વોટ્સ અપ ગ્રુપ
વોટ્સ અપ ગ્રુપ


"નેહા એ તને પણ ગ્રુપ એડમીન બનાવી છે".. કંઇક આવા ભાવાર્થવાળો અંગ્રેજી મેસેજ વાંચી પ્રેરણા નવાઈ પામી, થોડું ચિડાઈ, ઘરના મેનેજમેન્ટમાંથી તો ટાઈમ મળતો નથી ત્યાં ગ્રુપ એડમીનની ઉપાધિ!!! નવું નવું વોટ્સ અપ વાપરતા શીખેલી પ્રેરણા તેના સ્કૂલના ગ્રુપની પણ મેમ્બર હતી, તે પણ બે-ત્રણ સ્કૂલની સખીઓ સાથે મિત્રતાના સંબંધના કારણે.. બીજા મેમ્બર સાથે ખાસ સંપર્ક રહ્યા નહોતા પણ કંઈક ચેન્જ લેવા નવા ઊભા થયેલા સોશિયલ મીડિયાના વહેણમાં તરવાની કોશિશ કરી રહી હતી.
આજે પરવારીને બેઠેલી પ્રેરણાની આંગળીઓ અને નજર વારાફરતી એક ગ્રુપથી બીજા ગ્રુપમાં ફરતી હતી. સ્કૂલ ગ્રુપ ઉપર આંગળી અટકી,એક ફ્રેન્ડે રસોઈની કોમ્પિટિશનમાં વિનર થઈ હતી તેના ફોટા મૂક્યા હતા. અભિનંદનના મેસેજની ઔપચારિકતા પૂરી કરી પ્રેરણા ઉભી થઇ. જોડે કંઇક ચમકારાની અનુભૂતિ થઈ. બીજા દિવસે એ જ મોબાઈલનો સત્સંગ ! સ્કૂલ ગ્રુપની બીજી ફ્રેન્ડે ડાન્સ કોમ્પિટિશનમાં ટ્રોફી સાથેના ફોટા મુક્યા હતા. ફરીથી ચમકારો! રોજ ખાસ કુતુહલતા ખોલવાની હવે આદત પડી ગઈ. કોઈને કોઈ ફ્રેન્ડની નાની- નાની ખુશીઓની તસવીર નજરમાં કેદ થતી ગઈ. અને પ્રેરણા માટે એક 'પ્રેરણા ' આપતી ગઈ.."તારામાં પણ કંઈક છે, તેને બહાર કાઢ" તે સમજ આપતી ગઈ. પછી તો પૂછવું જ શું? વોટ્સ અપ ગ્રુપમાં રોજ ચિત્રકાર પ્રેરણાની પીંછીનો પરિચય થતો ગયો અને તે ગ્રુપ મેમ્બરની મિત્રતાનો રંગ વધુ ને વધુ ઘેરો થતો ગયો...!