Nayanaben Shah

Inspirational

4.5  

Nayanaben Shah

Inspirational

વીર પસલી

વીર પસલી

6 mins
664


વનિતાએ એવા તો શા પુણ્ય કર્યા હશે કે એને અમિત જેવાે ભાઈ મળ્યો. નસીબદારને જ આવો ભાઈ મળે. લોકોની ગુસપુસ ચાલી રહી હતી. જો કે લોકો જે કરતા હતા એમાં જરા પણ અતિશયોક્તિ ન હતી. વનિતા સૌથી મોટી બહેન હતી. એના પછી ત્રણ ભાઈઓ હતા. જો કે વનિતા ખાસ ભણી ન હતી. માંડ પોતાની સહી કરી શકતી હતી. એ ઘણું ઘુંટાવ્યા પછી, પરંતુ એટલું ખરું કે ખાનદાન ખોરડું હતું એટલે લગ્નમાં ખાસ વાંધો ન આવ્યો.આમ તો દેખાવમાં પહેલી નજર કોઈ આકર્ષાય એવો દેખાવ ન હતો. પોતાનો ધંધો હતો.અઢળક સંપત્તિ હતી, પરંતુ મા-બાપનો બાેલ ઊથાપવાની એની હિંમત નહોતી.લગ્ન બાદ પત્ની સામે જોવું પણ એના પતિને ગમતું ન હતું. મનમાં ઊંડે ઊંડે થતું કે, ખાનદાની ખોરડું શું માત્ર આ જ હતું ? એ સિવાય મને પત્ની સ્વરૂપે કોઈ સારી સ્ત્રીના મળી શકે? દિવસે દિવસે પતિનો વસવસાે વધતો જ ગયાે. પરિણામ સ્વરૂપ પતિએ બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધી દીધાં. વનિતા સાથે અબોલા તો ચાલુ હતા. આવી વાતો તો જંગલની આગની જેમ ફેલાઈ જાય. વનિતાના મા-બાપે જયારે આ બાબતમાં જમાઈ સાથે વાત કરી તો જમાઈએ રાેકડું જ પરખાવી દીધું,"મેં તમારી દીકરીને મારા ઘરમાંથી કાઢી નથી મૂકી.હું એને કંઈ ત્રાસ નથી આપતો. હા, એટલું ખરું કે હું જિંદગીમાં ક્યારેય એને પત્ની તરીકે સ્થાન નહીં આપું. બાકી મારા ઘરમાં એને કોઈ વાતનું દુઃખ નહીં રહે. " 

જમાઈને સમજાવા સાસુ-સસરા અને મા-બાપે ઘણા પ્રયત્નાે કર્યા. આખરે જમાઈની મક્કમતા જોઇને મા-બાપ વનિતાને પોતાના ઘરે લઈ આવ્યા. જો કે, સમાજમાં બધા એમને સમજાવતાં હતાં કે, દીકરીને પાછી લઈ આવ્યા છો તો જમાઈ પાસે કોઈ ચોક્કસ રકમ માગો અથવા તો દર મહિને નિયમિત રકમ બાંધી દેા. પરંતુ વનિતા ના મા-બાપ કહેતાં અમે અમારી ખાનદાની નહીં છોડીએ. સામા પક્ષે વનિતાના સાસુ-સસરા બળજબરીથી લાખ રૂપિયા આપી ગયા અને કહેતા ગયા, "અમને માફ કરજો, અમારો ઇરાદો તમારી દીકરીની જિંદગી બરબાદ કરવાનો નહતો, પરંતુ અમારા દીકરા પાસે અમારું કંઈ ચાલતું નથી. એકનો એક દીકરો છે. એને સમજાવવા પ્રયત્ન કરીએ છીએ તો ઘર છોડીને ચાલી જવાની ધમકી આપે છે. તમે લાખ રૂપિયા નહીં સ્વીકારો કે અમને લાગશે કે તમે અમને માફ નથી કર્યાં. આ સિવાય પણ વનિતાને જ્યારે જરૂર પડે ત્યારે અમારી પાસે પૈસા માગી લે એ પણ એના હક તરીકે, નહીં કે "ભીખ તરીકે" કહેતાં વનિતાના સાસુ-સસરા રડી પડ્યા.

