Pravina Avinash

Comedy

1.5  

Pravina Avinash

Comedy

વગર ટિકિટે અમેરિકા - દર્શન

વગર ટિકિટે અમેરિકા - દર્શન

3 mins
14.3K


ટિકિટ પણ નહીં, વિસા પણ નહીં એક પૈસાના ખર્ચ વગર કોઈ અમેરિકા આવ્યું હોય તેવું તમે સાંભળ્યું છે? નવાઈ લાગે છે ને?

આજે અચાનક સવારે વર્ષો પહેલાં આવેલા એ મહેમાનની યાદ આવી ગઈ. કેમ આવી એનું કારણ ખબર નથી. કિંતુ યાદ આવી એ હકિકત છે. એટલે થયું ચાલો તમને સહુને તે મહેમાનની ઓળખાણ કરાવું.

જો કે તેને જોઈને આનંદ નહીં થાય એની સો ટકા ખાત્રી હું તમને આપું છું. મને પણ નહોતી થઈ. ખરેખર જુઓ તો ઈર્ષ્યા આવી હતી.

લોકો અમેરિકાના વિસા માટે કેટલા પરેશાન થાય છે. મારા સગામાં એક બહેનને ત્રણ વાર વિસા ન મળ્યા. હવે કહે છે મારે અમેરિકા જવું નથી. કેટલા પૈસાના પાણી કર્યા? તેમની એકની એક દીકરી અહીં છે. "બેટા, તને મળવું હોય તો આવીને મળી જા."

હવે તમારી ઈંતજારી વધતી જાય છે. આ કયા મહેમાન છેક ભારતથી દસ હજાર માઈલ દૂર પાસપોર્ટ વિસા અને ટિકિટ વગર આવ્યા. અમેરિકાના કસ્ટમને ઉલ્લુ બનાવી પ્રવેશ્યો !

હવે વાત એમ હતી મારે ત્યાં મારી બહેનપણી અને તેના પતિદેવ ભારતથી આવ્યા હતા. હા, એ પણ તેમની સાથે આવ્યો હતો. ભારતથી આવે એટલે થાક અને સમયનું સામ્રાજ્ય વરતાય. ભારતમાં દિવસ અહીં રાત. અહીં રાત ભારતમાં દિવસ. આવ્યા ત્યારે તો મળવાનો ઉમંગ હતો. જમ્યા પછી થાક જણાયો. બન્ને જણાને કહ્યું, "આરામ ફરમાવો. પછી વાતો કરીશું."

રાતના પણ થોડું જમીને સૂઈ ગયા. તેમને અમારા બધા માટે લાવેલી ભેટ સોગાદો બતાવવાનું મન હતું.

મેં કહ્યું, "બેગમાંથી કશું ક્યાંય નહીં જાય. અમેરિકામાં શાંતિ છે. ઘરમાં કામ કરવાવાળ ન હોય એટલે ચોરીનો ભય હોય જ નહીં."

બીજ દિવસે સવારે મોડાં ઊઠ્યાં. ગરમ તાજા ડોનટ અને ચા પીવાની મઝા માણી. તેમનો લાવેલો સામાન હજુ તેમના બેડરૂમમાં નહોતો પહોંચ્યો. થયું થોડો ભાર હળવો થાય પછી બેગો ઉપર લઈ જઈશું. સહુ પ્રથમ બધા નાસ્તા અને મસાલા નીકળ્યા. મારા માટે ખાસ બાજરીનો લોટ દળાવીને લાવ્યાં હતાં. આજની તારીખમાં પણ મને બાજરીના રોટલા ખૂબ ભાવે છે. અડધી બેગ ખાલી થઈ ગઈ.

બીજી બેગમાં મારા માટે નવી સાડી મગાવી હતી. મારે લગ્નમાં જવાનું હતું. ભારતથી લાવે તો તેની સાથે બ્લાઉઝ અને ચણીયો પણ આવે. મારી સહેલીએ બેગ ખોલી અને એ વણનોતર્યા, વગર ટિકિટ અને વિસાવાળા મહેમાને દેખા દીધા.

હું તો ગભરઈ ગઈ! "અરે, તું મારા માટે આને પણ ભારતથી લાવી? મેં તને અને તારા પતિદેવને આમંત્રણ આપ્યું હતું, આને નહીં? હવે આને પકડો, ઘરમાં ક્યાંય ભરાઇ ન જાય! હું તો તેનાથી બાર ગાઉ દૂર રહું."

મારી સહેલી વિચાર કરે, "આ મુસાફર ક્યાં અને કેવી રીતે બેગમાં છુપાયો મને ખબર નથી."

"અરે, એ વાત પછી. પહેલાં એને ઘરમાંથી બહાર કાઢ નહીં તો ઈમિગ્રેશનવાળા મને હેરાન કરશે ! જો ભૂલેચુકે ક્યાંક ભરાઈ જશે તો ખોળવો મુશ્કેલ પડશે !"

અમે સહુ તેની પાછળ પડ્યાં. તે મરે નહીં તેનું ખાસ ધ્યાન રાખ્યું. હવે અહીં સુધી આવી જ ગયો છે ભલે અમેરિકાની ધરતીનું અવલોકન કરે ! અહીંના ચોખ્ખા હવા પાણીમાં થોડો તગડો થાય છે વગર ટિકિટ, વિસા અને પાસપોર્ટવાળા મહેમાનને મારા મિત્રો ઓળખી ગયા?

વાંદો...


Rate this content
Log in

Similar gujarati story from Comedy