વાયરલ તું પણ !
વાયરલ તું પણ !


"અરે, આ તો આપણી બાજુમાં રહેતા કિશનભાઈનો વિડીયો છે. જુવો તો બધા કેવી ટિપ્પણી કરે છે કે આ માણસ ખુબ જ લડાક છે." રમાબહેન પોતાના લેડીઝ ગ્રુપમાં આવેલ એક વિડીયો રમણભાઈને બતાવતા બોલ્યા.
"હા રે, આ વાયરલની રામાયણ શું ટિપ્પણી કરવાવાળા પોતે ઝગડો ન કરતા હશે. બિચારો કિશનિયો અમથો જ ફસાયો." રમણભાઈ બોલ્યા.
"તે જ તો."
હજી તો રમાબહેન અને રમણભાઈની વાત ચાલતી હતી ત્યાં તો કિશનના ઘરમાંથી કોલાહલ સાંભળ્યો, બને બહાર આંગણામાં આવ્યા.
"રમણભાઈ આ કિશાનતો ગુસ્સામાં જાય છે પોલીસ સ્ટેશન તમે પણ જરા સમય હોય તો જાવો ને એની સાથે." કિશનભાઈના પત્ની બોલી ઉઠયા.
"હા ભાભી જાવ છું હું. એમ પણ આ કિશાન જેઠાલાલ અને હું તેનો મિત્ર તારક મહેતા.હા... હા..હા.. હેને કિશન." રમણભાઈ વાતાવરણને હળવું બનવાનો લૂલો પ્રયાસ કરી રહ્યા હતા.
કિશનભાઇ તો રમણભાઈ સાથે પહોંચી ગયા પોલીસ સ્ટેશન અને ઇન્સ્પેક્ટર વાઘમારેને ફરિયાદ કરી.
"પાટીલ કઈ કરવું પડશે આજે આ પાંચમી ફરિયાદ છે વાયરલ વિડીયોની જોવું પડશે કે નવો ડિરેક્ટર કોણ છે જે બધા લોકોને આ રીતે કાસ્ટ કરે છે." ઇન્સ્પેક્ટર વાઘમારે તેમની લાક્ષણિક અદામાં બોલ્યા.
"કઈ નહિ તમે નિરાંતે ઘરે જાવો આજે સાંજ સુધીમાં અમે આ ડિરેક્ટરને પકડી લઈશું." કિશનભાઇ અને રમણભાઈ તો નીકળી ગયા ઘરેથી જવા માટે.
"સર,તમે સાંજ સુધીમાં આ વ્યક્તિને પકડવાનું આશ્વાસન તો આપ્યું પણ અમદાવાદની આટલી વસ્તીમાં તેને ક્યાં શોધીશું. સાઇબર સેલવાળાની મદદ લઈએ." પાટીલની ચિંતા વધી.
"પાટીલ ધ્યાનથી જો આ વિડીયો મોબાઈલ વડે લેવાયો છે, કારણ કે વિડીયો સાથે જ ફોટો પણ આવ્યો છે તેમાં "રેડમી નોટ 5" લખ્યું છે." વાઘમારે બોલ્યા.
"હા સર એ તો છે તો આપણે મોબાઈલ નેટવર્કવાળાને ક્યા નંબર તે એરિયામાં એકટીવ હતા તે શોધવા કહી દઈએ, પછી લિસ્ટ આવે તેમાંથી તારવશું." પાટીલ અતિ ઉત્સાહમાં આવી બોલ્યો.
"એવી રીતે તો કાલ પડી જશે ."
"તો સર હવે ?"
"અરે જરા તો વિચાર. આ વિડીયો જ્યાં લેવાયો તેની આજુબાજુ તો કેટલી દુકાનો છે અને એના સીસીટીવી કેમેરા દેખાય છે જો વિડીયોમાં તેના પરથી આપણે તે વ્યકતિને પકડી લઈશું અને તેનો ફોટો ટ્રાફિક પોલીસના લાઇસન્સ રેકોર્ડમાં હશે તેના પરથી શોઘી લઈશું. ચાલો ત્યારે કામે લાગી જઈએ."
સાચે જ ઇન્સ્પેક્ટર વાઘમારેની યુક્તિથી તે વ્યક્તિની ઓળખાણ થઇ ગઈ. રેહાન નામનો કોલેજીઅન હતી અને મજાની વાત તો એ નીકળી કે એ કિશનભાઈની સોસાયટીમાં રહેનારો નીકળ્યો.
"સર, આ છોકરો તો કોણ છે એ તો ખબર પડી ગઈ પણ એને સજા શું કરીએ ?કારણ કે આપણા કાનૂનમાં તો એની જોગવાઈ જ નથી." પાટીલે વાઘમારેને વાજબી પ્રશ્ન કર્યો.
"અરે કઈ નહિ આપણે એનો કોઈ વિડીયો વાયરલ કરી લઈશું. પહેલા કિશનભાઇને તો સમાચાર આપી દઈએ."
થોડી વારે જયારે રેહાન સોસાયટીમાં દાખલ થયો તો બધા એના પાર હસવા લાગ્યા કારણ કે તેનો એક કૂતરો પાછળ પડ્યો હોય અને તે ભાન ગુમાવી ભાગતો હોય તેવો વિડીયો વાયરલ થઇ ગયો હતો. તેના ફોનમાં પણ તે વિડીયો આવ્યો અને તેના કોલેજના મિત્રો તેની હસી ઉડવા લાગ્યા, કિશનભાઇ અને રમણભાઈ તેના ઘરે જ બેઠા હતા.
"શું થયું બીટા રેહાન તારો પણ વિડીયો વાયરલ થઇ ગયો. બહુ ખરાબ લાગતું હશે ને ? " રમણભાઈ લાગ જોઈ બોલ્યા.
"હું તો કહું છું રેહાન ચાલ પોલીસ પાસે ખબર તો પડે આમ આપણા વિડીયો કોણ વાયરલ કરે છે ." કિશનભાઇ પણ બોલ્યા.
"ના ના પોલીસ પાસે નહિ ."
"કેમ અહીં પોલીસ તો આવી ગઈ જો.."
ત્યાં તો ઇન્સ્પેક્ટર વાઘમારે અને પાટીલ આવી પહોંચ્યા, તેમને જોતા જ રેહાનના મોતિયા મારી ગયા. એ સામેથી જ બધાની માફી માંગવા લાગ્યો.
"વાંધો નહિ બેટા, પણ તને ખબર છે અને કારણે વિડિયોમાં જે વ્યક્તિ હોય તે બધાની મશ્કરીનું પાત્ર બની જાય છે. બેટા માણસને ઈજ્જત કમાતા આખી જિંદગી લાગી જાય છે માટે કોઈની પણ સાથે આવી મસ્તી ન કરવી." કિશનભાઇ બોલી ઉઠયા.
"સોરી કાકા મારી ભૂલ થઈ. હું હવે આવી ભૂલ ક્યારેય ન કરું."
"વાહ સર, તમે તમારી સૂઝબૂઝથી એક વધુ કેસ સોલ્વ કરી નાખ્યો." પાટીલ ખુશ થતા ઇન્સ્પેક્ટર વાઘમારેને બોલ્યો.
"હા પાટીલ, જમાનો નવો સમસ્યા નવી તો તેનો ઉકેલ પણ નવો જ લાવવો પડે ને ! ચાલો ત્યારે પાંચ ઉપાડીએ આપણા લિંકન રોડ પોલીસ સ્ટેશન .