વાત થશે ? - Part 4
વાત થશે ? - Part 4
ડૉ. રુસ્તમ આજે બીજી એપોઇન્ટમેન્ટ્સ કેન્સલ રાખીને જુગલ અને મહેક માટે ખાસ ટાઈમ લઈને બેઠા હતા. એમને ખૂબ આશા હતી કે આજે કંઇક એવું જાણવા મળશે જેનાથી વાત આગળ વધશે. જેવા જુગલ અને મહેક આવ્યા, તેમણે ઓફિસ બોયને કહીને બેઉ માટે ચા-નાસ્તો પણ મંગાવ્યો.
“આજે આપણે શાંતિથી વાટ કરીશું. ટો કહો ની, તમારા લવ મેરેજની સ્ટોરી?” ડૉ. રુસ્તમે સીધો પ્રશ્ન જ કર્યો.
“એ મ્યુચ્યુઅલ ડિસીઝન હતું. બસ, બની ગયું.” મહેકે ટૂંકમાં જવાબ આપતા કહ્યું. આગળ વાત કરવામાં એને કોઈ જ રસ નહોતો.
પણ આ વખતે જુગલે માંડીને વાત કરી. “અમે બેઉ જુદા-જુદા પ્રોજેક્ટના કામ માટે મુંબઈ ગયા હતા.”
બસ, પછી તો થોડું જુગલ બોલે, પછી એમાં વચ્ચે વચ્ચે મહેક ટાપસી પૂરીને એને કરેક્ટ કરે. વાતવાતમાં ત્રણે ભૂતકાળમાં સરકી ગયા. એ વાતોમાં ડૉ. રુસ્તમની અનુભવી આંખોને બંનેની આંતરિક અને બાહ્ય પરિસ્થિતિ દેખાવા લાગી.
-
મહેક એની ઓફિસ ડેસ્ક ઉપર બેઠી હતી. હાથમાં કૉફીનો મગ હતો. એણે થોડું વિચારીને પછી જુગલને ફોન લગાડ્યો. જુગલ મીટીંગ રૂમમાં બધાની વચ્ચે બેઠો હતો. ફોનની રિંગ વાગી એટલે જુગલના ચહેરા ઉપર સ્માઈલ આવી. મિટીંગમાં જ એણે ફોન ઉપાડ્યો અને ધીમેથી વાત કરી. “હાય!”
સામેથી મહેકનો પણ ધીમો અવાજ આવ્યો. “હેય...વાત થશે?”
“સ્યોર, પણ પાંચ મિનિટમાં કૉલબેક કરું? મીટીંગમાં છું.” જુગલે શાંતિથી જવાબ આપ્યો.
ફોન મૂકાયો. જેવી મીટીંગ પૂરી થઈ, લોકો વિખરાયા કે તરત જુગલ રૂમની બહાર આવ્યો. તેણે ચાલતા ચાલતા જ મહેકને ફોન લગાવ્યો.
“ક્વિઝ ટાઈમ!!” મહેકે કહ્યું.
“ઓ.કે. હું રેડી!” જુગલની રગેરગમાં એક્સાઈટમેન્ટ હતું.
“મુંબઈમાં કઈ જગ્યાઓ જોવા જેવી છે?” મહેકે પૂછ્યું.
“બહુ બધી. જુહુ બીચ, ચોપાટી, મરીન ડ્રાઈવ...”
“અહીંથી મરીન ડ્રાઈવનો ટ્રાવેલ ટાઈમ કેટલો?”
“ટ્રાફિકમાં આરામથી કલાક, દોઢ કલાક.” જવાબ આપતા જ જુગલને કંઇક વિચાર આવ્યો.
થોડું વિચારીને જુગલે કહ્યું, “મારો ટર્ન. તું ક્યારે રિટર્ન થાય છે?”
“આજે બપોરની જ ટ્રેનમાં” મહેકે અટકીને પછી જવાબ આપ્યો.
જુગલે ઉદાસ થઈને પૂછ્યું, “ઓહ, કેટલા વાગે?”
“બપોરે અઢીની ટ્રેઈન છે.”
“કર્ણાવતી?” જુગલે પૂછ્યું.
“હા...” મહેકે જવાબ આપ્યો.
થોડી વાર માટે બંને ચૂપ રહ્યા. થોડી વારમાં જ જુગલનો મેસેજ આવ્યો. એમાં એક અટેચમેન્ટ હતું અને નીચે લખ્યું હતું, “બપોરે મળીએ, કર્ણાવતીમાં.” જુગલે મહેકની સાથે બપોરની જ ટ્રેનમાં પોતાની ટિકિટ બુક કરી દીધી.
મહેકે સામે ફક્ત સ્માઈલી મોકલ્યું. અને ફોનના બંને છેડે ખુશીની મૌન લહેર ફેલાઈ ગઈ.
------------------------------------
ભૂતકાળ આંખ સામે આવતા જ જુગલ અને મહેક થોડા અસ્વસ્થ થઈ ગયા. એમને જોઈને ડૉ. રુસ્તમે કહ્યું, “એટલે આમ ટમારી રિટર્ન જર્નીમાં લાઈફટાઈમ જર્નીનો સ્ટેમ્પ લાગી ગયો! ખરું ની?”
“સર, આજકાલ કોઈ સ્ટેમ્પ એટલો સ્ટ્રોંગ નથી હોતો કે લાઈફટાઈમ ટકે.” જુગલે એટલો જ લુખ્ખો અને નક્કર પ્રતિસાદ આપ્યો.
“પન મને ટમારો આ આઈડિયા ગઈમો, હોં! ક્વિઝ રમટા રમટા આમ અઘરા સવાલ પૂછી નાખવાના! હું મારી વાઈફ સાઠે રમીશ.” ડૉ. રુસ્તમે વાતાવરણ થોડું હળવું કરવાનો પ્રયત્ન કર્યો.
પણ બંને ચૂપ અને સિરિયસ હતા. ડૉ. રુસ્તમને થોડીઘણી આશા હતી, તે પણ હવે ના રહી. જુગલ અને મહેક પાસે પોતાની આગવી વિચારશૈલી, પોતાના મજબૂત તારણો હતા. ડૉ. રુસ્તમને લાગ્યું કે બેઉને ઉપાય તો ખબર જ છે પણ કોઈને પહેલ નથી કરવી. બેઉનો અહંકાર, ઈગો વચ્ચે નડે છે. હવે એ લોકો પોતે જ પોતાને મદદ કરી શકશે. ડૉ. રુસ્તમની આ વિચારધારામાં બ્રેક વાગી, મીટીંગના બેલથી.
“બેલ વાઈગો છે બટ મને ઉટાવળ નઠી ડીકરા. ટમારે બીજી કોઈ વાટ કરવી હોય ટો, હું અવેલેબલ છું.” ડૉ. રુસ્તમે હજુ એક તક આપતા પ્રેમથી કહ્યું.
કોઈએ જવાબ ન આપ્યો.
“ભલે ટયારે. નેક્સ્ટ વિક મળીએ. અને આઉટીંગનું વિચારજો ની! એને ટમારું આ વિકનું ટાસ્ક ગણી લો. એન્ડ યસ, એના માટે ટમે પહેલાની જેમ ફોન ઉપર વાટ કરી શકો, કે ક્વિઝ રમી શકો. ઓલ્ડ ઈઝ ગોલ્ડ! જૂની રીતો કાયમ વર્ક કરે જ, યુ નો?” ડૉ. રુસ્તમે છેલ્લો પ્રયત્ન કરી જોયો. પણ એમને ખ્યાલ હતો કે બેમાંથી એકપણ આના ઉપર અમલ નહીં કરે.
જુગલ અને મહેક ચૂપચાપ સાંભળતા રહ્યા. કોઈ પ્રતિભાવ આપ્યા વગર બંને ઉભા થઈને રૂમની બહાર નીકળ્યા. ઓફિસનો દરવાજો બંધ થયો.
બીજી બાજુ ઘરનો દરવાજો ખૂલ્યો. બંને અંદર આવ્યા. આખા રસ્તે કારમાં કોઈએ એકબીજા સાથે એક વાત નહોતી કરી. ઘરમાં પણ ચૂપચાપ આવીને બેઉ પોતપોતાના રૂમમાં જતા રહ્યા. દરવાજા ઉપર “હેપ્પી ફેમિલિ!” લખેલી ફ્રેમ ત્રાંસી લટકતી હતી.

