Mahesh Yagnik

Others

2.5  

Mahesh Yagnik

Others

વાત એક વારસાની...

વાત એક વારસાની...

7 mins
14.5K


“ક્યાં મરી ગઈ?” અંધારિયા ઓરડાની વચ્ચોવચ પલંગ હતો. એના ઉપર સૂતેલા અમૃતલાલના શરીરમાં વધુ તાકાત નહોતી. સિત્તેર વર્ષની ઉંમર અને ટીબીની છેલ્લા સ્ટેજની બિમારીને લીઘે પલંગમાંથી ઊભા થવાનીયે એ દુર્બળ દેહમાં શક્તિ નહોતી. એ છતાં ગળું સાબૂત હતું. એક ત્રાડ પાડીને આખા ઘરને ઊંચુનીચું કરી દેવાની તાકાત હજુ અડિખમ હતી. એમણે બૂમ પાડી એ વખતે એમનાં પત્ની સવિતાબહેન છેક ડેલીના બારણાં પાસે ઊભાં હતાં. શેરીમાં કચરો વાળનારી બહેન સાથે માથાકૂટમાં રોકાયેલાં સવિતાબહેનને પતિની બૂમ સંભળાઈ નહોતી. પોતાની બૂમનો જવાબ ના મળ્યો એટલે અમૃતલાલની કમાન છટકી. “ ક્યાં મરી ગઈ ગધેડી? ” એમણે ઘાંટો પાડ્યો. અમૃતલાલનો દીકરો નગીન બાજુના ઓરડામાં હતો. પાંત્રીસ વર્ષનો નગીન દોડીને બાપ પાસે આવ્યો. સાક્ષાત દુર્વાસા જેવા અમૃતલાલ એની સામે ગુસ્સાથી તાકી રહ્યાં હતાં. “ તું કેમ આવ્યો?  તારી મા ક્યાં ગૂડાણી છે..?” એ માણસને સામો જવાબ આપીને વધારાની પાંચ ગાળો ખાવાની નગીનની તૈયારી નહોતી. એ છતાં ધીમા અવાજે એ બબડ્યો. “ કામ શું છે, એ બોલોને બાપા?  હું હાજર છું. મારી બા બહાર કચરો સાફ કરાવે છે.”

“અહીં મારો જીવ જાય છે ને એ ઘોડીને કચરાનું કામ સૂઝે છે? ” નગીનની સામે જોઈને અમૃતલાલ તાડૂક્યાં. “તુંય નમૂનો છે. ટણપાની જેમ મારું ડાચું જોઈને કેમ ઊભો છે ? દોડીને એને બોલાવી લાવ.”  એ આગળ કંઈ બોલે એ અગાઉ ઝડપથી પગ ઉપાડીને નગીન સવિતાબહેનની પાસે પહોંચી ગયો. “હાથી ગાંડો થયો છે..” દીકરાએ માને કહ્યું. “તને બોલાવે છે.. ” સવિતાબહેને ડેલીનું બારણું બંધ કરીને  નિરાશાથી માથું હલાવીને આકાશ સામે જોયું. “હવે હદ થાય છે દીનાનાથ! દયા કર.. વહેલામાં વહેલી તકે એમને ઉપર બોલાવી લે.. એમને અહીં રાખવા હોય તો મને બોલાવી લે..” ઝડપથી પગ ઉપાડીને અંદર ઓરડામાં જઈને એ પલંગ સામે ઊભાં રહ્યાં. 

“ બોલો, શું કામ હતું?”  મનના ધૂંધવાટ ઉપર કાબૂ રાખીને એમણે ધીમા અવાજે પૂછ્યું. સાથોસાથ વિલંબ માટે ખુલાસો પણ કર્યો. “ આખી શેરીનો કચરો વાળીને પેલીએ આપણાં ઘર પાસે ઢગલો કર્યો હતો એટલે એ સાફ કરાવતી હતી, ને તમે રાડારાડ કરી મૂકી. ”

“તારા કચરામાં દીવાસળી મેલ.. ”  અમૃતલાલ તાડૂક્યાં. “મારી વાત સાંભળ.. પેલો કપાતર ક્યાં મરી ગયો ? એનેય બોલાવી લે..  ” સવિતાબહેને બૂમ પાડીને બોલાવ્યો એટલે નગીન ધીમા પગલે આવીને માતાની પડખે ઊભો રહી ગયો.

 “ અત્યાર સુધી તમને કંઈ કીધું નથી, પણ છેલ્લા ત્રણ દિવસથી હું ઊંઘ્યો નથી, ખરેખર, એક મટકુંય મારવાની હિંમત નહોતી થતી.. ”  અમૃતલાલનો બુલંદ અવાજ અત્યારે સાવ ઢીલોઢસ થઈ ગયો હતો. અગાઉ ક્યારેય પત્ની અને પુત્ર સાથે આટલી નરમાશથી એમણે વાત નહોતી કરી. એને લીધે  મા-દીકરો આશ્ર્ચર્યથી એકબીજાની સામે તાકી રહ્યાં હતાં. એ તરફ અમૃતલાલનું ધ્યાન નહોતું. આંખો બંધ કરીને એ ધ્રૂજતા અવાજે બોલતાં હતાં. “ ઊંઘવા માટે આંખ બંધ કરું ને તરત યમરાજનો પાડો જાણે સામે ઊભો હોય એવું લાગે.. સીસમ જેવો કાળો ભમ્મર પાડો મારા પલંગની સામે ઊભો રહીને લાલઘૂમ ડોળાં કાઢીને મારી સામે તાકી રહે.. આખું શરીર પરસેવે રેબઝેબ થઈ જાય..તરત આંખ ખોલી નાખું ને લાઈટ ચાલુ કરીને આખી રાત ફફડાટમાં જાગ્યા કરું..” આગળ વધીને સવિતાબહેને અમૃતલાલને પાણી પીવડાવ્યું. “ આ બધાનો મતલબ સમજવા જેટલી અક્કલ છે મારામાં. ” 

પાણી પીધા પછી જાણે તાકાત પાછી આવી હોય એમ એમના અવાજનો રણકો બદલાયો. “ તમે બેઉ ડોબાં છો એટલે એકની એક વાત મારે હજાર વાર કહેવી પડે છે..હું અમૃતલાલ. આખી જિંદગી માથું ઊંચું રાખીને જીવ્યો છું. નાક ઉપર માખી નથી બેસવા દીધી. આજ સુધીમાં કોઈની સામે હાથ નથી લંબાવ્યો. ત્રણ-ત્રણ નાના ભાઈઓ હોવા છતાં એક વાર અંટસ પડી એ પડી. એ ઝઘડા પછી એ ત્રણમાંથી એકેય નાલાયકના આંગણે પગ નથી મૂક્યો કે નથી એકેયનું ડાચું બોલાવ્યું.. ! ” સ્હેજ અટકીને સવિતાબહેન સામે જોતી વખતે એમની ઊંડી ઊતરી ગયેલી આંખે અંગારા વરસાવવાનું શરૂ કર્યું.  “તારા બે ભાઈઓ પણ સાવ હલકટ. ઘસીને ગૂમડે ચોપડવામાંય કામમાં ના આવે એવા સાળાઓને શું ધોઈ પીવાના ? વીસ વરસ પહેલાં એ બેઉ મારી સાથે બાખડેલાં ત્યારે એ બેઉને બજાર વચ્ચે ઝૂડી નાખેલાં. એમની નાલાયકીથી હેરાન તું થઈ. એ દિવસથી તારો પિયરનો રસ્તો બંધ થઈ ગયો.. ” એમણે ત્રાડ પાડીને સવિતાબહેનને પૂછ્યું. “ આ બધું યાદ છે કે ભૂલી ગઈ ? તને તો હજુય મનમાં અભરખા હશે તારા ભાઈઓને બોલાવવાના..  ” એમણે પલંગમાં સૂતાં સૂતાં જ મહામુશ્કેલીએ જમણો હાથ ઊંચો કર્યો. દોરડી જેવા પાતળા હાથમાં માત્ર ઉપસેલી નસો જ દેખાતી હતી. આટલા શ્રમથી ઉધરસ ચડી એટલી વાર એ અટક્યાં. પછી હાથની આંગળીઓથી ઝનૂનપૂર્વક હવામાં ચોકડી દોરી.  “ હું શું કહું છું એ સમજવાની અક્કલ બળી છે તમારામાં ? મેં એ બધાના નામ ઉપર ચોકડી મારી દીધી છે. મારા મુફલિસ ભાઈઓ કે તારા તુંડમિજાજી મગતરાં જેવા ભાઈઓ.. એમાંથી એકેયનો પડછાયો પણ મારા ઘરમાં ના જોઈએ. સમજણ પડી? મારો પંડ ના હોય ત્યારેય એમને ઘરમાં ઘાલવાના નથી.. ” ફરીવાર ખાંસી ચડી. જોરદાર ખાંસીને લીધે એમનો દુર્બળ દેહ ધ્રૂજતો હતો. પત્ની સામે તિરસ્કારથી જોઈને એ જોરથી થૂંક્યાં અને ગળફો કાઢ્યો.

