nayana Shah

Inspirational

4  

nayana Shah

Inspirational

વીરાની વાડીઓમાં અમૃત રેલે

વીરાની વાડીઓમાં અમૃત રેલે

4 mins
654


છલકને થયું કે ઘરની બધી ઘડિયાળોમાંથી પાવર કાઢી કાઢે. સમય થંભી જાય. કારણ દરેકે દરેક મિનિટ એની આશાઓ પર પાણી ફેરવી રહી હતી. એમાં ઘડીયાળમાં સાંજના ૬ વાગ્યા ત્યારે એની રહી સહી આશા પણ તૂટી ગઈ. જાણે કે ૬નો સમય એટલે સામસામે બે કાંટા આવી જાય. જાણે કે ઉત્તર દક્ષિણનો પ્રતિક !

પોતે પતિને સમજાવતી રહી કે તહેવારનો અર્થ વેરઝેર ભૂલી જવાનો હોય પરંતુ પતિના જકકી સ્વભાવ આગળ એનું શું ચાલે ? જો કે લગ્ન પહેલાં જન્માક્ષર મેળવ્યા ત્યારે જ્યોતિષે કહેલું બંનેના છત્રીસે છત્રીસે ગુણાંક મળે છે વાત તો બિલકુલ સાચી જ હતી. બંને જણા જકકી હતાં. સંસારમાં તો એક વ્યક્તિ ગુસ્સો કરે તો બીજાએ શાંત રહેવાનું હોય. પરંતુ ઉંમર વધવાની સાથે એનામાં થોડી સમજદારી આવી ગઈ હતી. લગ્નના શરૂઆતના વર્ષોમાં એ વધુ પડતી જકકી હતી. એના માટે જવાબદાર એના પિતા હતા. પિતા હમેશાં એવું વિચારતાં કે આવનાર પુત્રવધૂ મારી દિકરી કરતાં વધારે હોશિયાર હોઈ જ ના શકે. દિકરીને ડર હતો કે ભાભી હોંશિયાર આવશે તો ઘરમાં એનું વર્ચસ્વ ઓછું થઈ જશે. તેથી તો બાપ દિકરી એ ભેગા થઈને આવનાર વધુને પજવવાનું શરૂ કર્યું.

આખરે પુત્ર તથા પુત્રવધૂ અલગ થઈ ગયા. એ વર્ષે એ ભાઈને રાખડી બાંધવા ગઈ ન હતી. જો કે ભાભી એ સંદેશો મોકલ્યો હતો કે તમે રાખડી બાંધવા આવજો. પરંતુ એ ગઈ ન હતી. આટલા વર્ષો બાદ એને ભાભીની વેદના સમજાઈ હતી કે જયારે એની નણંદ આવી નહિ. પતિનો હાથ તહેવારના દિવસે રાખડી વગરનો હતો. માબાપની ગેરમોજુદગીમાં તો મિલકત બાબત મનદુઃખ દરેક કુટુંબમાં થતાં જ હોય છે. પણ તહેવાર પર આવું વર્તન યોગ્ય કહેવાય ? સુતરના તાંતણાનું બંધન માત્ર રક્ષાબંધનછે ?

રક્ષાબંધન તો એક વચન છે ભાઈ અને બહેન બંને તરફે. ભાઈ બહેનને કહે છે કે "ભાઈ તરીકેની તમામ સામાજિક જવાબદારીઓ પુરી નિષ્ઠાથી નિભાવીશ.બહેનના જીવનમાં આવી પડતી આપત્તિઓમાં સાથ નિભાવીશ."

ઈતિહાસ પણ સાક્ષી છે કે રાણી કર્ણાવતીએ રાખડી મોકલી હુમાયુ પાસે મદદ માંગી હતી. એને પણ રાખડીની લાજ રાખી હતી. બલિરાજા પાસેથી પતિને મુક્ત કરાવવા લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી પતિને મુક્ત કરાવ્યા હતા. રક્ષાબંધન તો ભાઈબહેન ના પવિત્ર સંબંધોનો તહેવાર છે.

બહેન તો ભાઈના સુખ માટે કેટકેટલી બાધાઓ રાખી ભાઈના તંદુરસ્ત જીવનની પ્રાર્થના કરતી હોય છે.

