વીર પસલી
વીર પસલી
હે જોને બેની મારી હેતની હાટડી,
સદાય તેની દુવાઓ રક્ષે મારુ હર અંગ
હે ઈ તો પવિત્ર પ્રેમનું ઝરણું,
એને નીરખતાં જ પાવન થાય હર અંગ
હે જી બેની વિના જગ લાગે શુંનું,
ભલે હોય ધનનાં ઢગલાં પાસે અપાર
પણ હેત બેનીનું જો ન મળે,
પછી તો વ્યર્થ ભાસે સઘળો સંસાર.
જગતમાં બહેન એટલે નિસ્વાર્થ ભાવનું પવિત્ર ભાઈ માટે સદાય વહેતી સરિતા. જે આજીવન ભાઈનાં હિતની ચિંતા કરે, વીરાને વહાલ કરી આશીર્વાદ આપે. જેમ દ્રૌપદી યાદ કરેને ભગવાન પધારે. બહેનનાં હેતથી તો કૃષ્ણએ પણ આવવું પડે. તો એ બહેનનાં શુદ્ધ પ્રેમ વિશે જગતમાં કોઈ શંકા ન હોય.
આપણી ભારતીય સંસ્કૃતિમાં રજવાડાના જુના નિયમ મુજબ શ્રાવણે બહેન, ગૌ માતા અને બ્રાહ્મણ એની સદાય રક્ષા કરવાનું કુળ પરંપરાગત વચન પાળી આ દિવસે સહુ ભેટ સોંગાત લઇને વીરો વહાલી બહેનને ભેટવા જતો. આ પ્રથા પુરા જનસમાજમાં પ્રચલિત થઈ અને અનેક વ્રત અને લોક કથાઓ પણ બની છે જેમની એક નીચે રજૂ કરું છું.
ભાઈ બહેનનું હેત સદા અમર રહે, જય હો સનાતન ધર્મની ભારતીય સંસ્કૃતિની
એક ગામમાં ખેડુત રહેતો હતો. તેને સાત દિકરા અને એક શીલા નામની દિકરી હતી. સાતેય ભાઈ અને બહેન પરણેલા હતા. નાનો ભાઈ ભલો અને માયાળુ હતો. જ્યારે મોટા છ ભાઈ કપટી હતા. તેણે નાના ભાઈને અલગ કાઢી મૂક્યો હતો. શીલા સાંસરિયામાં કંકાસથી કંટાળી નાના ભાઈ સાથે રહેતી હતી.
મોટા ભાઈઓ છળકપટ કરી પૈસા બનાવી બેસી ગયા હતા. જ્યારે નાનો ભાઈ ખેતરમાં મજૂરી કરી માંડ માંડ ગુજરાન ચલાવતો હતો. આથી નાના ભાઈને મદદ કરવા શીલા મોટા ભાઈઓ પાસે કામ માંગવા ગઈ. ત્યારે અભિમાનથી તેની ભાભીઓએ કહ્યું કે "નણંદબા, તમારાથી થાય તો ઢોર ચરાવવાનું કામ કરો." બહેનને તો કામ જોઈતું હતું. આથી તેણે હા પાડી. સાંજે ભાભીઓ જે કંઈ વધેલું ઘટેલું આપે તે ઘરે લઈ જઈને વહેંચીને ખાઈ લેતી હતી.
એક વખતે ઢોર ચારી રહી હતી ત્યારે કેટલીક છોકરીઓને વ્રત કરતી જોઈને તેણે પૂછ્યું કે "આ શેનું વ્રત છે ?" એ છોકરીએ કહ્યું કે "આજે વીરપસલી છે અને અમે વીરપસલીના દોરા લીધા છે. એ દોરા અમે ભાઈના જમણા હાથમાં બાંધીશું અને ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું."
શીલાએ પૂછ્યું, "આનાથી શું લાભ થાય?" તો છોકરીઓએ કહ્યું કે, "તેનાથી ભાઈનું આખું વર્ષ સુખ-શાંતિથી પસાર થાય છે." શીલાએ હરખભેર દોરાને લઈ લીધા અને તેમનો આભાર માન્યો. આઠ દિવસ સુધી તેણે દોરાને ધૂપ દીધો. આઠમે દિવસે શીલા તો હરખાતી હરખાતી ભાઈઓના ઘરે દોરા બાંધવા માંડી. પરંતુ ભાભીઓએ છણકા કરી દોરાને કઢાવી નાખ્યા અને નણંદને હડધૂત કરીને કાઢી મૂકી.