પછી તોપનું નાળચું દીકરા તરફ વળ્યું. હડહડતા ધિક્કારથી એ નગીન ની સામે તાકી રહ્યાં. “ છેલ્લાં શ્ર્વાસમાંય તારી ચિંતા થાય છે, ટણપા! પાંત્રીસ વર્ષનો ઢોલો થયો તોય તારામાં ખુમારી ના આવી. એટલે તો વાંઢો રહી ગયો. આ તારા બાપની સામે જો, બળદિયા, આ ઉંમરે હાથ-પગ નથી ચાલતાં તોય આખું ગામ મારાથી ફફડે છે  ને તું આવો માંગો ક્યાંથી પાક્યો? મારો ઉપકાર માન કે પીટીસી કરાવીને તને ગામની નિશાળમાં નોકરી અપાવી દીધી. બાકી, તારામાં ક્યા હીરલાં ટાંક્યા છે..?  હવે ખોંખારીને જીવતાં શીખ, જનાવર !  તારી બેન સાસરે છે. કાલે ઉઠીને મારો પંડ નહીં હોય ત્યારે તારી મા અને નાની બેન નિરાલીની જવાબદારી તારા માથે આવશે એ વખતે આવા બાયલાવેડા નહીં ચાલે.. મારી વાત તારા ભેજામાં ઊતરે છે કે હજુ ભૂંસું જ ભર્યું છે?”

આ વખતે જે ખાંસી ચડી એ વધુ તીવ્ર હતી એટલે બેવડ વળીને એ પાંચેક મિનિટ બેસી રહ્યાં. ત્યાં સુધી સવિતાબહેન અને નગીન એકબીજાની સામે તાકીને ચૂપચાપ ઊભા રહ્યાં.

“ પાણી આપ ગધેડી,..” અર્ધા ઊભા થઈને એમણે તીણા અવાજે ચીસ પાડી. “મરવા પડ્યો છું ને તમે મા-દીકરો જાણે તમાશો જોવા ઊભા છો, હલકટ..” નગીન દોડીને પાણી લઈ આવ્યો. પાણી પીધા પછી એકાદ મિનિટ સુધી આંખો પહોળી કરીને એ સવિતાબહેન અને નગીનની સામે જોઈ રહ્યાં. “છેલ્લી વાત સાંભળી લો.. ” ઉશ્કેરાઈને દાંત ભીંસીને બોલતી વખતે અમૃતલાલના નસકોરાં ફૂલી ગયાં અને આંખોમાંથી હમણાં જાણે ડોળાં બહાર ધસી આવશે એવું લાગતું હતું.

“હું મરું ત્યારેય મેં જેને કેન્સલ કરી નાખ્યાં છે એમને નથી બોલાવવાના.. એમને જાણ પણ કરશો તો મારા રૂંવાડે રૂંવાડે આગ ભભૂકશે.” એમણે નગીન સામે નજર કરી. “મારી જેમ મરદાનગીથી જીવતાં શીખ, મુફલિસ દુનિયા ઝખ મારે છે. તારી મા અને નિરાલીનું ધ્યાન રાખવા જેટલો જોરદાર બની જા.”  એક ડચકાં સાથે અમૃતલાલની ગરદન લથડી પડી અને શ્વાસ અટકી ગયો...

