Vibhuti Desai

Inspirational Others

4  

Vibhuti Desai

Inspirational Others

વર્નાક્યુલર ફાઈનલ પરીક્ષા

વર્નાક્યુલર ફાઈનલ પરીક્ષા

2 mins
369


ગંગા વાંસદામાં શિક્ષક દંપતી રમણભાઈ અને કીકી બેનને ત્યાં કામ કરતી. માયાળુ સ્વભાવનાં કીકીબેન, ગંગાને અક્ષર જ્ઞાન આપતાં. આદિવાસી સમાજમાં દીકરીને તો ભણાવે જ નહીં એટલે ગંગાને શાળા કેવી હોય તે ખબર નહીં. છતાં પણ કીકી બેન પાસેથી અક્ષરજ્ઞાન મેળવી જરૂર પૂરતું વાંચતા લખતાં શીખી જેની એનાં સમાજમાં કોઈને જાણ થવા દીધી નહીં.

ગંગા પંદર વર્ષની થતાં વઘઈમાં મનજી નામના યુવક સાથે લગ્ન કરાવી દીધાં. સાસરીમાં જંગલમાંથી લાકડાં લાવવાં, નદીએથી પાણી ભરવા જેવાં બહારનાં કામ અને ઘરકામમાં દિવસ પૂરો થતો. મનજી તો વાંચતાં લખતાં આવડે એટલું જ ભણ્યો હતો. થોડી જમીનમાં નાગલીનો પાક ઉગાડે તેમજ મજૂરીનું કામ કરે. ગંગાનાં નસીબ સારાં કે મનજીને દારૂ, બીડી કે તમાકુની લત નહીં અને ગંગાને ભરપૂર પ્રેમ કરે.

ગંગા જે શિક્ષક દંપતીને ત્યાં કામ કરતી એમની બદલી વઘઈ થતાં જ ગંગાને મળવા બોલાવી. ગંગા તો રાજીના રેડ. પોતાનાં પતિને ભણાવવા માટે વિનંતી કરી, મનજીને સમજાવ્યો. રોજ રાત્રે ગંગા મનજીને લઈને આ શિક્ષક દંપતીને ત્યાં જાય. મનજીને પણ ભણવામાં રસ પડવા માંડ્યો.

રમણભાઈની સલાહથી મનજીએ શાળા બહારથી અપાતી વર્નાક્યુલર ફાઈનલની પરીક્ષા આપી, જેમાં ૭૦ ટકા ગુણ મેળવી પાસ થયો. ગંગા માટે ખુશીનો દિવસ બંને જણા રાજીના રેડ. શિક્ષક દંપતી રમણભાઈ અને કીકીબેનને ત્યાં બંને મીઠાઈ લઈને ગયાં.

એ જમાનામાં વર્નાક્યુલર ફાઈનલની પરીક્ષા સાતમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી આપી શકતો આ પરીક્ષા પાસ કરે તેને ગુજરાતી શાળામાં શિક્ષક તરીકે નોકરી મળતી. 

વાતવાતમાં ગંગાએ રમણભાઈને કહ્યું," સાહેબ, મારાં મનજીને પણ તમારી જેમ માસ્તર બનાવવો છે, કોઈ જગ્યાએ નોકરી હોય તો કહેજો."

તે દિવસનો સૂરજ ગંગા માટે ખુશીનાં સમાચાર લાવ્યો અને મનજીને ગામની જ શાળામાં શિક્ષક તરીકે નોકરી મળી ગઈ. મનજી અને ગંગાની ખુશીનો કોઈ પાર નહીં. રમણભાઈ અને કીકીબેન સાથે ખુશી વહેંચી, હૃદયપૂર્વક પ્રણામ કરી આભાર માન્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational