વીટો પાવર
વીટો પાવર


પૂર્વી અને પપ્પાને બનતું ઓછું. આમેય પપ્પા તેમનું ધાર્યુ કરાવે અને એજ જીદ્દી વલણ વારસામાં પૂર્વીને મળેલું. તેથી કરણ સાથે લગ્નની વાત પૂર્વીએ મમ્મીને કહી.. જૈન કૂળ-બ્રાહ્મણમાં જશે... દેશસ્થ માહારાષ્ટ્રીય બ્રાહ્મણ અને વિધિવિધાનમાં પુરા...
પુર્વીએ વાત મુકી અને પપ્પા તો આગ આગ થઇ ગયાઃ "તમને ભણાવ્યાં અને નોકરી કરતા થયાં એટલે પગ આવ્યા કેમ?" ઘરમાં નાનો પણ ઉગ્ર ઝઘડો થઇ ગયો. પૂર્વી કહે “ પપ્પા તમારી આમાન્યાઓ સાચવીને આ વાત મૂકી છે. દરેક જણ પોતાનું નસીબ લઇને આવે છે. કરણ મારી સાથે કોલેજમાં પણ હતો અને હાલ નોકરીમાં પણ સાથે છે. તેના માબાપે મને સ્વીકારી લીધી છે.”
“પૂર્વી એક વખત ના એટલે ના. મારે તને કારણો આપવાના ના હોય. બાપ તરીકે તમને ઉછેરતા કેટલી તકલીફો વેઠી છે તે આ દિવસ જોવા માટે?”
"પપ્પા, તમારું માન રાખવા લગ્ન પહેલાં જાણ કરું છું જેથી તમને એમ ન થાય કે હું નાસી ગઈ. પણ આવતા શનિવારે હું હિંદુ વિધિથી તેને સ્વીકારું છું. મારા મનમાં તે જીવનસાથી તરીકે યથાયોગ્ય છે. ફક્ત તે મહારાષ્ટ્રીયન છે તેથી તે ‘અયોગ્ય’ છે તે તમારી જીદ મને અજુગતી લાગે છે.”
પુષ્પા બાએ વીટો વાપરીને પપ્પાને ઠંડા કર્યા.. મમ્મી પપ્પાને લૈ ને બહાર ગઇ. પૂર્વી ગૈ જ્યાં આજે તેના લગ્નની સાડીઓ લેવાવાની હતી.
આ બાજુ કુસુમ અને અજિત પૂર્વીના આ ઉધામાને સમજવા મથતાં હતાં. અજિતભાઇ સ્પષ્ટ માનતા હતા કે આ પ્રેમના ઉભરા ચાર પાંચ મહીને શમસે અને પાછી આવશે તો નાના તપન અને જિજ્ઞાનું શું થશે? કુસુમ કહે તમે જરૂર કરતા વધુ ચિંતા કરો છો.. જ્યારે પૂર્વી પ્રેમમાં પડી હશે ત્યારે તેણે આ બધુ વિચાર્યુ જ હશે.. અને તમે ગમે તેટલો ગુસ્સો કરો કે તોફાન કરો આ તીર હવે હવામાં છે, હાથમાં નથી. અને પૂર્વીના આંતરજ્ઞાતિય લગ્નથી જિજ્ઞાનું અને તપનને લગ્ન માટે જૈન પાત્રો નહીં મળે તે ચિંતા કરો કે ના કરો...આ ઉપાધી આપણી.. જ આણેલી છે. છોકરી મોટી થતી જાય અને અને મુરતિયાની શોધમાં આપણે સફળ નથી થયા..તે તો સત્ય છે ને?"
અજિત ધૂંધવાય છે. પુષ્પાબાના ‘વીટો પાવર’ સામે તેનું મગજ બે રીતે વિચારતું થાય છેઃ શું કરવાનું! આપણે છોકરાં પેદા કર્યા ભણાવ્યાં અને પગ ભર કર્યા... હવે એને પાંખો આવી.. સંસ્કાર હજી છે કે તમારી પરવાનગી માંગે છે. પાછો મને બીજી બાજુ ઉથલો માર્યો...આ પરવાનગી છે કે ટેઇક ઇટ ઓર લીવ ઇટ જેવી વાત..અને તે પણ પેટના જણ્યાં સંતાનો પાસેથી...
