STORYMIRROR

Dada Bhagwan

Drama Romance Fantasy

4  

Dada Bhagwan

Drama Romance Fantasy

વાત થશે ? - Part 8

વાત થશે ? - Part 8

5 mins
347

જુગલે કૉફીનો એક મગ મહેકને આપ્યો અને બીજો કૉફી મગ લઈને ડાઈનીંગ ટેબલ ઉપર ખુરશીમાં બેઠો. બહાર વરસાદ હજુ ધોધમાર વરસતો જ હતો. બંને વચ્ચે કોઈ વાતચીત ના થઈ. થોડી મિનિટો માટે વીજળી અને વરસાદના અવાજ સિવાય કોઈ અવાજ ન સંભળાયો. કૉફી પણ પૂરી થઈ ગઈ.

ફોન, લેપટોપ, ઈન્ટરનેટ, ટીવી, સોશિયલ મીડિયાની વચ્ચે રોજ એકબીજા સાથે વાતો કર્યા વગર સમય ક્યારે પસાર થઈ જતો ખબર જ નહોતી પડતી. પણ આજે એ બધું જ બંધ હતું. બીજું કશું કરવા માટે હતું નહીં. એકબીજા સાથે વાત પણ નહોતી કરવી. એટલે મહેક અને જુગલ બાકીનો ટાઈમ એકબીજાને અવોઇડ કરીને કઈ રીતે પસાર કરવો એની પેરવીમાં હતા. 

મહેકે વચ્ચે વચ્ચે ફોનમાં મેસેજ ચેક કરી લીધા. એના ફોનની બેટરી પણ લો થઈ ગઈ. એટલે એ ફોન લઈને અંદરના રૂમમાં ગઈ. કબાટમાંથી પાવર બેંક શોધીને એમાં ફોન ચાર્જ કરવા મૂક્યો. પછી બુકશેલ્ફ ઉપરથી પાછું એ જ પુસ્તક કાઢી એના ઉપરની ધૂળ ખંખેરી અને વાંચવાનું શરુ કર્યું.

આ બાજુ જુગલ એના લેપટોપ ઉપર ટાઈમ પાસ કરતો હતો. આમ ને આમ કલાકો વીતી ગયા. લેપટોપની બેટરી પણ ડાઉન થઈ ગઈ. એટલે એ લેપટોપ મૂકીને ન્યુઝ પેપર ઉપાડીને વાંચવા લાગ્યો. થોડા વખતમાં એનું પણ એકેએક પાનું વંચાઈ ગયું.

આ બાજુ મહેકને બુક વાંચતા વાંચતા ઊંઘ આવી ગઈ. એ થોડી વારમાં ઝબકીને જાગી. હજુ રૂમમાં આછું અજવાળું હતું, એટલે એણે કબાટ ખોલીને સાફ કરવાનું શરુ કર્યું.

આપણા જીવનમાંથી જો મોબાઈલ, ટીવી અને ઈન્ટરનેટ કાઢી નાખવામાં આવે તો દિવસની એકે એક મિનિટ કોઈ રચનાત્મક કામમાં વાપરી શકાય, અને ચોવીસ કલાક ક્યારેય ઓછા ન પડે!

થોડી વારમાં બેઉના એકબીજાને એવોઈડ કરવાના વિકલ્પો ખૂટી પડ્યા. વરસાદ ધીમો પડ્યો. ગરમી અને બફારો શરુ થયા. જુગલ અને મહેક બંનેને પરસેવો થવા લાગ્યો. જુગલ છાપાથી પંખો નાખતો બાલ્કનીમાં આવ્યો. મહેક પણ હાથમાં બુકથી પંખો નાખતા બહાર આવી. હવે બારી ખોલવાનું સેફ લાગતા બંને બાલ્કનીના પવનમાં બેઠાં. 

