વિવાહ
વિવાહ
તરૂણ અને મેનકા બહુ જ ખુશ હતા. વર્ષોથી મિત્રતા તો હતી જ. મિત્રતા આગળ જતાં પ્રેમમાં પરિણમી. કોલેજમાં તો એ બંને તોતામેનાની જોડી તરીકે ઓળખાતા. બંનેની મમ્મીઓ પણ ખાસ બહેનપણીઓ હતી. જ્ઞાતિ પણ એક જ હતી. તેથી લગ્નમાં કંઈ વિરોધ થાય એમ હતું જ નહીં. જોકે મેનકાના ઘરના પૈસેટકે સુખી હતાં. જયારે તરૂણના ઘરના ખાધેપીધે સુખી હતાં. તરૂણના ઘરના ઘણા સંઘર્ષ પછી પૈસેટકે સુખી થયેલા તેથી સ્વભાવમાં થોડી કરકસર વર્તાતી. પરંતુ પ્રેમમાં પડેલ વ્યક્તિ ઝાઝું વિચારે નહિ. બંને જણ એકબીજા વગર રહી શકતાં ન હતાં. જયારે બંને ઘરના એ વિવાહ જાહેર કર્યા ત્યારે એ બંને જણ બોલી ઉઠયા હવે આપણો ગોલ્ડન પિરીયડ ચાલુ થઈ ગયો. દિવસો ખૂબ જલ્દીથી પસાર થતાં હતાં.
લગ્નબાદ મેનકા તરૂણને ત્યાં આવી ત્યારથી બંને વચ્ચે મનદુઃખ રહ્યા જ કરતાં. મેનકા તરૂણને જયારે બહાર ફરવા જવાનું કહેતી ત્યારે તરૂણ કહેતો,
"મેનકા, આપણે કાર લઈને લોંગ ડ્રાઈવ પર જઈશું એ મમ્મીને નહિ ગમે. એના કરતાં આપણે જમીને ચાલવા જઈએ તે વધુ સારુ. કારણ મમ્મીને પેટ્રોલનો ખર્ચ થાય એ ના ગમે. તરૂણ આપણે બંને કમાઈએ છીએ. મમ્મી પાસે પૈસા માંગતા નથી પછી મમ્મીને બોલવાનો કોઈ હક્ક નથી.
" મેનકા, મમ્મીના દિલને દુઃખ થાય એવું હું કયારેય કરવા માંગતો નથી. મમ્મીને ના ગમે એવું આ ઘરમાં કયારેય બનતું નથી. "ત્યારબાદ બંને વચ્ચે નાનીમોટી બાબતોમાં ઝગડાઓ થતાં. એ કાયમ કહેતી,"આપણે લગ્ન પહેલાં કેટલું સુંદર અને શાંતિભર્યું જીવન જીવતાં હતાં. હું એ જ રીતે જીવવા માંગુ છું. હું મારા ઘરમાં કોઈ જ કામ કરતી ન હતી. અહીં પણ હું કંઈ જ કરવા માંગતી નથી. હું નોકરી કરૂ છું. હું મારા પૈસાથી નોકર રાખીશ."
"મેનકા તું વર્ષોથી આ ઘરમાં આવતી હતી. તને અમારા ઘરની રહેણીકરણી ખબર જ હતી. તને બધા પ્રેમથી રાખે છે. સાસરિમાં અને પિયરમાં તફાવત તો રહેવાનો જ. તારે જે ખાવું પીવું હોય એ પણ હાજર થઈ જાય છે. પછી તને તકલીફ કયાં છે ? "
"માંડ એક રજા મળે ત્યારે મમ્મી કંઈકને કંઈક કામ કાઢે જ. મને આવી ટેવ નથી હું મારા પિયર જઉં છું." મેનકાને પાછી આવેલી જોઈ એની મમ્મી કંઈ બોલી નહિ કે પાછા આવવાનું કારણ પણ પૂછ્યું નહિ. મેનકા મનમાં ખુશ થઈ કે એ હવે અહીં જ રહેશે અને નોકરી કરી શાંતિથી જીવન વિતાવશે.
