વાત થશે ? - Part 7
વાત થશે ? - Part 7
કેટલાક મહિનાઓ પહેલા આ પ્રસંગ બન્યો હતો.
મહેક ગ્રોસરી ભરેલી બેગ્સ લઈને ઘરમાં પ્રવેશી, અને પાછળ જુગલ પણ ઓફિસ બેગ સાથે ઘરમાં આવ્યો. ઘરમાં પ્રવેશતા પ્રેશર કૂકરની સીટી વાગે તેમ મહેકની અંદર ધરબાયેલો બળાપો એકસાથે બહાર નીકળ્યો.
મહેક મોટેથી ફરિયાદ કરતાં બોલી, “હું પણ જોબ કરું છું. તું ઘરમાં થોડી હેલ્પ ના કરી શકે?”
કાયમની જેમ કન્ફયુઝન સાથે જુગલ બોલ્યો, “હું ક્યાં ના પાડું છું? તું કહે તો ખરી ક્યાં હેલ્પ જોઈએ છે!” સોફા ઉપર ઓફિસ બેગ ફેંકીને ટાઈ ઢીલી કરતા જુગલ બોલ્યો.
મહેકે રસોડામાં જઈને પ્લેટફોર્મ ઉપર ગ્રોસરી બેગ્સ મૂકી. એક બાજુ તેનું બોલવાનું ચાલુ હતું, અને બીજી બાજુ તે ગ્રોસરીની બેગમાંથી વસ્તુઓ કાઢીને રસોડામાં ગોઠવતી હતી.
“બધું જ તને કહેવાનું? તું સમજી ના શકે? કાન્ટ યુ અન્ડરસ્ટેન્ડ?” મહેકનો ગુસ્સો સાતમાં આસમાને હતો.
“હા કહેવાનું! તને કેટલી વાર કીધું કે, તું કહે નહીં ત્યાં સુધી તારા મગજમાં શું ચાલે છે મને નથી સમજાતું! કાન્ટ યુ અન્ડરસ્ટેન્ડ ધેટ?”
મહેક વસ્તુઓ કાઢીને કબાટમાં ગોઠવતી હતી. એવામાં તેનાં હાથમાં સિરિયલ્સનું પેકેટ આવ્યું. એ જોઇને જાણે બળતામાં ઘી હોમાયું હોય એમ એ તાડૂકતા બોલી.
“એક કામ ઢંગથી નથી થતું. શું હેલ્પ કરીશ તું? આ જો! મિલેટની સિરિયલ્સ લાવવા કહ્યું હતું, અને તું કોર્ન ફ્લેક્સ લઈ આવ્યો!”
“તો પણ તારે એવું લખવું જોઈએ ને!” જુગલે કાયમની જેમ દલીલ કરી.
“બોલો! આપણે રોજ સવારે આ સીરીયલ ખાઈએ છીએ! તોય લખીને આપવાનું? આટલું ના સમજાય?” મહેકે પણ સામે દલીલ કરી.
“અરે યાર! સમજાતું નથી! એક બાજુ હેલ્પ કરું તોય પ્રોબ્લેમ, ના કરું તોય પ્રોબ્લેમ. હવે તું જ કહે હું શું કરું?” જુગલ કંટાળીને રૂમમાં ચેન્જ કરવા ગયો.
“નથિંગ!” મહેકે ટૂંકમાં જવાબ આપ્યો. અને શાકભાજી ફ્રિજમાં ગોઠવવા લાગી.
થોડી વાર કોઈ કાંઈ ન બોલ્યું.
જુગલની કમાન છટકી હતી. એ રૂમમાંથી જ બોલતા બોલતા બહાર આવ્યો, અને શબ્દોનું તીર માર્યું, “ફાઈન! હવેથી તું બધી ગ્રોસરી જાતે જ લઈ આવજે. અહીં કોઈ નોકર નથી તારો!”
“તો હુંય નોકર નથી! એક તો જોબ કરો, પૈસા કમાઓ, રસોઈ કરો... અને તારે શું? શાંતિથી જલસા કરવાના. ફ્રી માં કામવાળી, કૂક, બાઈ બધું જ તો મળે છે ને!” મહેકે સામે એકસાથે ઘણાંબધા તીર ફેંક્યા!
“અને તને ફ્રીમાં ડ્રાઈવર, લોન્ડ્રીમેન, કૂલી નથી મળતો? વાત કરે છે!” જોતજોતામાં શબ્દોનું યુદ્ધ સર્જાયું!
મહેક કામ પતાવીને ગુસ્સામાં બેડરૂમમાં જતી રહી અને બારણું જોરથી બંધ કર્યું. જુગલ સોફા પર બેઠો અને ટીવી ચાલુ કર્યું. આમ પણ જયારે ઘરમાં ઝગડો થાય અને કંઈ ન સૂઝે ત્યારે મહેક સૂઈ જતી અને જુગલ ટીવી જોવા બેસી જતો. આ કાયમનો ક્રમ હતો.
ટીવીમાં મૂવીનું ગીત વાગતું હતું.
“જીંગા લાલા ઝૂમ... જિંગા લાલા ઝૂમ... હમ બેવફા, હરગીઝ ના થે... પર હમ વફા... કર ના સકે...”