સાંજના છ વાગ્યા. ધીમે ધીમે અંધારું પણ વધતું ગયું. જુગલ અચાનક ઊભો થયો. રસોડામાં કંઇક ફંફોળવાનો અવાજ આવ્યો. બાલ્કનીમાં આવીને એણે ટેબલ પર કેન્ડલ સળગાવી. આછું અજવાળું થયું. હવે શું કરવું કોઈને સૂઝતું નહોતું. એવામાં મહેકના ફોનની રિંગનો અવાજ આવ્યો. ફોન એના રૂમમાં પાવર બેંકમાં ચાર્જ થતો હતો. મહેક ઉભી થઈને ફોન લેવા ગઈ અને વાતો કરતા કરતા બહાર આવી.

“ઓહ નો! મમ્મીજી, તમે તો ઓ.કે છે ને? પ્લીઝ સાચવજો... ઘરની બહાર ના જતા... હા, અમે બેઉ બરાબર છીએ... અહીં જ છે... આપું.”

મહેકે ફોન જુગલ સામે લંબાવતા કહ્યું, “મમ્મીજી છે. એમની બાજુના ઘર ઉપર વીજળીનો થાંભલો પડ્યો છે, ત્યાં છત તૂટી ગઈ છે.”

જુગલે તરત ફોન હાથમાં લીધો અને વાત કરી, “મમ્મી! પાણી ઘરમાં નથી આવતું ને? બસ બસ. તું રૂમમાં જ રહેજે. હા... મારા ફોનમાં બેટરી ડાઉન છે, એટલે મહેકના ફોન પર કોલ કરજે. હા હા, અમે બેઉ ઘરમાં જ છીએ. વી આર સેફ. પપ્પા બહારગામ છે એટલે તું ધ્યાન રાખજે. ક્યાંય બહાર ના નીકળીશ.”

જુગલે ફોન મૂક્યો. મહેકને ચિંતા થઈ. એ સ્વાભાવિક રીતે બોલી ઊઠી, “આપણે શું કરીએ? કોઈને એમની પાસે જવાનું કહીએ?

“પાગલ છે? બહુ રિસ્કી છે, એટલે તો ટ્રાફિક બંધ છે. કોઈને નહીં કહેવાય. આપણે થોડી થોડી વારે ફોન ઉપર વાત કરી લઈશું મમ્મી સાથે.” જુગલે ઉપાય બતાવ્યો અને એના પપ્પાને ફોન લગાડીને બધા અપડેટ્સ આપ્યા.

તોય મહેકની ચિંતા ઓછી ના થઈ. એણે થોડું વિચારીને એક ફોન લગાવ્યો.

“હેલો, નીતિ. તું બરાબર છે? સરસ. સાંભળ, મમ્મી તારી બાજુની સોસાયટીમાં જ રહે છે. એ હમણાં ઘરમાં એકલા છે અને બાજુના ઘરની છત તૂટી ગઈ છે. વાતાવરણ સહેજ હળવું થાય તો તું જઈને એમને જોઈ આવ ને પ્લીઝ? જરૂર લાગે તો મમ્મીને તારા ઘરે જ લઈ જજે. હા મને ફોન કર તરત. બાય!”

જુગલ મહેક સામે જોતો જ રહ્યો. એને ખૂબ નવાઈ લાગી. એ મનોમન બોલ્યો, “મમ્મીજી થી મમ્મી?”

થોડા દિવસ પહેલા જ થયેલો ઝગડો જુગલને યાદ આવી ગયો. 

-

જુગલ એની કેબિનમાં તેના મેનેજરને કંઇક સમજાવી રહ્યો હતો. ફોનની રિંગ વાગી. જુગલે ફોનના સ્ક્રીન ઉપર જોયું તો “મહેક” લખેલું આવ્યું. તરત તેણે ફોન કટ કર્યો. મહેકે બીજી રિંગ કરી. જુગલે ફરી ફોન કટ કર્યો. મહેકે ફરી ટ્રાય કર્યો, જુગલે ફરી કટ કર્યો. 

