Mahesh Yagnik

Others

3.3  

Mahesh Yagnik

Others

વાત સમયચક્રની...

વાત સમયચક્રની...

6 mins
14.1K


“ટિકિટ થઈ ગઈ છે..સવારે કર્ણાવતીમાં મુંબઈ...” અઠ્ઠાવન વર્ષના મનુભાઈએ ખાતરી કરવા જયંતીલાલને ફરીથી પૂછ્યું. “ દીકરો કે વહુ  વાંધો તો નહીં લેને?”

જયંતીલાલે હસીને કહ્યું. “મેં તમને ઘેર જમવાનું નોતરું આપ્યું હોય તો એમને કદાચ ના ગમે. પણ  તમારા ખર્ચે અને જોખમે જવાનું છે એમાં એમને શું તકલીફ ?”

શનિવારે રાત્રે જમતી વખતે જયંતીલાલે દીકરા-વહુની સામે જોયું. “કાલે સવારે મનુભાઈ જોડે મુંબઈ જવાનું છે.” એમણે માહિતી આપી. “એમના બાપા સાવરકુંડલાના નગરશેઠ હતાં. દોમદોમ સાહ્યબી એટલે મનુભાઈ આઠમું પાસ થઈને ધંધે બેસી ગયાં. એ પછી દિવસો ફર્યાં. એને લીધે અમદાવાદ આવીને ભાડે રહેવું પડ્યું. પછી માંડ માંડ આ ફ્લેટ લીધો. અત્યારે નાની દીકરી માટે મુરતિયો શોધે છે. ઘર જોવા જવાનું છે. મનુભાઈ સાવ ભોળિયા અને ગભરૂ છે. ત્યાંનો પરિવાર અજાણ્યો અને મુંબઈમાં એકલા જવાની હિંમત નથી. કહે કે સાથે આવો. એકથી બે ભલા! ”

દીકરા-વહુએ તરત હા પાડી.

“બોરિવલીમાં જેમને ઘેર જવાનું છે એ કાંતિલાલને કાગળનો કારોબાર છે...” ટ્રેનમાં મનુભાઈએ સમજાવ્યું. “કરોડપતિ પાર્ટી છે. મારા કેસમાં એવું છે કે પૈસે ટકે ઘસાઈ ગયાં હોવા છતાં આબરૂ અકબંધ છે. રતિલાલ તલકશી... જ્ઞાતિમાં બાપાનું નામ હજુય માનથી બોલાય છે. આપણે ઘર અને માણસો જોવાના છે. પછી એ લોકોને અમદાવાદ બોલાવીશું.. ”

એક વાગ્યે બોરિવલી ઊતરીને એક હોટલમાં ચા-નાસ્તો કર્યો. “વગર કહ્યે કોઈને ત્યાં આ ટાઈમે જઈને જમવાની આશા ના રખાય. સાંજે આગ્રહ કરશે તો ત્યાં જમી લેશું..” ડાયરીમાંથી સરનામું જોઈને રિક્ષામાં બેઠાં. આલીશાન ફ્લેટમાં સલામતીનો બંદોબસ્ત જડબેસલાક. ગેટ પાસેની કેબિનમાં બેઠેલા સિક્યોરિટી ગાર્ડે બંનેને રોક્યાં. કાંતિભાઈનું નામ આપીને મનુભાઈએ પોતાની વિગત જણાવી એ પછી ગાર્ડે ત્યાં ફોન જોડ્યો. “સાવરકુંડલાથી કોઈ રતિલાલ તલકશી..” એ માણસ આગળ કંઈ બોલે એ અગાઉ જયંતીલાલે ફોન હાથમાં લઈને મનુભાઈની ઓળખાણ આપી પછી ફોનનું ડબલું ગાર્ડને પકડાવ્યું. ત્યાંથી આદેશ સાંભળ્યા પછી ગાર્ડે વિવેકથી લિફ્ટનો રસ્તો બતાવ્યો. અઢાર માળના ટાવરમાં કાંતિભાઈનો ફ્લેટ ચૌદમા માળે હતો.

રવિવાર હોવાથી કાંતિભાઈ ઘેર જ હતાં. “પધારો..પધારો..” પ્રેમથી આવકાર આપીને એમણે બંનેને સોફા ઉપર બેસવા કહ્યું. મનુભાઈ અને જયંતીલાલ હજુ ડઘાયેલી હાલતમાં જ હતાં. ફ્લેટનો ડ્રોઈંગરૂમ આટલો વિશાળ અને ભવ્ય હોઈ શકે એવું એમણે પહેલી વાર જોયું. આરામથી બસો માણસની મિટિંગ ભરી શકાય એટલા મોટા રૂમમાં સોફા પણ ફિલ્મોમાં જોવા મળે એવા વૈભવશાળી હતાં. બેસતાં જ જાણે અંદર ઊતરી જવાય એવા પોચા પોચા રજવાડી સોફામાં બેસીને એ બંને એકબીજાની સામે તાકી રહ્યાં.

“બોલો, શેઠિયા, મુંબઈ કેમ આવવું પડ્યું?” કાંતિભાઈએ સામે બેસીને મનુભાઈને પૂછ્યું.

“શેઠિયા તો તમે છો..” આખા ઓરડામાં પથરાયેલા વૈભવ ઉપર નજર ફેરવીને મનુભાઈએ જવાબ આપ્યો. “અમારી દશા તો ભરૂચ જેવી છે.. ”

“ભાંગેલું તોય ભરૂચ એ ભરૂચ જ કહેવાય, શેઠિયા!” કાંતિભાઈએ હસીને કહ્યું.“પ્રવાસમાં કોઈ તકલીફ તો નથી પડીને ?” એમણે ફરિયાદના સૂરમાં ઉમેર્યું. “મારો ફોન નંબર નથી તમારી પાસે?  ઈશ્ર્વરની દયાથી ચાર ગાડી છે. સ્ટેશનેથી એક ફોન કરી દીધો હોત તો ડ્રાઈવરને મોકલી આપતો. એની વે, અમારું આંગણું પાવન કર્યું એનો આનંદ છે. મારે લાયક સેવા ફરમાવો..”

કાંતિભાઈ જે ઉત્સાહથી આવકાર આપી રહયાં હતાં એ જોઈને મનુભાઈનો સંકોચ ઓગળી રહ્યો હતો.“મોટો દીકરો છે. એની વહુ બરવાળાવાળા ખોખાણી પરિવારની છે. હવે એનાથી નાની દીકરી માટે સારું ઘર શોધીએ છીએ. તમારા દીકરા સ્તવન માટે કોઈકે આંગળી ચીંધી એટલે મુંબઈનો કાર્યક્રમ બનાવી નાખ્યો..”

“એક મિનિટ..!” કાંતિભાઈએ હસીને મનુભાઈ સામે જોયું. “આવી વાતમાં અમારા શ્રીમતીજીની હાજરી જરૂરી છે..” એમણે ગરદન ઘૂમાવીને બૂમ પાડી. “સાંભળો છો? અહીં પધારો. આ મનુભાઈ શેઠ બોલાવે છે તમને!”

ભારેખમ સિલ્કની સાડી અને હીરાના ચમકદાર દાગીના સાથે અલકા ત્યાં આવી અને કાંતિભાઈની પાસે બેઠી. “ આ મનુભાઈ શેઠ..સાવરકુંડલાવાળા રતિલાલ તલકશી શેઠના દીકરા. અત્યારે અમદાવાદ રહે છે. આપણા સ્તવન માટે એમની દીકરીની વાત લઈને આવ્યાં છે..”

અલકા મનુભાઈની સામે તાકી રહી. જયંતીલાલ સાક્ષીભાવે જોઈ રહ્યાં હતાં. વેધક નજરે ગણીને ચાર સેકન્ડમાં અલકાએ મનુભાઈનું નિરીક્ષણ પતાવી દીધું. મનુભાઈ આશાભરી નજરે અલકા સામે તાકી રહ્યાં હતાં.

“દીકરી શું કરે છે?” અલકાના રણકતા અવાજમાં સંમોહક મીઠાશ હતી. “એનો ફોટો-જન્માક્ષર કે એવું કંઈ લાવ્યાં છો સાથે ?”

“દીકરી કોમ્પ્યુટર એન્જિનીયર છે, ફર્સ્ટ ક્લાસ. એક આઈ.ટી. કંપનીમાં નોકરી કરે છે..” ગર્વથી આટલું કહીને મનુભાઈએ કાંતિભાઈ અને અલકા સામે જોયું. “સાચું કહું ? જૂનવાણી માણસ છું, એટલે ઘર જોવા જ આવેલો. મારે મન વર કરતાંય ઘર વધુ મહત્વનું છે. સધ્ધર અને ખાનદાન ખોરડું હોય તો દીકરીના બાપ તરીકે મને કોઈ ચિંતા ના રહે. ફોટો ને જન્માક્ષર હવે મોકલાવી આપીશ.”

“ઘર જોઈ લીધું ?” અલકાએ હસીને મનુભાઈ સામે જોયું. “આ ડ્રોઈંગરૂમ છે. ચાર બેડરૂમ અને એક ગેસ્ટરૂમ છે. રસોડાની પાસે ડાઈનિંગ રૂમ છે ત્યાં અત્યારે આપણે જમવા બેસવાનું છે..ચાલો..”

“આને ઘર ના કહેવાય, આ તો મહેલ છે મહેલ!” બે હાથ જોડીને મનુભાઈ અહોભાવથી બબડ્યાં. “સાચું કહું? તમારું ઘર આવું ઈન્દ્રલોક જેવું હશે એની કલ્પના નહોતી. મારી દીકરીને આવું ઘર મળે તો એ મારું સદ્ નસીબ કહેવાય!”

“એ બધી ઘરની વાતો જમ્યા પછી નિરાંતે થશે, પહેલા જમવા પધારો.” અલકાના અવાજમાં પ્રેમભર્યો આદેશ હતો. મનુભાઈ અને જયંતીલાલ એકબીજાની સામે જોઈ રહ્યાં. પછી કાંતિભાઈની પાછળ ડાઈનિંગ ટેબલ પર પહોંચ્યાં. ત્યાં જે વાનગીઓ હતી એ જોઈને મનુભાઈને અન્નકૂટ યાદ આવી ગયો.

