આદત
આદત


લગભગ એક વર્ષ થઈ ગયું હતું એ વાતને. છતાં આજે તિજોરી ખુલતા જ એણે ગિફ્ટ આપેલો ડ્રેસ આંખ સામે આવી જ જાય છે. હળવેકથી વિચારો ખંખેરી તિજોરી બંધ કરી બેસી જાઉં છું.
ને ફરી ફરી એ દ્રશ્યો આંખ સામે તરવરે. ક્યાંક બહાર જવાનું થાય ત્યારે ચાર પાંચ ડ્રેસ પલંગ પર ગોઠવી ફોટા પાડીને મોકલતી હતી, પૂછવા કે કયો ડ્રેસ પહેરું. એની આંખ જ્યાં ઠરતી એ ડ્રેસ એની સાથે મેચિંગ એરિંગ પણ જોઈ લેતી. ખબર છે એ સાથે નહિ આવે પણ તૈયાર થઈ એક સેલ્ફી તો મોકલીજ દેતી. આ મારી આદત બની ગઈ હતી. એ સાચા વખાણ કરતો કે ખોટા પણ બહુ ગમતું. આખો દિવસ એમ જ લાગતું કે એ મારી સાથે છે.
શું હું એના પ્રેમ માં હતી ? કદાચ નહોતી. એના કહેવા મુજબ હતી પણ હતું શું તે ના સમજાયું પણ કૈક જોડાણ હતું. હું એને બેસ્ટ ફ્રેન્ડ માનતી એ પણ પોતાની બધી વાતો મને કહેતો. હું તેને સાંભળતી તે મને. આમ બે વર્ષ ચાલ્યું પછી એ બદલવા લાગ્યો કદાચ એ મારા પ્રેમમાં પડી ગયો. હા, વાતો કરતો પણ કદી અભદ્ર ટીકા, કે ટિપ્પણી ના કરતો, બહુ આદર કરતો.
એક વાર એણે પ્રપોઝ કર્યું હું ગુસ્સે થઈ, કે આપડે મિત્રો છીએ ને લાંબુ ભાષણ આપ્યું. વાતો બંદ કરી જ્યાં ત્યાં બ્લોક કર્યો. એક વર્ષ પછી પણ આજે જ્યારે બહાર જાઉં એમજ પલંગ પર કપડાં ગોઠવી ફોટો લઉં છું ને એને મનમાં પૂછું છું બોલ કયો સારો લાગશે. જવાબ નથી મળતો પણ સેલ્ફી લેવાની આદત પડી ગઈ. ફોટો મોકલતા જે સાચા ખોટા વખાણ હતા એની આદત પડી ગઈ છે. પ્રેમ મિત્રતાની આડે આવે છે કે મિત્રતા પ્રેમની આડે શું ખબર.