Mahesh Yagnik

Action

3.2  

Mahesh Yagnik

Action

વાત બિપીન ઉર્ફે બાબુની...

વાત બિપીન ઉર્ફે બાબુની...

6 mins
14.3K


“તાણીતૂસીને ફી ભરીશ તોય રહેવાનો પ્રોબ્લેમ તો ઊભો જ રહેશે.” પ્રાથમિક શિક્ષકની નોકરી ઉપરાંત ગોરપદું કરીને ભેગી કરેલી બચત ઓછી થવાની વિનુભાઈને ચિંતા હતી. દીકરા દીપેશને બાવીસ વખત કહેલું વાક્ય ફરીથી સંભળાવ્યું.“ કસરત કરીને શરીર બનાવવાના બદલે ટકા વધારે લાવ્યો હોત તો સારી કૉલેજ મળતી. ઢગલો રૂપિયા આપીને નરોડાની ઠોઠિયા કૉલેજમાં ભણવું પડશે.”

એ જ વખતે પાડોશી નાથાલાલ આવ્યા. “આ દીપલાને અમદાવાદ એન્જિનીયરીંગમાં એડમિશન તો મળ્યું પણ છેક ગામના ગોંદરે..” વિનુભાઈએ રામકહાણી કહી.

“ગોરબાપા,ચિંતા છોડો.રણછોડ લુહારના દીકરા નરેશની નરોડામાં ફેક્ટરી છે. દીપલા માટે એ દિલથી મદદ કરશે.”

વિનુભાઈ રણછોડ પાસે ગયા. રણછોડે નરેશને ફોન કર્યો. બીજા દિવસે સવારે બાપ-દીકરો અમદાવાદની બસમાં બેસીને નરોડામાં નરેશની ફેક્ટરી પર પહોંચ્યા.

નરેશ વિવેકી હતો.ચા-નાસ્તો કરાવ્યા પછી વિનુભાઈની વાત સાંભળીને એણે કહ્યું.“કૉલેજ ખૂલે ત્યારે મારે ત્યાં મોકલી દેજો.પછી ક્યાંક પી.જી. તરીકે ગોઠવી આપીશ..” લગીર સંકોચ સાથે એણે વિનુભાઈ સામે જોયું. “આમ તો નરોડા-દહેગામ હાઈવે ઉપર મારો બંગલો છે.એક રૂપિયોય ભાડું નથી જોઈતું..અબઘડી ચાવી આપી દઉં પણ તમારો દીકરો છે એટલે મન પાછું પડે છે!...” એણે ધીમે રહીને ખુલાસો કર્યો.“ વહેમવાળી જગ્યા છે.અમે ત્યાં જ રહેતા હતા.રાતોરાત ખાલી કરેલું. એ પછી બે ભાડવાત આવીને ભાગી ગયા.આઠ વર્ષ પહેલા ખરીદેલો. બાળકોને અડધી ટર્મે સ્કૂલ નહોતી બદલાવવી એટલે છ મહિના માટે ભાડે આપેલો.થરાદવાળા એ બે જુવાનિયાઓ સટોડિયા છે એ ખ્યાલ નહોતો. શેરસટ્ટામાં લાખોનું દેવું કરીને બંનેએ ઝેર પી લીધું. એ પછી હોમ-હવન કરાવીને રહેવા તો ગયા પણ ઘરમાં ભાર ભાર લાગ્યા કરે; બે જુવાનજોધ અવગતિયા આત્માની હાજરી રીતસર વરતાય. બંને ગુસપુસ વાતો કરતા હોય એવા અવાજ સંભળાયા કરે..એમાં મારી મિસિસે એક વાર બંનેને રૂમમાં સોફા ઉપર બેઠેલા જોયા ને એને તાવ ચડી ગયો... ”

“કાકા,મને જરાય બીક નથી...”દીપેશ આત્મવિશ્ર્વાસથી બોલ્યો. “કોઈ ભૂત-પ્રેતમાં નથી માનતો. સગી આંખે દેખાય એ જ સાચું માનું.રોજ ગાયત્રીની માળા કરું છું.હનુમાન ચાલીસા કડકડાટ આવડે છે. પૂછી જુઓ મારા બાપાને..કોઈ ભૂત કે ચુડેલ મારી સામે ના ટકે. વળી, રસોઈમાં માસ્ટરી છે. જાતે ભાખરી-શાક બનાવીશ.. પ્લીઝ..”