જુગલે ટીવીનો વોલ્યુમ વધાર્યો. સોફા ઉપર ટેકો દઈને સૂવાનો પ્રયત્ન કર્યો. ઓફિસના સ્ટ્રેસને કારણે ગીત સંભાળતા સાંભળતા પાંચ જ મિનિટમાં તેની આંખ મીંચાઈ ગઈ.
પણ બીજી બાજુ મહેકને ઊંઘ નહોતી આવતી. એ પલંગમાં પડખા ફેરવતી રહી.
થોડી વાર પછી જુગલના ફોનની રિંગ વાગી. જુગલે ફોનના સ્ક્રીન ઉપર જોયું તો “મહેક” લખેલું હતું. અડધી ઊંઘમાં જુગલે ફોન ઉપાડ્યો.
“હેય... વાત થશે?” સામેથી મહેકનો ધીમો અવાજ આવ્યો.
જુગલ ફોન પકડીને બેઠો પણ કશું બોલતો નહીં.
મહેકે દિલગીર અવાજે કહ્યું, “થોડું વધારે બોલાઈ ગયું ને? રિયલી સોરી!”
જુગલે ટીવી તરત મ્યુટ કર્યું. અને સામે એટલી જ દિલગીરી સાથે કહ્યું, “ઇટ્સ ઓ.કે. હું પણ બહુ બોલી ગયો. સોરી!”
“ભૂખ લાગી છે?” મહેકે વાતને નવો વળાંક આપ્યો.
“બહુ જ જોરથી.” જુગલે પણ મહેક સાથે એ વળાંક સ્વીકાર્યો.
“ફ્રેશ થઈ જા. ફટાફટ ચીઝ-કોર્ન સેન્ડવીચ બનાવી દઉં!”
થોડી વારમાં જ બંને જાણે કશું ન બન્યું હોય એમ નોર્મલ થઈ ગયા અને વાતો કરવા લાગ્યા.
સામાન્ય રીતે આવા ઝગડા પછી દિવસો સુધી બેઉને અબોલા રહેતા. પણ આજે એવું તો શું થયું કે મહેકને સામેથી પોતાની ભૂલ સ્વીકારવાનું મન થયું? જુગલને આ વિચાર આવ્યો. પણ જવાબ નહોતો મળ્યો.
ખરેખર બન્યું એવું હતું કે જયારે મહેકને ઊંઘ નહોતી આવતી ત્યારે બુકશેલ્ફમાંથી એક બુક લઈને એના પાના ફેરવતી હતી. તે એક પેજ ઉપર અટકી ત્યાં વાંચ્યું કે, “ઘરમાં એક તો કલેશ ના થવો જોઈએ અને થતો હોય તો વાળી લેવો જોઈએ. જરા થાય એવું હોય, આપણને લાગે કે હમણાં ભડકો થશે તે પહેલાં જરાક પાણી નાખીને ટાઢું કરી દેવું. પહેલાંના જેવું કલેશવાળું જીવન જીવીએ એમાં શું ફાયદો? એનો અર્થ જ શું? કલેશવાળું જીવન ના હોવું જોઈએને? શું વહેંચીને લઈ જવાનું છે. ઘરમાં ભેગું ખાવું, પીવું ને કકળાટ શા કામનો? અને કો'ક ધણીનું કશું બોલે તો રીસ ચઢે કે મારા ધણીને આવું બોલે છે અને પોતે ધણીને કહે ‘તમે આવા છો ને તેવા છો’, એવું બધું ના હોવું જોઈએ. ધણીએય આવું ના કરવું જોઈએ.”
આ વાંચીને મહેકને પોતાની ભૂલ ઉપર પસ્તાવો થયો હતો, અને સામેથી માફી માંગવાની તેણે પહેલ કરી.
પ્રેશર કૂકરની જેમ સંબંધોમાં પણ ક્યારેક વરાળ નીકળે, પણ પાછળથી જઈને વ્યક્તિ સાથે વાળી લઈએ તો બધું ઠંડું પડી જાય. થોડો વખત આમ ચાલ્યું. જુગલ અને મહેક વચ્ચે આવા ઝગડા થતાં, પણ એમની વચ્ચે અબોલા બહુ લાંબા નહોતા ચાલતા. બેમાંથી કોઈ એક વ્યક્તિ પહેલ કરે ને સડસડાટ બોલવાનું ચાલુ થઈ જતું.
પણ હવે એવું નહોતું બનતું. વર્ષો જતાં એકબીજા માટે બંધાયેલા નેગેટિવ અભિપ્રાયો, હૃદય પર કોતરાયેલી નોંધો, અપેક્ષાઓ અને આક્ષેપોના બોજા નીચે આ વાળી લેવાની આદત જાણે દટાઈ ગઈ.
કૉફી તૈયાર થઈ ગઈ હતી. જુગલે બે મગમાં કૉફી કાઢીને હોલમાં લઈ આવ્યો. મહેક સોફા ઉપર બેઠી હતી. એક મગ મહેકને આપ્યો. કૉફીની સુગંધ મહેકને ઢંઢોળીને વર્તમાનમાં લઈ આવી. બહાર વાવાઝોડું અને વરસાદનો માહોલ હતો.
શું મહેક અને જુગલ એકબીજા સાથે વાત કરશે?
આગળ નો ભાગ વાંચવા ફોલ્લૉ કરો...

