વાવડી
વાવડી
અડાલજની પ્રસિધ્ધ વાવ વિશે તો આપ જાણતા જ હશો. નજીકમાં જ પીટીસી કોલેજ આવેલી છે. પીટીસી માં એડમીશન મળ્યું ને તે દિવસે વાવ જોવાની બહુ ઈચ્છા હતી પણ એડમિશનની ફોર્માલીટી અધૂરી રહી ગઈ પરંતુ હવે તો નજીક જ હતી એટલે ગમે ત્યારે જોવાશે એમ મનને મનાવ્યું.
થોડા દિવસ પછી પાઠ આપવા ગામની સ્કૂલમાં જવાનું થયું. જતા-જતા નજર કરી, અડાલજની વાવ ખૂબ સુંદર દેખાતી હતી. જેવો પાઠ પત્યો અમે બધી છોકરીઓ નક્કી કર્યું હતું આજે તો વાવ જોવી જ છે. ત્યાં પહોંચ્યા ખૂબ પગથિયાં, સુંદર કોતરણી, અદ્ભુત શિલ્પ, વર્તુળાકાર મોટા મંડપ, સ્તંભના વળાંકો પર સુંદર નક્શીકામ. પ્રથમ વખત જોનાર તો મંત્રમુગ્ધ બની જોયા કરે એટલું મનોહર. બધા ત્યાં દોરેલ ચિત્રો સમજવામાં લાગી ગયા હતા. કેટલા વર્ષો લાગ્યા હશે નહિ ? આ વાવને બનતા !
જાણવાની તાલાવેલી લાગી કે કોણે બનાવી હશે આવી અદ્ભુત વાવ...અને એ પણ એ જમાનામાં વાવ ... એન્જિનિયર કેટલા જોરદાર હશે નહિ.! અમારી વાતો સાંભળતું એક કપલ હસી રહ્યું હતું પછી કહ્યું કે તમારા બધા પ્રશ્નોનો જવાબ અમારી પાસે છે. પૂછો આજે હું તમારી ગાઈડ .. એ સુંદર યુવતી બોલી ને યુવકે સૂર પુરાવ્યો .. તો ચાલો જણાવી દઉં કે આ વાવ અડાલજ ગામની સીમમાં વીરસંગ વાધેલાએ પત્ની રાણી રૂડીબાઈની માટે વાવનું બાંધકામ શરૂ કરાવ્યું હતું, ત્યાં મહમદ બેગડાએ ચઢાઈ કરી વિરસંગ મૃત્યુ પામ્યો, ત્યારબાદ વાવ અધૂરી રહી ગઈ. બેગડો રાણીને જોતાવેંત એના પ્રેમમાં પડ્યો લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. રાણી રૂડીબાઈએ શરત રાખી કે
જો મહમદ વાવનું કામ પૂર્ણ કરાવશે તો જ લગ્ન કરશે તેના પછી મહમદ બેગડાએ વાવનું નિર્માણ ઇ.સ. ૧૪૯૯માં પૂર્ણ કરાવ્યું હતું. રાણી રૂડીબાઈ ત્યારબાદ વાવનું બાંધકામ જોવા ગયા. તેમનો ઉદ્દેશ્ય પૂર્ણ થઈ ગયેલ લાગતા તેમણે વાવમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી. આથી આ વાવને રૂડીબાઈની વાવ પણ કહેવામાં આવે છે.
અને યુવતી બોલી: 'વાહ ગુરુ, બહુ રિસર્ચ કરી આવ્યા છો. ચાલો તમને આ કોતરણી વિશે સમજાવું. કહી એણે એક એક શિલ્પ, સ્તંભ વિશે સમજાવવાનું શરૂ કરી દીધું. અમે સાંભળતા હતા ત્યાં એક છોકરી બોલી અરે ! પાંચ વાગી ગયા ચાલો જલ્દી હોસ્ટેલમાં રિપોર્ટિંગ કરવું પડશે. નહિ તો મેટ્રન સજા આપી દેશે.
યુવતી ફરી બોલી: ઓહ ! તમારા મેટ્રન એટલા ક્રૂર છે. મારી રૂમમેટ બોલી, હા જ તો વળી અને... મે એને અટકાવીને કહ્યું : આભાર મેડમ. તમારું નામ શું છે ? માલવિકા અને આ મલય. બહુ આનંદ થયો આપને મળીને કાશ અમારા પ્રોફેસર પણ તમારા જેવા બેવ જેવા હોત સ્ટાઇલિશ જ્ઞાની.
કાલે અમારે પણ નવા પ્રોફેસર આવવાના છે. હશે બોરિંગ. મારે તો એમનું સ્વાગત પ્રવચન પણ તૈયાર કરવાનું છે. ચાલો આવજો.
વાવ ને યાદ કરતા કરતા સૂઈ ગયા. સવારે પ્રાર્થનામાં પતી ત્યાં જ નવા પ્રોફેસર હાજર થયા અમે ડઘાઈ ગયા એમણે ઊભા થઈ માઈક હાથમાં લીધું અને કહ્યું: સુપ્રભાત મિત્રો, મારું નામ માલવિકા હું તમારા મેટ્રનની બહેન છું અને આજથી તમારી નવી પ્રોફેસર, વિશ્વાસ કરો હું બિલકુલ બોરિંગ નથી મારી સામે જોતા જોતા બોલ્યા અમે સહુ નીચે જોઈ રહ્યા.