વિનુભાઈ પોતે પણ ભૂતમાં નહોતા માનતા.એમના મગજમાં ખર્ચની ગણતરી ચાલતી હતી.દીકરો પી.જી.માં રહે તો મહિને ચાર-પાંચ હજાર થાય. અહીં તો મફત રહેવા મળે, જાતે રસોઈ બનાવે તો તબિયત પણ ટનાટન રહે. “નરેશ, આ પહેલવાન લોંઠકો છે. એ રહેશે તો ભૂત ભાગી જશે.બાપ તરીકે મને જરાયે ચિંતા નથી.અખતરા માટે પણ એને ત્યાં રહેવા દે...”

નરેશે બાપ-દીકરાને કારમાં બેસાડ્યા. ચાલીસ બંગલાઓની સોસાયટીમાં નરેશનો બંગલો સૌથી આગળ રોડ ઉપર હતો. “જોઈને જીવ બળે છે,ગોરબાપા, ચારમાંથી ત્રણ રૂમમાં ફેક્ટરીનો સામાન ભર્યો છે. ડ્રોઈંગરૂમ અને રસોડું ચાલશેને?”

“દોડશે,કાકા,દોડશે..” વિશાળ રૂમ અને રસોડામાં ગેસ અને ફ્રીઝ જોઈને દીપેશે ઉત્સાહથી કહ્યું.

નરેશને જોઈને પાડોશીઓ આવી ગયા હતા.“અમારા ગામના ગોરબાપાનો દીકરો છે.અહીં રહીને ભણશે.એને કંઈ કામકાજ હોય તો મદદ કરજો.”એ લોકો સાથે પરિચય કરાવીને નરેશે ભલામણ કરી. 

બીજા અઠવાડિયે સીધું-સામાન અને સાઈકલ લઈને દીપેશ આવી ગયો.કસરતી શરીર અને કામની શરમ નહીં એટલે સાંજ સુધીમાં રસોડું ગોઠવાઈ ગયું ને રૂમ ચોખ્ખોચણાક થઈ ગયો. થાકને લીધે એવી સરસ ઊંઘ આવી ગઈ કે ભૂતવાળી વાત મગજમાં ફરકી પણ નહીં.

શાકભાજીની લારી સોસાયટીમાં આવે છે પણ નજીકમાં દૂધ ક્યાંથી મળશે એ વિચાર સાથે એ સવારે ઓટલે ઊભો હતો.

“નવા રહેવા આવ્યા છો? ”ત્રીસેક વર્ષનો યુવાન આવીને ઓટલા પર બેસી ગયો.  “સાચું નામ તો બિપીન છે, પણ બધા બાબુ જ કહે છે, એટલે તમેય બાબુ જ કહેજો. કંઈ પણ કામ હોય તો કહી દેવાનું. દૂધ લાવવાનું છે?” દીપેશ આશ્ર્ચર્યથી આ મદદગાર સામે તાકી રહ્યો.ગોળમટોળ લાડવા જેવું મોં અને આંખોમાં બાળક જેવી નિર્દોષતા.સહેજ વધેલી દાઢી.બોલતી વખતે હાથની આંગળીઓ લાંબા વાળમાં ફેરવ્યા કરતો હતો. તમાકુવાળા પાનમસાલાની ટેવથી દાંત ગંદા દેખાતા હતા,છતાં પહેલી નજરે વિશ્ર્વાસ મૂકી શકાય એવું નિર્દોષ પાત્ર..

“નોકરી-ધંધો નથી કરતો ને બાપા મસાલો ખાવાના પૈસા નથી આપતા. સોસાયટીમાં કોઈને કંઈ કામ હોય કે તરત બાબુ કહીને બૂમ પાડે ને હું પહોંચી જાઉં...” બાબુએ હસીને દીપેશની સામે જોયું.  “ખર્ચોપાણી કાઢવા માટે આટલું તો કરવું પડેને?” એના ભોળિયા અવાજમાં ગર્વ ઉમેરાયો.  “તમારા બંગલામાં રહેતા હતા એ બે સાહેબ તો સગા ભાઈ જેવું હેત રાખતા હતા.બિચારા મરી ગયા,પણ જીવતા હતા ત્યારે ફૂલટાઈમ એમનું કામ કરતો હતો. બાબુ..બાબુ...કહીને દિવસમાં દસ વાર બોલાવે.એમનો હુકમ થાય કે તરત બંદા હાજર..એ શેઠિયાઓ પણ ખરા કદરદાન! પિક્ચર જોવાના પૈસા પણ પ્રેમથી આપે..” એણે સાઈકલ સામે જોયું. “પૈસા આપો.ફટાફટ દૂધ લઈ આવું..”

આવો હાથવાટકા જેવો માણસ આ ભાવમાં ખોટો નહીં..દીપેશે એને સાઈકલ અને પૈસા આપ્યા કે એ ભાગ્યો. દીપેશે ચાનું પાણી ઉકળવા મૂક્યું.  “બાબુભાઈ,બેસો.ચા પીને જજો..” એ આવ્યો એટલે દીપેશે કહ્યું. સરસ ચા પીને બાબુ રાજી થઈને ગયો.

દીપેશની સાથે બાબુને ફાવી ગયું હતું. લગીર મંદબુધ્ધિના બાબુની ઘરમાં કોઈ કાળજી નહીં લેતું હોય એટલે દીપેશના વધેલા ભાખરી-શાક ને ખીચડી પણ એ પ્રેમથી ઝાપટી જતો હતો. અગાઉ આ ઘરમાં રહેતા હતા એ યુવાનોની ઉદારતાનો એ વારંવાર ઉલ્લેખ કર્યા કરે.. 

પહેલી બે રાત દીપેશ જાગતો રહેલો.ત્રણ ઓરડા બંધ હતા,એમાંથી એક ઓરડામાંથી બે જણ વાત કરતા હોય એવો અવાજ આવે.સંભળાય ખરું પણ કંઈ સમજાય નહીં. પહેલવાન જેવા દીપેશની માનસિક શક્તિ પણ પ્રચંડ હતી.નજરે ના દેખાય એ માનવું નહીં ને એનાથી ડરવું નહીં એવી સાહસિકતા સાથે એણે એ રૂમના બારણા ઉપર જોરથી લાત મારીને ઘાંટો પાડ્યો. “ચૂપ..!મારે ભણવાનું છે. બિલકુલ અવાજ ના જોઈએ...” જાણે જાદૂ થયું હોય એમ ગુપસુપ બંધ થઈ ગઈ. દીપેશને રસ્તો જડી ગયો.રૂમમાંથી વાતચીત કે પાના ટીચવાનો અવાજ આવે કે તરત એ આ ઉપાય અજમાવતો.

“કાકા,ત્રણ મહિનામાં મને તો ફાવી ગયું.સોસાયટી મજાની છે..” દીપેશ નરેશના ઘેર ગયો હતો. “એ ખરું કે ક્યારેક ઘોંઘાટ કરે, બાકી, બેમાંથી એકેય ભૂતે મને દર્શન આપવાની હિંમત નથી કરી.” પોતાની સામે આશ્ર્ચર્યથી તાકી રહેલા નરેશ સામે જોઈને એણે ગર્વથી ઉમેર્યું.“ત્રાડ પાડીને ધમકાવું કે તરત ભૂતડાની ગુપસુપ પણ બંધ થઈ જાય..સાચું કહું છું,કાકા,મને લાગે છે કે કાકીને ભૂત જોયાનો ભ્રમ થયો હશે.બાકી હું તો વટથી રહું છું..”

 

“તું મરદ ને પાછો ગોરબાપાનો દીકરો એટલે બ્રહ્મતેજથી ટકી રહ્યો છે..છતાં,ભૂતનો ભરોસો નહીં.તકલીફ જેવું લાગે તો તરત અહીં આવતો રહેજે..”એ ઊભો થયો ત્યારે નરેશે સલાહ આપી.

પૈસાનું મૂલ્ય દીપેશ સમજતો હતો. મન લગાવીને ભણતો હતો. ફિલ્મ જોવાનું મન થાય ત્યારે રવિવારે મોર્નિંગ શૉમાં જવાનું એટલે ટિકિટ પરવડે. બાબુ નિયમિત આવીને નાની-મોટી સેવા આપતો હતો.

શનિવારે સોસાયટીના સેક્રેટરી આવીને નિમંત્રણ આપી ગયા.“લાડુ,છાલવાળું બટાકાનું શાક,ભજિયા, દાળ-ભાત ને પુરી..સોસાયટીના જમણવારમાં દેશી જલસો છે.કાલે બાર વાગ્યે પાછળ કોમન પ્લોટમાં આવી જજો..”