ભોજન પછી કાંતિભાઈ એ બંનેને ગેસ્ટરૂમમાં લઈ ગયા. એરકન્ડિશન્ડ રૂમમાં બે કલાક આરામ પછી બધા ડ્રોઈંગરૂમમાં બેઠાં.“તમારું ઘર જોયાં પછી મારે કંઈ કહેવાનું નથી. મારી સોએ સો ટકા હા છે..” કાંતિભાઈ અને અલકાની સામે હાથ જોડીને મનુભાઈ ભાવાવેશમાં બોલ્યાં.“દીકરાને લઈને અમદાવાદ પધારો. એ પછી જે કંઈ નિર્ણય થશે એ ઈશ્ર્વરની મરજી...એ છતાં,એક વાત કહું ? તમારું ઘર જોઈને હું તો રોજ પ્રાર્થના કરીશ કે એને તમારા ચરણોમાં સ્થાન મળે..!”

“એ બધી નસીબની વાત છે, મનુભાઈ! જન્માક્ષર મળે ને બંને એકબીજાને પસંદ કરે તો સોનામાં સુગંધ ભળે..” અલકાએ ઠાવકાઈથી કહ્યું. “અમે લોકો વહેલામાં વહેલી તકે ત્યાં આવવાનો પ્રયત્ન કરીશું..”

નોકર ચા-નાસ્તો લઈને આવ્યો. એ પતાવીને મનુભાઈ અને જયંતીલાલ ઊભાં થયાં.

“એક કોમેડી વાત કહું?” સ્ટેશને પહોંચ્યા પછી મનુભાઈના હોઠ મલકતાં હતાં. જયંતીલાલના બરડામાં ધબ્બો મારીને એ ખડખડાટ હસી પડ્યાં. “ત્યાં અલકાને જોયા પછી લાગતું તું કે આને ક્યારેક ક્યાંક જોઈ છે. બહુ ભેજું કસ્યું ત્યારે છેક અત્યારે યાદ આવ્યું. મારા સગપણની વાત ચાલતી હતી ત્યારે એના બાપા એને લઈને અમારા ઘેર આવેલા. પાંચ મિનિટની અમારી મિટિંગ પણ થયેલી. એ વખતે મને એ બહુ અભિમાની લાગેલી એટલે બાપાને કહી દીધું કે આ અભિમાનની પૂતળી આપણા ઘરમાં ના ચાલે..એ પછી આટલાં વર્ષે એને જોઈ. જાડી થઈ ગઈ છે, વાળ ધોળા ને પાછા ચશ્માં પહેરેલાં એટલે ક્યાંથી ઓળખાય? છેક અત્યારે ટ્યુબલાઈટ થઈ!” હસવાનું ભૂલીને એણે ગંભીરતાથી કહ્યું.  “જયંતીલાલ,એનું ઘર જોયાં પછી એક જ ઈચ્છા છે કે દીકરી ત્યાં જઈને સુખી થાય..”

બરાબર એ વખતે અલકાને ખડખડાટ હસતી જોઈને કાંતિભાઈને આશ્ર્ચર્ય થયું. “શું થયું?” એણે નજીક આવીને પૂછ્યું.

“પેઢીઓ બદલાઈ ગઈ પણ આ માણસ હજુ ત્યાંનો ત્યાં જ રહ્યો..” મહામુશ્કેલીએ હસવાનું રોકીને એણે પતિ સામે જોયું. “એ વખતે તો સાવરકુંડલાવાળા રતિલાલ તલકશી શેઠના દીકરા મનુભાઈનો વટ હતો. અત્યારે આ માણસ જે બોલતો હતો એ જ શબ્દો એ જમાનામાં મારા બાપા બોલતાં હતાં. આઠમું ધોરણ પાસ એ મુરતિયો જાણે દુનિયાનો છેલ્લો પુરુષ હોય એમ મારા બાપા મને ત્યાં પરણાવવા માટે મથી રહ્યાં હતાં. એમની પીન પણ ઘર ઉપર જ ચોંટી ગઈ હતી. આવું ઘર નહીં મળે એમ કહીને પરાણે ત્યાં લઈ ગયેલાં. મારાથી બીજું તો શું થઈ શકે? મિટિંગમાં નાટક કર્યું. એકદમ તોરથી એવા જવાબ આપ્યાં કે એ અભણ ગભરાઈ ગયો ! સામેથી જ એ લોકોએ બાપાને ના પાડી દીધી. એ પછી મેં બાપાને સમજાવ્યું કે છોકરો પાણીવાળો હોવો જોઈએ. ઘરમાંથી વર ના થાય, પણ વરમાંથી ઘર થાય..!” એણે હસીને ઉમેર્યું. “ એ ભૂતકાળને ભૂલીને અમદાવાદ જવાનું નક્કી કરો. એની દીકરીને અન્યાય ના કરાય. આ કુટુંબમાં એ કદાચ સંસારની સારપ લઈને જન્મી હશે...”


Rate this content
Log in