વિકલ્પ
વિકલ્પ


દેવેન ભાઈ એક શિક્ષક હતા. અત્યારે એ નિવૃતિ માણી રહ્યા હતા. તેઓ ગાંધીવાદી વિચારસરણી ધરાવતા હતા. સ્વદેશી પ્રત્યે પ્રેમ. વિદેશી વસ્તુ અને ઢબ ને સખત વખોડતા.
એમનો દિકરો દેવાંગ. ખૂબ હોશિયાર. એમ. બી. એ. કર્યું હતું. એને પોતાની બિઝનેસ શરૂ કરવો હતો. વિચાર્યું કે પહેલા પપ્પા સાથે વાત કરી લઉં.એમ વિચારી દેવાંગ દેવેનભાઈ પાસે ગયો.
દેવાંગ એ વાત શરૂ કરી," પપ્પા મારે બિઝનેસ શરૂ કરવો છે. ફેક્ટરી નાખવી છે. જગ્યા મેં જોઈ લીધી છે. એની માટે ની જરૂરી કાર્યવાહી અને ડોક્યુમેન્ટ પણ થઈ ગયા છે."
દેવેન ભાઈનું મગજ સાતમે આસમાને પહોંચ્યું. રીતસર તાડુકી ઉઠ્યા," દેવાંગ, તું આ જોતો નથી? આ ચારેબાજુ ધુમાડા ઓકતી ફેક્ટરીઓ તને ઓછી પડે છે? માણસો ગૂંગળાઈ રહ્યા છે. ન હોય એવા જાત ભાત ના રોગ નીકળ્યા છે. હવા,પાણી,અનાજ કઈ જ ચોખ્ખું નથી રહ્યું. તું પણ આ બધાં માં સહભાગી થવા ઈચ્છે છે. તું તો પાપમાં પડીશ ભેગો મનેય લેતો જઈશ નરક માં.
પહેલાં તો ધોમધખતો વૈશાખ હોય ને તોય વગર પંખે ચાલતું. હવે તો જો સવારમાં ય એટલી બધી ગરમી લાગે છે. આ બધું આ કારખાના અને ધુમાડાના પ્રતાપે. બધી ઋતુઓ ફરી રહી છે એતો જો. નવરાત્રિમાં કોઈ દી વરસાદ જોયો? હવે તો વરસાદ ને ઠંડીના ય ઠેકાણા નથી રહ્યા. નાખ તું ફેકટરી નાખ. કંઈ ખાવા પીવા નહિ પામીએ તમારા આ ઔદ્યોગિકરણ ને કારણે. માણસો ટપોટપ મરશે આ બધાં ના કારણે."
દેવેન ભાઈ પાણી પીવા રોકાયા. દેવેન ભાઈ પાણી પીતા હતા ત્યારે દેવાંગ ને બોલવાનો મોકો મળ્યો.
" પપ્પા, હું પણ તમારો જ દિકરો છું. તમને ઠેસ પહોંચે એવું કોઈ કામ નહિ કરું. મેં ઘણી બધી જગ્યા એ રિસર્ચ કરીને એક નવો ઉપાય શોધ્યો છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો. શેરડીનો કુચા નીકળે છે એનો ઉપયોગ કરીશું. એમાંથી થાળી વાટકા બનશે. થર્મોકોલ ના કારણે કચરો થાય છે. આ વાસણો ઉપયોગ બાદ ગાય ખાઈ જશે. એટલે વધારાનો કચરો નહિ. જ્યાં ત્યાં પ્લાસ્ટિક ની બોટલ પડી હોય એમાંથી ફર્નિચર બનાવીશું. કાગળોમાંથી ફરીથી કાગળ અને પેન્સિલ બનાવીશું. અને પપ્પા આ બધા કામ માં કર્યા ઘુમાડો નહિ થાય અને બીજું ઘણા બધા માણસો ને રોજીરોટી મળશે. અમુક સ્ત્રી જે ઘરે રહીને કામ કરવા ઇચ્છતી હોય એના માટે પણ આ સરળ છે. આવું કઈક કામ કરવાનો છું પપ્પા." દેવાંગ એ વાત પૂરી કરી.
દેવેન ભાઈનો ગુસ્સો શાંત થયો અને સાથે સાથે ખૂબ પ્રભાવિત થયા. દેવાંગની પીઠ થાબડી. અને ગુસ્સે થાવ બદલ દિલગીરી વ્યક્ત કરી.