પરંતુ મેનકા ઓફિસ જવા નીકળી કે તરત મેનકાની મમ્મી એ તરૂણની મમ્મીને ફોન કરીને કહ્યું કે તમે થોડા દિવસ રાહ જુઓ. હજી એનામાં છોકરમત છે.
અમે ગમે તે રીતે એને તમારે ત્યાં મોકલીશુ. લગ્નએ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી. આ તો સાત જન્મના બંધન છે. લગ્ન એટલે માત્ર છોકરાં છોકરીનું મિલન નહિ પરંતુ બે કુટુંબો વચ્ચેનું મિલન. એક છોડને એક જગ્યાએથી ઉખેડીને બીજી જગ્યાએ રાખો તો શરૂઆતમાં એ ચિમળાતો જાય પછી એના મૂળ એ જમીનમાં ચોંટી જાય પછી જ ઘનઘોર વૃક્ષ બને. માટે હાલ તમે શાંત રહેજો. "
મેનકાની મમ્મીએ પુત્રવધૂને પાસે બોલાવીને જે વાત કહી એ સાંભળીને એ બોલી ઉઠી, "મમ્મી, એ કામ મારાથી નહિ થાય. મને માફ કરો. હું તો બહુ ખાનદાન ઘરની છું. હું આવું કરી જ ના શકું"
" તું ખાનદાન છું એટલે જ કહું છું. કે તું જ મારી જીવન નૌકાને કિનારે પહોંચાડીશ."અઠવાડિયા પછી મેનકાના ભાભીએ કહ્યું, "મમ્મી, મહેમાનોએ મહેમાનની જેમ રહેવું જોઈએ. અને કાયમ માટે રહેવું હોય તો ઘરનું કામ કરવું પડશે. જો મેનકાબેન કામ નહિ કરે તો હું પણ નહિ કરૂ. ઓફિસથી આવી તૈયાર થાળી જમવી મને પણ ગમશે. "
"બેટા, એ તો ગમે ત્યારે એના સાસરે જશે."
"મમ્મી, એ જે રીતે વર્તન કરે છે. એવી રીતે હું પણ કરીશ. હું પણ નોકરી કરૂ છું. મારે પણ એક વ્યક્તિનું કામ વધુ કરવું પડે છે. એ કાયમ અહીં જ રહેવાના હોય તો અમે બંને જુદા જતાં રહીશું. હવે શું કરવું એ તમારે નક્કી કરવાનું. ઘડપણમાં તમે તમારી દીકરી જોડે રહેજો."
ત્યારબાદ તો એણે મેનકાને એટલા મહેણાં ટોણાં માર્યા કે મેનકા કંટાળી ગઈ. એને તો મમ્મીને કહ્યું પણ ખરૂ કે, "મમ્મી, તું ભાભીને કેમ કંઈ કહેતી નથી ? "
"મારાથી કઈ રીતે કંઈ કહી શકાય. એ પરણીને આ ઘરમાં આવી છે. આ ઘર હવે એનું જ કહેવાય. તું ગમે તેમ તોય મહેમાન કહેવાય."
"પરંતુ મમ્મી મારાથી આ બધુ સહન થતું નથી. "
"દીકરોવહુ તો મારા ઘડપણની લાઠી છે. હું એમને કંઈ ના કહી શકું. તને ના ગમે તો તારે સાસરે જા. કારણ કે એવું કહેવાય છે કે "પિયરની એક બોલી કરતા સાસરાની સો બોલી સારી." એ રાત્રે મેનકા ચૂપચાપ એની બેગ તૈયાર કરવા માંડી. જયારે એ એના સાસરે જવા તૈયાર થઈ અને ઘરની બહાર નીકળી કે એની મમ્મી એ તરત એના સાસુને ફોન કરીને કહ્યું, "હવે લગ્ન પછી એ જ એનું સાચું ઘર છે એ વાત એને સમજાઈ ગઈ છે તેથી હવે એ કયારેય લડીને પિયર નહિ આવે. એને લગ્નનો સાચો અર્થ સમજાઈ ગયો છે."