હાશ! બિચારાં સવિતાબહેન અને નગીન ત્રાસમાંથી છૂટ્યાં.. અમૃતલાલના મૃત્યુ પછી આખા ગામને છૂપો આનંદ હતો. અમૃતલાલની જીભના ઝપાટે ચડેલાં બધાંયને સવિતાબહેન અને નગીન પ્રત્યે સહાનુભૂતિ હતી. આવા તીખા મરચા જેવા ક્રોધી માણસ સાથે એ બંને કઈ રીતે જીવતાં હશે ? પરણેલી દીકરી નિરાલી એના પતિ સાથે આવી ગઈ હતી. અમૃતલાલની અંતિમ ઈચ્છાને માન આપીને સવિતાબહેને કોઈ સગાંને પોતે જાણ નહોતી કરી. એ છતાં લોકલાજે એ બધાં સીધા સ્મશાને આવીને ત્યાંથી જ જતાં રહ્યાં હતાં.

નિરાલી ઉત્તરક્રિયા સુધી  રોકાવાની હતી. અગ્નિસંસ્કાર પછી એનો પતિ બીજા દિવસે પાછો જતો રહ્યો. ઉત્તરક્રિયા વખતે એ પાછો આવવાનો હતો. ઓરડામાં અમૃતલાલની છબી પાસે દીવો પ્રગટાવીને ભાઈ-બહેન અને મા આખો દિવસ બેસી રહેતાં હતાં. ગામલોકો અને બહારગામથી જે લોકો મળવા આવતા હતા, એ બધા સવિતાબહેન સાથેનો વ્યવહાર સાચવવા આવતા હતા. એમાંથી કોઈનેય અમૃતલાલના અવસાનની પીડા નહોતી.

આઠમા દિવસે સાંજે સવિતાબહેન રસોડામાં હતી. વિચારમગ્ન નગીન મૂઢની જેમ અમૃતલાલની છબી સામે તાકી રહ્યો હતો. નિરાલી એની પાસે બેઠી હતી. તપેલી ચૂલા ઉપર મૂકીને સવિતાબહેન ત્યાં આવીને બંને સંતાનો વચ્ચે બેસી ગઈ.

“ બા,મારા મનમાં એક વિચાર આવે છે.. “ લગીર વિચાર કર્યાં પછી નિરાલીના હોઠ ફફડ્યાં. સવિતાબહેનની સામે જોઈને એ ઠાવકાઈથી બોલી. “ એમની કુહાડા જેવી જીભથી બાપાએ તો બધાની સાથે સંબંધ તોડી નાખેલા. એ તો ગયાં. બધા સગા-સંબંધીઓ સાથે સંબંધ સુધારવો છે કે મનમાં જૂની કડવાશ સંઘરીને જીવવું છે એ હવે આપણે નક્કી કરવાનું છે.. ”

આશાભરી નજરે એણે મોટાભાઈ સામે જોયું. “ નગીનભાઈ, ત્રણેય કાકા બહુ દૂર નથી રહેતાં. ઘરનો વ્યવહાર હવે તમારે સંભાળવાનો છે. મારી વાત માનો. મોટું મન રાખીને ત્રણેય કાકાને ત્યાં જઈ આવો અને બારમા-તેરમાનું જમવાનું કહી આવો.. ” નાની બહેન ભોળાભાવે મનની વાત કહેતી હતી, પણ એનાં શબ્દો સાંભળીને નગીનનો ચહેરો બદલાઈ રહ્યો હતો એ તરફ એનું ધ્યાન નહોતું.

“ તું તારું સાસરું સંભાળીને મૂંગી મર, ગધેડી!  ”  ઉશ્કેરાઈને દાંત ભીંસીને બોલતી વખતે નગીનના નસકોરાં ફૂલી ગયાં અને આંખોમાંથી હમણાં જાણે ડોળાં બહાર ધસી આવશે એવું લાગતું હતું. “ અમારા ઘરમાં દોઢી થવાના અભરખા છોડી દે..”  અણધાર્યું નગીનનું આ રૌદ્ર રૂપ જોઈને સવિતાબહેન અને નિરાલી રીતસર હબકી ગયાં હતાં. નગીનનો ગુસ્સો હજુ ભભૂકી રહ્યો હતો. સ્હેજ અટકીને નિરાલી સામે જોતી વખતે એની ઊંડી ઊતરી ગયેલી આંખે અંગારા વરસાવવાનું શરૂ કર્યું. “ આ મારું ઘર છે મૂરખ, તારે શિખામણ આપવાની જરૂર નથી, શંખણી! ”


Rate this content
Log in