Vibhuti Desai

Others

3  

Vibhuti Desai

Others

સુગંધની બોલબાલા

સુગંધની બોલબાલા

2 mins
203


સુગંધ શબ્દ સાંભળીએ એટલે પહેલાં તો આપણને કુદરત સર્જીત ફૂલડાંની સુગંધ નજર સામે આવે અને પછી માનવસર્જીત સુગંધ. સુગંધને વિશાળ અર્થમાં લઈએ તો સુગંધ માત્ર ફૂલોની જ નહીં ઘણાં બધાં પ્રકારની સુગંધ વિવિધ પ્રકારે માણવાની મળે.

ગરમીથી તપેલી ધરતી પર જ્યારે પહેલી વખત વરસાદનાં અમી છાંટણા છંટાય અને ધરા-મેહનું મિલન થતાં જ ભીની માટીની મીઠી સુગંધ આપણને દુઃખ,દર્દ ભૂલાવી ખુશ કરી દે. નવજાત શિશુને માનાં હાથમાં મૂકતાં જ છલકાતાં માતૃત્વની સુગંધ. યુવક - યુવતીનાં પ્રથમ સ્પર્શમાંથી પ્રેમ અને વિશ્વાસની સુગંધ. માનવજાત માટે રચાતાં સિમેન્ટ કોંક્રિટનાં જંગલોમાં કામ કરતો પરસેવે રેબઝેબ મજૂર ઘરે પહોંચે ત્યારે એને વહાલથી વળગતાં સંતાનને એ પરસેવામાંથી પિતૃત્વની સુગંધનો અહેસાસ થાય, જ્યારે બીજાને સુગ ચઢે. કાળઝાળ ગરમીમાં પરિવાર માટે ભોજન તૈયાર કરતી ગૃહિણીની રસોઈની સુગંધ અને પરિવારને ભોજન લઈ તૃપ્ત થતાં જોઈને ગૃહિણીને મળતી સંતોષની સુગંધ.

કુદરતે રચેલી પ્રકૃતિની સુગંધ અદ્ભૂત. જંગલમાં જઈએ ત્યારે જાતજાતની વનસ્પતિની સુગંધ. કેટલીક વનસ્પતિ અને ફૂલો એની સુગંધથી જ ઓળખાય.મોગરો, ગુલાબ, ચમેલી, પારિજાત તો રાત્રે આંઠથી સાડાઆંઠ વાગ્યાની વચ્ચે ખીલતી રાતરાણીની સુગંધ તો આહલાદક, જેણે માણી હોય એ જ જાણે. વનસ્પતિમાં લીમડીની મીઠી તો લીમડાની કડવી સુગંધ જેવી અનેકાનેક સુગંધ.

પ્રજ્ઞાચક્ષુઓ સુગંધથી વનસ્પતિ, ફૂલો,રસોઈને ઓળખી શકે. માનવજાતે જાતજાતનાં સુગંધી આર્ટીફિશ્યલ અત્તર અને પરફ્યુમ બનાવ્યાં. અમુક વ્યક્તિને કોઈ ચોકકસ પરફ્યુમ વાપરવાની ટેવ હોય ત્યારે એની સુગંધ પરથી જ એનાં આગમનની જાણ થઈ જાય.

સુગંધ શબ્દ જ દિલને પુલકિત કરી દે છે. સુગંધને માટે ગમે તે કહેવાતું હોય પરંતુ મારે મન તો અમૂલ્ય સુગંધ એટલે-

 "પિતા કેરાં પરિશ્રમની સુગંધ માતા કેરાં ધાવણની સુગંધ.'' જેની આગળ માનવે બનાવેલાં મોંઘા પરફ્યુમ અને અત્તરની સુગંધની કોઈ જ કિંમત નથી.


Rate this content
Log in