વૃદ્ધત્વનો અવસર
વૃદ્ધત્વનો અવસર
૧ લી ઓક્ટોબર એટલે " આંતરરાષ્ટ્રીય વૃદ્ધત્વ દિવસ " આપણાં જીવનમાં ત્રણ અવસ્થાઓ હોય છે. પહેલી બાલ્યાવસ્થા કે જેમાં આપણી બાળપણની ખાટી મીઠી યાદોને વાગોળવાની હોય છે. આ અવસ્થા જીવનની સુંદર, માણવાલાયક અવસ્થા છે. જેમાં ન ચિંતા, ન ફિકર બાળક બની પોતાની મસ્તીમાં મહાલવાનું હોય છે. માતા-પિતાનો વહાલ, ધીંગા મસ્તી, તોફાન વગેરે સાચવી રાખવા લાયક સ્મૃતિઓ હોય છે.
બીજી અવસ્થા એટલે કે યુવા અવસ્થા. બાળકમાંથી યુવાન થતાં અભ્યાસની સાથે સાથે જીવનનાં ધ્યેય તરફ પ્રગતિ કરવાની હોય છે. જીવનનાં ગોલ પૂરા કરવાનાં હોય છે. યુવાનીમાં દિલમાં પતંગિયા ઊડાઊડ કરતાં હોય છે. કંઈક કરી છૂટવાની ધગશ હોય છે. ચડતું લોહી, મનનાં ઉદ્દેશ્યોને પાર પાડવા મદદ કરે છે.
ત્યાર પછી છેલ્લી અને આખરી એટલે કે વૃદ્ધાવસ્થા શરીર ક્ષીણ થવા લાગે છે. પરિવાર, છોકરાઓ પોતાનાં માળામાં ગૂંથાઈ ગયા હોય છે. રોગ આપણાં મિત્ર બની જાય છે. તો પણ મનને મજબૂત કરી પોતાનાં જીવનને સેટ કરવાનું હોય છે. યોગા કરવાં, કે પછી પોતાની ઉંમરના મિત્રો બનાવવાં કે છૂટી ગયેલાં શોખ કે જે સમય જતાં છૂટી ગયાં તેને જીવતાં કરવાં. ઘણાં વૃદ્ધાવસ્થાને બિચારી બનાવી દે છે. તો બિચારા ન બનો. એક જોમ, જુસ્સો રાખો. ચાલશે, ફાવશે, ગમશે જેવાં મંત્રોને અનુસરો કોઈની લાઈફમાં ડખલ ન દો. પોતાનું જીવન મસ્તીથી જીવો. તો દરેક અવસ્થાની જેમ આ અવસ્થાને પણ કેસુડાનાં ફૂલોની જેમ રંગીન બનાવો.