આખરે એવું નક્કી થયું કે લાખ રૂપિયા વનિતાના નામે મૂકી દેવા. વનિતામા બુદ્ધિનો અભાવ હતો જ. પિયરમાં પણ એ તો ખુશ જ રહેતી હતી. પરંતુ મા-બાપનું થોડા જ વખતમાં મૃત્યુ થતાં મોટા ભાભીનું ઘરમાં વર્ચસ્વ સ્થપાઈ ગયું હતું. વનિતાને ભાગે છણકા છાકાેટા જ સાંભળવામાં આવતા. મોટા ભાભીને બે દિયરાે પણ આંખના કણાની જેમ ખૂંચતા હતા, તેથી મોટાભાઈ અને ભાભી જુદા જતા રહેતાં ઘરની જવાબદારી વનિતા પર આવી ગઈ. બીજા ભાઈના લગ્ન થતાં એ પણ જુદાે જતો રહ્યાે. જ્યારે નાના ભાઈએ પર જ્ઞાતિની છોકરી સાથે લગ્ન કરતાં બધાના તિરસ્કારનો સામનો તો કરવો જ પડયો, પરંતુ નાનાે ભાઈ અમિત કહેતો એવું માનવાની જરૂર નથી કે જ્ઞાતિની છોકરી જ ખાનદાન હોય અને પરજ્ઞાતિની છોકરી ખાનદાન ના હોય. મૂળ વાત તો માણસના સંસ્કારની છે. અમિતની પત્ની મમતાએ પતિને કહ્યું, "આ બધા ની નફરત એક દિવસ પ્રેમમાં બદલીને જ રહીશ. જ્ઞાતિ અને સંસ્કારને કંઇ જ સંબંધ નથી. હું ક્યારેય તમને નફરતનો સામનો કરવો પડે એવી સ્થિતિ ઉત્પન્ન નહીં થવા દઊં."મમતાએ આવતાની સાથે જ એના નામને સાર્થક કરવા માંડ્યું. વનિતાને ખૂબ પ્રેમથી રાખવા માંડી. વનિતામા બુદ્ધિ ઓછી હતી. પણ પ્રેમ ના સમજી શકે એટલી પણ ઓછી બુદ્ધિ ન હતી. વનિતા પણ મમતા જોડે ઘણી આત્મીયતાથી રહેવા લાગી હતી. એટલું જ નહીં, એના દીકરા દીકરીને પણ પ્રેમ થી રાખતી હતી.

જો કે અમીતની આવક ખાસ ન હતી. બચત તો ક્યાંથી હોય? હા, દેવું તો ચોક્કસ વધતું જતું હતું. પરંતુ એના વનિતા પ્રત્યેના પ્રેમમાં ક્યાંય ઓટ આવી ન હતી. જો કે રક્ષાબંધન પર એ ત્રણેય ભાઇઓને રાખડી બાંધતી, પરંતુ પૈસાની ક્યારે અપેક્ષા રાખતી ન હતી. જો કે બધા સલાહ- સુચનાે જરુર આપતા કે તારા મોટાભાઈ પાસે ઘણો પૈસો છે. તારા વચલા ભાઈ ભાભી બંને જણા કમાય છે. હજાર રૂપિયાથી ઓછા આપે તો રાખડી બાંધવાની જ નહીં. જાણે કે રાખડી બાંધવી એ વહેપાર બની ના ગયો હોય ? અરે, ભાઈ જે વીર પસલી આપે છે એ તો એક પ્રતીક છે. તમે એને પૈસાથી તોળાે તો પ્રેમ લુપ્ત થઈ જાય. એટલી સમજ વનિતામાં હતી. ભલે બે મોટા ભાઈઓ ઘણી મોટી રકમ આપે તો પણ જે પ્રેમ નાનાે ભાઈ અમિત આપે છે એની સમક્ષ કોઈ આવી શકે તેમ નથી. અમિતનો દીકરો જક લઈને બેઠો હતો કે હું ભણવા માટે પરદેશ જ જઈશ. એને પરદેશ મોકલવા માટે પણ અમિતને દેવું જ કરવું પડ્યું. એની દીકરી પરણાવી એ વખતે પણ દેવું જ કરવું પડ્યું. ઓછી આવકમાં પણ પ્રેમથી કઈ રીતે રહેવું એ વાત બધાએ અમિત અને મમતા પાસેથી શીખવા જેવી હતી. 

દીકરો પરદેશમાં ભણીને કમાતો થશે અને ધીરે ધીરે બધું દેવું ભરપાઈ થવા માંડશે એ આશા પણ ઠગારી નીવડી. કારણ દીકરાએ પરદેશમાં જ ત્યાંની યુવતી સાથે લગ્ન કરી લીધાં. જો કે યથાશક્તિ એ મદદ કરતો, પરંતુ એનાથી માત્ર વ્યાજ જ ભરાતું. એ દરમિયાન વનિતાની તબિયત બગડતી જતી હતી. વારંવાર ઘરમાં બેભાન થઇ જતી હતી. ઘરના ખર્ચા તો વધતા જ જતા હતાં. આખરે વનિતાના પૈસામાંથી દવાના પૈસા લેવા પડ્યા. છેવટે ડોકટરેાએ કહ્યું કે ઓપરેશન કરવું પડશે. ઓપરેશન પછી પણ સારું થવાની શક્યતા નહિવત છે. છતાં પ્રયત્ન કરીએ. ઘણા બધા કેસમાં સારું પણ થાય છે. અમિતે પૈસા માટે બંને ભાઈઓ ને વાત કરી, પરંતુ બંને જણા પાસે વધુ ખર્ચો થઈ જાય છે એવા બહાના ઊભાં જ હતાં. એટલું જ નહીં, પરંતુ ઓપરેશન વખતે કે દવાખાને કોઈ આવ્યું પણ નહીં. તેથી જ મમતાએ કહ્યું કે આપણો દીકરો સિટિઝન થઈ ગયો છે. આપણે પરદેશ જતા રહીએ.હું પણ તમારી સાથે કમાઈશ અને દેવું ચૂકતે પણ કરીશું અને વનીતાબેન ની ઉત્તમ સારવાર પણ થશે. વનિતાનું ઓપરેશન દેવું કરીને કરાવ્યું પણ સફળ ના થયું.