શીલા નિરાશ થઈ ઘરે આવી પણ તેણે નાના ભાઈને પ્રેમથી દોરો બાંધ્યો. નાનાભાઈએ સવાશેર કોદરા, જે તેણે ખેતરમાં વાવવા માટે વાણિયાની દૂકાનેથી ઉધાર લીધા હતા તે આપ્યા. સાથે માટીનું એક ઢેફું અને તાંબાનો એક પૈસો આપ્યો.
શીલાએ ભાઈના ઓવારણા લેતા કહ્યું કે "કોદરાએ મારે મન કમોદ છે, માટીનું ઢેફું એ ગોળ છે અને તાંબાનો પૈસો એ રૂપિયા છે." શીલા ઘરની બહાર આવી ત્યારે ત્યાં એક ચમત્કાર જોયો. આંગણામાં રહેલા ખાટલા પર તેનો પતિ આવીને બેઠો હતો. ઘણા વર્ષો પછી આજે તેને તેડવા આવ્યો હતો. મા પાસે સાસરે જતી દીકરે આપવા માટે કંઈ ન હતું આથી તે તેની છ બહુ પાસે ગઈ, બહુઓએ પોતાની ઉતરેલી સાડીઓનું પોટલું નણંદબાને આપવા આપ્યું.
માએ આ પોટલું શીલાને આપી દીધું. જમાઈ દીકરી ચાલતા થયા. ચાલતા ચાલતા તળાવ પાસે આવ્યા. સવારે નાહ્યા-ધોયા વગર નીકળ્યાં હતા. એટલે શીલા નાહવા તળાવમાં ગઈ. નાહ્યા પછી તેણે પતિને સાડી આપવા કહ્યું. પતિએ પોટલું ખોલી કહ્યું કે કયા રંગીની આપું. આ સાંભળી શીલાને થયું કે પતિ મશ્કરી કરે છે. પણ તેણે આવીને જોયું ખરેખર જાતભાતની સાડીઓ હતી. તે મસજી ગઈ કે આ વ્રતનો પ્રતાપ હતો. તેણે પોટલામાં જોયું તો નાના ભાઈએ આપેલો તાંબાનો પૈસો સોનામહોર બની ગયો હતો. માટીનો ગોળ અને કોદરાની કમોદ બની ગઈ હતી.
શીલાએ સોનામહોર લઈ પતિને ગામમાં ખાવાનું લેવા મોકલ્યો. એટલામાં ચમત્કાર થયો અને તળાવના કાંઠે ભવ્ય ઘર બની ગયું. થોડી વારમાં પતિ આવ્યો તો તેણે તળાવના કિનારે ભવ્ય મકાન જોઈ અચરજ પામી ગયો. શીલાએ ત્રીજા માળેથી પતિને બોલવતા કહ્યું કે આ બધો પ્રતાપ વ્રતનો છે. ઘરમાં બીજી ઘણી બધી સોનામહોર પણ નિકળી. બને સુખીથી રહેવા લાગ્યા.
બીજી તરફ ભાઈના ગામમાં દુકાળ પડતા તેઓ કામની શોધમાં નિકળી પડ્યા. ચાલતા ચાલતા આ તળાવના કિનારે ભવ્ય મકાન પાસે આવ્યાં. આથી તેઓને આશા બંધાણી કે અહીં જરૂર કંઈક કામ મળશે. બહેને છ ભાઈ અને ભાભીને બગીચામાં કામે લગાડી દીધા જ્યારે નાના ભાઈ ભાભી અને માતા-પિતાને આરામથી ઘરમાં રાખ્યા.
બધા ભાઈઓને શીલાએ એક દિવસ જમવા બોલાવ્યા. છ ભાઈઓને સોનાના અને ભાભીઓને ચાંદીના લાડવા પીરસ્યા જ્યારે નાના ભાઈ ભાભીને ચૂરમાના લાડવા પીરસ્યા. ભાઈઓ તેની બહેનને ઓળખી ગયા અને તેની ભૂલ સમજાય. તેણે બહેનની માફી માંગી અને સંપીને રહેવા લાગ્યા.