મેનેજર કામ પતાવીને કેબિનની બહાર ગયો પછી ફરી મહેકનો ફોન આવ્યો. આ વખતે જુગલે ફોન ઉપાડ્યો અને સીધો ગુસ્સામાં બોલ્યો, “કેટલી રિંગ મારે છે? ખબર નથી પડતી મીટિંગમાં છું?”

“તો ફોન ઉપાડીને એટલું કહેતા જોર આવે છે?” મહેકે એટલા જ ગુસ્સામાં વળતો જવાબ આપ્યો. 

એની વાત પણ સાચી હતી. શરૂઆતના દિવસોમાં બેમાંથી કોઈ એકનો ફોન આવે તો તેઓ હોંશે હોંશે ફોન ઉપાડતા. પછી ભલે ને પોતે ગમે તેટલા બિઝી કેમ ન હોય! કંઇ નહીં તો ફોન ઉપાડીને એટલું તો કહી જ દેતા કે હમણાં બિઝી છું પછી કૉલ કરું. પણ જેમ ટાઈમ વીતતો ગયો, બંને એકબીજા માટે ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ થઈ ગયા. ફોન કટ કરીને કલાકો અને ક્યારેક દિવસો સુધી એનો જવાબ નહીં આપવાનું બહુ સામાન્ય થઈ ગયું હતું.

મહેક ગુસ્સામાં જ હતી. ઘરમાં એની ઓફિસ બેગ રેડી કરતા કરતા બ્લુટૂથ ઉપર વાતો કરતી હતી. એણે ફોન કરવાનું કારણ જણાવતા કહ્યું, “મમ્મીજીની દવા આજે એમના ઘરે ડીલિવર થઈ જશે. એમને ફોન કરીને જણાવી દેજે કે સાંજે ઘરે રહે.”

“તો તને મમ્મીને ફોન કરતા જોર આવે છે?” જુગલ અકળાયો.

“હું નહીં કરું. મમ્મીજી ક્યારેય મને ફોન કરે છે?”

“દીકરીની જેમ તો રાખે છે મમ્મી તને...”

“ખાલી કહેવાનું દીકરીની જેમ! કાયમ તારા નંબર ઉપર ફોન આવે એમનો. તું બહારગામ હોય તો મારી યાદ પણ ના આવે મમ્મીજીને.”

“તો તારે સામેથી ફોન કરી દેવાનો!”

“એમ? તું એવરી વીક એમને યાદ કરીને ફોન કરે છે. મારા પેરન્ટ્સને ક્યારેય તે સામેથી ફોન કર્યો? તો હું શું કામ કરું?”

“એ તો પપ્પા બહાર ગયા છે ને મમ્મી એકલા છે એટલે...”

“બહાના છે બધા! તને ખબર જ છે કે ફરક તો રહેવાનો. ઇન-લોઝ એટલે ઇન-લોઝ. ક્યારેય મમ્મીજી અને પપ્પાજી, આપણા મમ્મી-પપ્પા ના થાય!” મહેકે વેધક દલીલ કરી. 

જુગલ પાસે કોઈ જવાબ નહોતો. “ઈનફ મહેક! મારે કામ છે. હમણાં મૂક!” કહી એણે ફોન કટ કરી નાખ્યો. 

મહેક ઓફિસ બેગ લઈને ઘરની બહાર નીકળી ગઈ. જતા જતા એણે ગુસ્સામાં દરવાજો એટલા જોરથી બંધ કર્યો કે દરવાજા ઉપરની “હેપ્પી ફેમિલિ” લખેલી ફ્રેમ જે બે ખીલી પર લટકતી હતી, તે ઉખડીને એક ખીલી ઉપર ત્રાંસી લટકવા માંડી.

-

બહાર વીજળીનો મોટો કડાકો થયો. જુગલ ભૂતકાળના ઝગડામાંથી બહાર વર્તમાનમાં આવ્યો. એની નજર દરવાજા ઉપરની ફ્રેમ ઉપર ગઈ. એ હજુ પણ ત્રાંસી જ હતી.


Rate this content
Log in

Similar gujarati story from Drama