જો કે બહેન પ્રત્યેની તમામ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહેનાર ભાઈને રાખડી બંધાવવાનો કોઈ અધિકાર નથી. સામે પક્ષે ભાઈના અપમાનને કે સાસરીયા દ્વારા ભાઈ વિરુદ્ધ બોલાતું ચૂપચાપ સાંભળી લેનાર બહેન પણ રાખડી બાંધવાનો અધિકાર ગુમાવી દે છે.

છલકને સમય જોવાની પણ હિંમત ચાલતી ન હતી. પતિનો અવાજ સાંભળી એ વિચારોમાંથી જાગી, "છલક, તારે જમવું નથી ? ઘડિયાળ જો રાતના ૯ વાગવા આવ્યા છે.કયાં સુધી ઓટલે બેસી રહીશ ? હવે રાહ જોવાની જરૂર નથી. તેં સંદેશો મોકલ્યો હતો. મારાથી છાનો એ મને ખબર છે. આવે તો ઘર ખુલ્લુ છે. હું કંઈ એના પગે પડવા જઉ ? "

છલકને યાદ આવ્યું કે ભાભી એને કેટલા પ્રેમથી બોલાવે છે એટલું જ નહીં કયારેય જમાડ્યા વગર મોકલતાં નથી. માબાપ હયાત નથી છતાં ય ભાભી એ એને ઓછું આવવા દીધું ન હતું. એટલું જ નહિ ભૂતકાળના દુ:ખદ બનાવો પણ યાદ કર્યા નથી. આજે વર્ષો પછી માફી માંગવાનું મન થાય છે.

એ આખી રાત એને દુઃખદ યાદોમાં વિતાવી. જયારે આંખ મિંચાઈ કે ઘરની બેલ વાગી એના અવાજથી છલક જાગી ગઈ. ઉઠીને દરવાજો ખોલ્યો તો સામે એના નણંદ ઉભા હતા પરંતુ એને એની આંખો પર વિશ્વાસ જ કયાં હતો ? એના નણંદ છલક સામે જોતાં બોલ્યા, "ભાભી, સવારે ૭ વાગ્યા સુધી બળેવ છે. હજી તો સવારના ૬ વાગ્યા છે. મને અમારા બ્રાહ્મણે કહેલું કે કાલે સવારનું મૂહુર્ત ઉત્તમ છે. મારો ભાઈ ખૂબ ખૂબ સુખી થાય એટલે હું ઉત્તમ ચોઘડિયાંમાં જ ભાઈને રાખડી બાંધુ છું. બહુ ઓછાને ખબર હશે કે સવારે ૭ વાગ્યા સુધી પૂનમ છે. ભાભી ભાઈ તો ઉઠી ગયો હશે. એને તો બ્રહ્મ મૂરતમાં સ્નાન કરવાની ટેવ છે. આજે સવારે તો હું ચા નાસ્તો કરીને જ જવાની છું. "

બહેનને જોતાં જ છલકનો પતિ ખુશ થઈ ગયો. બહેનની તથા ભાઈની આંખો હર્ષથી ભીની થઈ ગઈ હતી.

બહેન તો ભાઈના હાથે રાખડી બાંધતાં બોલી રહી હતી, "ભાઈ તારી વાડી હમેશાં હરીભરી રહે. મારા ભત્રીજા તથા ભત્રીજીઓ ખૂબ સુખી રહે. "

એના મુખમાંથી શ્રી મેઘાણી નું કાવ્ય સરી પડ્યું,

"મારા વીરાની વાડીઓમાં અમૃત રેલે

અષાઢી સાંજના અંબર ગાજે"

બેન ભગવાનને પ્રાર્થના કરતી હતી કે મારા ભાઈનો સંસાર હર્યોભર્યો રહે. એના બાગના પુષ્પો એવા ભત્રીજા ભત્રીજીથી એનો સંસાર મહેકી ઉઠે. આ અવાજ બહેનનાં અંતરનાં ઉંડાણમાંથી આવી રહ્યો હતો. મિલકત બાબતનું મનદુઃખ વિસરાઈ ગયું હતું. વાતાવરણ આનંદમય બની ગયું હતું. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational