વાત થશે ? - Part 6
વાત થશે ? - Part 6
જુગલનું મન ભૂતકાળમાં સરકી ગયું, કૉફી શોપમાં ગાળેલી એ મીઠી યાદો વાગોળવા!
મહેક અને જુગલ પ્રોજેક્ટના એક કામ માટે મીટીંગમાં મળ્યા હતા. મીટીંગ રૂમમાં બેઉ એકબીજાની સામસામે બેઠાં હતા. મહેક લેપટોપમાં જોઇને કંઇક ટાઈપ કરતી હતી. જુગલ સહિત બાકીના લોકો પ્રોજેક્ટ વિશે ચર્ચા કરતા હતા.
એવામાં અચાનક બહાર અંધારું છવાઈ ગયું. કાળાડિબાંગ વાદળો ઘેરાયા, અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. મુંબઈ જેવા શહેરમાં આવા વરસાદની નવાઈ ના હોય પણ આ તો ગુજરાત! ભરબપોરે ધોધમાર વરસાદનો લ્હાવો ક્યારેક જ મળે. લોકોને મીટીંગમાંથી રસ ઊડી ગયો અને બધા ઊભા થઈને “શું થયું?”, “શું થયું?” કરતા બારી પાસે ઊભા રહી ગયા.
મહેકે લેપટોપ સ્ક્રીનની બહાર જુગલની સામે જોયું. બંનેની આંખો મળી. ટેબલ પર પડેલા કૉફી મગ તરફ ઈશારો કરીને જુગલે મહેકને ધીમેથી પૂછ્યું, “કૉફી?” અને મહેકે માથું ધૂણાવીને “હા” પાડી.
મીટીંગ લગભગ વિખરાઈ જ ગઈ હતી, એટલે કોઈને ખ્યાલ ના આવે એમ જુગલ અને મહેક સરકીને મીટીંગ રૂમની બહાર નીકળી ગયા. ઓફિસને નજીકમાં જ એક કૉફી શોપ હતી, બેઉ છત્રી લઈને ત્યાં પહોંચી ગયા. પણ વાવાઝોડાંનો જોરદાર વરસાદ હતો એટલે છત્રીમાં ય બેઉ થોડા પલળ્યા અને કેફેમાં એક ટેબલ પર જઈને બેઠાં.
સાંજે કામમાંથી બ્રેક લેવા આ કૉફી શોપમાં આવવાનું મહેક અને જુગલનું રૂટિન થઈ ગયું હતું. વેઈટર પણ તેમને ઓળખતો હતો.
“સર, બે હેઝલનટ ફ્લેવર્ડ લાટે?” વેઇટરે પૂછ્યું.
“હા, બે. અને સાથે ચોકલેટ બ્રાઉની?” જુગલે મહેક સામે જોઈને પૂછ્યું.
“આઈ લવ ચોકલેટ બ્રાઉની!” મહેકે મોટી સ્માઈલ સાથે કહ્યું.
“મી ટુ!” જુગલે કહ્યું.
વેઈટર ઓર્ડર લઈને જતો રહ્યો. જુગલે મહેકની સામે જોઇને નિર્દોષ રીતે કહ્યું, “આપણી ચોઈસ કેટલી મળે છે ને મહેક?” મહેકે નજરથી જ હા ભણી.
મોટેભાગે લગ્ન પહેલા દરેક કપલને એવું જ લાગે છે કે અમારા બેઉની ચોઈસ એકદમ મળે છે. ૫-૭ પોઈન્ટ્સ મળતા આવે એટલે લાગે કે અમારી ફ્રીક્વન્સી મેચ થાય છે! અને લવ મેરેજ કરે પણ છે. પછી લગ્ન થાય એટલે એક-એક કરતાં બાકીના ૯૩ ડિફરન્સિસ દેખાવા લાગે. એટલે થાય કે, “મે શું જોઇને આની સાથે લગ્ન કર્યા?” લવ મેરેજમાંથી ‘લવ’ તો ઊડી જ જાય અને ‘મેરેજ’ની માત્રા નીકળીને ‘મરે જ’ થઈ જાય.
જુગલ અને મહેકના લગ્નજીવનમાં પણ આવું જ બન્યું હતું.
ત્યારે જ ઘરમાં રસોડામાં કંઇક તૂટવાનો અવાજ આવ્યો. એ અવાજથી જુગલ એના ભૂતકાળની ટ્રેનમાંથી ઊતરીને વર્તમાનના સ્ટેશન ઉપર ઊતર્યો. દોડીને રસોડામાં અંદર ગયો.
“ઓહ નો! બીજી કોફી લાવવી પડશે.” ઈન્સ્ટન્ટ કૉફીની કાચની બોટલ ફૂટતાં જ મહેક બોલી ઊઠી.
“મેડમ, પંદરમાં માળેથી નીચે તો જવાશે. પછી ઉપર? લિફ્ટ બંધ છે!” જુગલે મહેકને યાદ કરાવ્યું કે ઈલેક્ટ્રીસીટી નથી, અને કહ્યું, “ડોન્ટ વરી, ઘરમાં કૉફી બિન્સ છે.”
“પણ મિક્સર ગ્રાઈન્ડર વગર નહીં થાય!” મહેકે તર્ક કર્યો.
“થશે!” જુગલે કોન્ફીડન્સથી કહ્યું. પછી જુગલે કબાટ ખોલ્યું. બરણીમાંથી કોફી બીન્સ કાઢ્યા. એક ચોખ્ખો રૂમાલ લીધો. વચ્ચે કૉફી બીન્સ મૂક્યા અને રૂમાલને વાળ્યો. બે કપડા વચ્ચે બીન્સને જોરથી મુસલીથી ખાંડ્યા. પછી કૉફી બીન્સનો અધકચરો ભૂકો ગરમ પાણીમાં નાખ્યો અને તપેલી ઉપર થાળી ઢાંકી દીધી.
“બસ, થોડી વારમાં રેડી!” કહીને ગેસ પાસે જ ઊભો રહ્યો.
મહેક જુગલની આ સૂઝ સામે જોતી જ રહી ગઈ. એને સમજાયું કે નાનપણથી પોતે એવા ઘરમાં રહી હતી જ્યાં સુખ-સગવડની કોઈ કમી જ નહોતી. એટલે આવા ઉપાયો કરવાની ક્યારેય જરૂર જ નહોતી પડતી. જયારે જુગલનું ફેમિલિ સાદગીવાળું, ઓછી જરૂરિયાતવાળું જીવન જીવવા ટેવાયેલું હતું. જુગલે નાનપણથી જ સાધનો વગર કામ કેવી રીતે કરવું તે જોયું હતું. આજે એવી જ કોઈક જોઈને શીખેલી રીત તેણે અજમાવી હતી.
કુદરતી રીતે જુદી જુદી પ્રકૃતિવાળી બે વ્યક્તિઓ એક ઘરમાં જ ભેગી થાય છે. એક છૂટા હાથે ખર્ચ કરે તો બીજું કરકસર કરે. એકને ફરવાનો શોખ હોય તો બીજાને ઘરમાં રહેવાનો. એકને દાળ ભાવે તો બીજાને કઢી. એકને ઠંડી ફાવે તો બીજાને ગરમી. આપણે પ્રકૃતિની ભિન્નતાને લઈને વ્યક્તિ સાથે જુદાઈ રાખીએ છીએ. પણ ખરેખર એ ભિન્નતાને વધાવી લઈએ તો બેઉ એકબીજાને પૂરક થઈ શકે. બંને એકબીજાનું કાઉન્ટર વેઇટ બને તો જીવનમાં બેલેન્સ સાથે આગળ વધી શકે.
આખા ઘરમાં કૉફી બીન્સની સુગંધ ફેલાઈ ગઈ. વાતાવરણમાં કોઈપણ ક્લેશ વિનાની શાંતિ વર્તાતી હતી. મહેકને વિચાર આવ્યો કે, કેટલાં વખતથી આવી શાંતિ અને સુગંધ ઘરમાં અનુભવી નથી. કારણ કે, ઘરમાં ક્લેશ અને મતભેદનું જ વાતાવરણ હોય છે.
આજે જુગલ જે રીતે રસોડામાં મદદ કરવા આવ્યો એ જોઇને મહેકને પહેલા આ જ બાબતમાં જે ઝગડો થયો હતો તે યાદ આવ્યો. જેના પડઘા હજુ ઘરમાં ગૂંજે છે.