બાગમાં આંટા મારતાં કુ
સુમ અને અજીતે પૂરતો બળાપો કાઢ્યો. પુષ્પાબાના ‘વીટો પાવર’ સામે ઘૂંઘવાટ વધતો રહ્યો. બે ત્રણ કલાકને અંતે દેરાસર જઇને પ્રભુ સામે માથું ઢાળી આંસુ સારી બંને પાછા વળતા હતા, ત્યાં અનેકાંતવાદના પ્રણેતા મહાવીર સ્વામીની વાત મગજે ઉભરી.
હું સાચો હોઇ શકું તેમ પૂર્વી પણ સાચી હોઇ શકે. અને આ ‘બાપ’ હોવાનું ભૂત તે અધિકાર યુક્ત છે. કર્તાપણું છે. ત્યાગી દે, જે ત્યાગે છે તે હળવો થાય છે. દીકરી તારી છે તેણે તને ટેઇક ઇટ ઓર લીવ ઇટ નથી કહ્યું. તે તો ફક્ત એટલું જ કહે છે – બાપા, આ મારી જિંદગી છે... મને તમે જે દેખાડો છો તે ભયો ઉપરાંત ઘણાં ભયો છે ઉંમર વધતી જાય છે. કરણમાં મારું મન મોહાયેલું છે. અને છુપાઇ છુપાઇને જીવન જીવવાને બદલે સામાજિક સ્તરે જે નિવારણ છે તે હું લઇ રહી છું.
કુસુમ અજિતમાં આવતા પરિવર્તનો જોઇ રહી હતી. ઘરે પાછા ફરેલા પપ્પા મમ્મીને જોઇ જીજ્ઞા થોડીક અંદરથી ફફડી. કુસુમે ચા મુકી- ફુદીના અને આદુની તીખી ચા પુષ્પાબાને આપી ત્યારે અજિત બોલ્યો-“ બા! આ તમારો કેવો ન્યાય? અમને જૈન કૂળ અને જૈન સંસ્કારો આપ્યા અને હું તે કૂળ રીતિ અને સંસ્કારોનું અમલીકરણ કરવા જઉં તો તમે આડા આવો.”
પુષ્પાબા બોલ્યા,”અજિત! ‘પ્રાપ્તેષુ ષોડશે વર્ષે પુત્રં મિત્ર વદાચરેત’ ની વાત યાદ કર. માબાપ તરીકે તારી માન્યતાઓ અને નિયમનો ખોટા નથી- પણ અત્યારે તને તારો અહંકાર વધુ નડે છે. ‘મને’ કેમ પૂછ્યું નહીં...’મારી રજા વગર’નો તારો હાથી તને નડે છે. જગ બદલાય છે. નાત જાતના વાડા નવી પેઢી સમજથી ઢીલા પાડે છે. જરા અહંમના હાથી ઉપરથી નીચે ઉતરી જો! કરણ અપંગ છે? કરણ અભણ છે? કરણ પૂર્વી માટે ભવિષ્યમાં જવાબદારી બને તેમ છે? દરેક પ્રશ્નોના જવાબો નકારમાં છે અને એક છેલ્લો પ્રશ્ન; પૂર્વી તેની સાથે સુખી રહેશે? તેનો જવાબ હકારમાં છે." તેમણે તેમની વાત આગળ ચલાવતા કહ્યું “કુસુમની પણ તે છોકરી છે, તેણે આ આઘાત સહજ રીતે પચાવ્યો... તને તકલીફ થાય છે. શાંતિથી વિચાર કર. જુગતે જોડી છે. મેં ‘વીટો’ વાપર્યો કારણ તેમાં પૂર્વીનું હિત છે. સમાજમાં તારું માન અપમાન એ બધું તેના સુખ આગળ ગૌણ છે. . સરિતામાં તે ક્યાંય વહી જશે...”
જિજ્ઞાને અજિતે કહ્યું, ‘પૂર્વીને ફોન કર. અને કરણના બા બાપુજીને મળવા જઈ ચાંદલા વિધિ લગ્ન પહેલા કરવા જણાવી દે!”
પુષ્પાબાને વંદન કરતા અજિતે કહ્યું ”પુષ્પાબા તમારો ‘વીટો’ પાવર નહોતો સમજ્યો તેથી આ ઉધમાત હતો."