વાત થશે ? - Part 11
વાત થશે ? - Part 11


જુગલ અને મહેક રસોડામાં સેન્ડવીચની તૈયારીઓ કરવા લાગ્યા. એટલામાં ઘરમાં ઈલેક્ટ્રીસીટી આવી ગઈ. પંખો ચાલુ થયો એટલે બેઉને હાશ થઈ!
"જુગલ તું પહેલા મમ્મીજીની ખબર પૂછી લે. હવે હું પતાવી દઈશ." મહેકે કહ્યું. જુગલ રસોડામાંથી બહાર આવ્યો. ફોન લેવા ગયો ત્યાં એની નજર ટેબલ ઉપર પડેલી બુક ઉપર ગઈ.
"મહેક, આ બુક તને ક્યાંથી મળી?" જુગલે નવાઈથી પૂછ્યું.
"યાદ છે? મમ્મીજીએ આપણને લાસ્ટ એનીવર્સરી વખતે ગિફ્ટ આપી હતી? આજે રૂમમાં ટાઇમપાસ કરતા કરતા હાથમાં આવી. આખી બપોર એ જ તો વાંચતી હતી." મહેકે રસોડામાંથી જ મોટા અવાજે કહ્યું.
જુગલ ઝડપથી એના રૂમમાં ગયો અને ગિફ્ટ રેપ કરેલી એવી જ બીજી બુક લઈને બહાર આવ્યો. મહેકને બતાવીને કહ્યું, "મહેક, આ જો. મમ્મીએ મને પણ આ જ બુક આપી હતી! હું હમણાં રૂમમાં હથોડી મૂકવા ગયો ત્યારે મારા ડ્રોવરમાં પડી હતી. એ વાંચ્યા પછી જ તો મેં તને ફોન કર્યો!" જુગલ વિચારતા વિચારતા બોલતો હતો.
"આઈ નો જુગલ! તે પેલી વાત કરી ને, 'ઘરમાં વાઈફ જોડે ફ્રેન્ડ તરીકે રહેવાની', ત્યારે જ હું સમજી ગઈ હતી કે તે પણ એ જ બુક વાંચી છે. મેં આજે જ આ બધું વાંચ્યું." મહેકે શાંત અવાજે કહ્યું.
જુગલ બાલ્કનીમાં બેઠો બેઠો થોડી વાર વિચારતો જ રહ્યો. મહેક રસોડામાં એનું કામ કરતી હતી. થોડી વાર રહીને જ્યાંથી વાંચવાનું અટક્યું હતું ત્યાંથી જુગલે આગળ વાંચ્યું.
"એ કહેવાથી સુધરે નહીં. કહેવાથી તો અવળો થાય ઊલટો. એ તો કો'ક ફેરો જ્યારે વિચારવા ગયો હોય ત્યારે આપણે કહીએ કે આ ભૂલ કેવી રીતે સુધરે? સામાસામી વાતચીતો કરો, આમ ફ્રેન્ડશીપની પેઠ. વાઈફ જોડે ફ્રેન્ડશીપ રાખવી જોઈએ. ના રાખવી જોઈએ? બીજા જોડે ફ્રેન્ડશીપ રાખો છો. ફ્રેન્ડની જોડે આવું કકળાટ કર્યા કરો છો રોજરોજ? એની ભૂલ ડિરેક્ટ દેખાડ દેખાડ કરાવતા હશો? ના! કારણ કે ફ્રેન્ડશીપ ટકાવવી છે. અને આ તો પૈણેલી ક્યાં જતી રહેવાની છે? આવું આપણને શોભે નહીં. જીવન એવું બનાવો કે બગીચા જેવું. ઘરમાં મતભેદ ના હોય, કશું ના હોય, એવું ઘર આમ બગીચા જેવું લાગે. ને ઘરમાં જરાય ડખલ ના થવા દઈએ કોઈને. સહેજેય નાના છોકરાની ભૂલ એ જો જાણતો હોય તો ના દેખાડાય. ના જાણતો હોય તે જ ભૂલ દેખાડાય. તમને કેમ લાગે છે?"
આ વાંચીને જુગલે હકારમાં માથું ધુણાવ્યું. મહેક રસોડામાંથી જુગલને વાંચતા જોતી હતી. તેની આંખોમાં પણ એક સંતોષની લાગણી હતી.
જુગલે રેન્ડમ બીજું પાનું ખોલીને આગળ વાંચ્યું, અને જાણે એની આંખો જ ખૂલી ગઈ.