ડોક્ટરોએ કહ્યું, "મગજ સુધી લાેહી નહીં પહોંચવાના કારણે વારંવાર આવુ થતું રહેશે."અમિત અને મમતા એ બંને મોટા ભાઈઓ ને વાત કરી કે તમે બહેનને તમારે ત્યાં રાખો અમે પૈસા મોકલીશું, પરંતુ બંને ભાભીઓએ તબિયત સારી નહીં હોવાનું કારણ આગળ ધર્યું. હકીકતમાં વનિતાને રાખવા કોઈ તૈયાર ન હતું. આખરે માત્ર પૈસાદારોને જ પોસાય એવા વૃદ્ધાશ્રમમાં પ્રવેશ મળી ગયો હતો. અમિત અને મમતા નિશ્ચિંત મને પરદેશ જવા ઉપડી ગયા હતા. અવારનવાર અમિત અને મમતા બન્ને ભાઈઓને ફોન કરી ને કહેતા હતા કે તમે વનિતાની ખબર લેજો, પરંતુ બંનેમાંથી કોઈની પણ પાસે સમય ન હતો. કદાચ સમય નથી એવું કહેવા ખાતર જ કહેતા. ક્યારેક કહેતા કે, "અમે જરૂર જઈશું પણ, ક્યારેય વનિતાને મળવા જતા નહીં. ત્યારબાદ અમિત એના મિત્રોને કહેતો કે તમે મારી બહેનની ખબર લેવા જજો અને મિત્રો અચૂકપણે વનિતાની ખબર લેવા જતાં. અમિત અને મમતા સખત કામ કરતા અને કરકસરથી રહેતાં જેથી ઘણું બધું દેવું ચૂકતે થવા માંડ્યું હતું. તે ઉપરાંત થોડી ઘણી બચત પણ થતી. મમતા ઘણીવાર કહેતી, "વનીતાબેનને એકલા મૂકતા મારો જીવ નથી ચાલતો, પણ આપણી મજબૂરી છે, પરંતુ થોડી વધુ બચત થાય એટલે આપણે વનીતાબેન પાસે જતા રહીશું." વનિતા જાણતી હતી કે માત્ર અમિત જ મારી ખબર રાખે છે. હવે તો એને એવો પણ ખ્યાલ આવી ગયો હતો કે એની જિંદગીના થોડાં વર્ષો માંડ બચ્યા છે. 

જ્યારે રક્ષાબંધનનો તહેવાર આવ્યો ત્યારે સમાજમાં દેખાડવા માટે બંને ભાઈઓ વૃદ્ધાશ્રમ પહોંચી ગયા હતા અને રાખડી બંધાવી પાકીટ ખાેલતા હતા ત્યારે વનિતા બાેલી ઊડી, "મને તો બારેમાસ વીર પસલી મળે છે. શું તમે રૂપિયા પૈસા આપો એટલે તમે બેન માટે કંઈક કર્યું છે એમ માનો છો ? રાણી કર્ણાવતીએ પણ હુમાયુને રાખડી મોકલી હતી ત્યારે કંઈ રક્ષાબંધનનો તહેવાર ન હતો. વીર પસલી એ તો હ્રદયનો ભાવ છે. એ રૂપિયા પૈસાથી ના મપાય. એ માટે ભાઈઓએ બહેનનો પ્રેમ મેળવવો પડે છે અને બહેન પણ રૂપિયા પૈસાની ગણતરી વગર નિ:સ્વાર્થ પ્રેમ અર્પણ કરે છે. વીર પસલી એટલે રૂપિયા કે પૈસાનો વ્યવહાર નથી, એ તો નિ:શ્વાર્થ પ્રેમનું પ્રતીક છે. તેથી જ મેં કહ્યું છે કે મને અગ્નિદાહ પણ અમિત જ આપશે. હું પણ જાણું છું કે, હું હવે થોડા વખતની મહેમાન છું. મારે રૂપિયાની નહી, પ્રેમની જરૂર છે. આજે જ મેં વીર પસલી ના બદલામાં અમિત પાસે વચન લીધું છે કે તું જ મને અગ્નિદાહ આપજે. હા, હું તમારા બંને જણ માટે ભગવાનને પ્રાર્થના કરીશ કે તમે સુખી રહો, "એટલું બોલતાં જ વનિતા ભાન ગુમાવી બેઠી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational