Mahesh Yagnik

Drama


0.6  

Mahesh Yagnik

Drama


વાત એક ઉપકારની...

વાત એક ઉપકારની...

6 mins 13.5K 6 mins 13.5K

“હિતેશ રૂડો-રૂપાળો છે એટલે ને અટકને લીધે ક્યારેક કોમેડી થાય છે.” નંદાબહેને હસીને સવિતાને કહ્યું.

નંદાબહેન અને દિલીપભાઈને બે સંતાન. શીતલ અને હિતેશ. બાજુની સોસાયટીમાં રહેતી સવિતા નંદાબહેનની ખાસ બહેનપણી. મળવા આવે ત્યારે એકાદ કલાક બેસે. 

 “હિતેશની જોડે એક બ્રાહ્મણની દીકરી ત્યાં નવી નવી નોકરીમાં લાગી છે. હિતલાને કંઈ પૂછ્યાગાછ્યા વગર એ ગાંડીએ તો એના બાપાને વાત કરી.ગયા રવિવારે એ બાપ-દીકરી અમારું ઘર શોધતા આવ્યા.એમણે અમને પરિચય આપ્યો ત્યારે નવાઈ લાગી.એ વડીલ તો આંખો ઝીણી કરીને આખા ઘરનું નિરીક્ષણ કરે.પછી હળવે રહીને અમને પૂછ્યું કે હિતેશકુમારના જન્માક્ષર આપશો? હિતલાના પપ્પા તો હસી પડ્યા. એ વડીલને કહ્યું કે ત્રિપાઠીસાહેબ, અમને તો કોઈ વાંધો નથી પણ સચ્ચાઈ જાણીને તમે ભાગી જશો.એ બાપ-દીકરી આશ્ચર્યથી તાકી રહ્યા હતા એમને નિખાલસતાથી સમજાવ્યું કે અમે શર્મા એટલે રાજસ્થાન કે યુ.પી.ના બ્રાહ્મણ નથી.અમે તો મહેસાણા બાજુના શર્મા છીએ..હજામ. સારા શબ્દોમાં કહો તો વાળંદ!”

        “હાય રામ! પછી શું થયું?” 

“ધૂળ ને ઢેફાં..ચા પીને એ લોકો જતા રહ્યા. રાત્રે ફોન ઉપર શીતલને વાત કરી તો એ પણ ખડખડાટ હસી પડી..”

“શીતલના લગ્નને તો બે વર્ષ થઈ ગયાને? એ લોકો તો લંડનમાં જ છેને?” 

“ભગવાનની દયાથી જમાઈ એવો મળ્યો છે કે અમને જરાય ચિંતા નથી. મનોજકુમાર લાખ રૂપિયાનો માણસ છે. શીતલ તો એવા સુખમાં હિલ્લોળા લે છે કે અમને યાદેય નથી કરતી..” એમના અવાજમાં સંતોષનો રણકો ઉમેરાયો.“સાસરે ગયેલી દીકરીને પિયરની જરાય યાદ ના આવે, એનાથી મોટું સુખ દીકરીના મા-બાપ માટે દુનિયામાં એકેય નથી! અત્યારે પાંચમો મહિનો જાય છે ને જમાઈ ફૂલની જેમ સાચવે છે મારી શીતલને..” 

“એની ડિલિવરી માટે તમે જવાના કે તમારી વેવાણ જશે?”સવિતાએ પૂછ્યું. 

“વેવાણની તબિયતના ઠેકાણા નથી. મને કહે તો અબઘડી વિમાનમાં બેસી જાઉં, પણ જમાઈએ ના પાડી.ત્યાં પાડોશમાં જ એમનો ભાઈબંધ રહે છે, એની મા કડેધડે છે.એ બધું સંભાળી લેશે.બધી વ્યવસ્થા કરી રાખી છે.મારે તો અહીંથી મેથીના લાડવા મોકલીને રાજી થવાનું..”

લંડનમાં શીતલે પુત્રને જન્મ આપ્યો. એના ત્રીજા જ દિવસે અહીં મનોજની મમ્મીએ દેહ મૂક્યો. મનોજના પપ્પા નગીનભાઈ ભાંગી પડ્યા. એકનો એક દીકરો લંડનમાં ને અહીં પોતે સાવ એકલા. સાંઈઠ વર્ષમાં હજુ છ મહિના બાકી હતા. નોકરી કરવાની હતી,ત્યાં સુધી ઑફિસમાં સમય પસાર થઈ જશે પણ પછી શું એ ચિંતા એમને કોરી ખાતી હતી.રૂપિયા-પૈસાની કોઈ ફિકર નહોતી,પણ ખાલીખમ ઘરમાં ચોવીસેય કલાક કઈ રીતે વીતાવવાના? મનોજે તો કહી દીધેલું કે રિટાયર થઈને લંડન આવી જજો પણ એમના મનમાં દ્વિધા હતી. અહીં મંદિરના ઓટલે કે સાંજે બગીચામાં મિત્રોની સોબત મળે, ત્યાં વાત કોની જોડે કરવાની? અલબત્ત, અહીં એમને મોટામાં મોટી તકલીફ જમવાની હતી.બહારનું જમવાનું ફાવે નહીં, રસોઈ આવડે નહીં, કંટાળો આવે છતાં,જાતે બનાવવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો. એ નિવૃત્ત થયા એ પછી નંદાબહેન અને દિલીપભાઈએ એમની પૂરી કાળજી રાખી. દર બે-ચાર દિવસે આવીને એ બંને ખાસ્સું રોકાતા.કોઈને કોઈ બહાને અઠવાડિયે એકાદ વાર જમવા પણ  બોલાવતા.ક્યારેક એમને ત્યાં નંદાબહેન રસોઈ બનાવે.

રવિવારે સવારે એ બંને એમની સાથે પચાસેક વર્ષની એક સ્ત્રીને લઈને આવ્યા એટલે નગીનભાઈને આશ્ચર્ય થયું.“આ મારી બહેનપણી રસિલા...” ઓળખાણ કરાવીને નંદાબહેને અધિકારથી કહ્યું. “આજે અમે ત્રણેય અહીં તમારી સાથે જમવાનો કાર્યક્રમ બનાવીને આવ્યા છીએ.બધી રસોઈ રસિલા બનાવશે..” પછી હસીને ઉમેર્યું. “ઊંધિયામાં એની માસ્ટરી છે એટલે રીંગણ તો અમે લઈને જ આવ્યા છીએ.તમે રસોડામાં જઈને એને બધા ડબાડૂબલી બતાવી દો..”

નગીનભાઈ રસોડામાં રસિલાને માર્ગદર્શન આપી રહ્યા હતા ત્યારે નંદાબહેનની હાજરી હોવા છતાં અછડતી નજરે નગીનભાઈ રસિલાનું નિરીક્ષણ કરી રહ્યા હતા.પચાસેક વર્ષની ઉંમરે પણ શરીરનો બાંધો ઘાટિલો હતો.તંદુરસ્તીથી ચમકતી ઘઉંવર્ણી ત્વચા,નમણું નાક અને વિશાળ આંખોમાં ભોળપણ.  

એ પછી નંદાબહેન અને નગીનભાઈ બહાર આવી ગયા.જબરજસ્ત ઝડપથી રસિલાએ એકલા હાથે રસોઈ બનાવી. ચારેય સાથે જમવા બેઠા. “હું ખોટા વખાણ નહોતી કરતીને?” જમતી વખતે નંદાબહેને હસીને નગીનભાઈને પૂછ્યું.  “બોલો સાહેબ,રસોઈ કેવી લાગી?”

“અદ્ ભૂત!” નગીનભાઈએ આદરભાવથી રસિલાની સામે જોયું. “ખરેખર,તમને સારું લગાડવા નથી કહેતો.પણ જે સાચું છે એ કહું છું. આવી ટેસ્ટી દાળ કોઈ હોટલમાંય નથી ખાધી.ભડથાનો સાચો સ્વાદ કેવો હોય એ આજે ખબર પડી.” 

“ને ફૂલકા રોટલી?”નંદાબહેને હસીને પૂછ્યું. “.મારા ભારતના નકશાની તુલનામાં આ રોટલીને તો ઓસ્કાર એવૉર્ડ આપવાનું મન થાય છે!” ખુશખુશાલ નગીનભાઈના અવાજમાં સુખદ આશ્ચર્ય હતું.

        “જુઓ,નગીનભાઈ, છાસ લેવા જવું અને દોણી સંતાડવી એવી આવડત મારામાં નથી.” જમ્યા પછી બધા સોફા ઉપર બેઠા હતા ત્યારે નંદાબહેને ઠાવકાઈથી સમજાવ્યું.“તમારાથી ખાનગીમાં મનોજકુમાર સાથે અમારે પંદર દિવસથી રોજ ફોન ઉપર ચર્ચા ચાલે છે.વોટસેપ પર વીડિયો કોલમાં મનોજકુમાર અને શીતલની સાથે આ રસિલાને પણ વાત કરાવી દીધી છે.એ બંને પણ મારી વાત સાથે સો ટકા સંમત છે અને જો તમે હા પાડશો તો એ બંને રાજી રાજી થઈ જશે.” 

