ્થળાંતર કરી દો. એ જ વખતે એને વિચાર આવ્યો કે સામેની બાજુ તો ઝુંપડપટ્ટી છે એ બધા કયાં જશે ? મદદ કરવાના ઇરાદે જ વિહારીકા ત્યાં ગઈ હતી. બધા જતાં રહેલા માત્ર એક ભીખલી જ રહી હતી. એને ભીખલીને કહ્યું,"તું જલદીથી ખાલી કર. પાણી વધીને તારી ઝુંપડીમાં આવી જશે." ભલે આવે હું કયાં જઉં ? "

વિહારીકાને એના સ્વભાવ મુજબ દયા આવી ગઈ બોલી,"મારે ઘેર પાણી ઉતરતા સુધી રહેજે. તારા ચાર ચાર બાળકોનું શું ? "

" બુન,ચાર નહીં ,તૈણ જ કહો ને હું અભાગણીને ગણતી જ નથી."પછી એ ઘણું બબડતી હતી પણ વિહારીકા એના ઘર તરફ જવા નીકળી ચૂકી હતી.

એના દીકરાઓ સામાન લઈને આવતાં જતાં રહેતાં. વિહારીકાને કોઈને મદદ કર્યાનો સંતોષ હતો. વિહારીકાનો બંગલો વિશાળ હતો. એક કુટુંબ તો એમાં સમાઈ જ શકે.

ભીખલીના આવવાથી વરસાદનો અવાજ સાંભળનાર વિહારીકા હવે બિભત્સ શબ્દો સાંભળતી. તેથી તો એણે કહ્યું,"બુન હું શું કરૂ ? આ અભાગણી મરતી પણ નથી."

"કોણ ?"જુઓ આ. કહેતાં ભીખલી એ એની માત્ર એક વર્ષની દીકરીને મારવાનું ચાલુ રાખ્યું

એ બાળકીનું રૂદન તથા ધ્રુસકા સાંભળીને કોઈને પણ દયા આવી જાય. પરંતુ ભીખલી

એક મા હોવા છતાં પણ એને દયા આવતી ન હતી.

વિહારીકા વિચારતી હતી કે રવિ પલળી જશે અને બિમાર પડશે એવો ડર એની મમ્મીને લાગતો હતો. જયારે આ કેવી મા છે ? જે કારણ વગર એક નિર્દોષ બાળકીને મારી રહી છે !

આખરે વિહારીકાએ પૂછી લીધું કે,"તેં એનું કોઈ નામ નથી રાખ્યું ?"

"અભાગણીનું શું નામ ?"જોકે આ વાત ચિત્ત દરમ્યાન વિહારીકાએ બાળકીને ઉંચકી લીધી. એ સાથે જ એ શાંત થઈ ગઈ. એને લઈને એ રસોડામાં ગઈ થોડું ખાવાનું આપ્યું તો એ બાળકી રમવા લાગી.

વિહારીકાએ ગુસ્સે થઈને ભીખલીને કહ્યું,"

તારી દીકરી સાથે આ રીતે મારઝૂડ કરતાં તને દયા નથી આવતી ?"

"ના,એ તો મારા પેટમાં હતી ત્યારે એના બાપ ને ભરખી ગઈ. હવે આ અભાગણીના કારણે પેલો પવલો મારી સાથે પૈણવા તૈયાર નથી થતો. મારા ત્રૈણ ત્રૈણ દીકરાઓ મોટા થઈ અમારૂ પૂરૂ કરશે જયારે આ અભાગણીને તો પૈણાવાના પણ પૈસા જોઈએ..આ મરે તો હું પવલાને ઘરે જતી રહું પણ એને આ અભાગણી ના જોઈએ."

વિહારીકા ગુસ્સે થતાં બોલી,"ભીખલી મને ખબર છે કે તારો પતિ ઝેરી લઠ્ઠો પીવાથી મર્યો અને દોષ આ નિર્દોષ બાળકી પર ઢોળે છે ?"

એ દરમ્યાન એ બાળકી ઘુંટળિયા ભરતી આવી અને વિહારીકાની સાડી પકડીને ઊભી થવા જતી હતી. વિહારીકાએ પાછળ જોયું એ બાળાનું નિર્દોષ હાસ્ય જોઈ એને ઉંચકી લીધી. બહાર વરસાદ વરસી રહ્યો હતો પરંતુ ઘરમાં વિહારીકા એ બાળકી પર સ્નેહ વરસાવી રહી હતી.

બે દિવસ સુધી સતત વરસાદ ચાલુ રહ્યો. એ દરમ્યાન એ બાળકી વિહારીકાને છોડતી ન હતી તો સામે પક્ષે વિહારીકા પણ એને છોડવા તૈયાર ન હતી. બંનેને એકબીજાની માયા લાગી ગઈ હતી તેથી જ વિહારીકાના પતિ એ કહ્યું,"આટલી બધી માયા ના કરીશ કારણ આપણામાં કહેવાય છે કે,"માયા માર ખવડાવે." પૂરના પાણી ઉતરવા આવ્યા છે અને વરસાદ પણ ધીમો પડવા આવ્યો છે. ભીખલી એની ઝૂંપડીએ પાછી જતી રહેશે, પછી ?"

બે દિવસ પછી પૂરના પાણી ઉતરી ગયા અને વરસાદ પણ બંધ થઈ ગયો. ભીખલીના છોકરાંઓ સામાન લઈ એમના ઝૂપડાં બાજુ જવા લાગ્યા. વિહારીકાની આંખોમાં આંસુ આવી ગયા જયારે ભીખલીએ એની દીકરીને તેડીને જવાની તૈયારી કરી. પણ એ બાળકીએ તો મોટેમોટેથી ભેંકડા ચાલુ કરી વિહારીકા સામે હાથ લંબાયા. એની આંખોમાં આજીજી હતી. વિહારીકાથી પણ ધ્રૂસકુ મૂકાઈ ગયું.પણ બીજી જ પળે એને ભીખલીના હાથમાંથી એ બાળકી લગભગ છીનવી લીધી. બાળકી તો વિહારીકાને વળગી પડી.

વિહારીકા ભીખલી સામે જોઈ બોલી,

"ભીખલી, તારે પવલાનું ઘર માડવું છે એમાં આ બાળકી આડખીલીરૂપ છે ને ! તો આ બાળકી આજથી મારી."વિહારીકાએ પતિ સામે જેયું એમના સ્મિતમાં મૂક સંમત્તિ હતી. ભીખલી તો ખુશ થઈ કેટકેટલા આશીર્વાદ આપી ત્યાંથી વિદાય થઈ.

બહાર વરસાદ બંધ થઈ ગયો હતો પણ વિહારીકાના ઘરમાં તો એ બાળકી પર સ્નેહનો ધોધમાર વરસાદ વરસવા માંડ્યો હતો. વિહંગે કહ્યું,"વરસાદના કારણે આપણને આ બાળકી મળી અને આપણા ઘરને હર્યુભર્યુ બનાવી દીધું એટલે એનું નામ આજથી રાખીશું "વર્ષારાણી".


Rate this content
Log in

Similar gujarati story from Inspirational