રવિવારે દીપેશ ખુશ હતો. એક મિત્રને ત્યાંથી પુસ્તકો લેવાના હતા.સવારે આઠ વાગ્યે એ ત્યાં પહોંચી ગયો.કામ પતાવીને દસ વાગ્યાના શૉમાં ફિલ્મ જોઈ.સાડા બાર વાગ્યે ઘેર પહોંચ્યો ત્યારે કકડીને ભૂખ લાગી હતી.

બારણું ખુલ્લું જોઈને એ ભડક્યો. કોઈ ચોર હશે? સાવધાનીથી એ અંદર પ્રવેશ્યો. સોફા ઉપર બાબુને જોઈને એ ચમક્યો. “અલ્યા,તું અંદર કઈ રીતે આવ્યો?”

“બારણું તો ફટ દઈને ઉઘડી ગયું.તમે ઉતાવળમાં સરખું બંધ નહીં કર્યું હોય. પેલા બે શેઠ કરગરીને બોલાવતા હતા. એટલે આવી ગયો અંદર!” મોઢામાં મસાલાને લીધે બાબુનો અવાજ થોડો વિચિત્ર લાગતો હતો. એની આંખની વિચિત્ર ચમક જોઈને દીપેશને લાગ્યું કે જમણવાર છે એટલે કદાચ પોટલી ટટકારીને આવ્યો હશે..

“બાબુડિયા! આ રીતે કોઈના ઘરમાં ઘૂસાય નહીં.સમજ્યો?” એણે કરડાકીથી કહ્યું.જવાબમાં ફિક્કું હસીને બાબુ એની ટેવ મુજબ માથાના વાળમાં આંગળીઓ ફેરવી રહ્યો હતો.“કોમન પ્લોટમાં જમવા જવાનું છે,ડોબા! પોટલી લગાવી હોય તો પાછળ ચોકડીમાં ડાચું ધોઈને દસ વાર કોગળા કર.હું ફ્રેશ થઈને આવું ત્યાં સુધીમાં રેડી થઈ જા..”

દીપેશ બાથરૂમમાં ઘૂસ્યો.પાંચ મિનિટ પછી એ બહાર આવ્યો ત્યારે બાબુ જતો રહ્યો હતો. લાડુની કલ્પનાથી ભૂખ વધુ તીવ્ર બની હતી. અચાનક અંદરના ઓરડામાંથી ખડખડાટ હસવાના અવાજો સાંભળીને એ વિફર્યો. “ ભૂખ લાગી છે ને તમને લોહી પીવાનું સૂઝે છે, (ગાળ)?”બારણે લાત મારીને એણે ત્રાડ પાડી.“આવીને ખબર પાડું છું તમને..” એ બારણે પહોંચ્યો ત્યારેય અંદરથી ખુશીની કિલકારીઓ સંભળાતી હતી.

એક વાગી ગયો હતો એટલે એણે ઝડપથી પગ ઉપાડ્યા. આઠમા બંગલા પાસે સોસાયટીના દસેક પુરુષો ઊભા હતા.“જમવાનું ચાલુ છેને?” એણે પૂછ્યું એટલે બધા આશ્ર્ચર્યથી એની સામે તાકી રહ્યા. “તને કંઈ ખબર નથી?”એક વડીલે કહ્યું. “જમણવાર કેન્સલ કર્યો. ગાંડોઘેલો પણ સોસાયટીનો જુવાનજોધ છોકરો હતો.”

“કોની વાત કરો છો? શું થયું?” દીપેશનો અવાજ તરડાઈ ગયો.

“બાબુ..સાવ ભોળિયો ભગવાનનો માણસ. એના બાપાની દવા લેવા નવ વાગ્યે ભમભમાટ સાઈકલ લઈને જતો હતો ને કોક ખટારાવાળાએ હડફેટે લઈ લીધો..જોવાય નહીં એવો સીન હતો.ખોપરી ફાટી ગઈ ને ઓન ધી સ્પોટ...!”ઢીલા અવાજે એ વડીલ માહિતી આપતા હતા એ એકેય શબ્દ હવે દીપેશના કાન સુધી પહોંચતો નહોતો.

દીપેશ રોડ તરફ દોડ્યો. નરેશકાકાના ઘેર જવા માટે એણે રિક્ષા પકડી.

 

 


Rate this content
Log in

Similar gujarati story from Action