"પ્રેમમાં કોઈ દહાડો ય આખી જિંદગીમાં છોકરાનો દોષ ના દેખાય, બૈરીનો દોષ ના દેખાય, એનું નામ પ્રેમ કહેવાય. પ્રેમમાં દોષ દેખાય
જ નહીં એને અને આ તો લોકોને કેટલા દોષ દેખાય? 'તું આવી ને તું એમ!' અલ્યા, પ્રેમ કહેતો હતો ને? ક્યાં ગયો પ્રેમ? એટલે ન્હોય પ્રેમ. જગતમાં વળી પ્રેમ હોતો હશે? પ્રેમનો એક વાળ જગતે જોયો નથી. આ તો આસક્તિ છે.
અને જ્યાં આસક્તિ હોય ત્યાં આક્ષેપો થયા વગર રહે જ નહીં. એ આસક્તિનો સ્વભાવ છે. આસક્તિ થાય એટલે આક્ષેપો થયા જ કરેને કે, 'તમે આવા છો ને તમે તેવા છો.' 'તમે આવા ને તું આવી' એવું ના બોલો, નહીં? તમારા ગામમાં ત્યાં ના બોલે કે બોલે? બોલે! એ આસક્તિને લીધે. પણ જ્યાં પ્રેમ છે ત્યાં દોષ જ ના દેખાય."
જુગલે બાલ્કનીમાંથી જ મહેકને પૂછ્યું, "મહેક મમ્મીને આ બુક ક્યાંથી મળી તને ખબર છે?"
"ખબર નથી. એમને જ ફોન કરીને પૂછી લે ને!" મહેક બોલતા બોલતા સેન્ડવીચ લઈને બહાર આવી. બંને ડાઈનીંગ ટેબલ ઉપર બેઠાં અને જુગલે મમ્મીને ફોન લગાવ્યો.
"હેલો મમ્મી, બધું ઓલરાઈટ? હા, અહીં પણ લાઈટ આવી ગઈ! મમ્મી એક વાત પૂછું? પેલી તે એનીવર્સરી વખતે બુક આપી હતી ને, એ તને ક્યાંથી...?"
"એની પાછળ લાંબી સ્ટોરી છે. મળીને કહીશ. પણ એમ કહો કે તમારી બંનેની વચ્ચે બધું બરાબર હવે?" મમ્મીએ બોમ્બ ફોડ્યો!
જુગલે ફોન મ્યુટ કરીને મહેકને ઈશારાથી પૂછ્યું, "આપણી વચ્ચે પ્રોબ્લેમ વિશે મમ્મીને કોણે કહ્યું?"
"ખબર નહીં. પણ 'મા' છે જુગલ, આંખ જોઇને સમજી જાય!" મહેકે સમજણ દાખવી.
જુગલના મમ્મી સમજી ગયા કે ફોનના બીજા છેડે શું ગુસપુસ ચાલતી હશે. એ પ્રેમથી ફક્ત એટલું જ બોલ્યા, "બેટા, આ પુસ્તકમાં જ્ઞાની પુરૂષ દાદા ભગવાને કહ્યું છે એમ એકબીજાના 'કમ્પેનિયન' થઈને રહેજો. ફ્રેન્ડની જેમ. રોજ બે પાનાં વાંચી શકો તો તો બેસ્ટ!"
જુગલ અને મહેક ચૂપચાપ સંભાળતા રહ્યા. મમ્મીએ ધીમેથી ફોન મૂક્યો. એમનું કામ થઈ ગયું હતું. આ બાજુ જુગલ અને મહેક એકબીજા સામે જોઈ રહ્યાં, અને પોતાની અત્યાર સુધીની નાદાની ઉપર હળવું હસ્યા!
બંનેને હવે બહાર કાઉન્સેલિંગ માટે જવાની જરૂર ન રહી. "પતિ-પત્નીનો દિવ્ય વ્યવ્હાર" પુસ્તકમાં પરમ પૂજ્ય દાદા ભગવાનની વાણીએ આજે મોટું કામ કરી દીધું! કારણ કે, એમની ભાવના હતી કે દુનિયા આ અણસમજણના દુઃખોમાંથી બહાર આવે. તેઓશ્રી પતિ-પત્ની સાથેના સત્સંગમાં કહેતા, કે "ઘરમાં કયા પ્રકારનાં દુઃખો થાય છે, કયા પ્રકારના ઝઘડા થાય છે, કયા પ્રકારના મતભેદ થાય છે? એ જો બન્ને જણ લખી લાવતા હોયને તો એને એક કલાકમાં જ બધાનો નીવેડો લાવી આપું. અણસમજણથી જ મતભેદ ઊભા થાય છે બીજું કશું નહીં."