“હું કંઈ સમજ્યો નહીં..”નગીનભાઈના અવાજમાં ગૂંચવાડો હતો.  

 “મારી વાત શાંતિથી સાંભળો..”નગીનભાઈની સામે જોઈને નંદાબહેને સમજાવ્યું.  “આ રસિલા મારા ગામની જ છે. શેરીની ધૂળમાં સાથે રમીને મોટા થયા છીએ. બે વર્ષ અગાઉ એના પતિનું અવસાન થયા પછી એ બાપડી આ સંસારમાં સાવ એકલી છે.ઈશ્વરે સંતાનસુખ નથી આપ્યું એટલે વિધવા થયા પછી હતાશામાં ડૂબીને રડ્યા કરતી હતી.એની દશા જોયા પછી,સાચું કહું? કાચી સેકન્ડમાં તમારો લાચાર ચહેરો નજર સામે તરવરી ઉઠ્યો.સંસારસુખના કોઈ અભરખા આ ઉંમરે ના હોય એ સમજું છું, એ છતાં,જીવનસાથીની સાચી જરૂરિયાત તો આ ઉંમરે જ હોય.તમે બંને સમદુ:ખિયા છો.પોતપોતાની પીડા મનમાં સંતાડીને વેદનાનો ભાર વેંઢારીને જાણે દિવસો ટૂંકા કરતા હો એ રીતે મરતા મરતા જીવી રહ્યા છો.દુનિયાની પરવા કર્યા વગર તમે બંને એક બનીને જીવશો તો જિંદગી જીવવા જેવી લાગશે.”

નગીનભાઈના ચહેરા પરની અવઢવ પારખીને નંદાબહેન ઉમેર્યું. “કોઈ ઉતાવળ નથી.આજે અમે જઈએ છીએ.રસિલા અહીં રોકાશે. તમે બંને શાંતિથી વાતો કરીને એકબીજાની સાથે ફાવશે કે નહીં એ નક્કી કરી લો.જરૂરી લાગે તો કાલે ફરીથી મળજો. એ પછી,બંનેની ઈચ્છા હોય તો આર્યસમાજમાં લગ્ન ગોઠવી આપવાની જવાબદારી મારી..”

નગીનભાઈ રસિલાના ચહેરા સામે તાકી રહ્યા.નંદાબહેન અને દિલીપભાઈ ઊભા થયા.

“મારી ફરજમાં આવે છે એટલે એક ખુલાસો કરી દઉં..” પગ ઉપાડતાં અગાઉ નંદાબહેને સ્પષ્ટતા કરી.“આ મારી બહેનપણી કામકાજમાં હોશિયાર છે. ઘરરખ્ખુ છે એટલે તમારું ઘર સાચવશે. એની રસોઈનો તો તમે ટેસ્ટ કરી લીધો..” એણે હસીને ઉમેર્યું.  “બાકીના ટેસ્ટ એ ધીમે ધીમે કરાવી દેશે..” બીજી સેકન્ડે ગંભીર થઈને માહિતી આપી.  “આમ તો એની તબિયત ઘોડા જેવી છે પણ,ક્યારેક અસ્થમાનો પ્રોબ્લેમ થાય છે.એકદમ ઠંડા વાતાવરણમાં દમની તકલીફ થઈ શકે.રેગ્યુલર લાઈફમાં તમને દવાનો ખર્ચો નહીં કરાવે એ મારી ગેરંટી..” 

દસેક દિવસ પછી વીસેક સંબંધીઓની હાજરી વચ્ચે આર્યસમાજમાં નગીનભાઈ અને રસિલાની લગ્નવિધિ દરમ્યાન વાતાવરણ ઉત્સાહથી છલકાતું હતું. રજા મળે એવું નહોતું એટલે મનોજ અને શીતલે વોટસેપથી પપ્પાને અને નવી મમ્મીને ખૂબ ઉમંગથી શુભકામનાઓ આપી.

હોટલમાં જમણવાર પછી હસીખુશી હતી.નવદંપતીએ ફરવા માટે અંબાજી અને આબુ જવાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો.એ મુદ્દે મીઠી મજાક-મશ્કરી પણ ચાલી.

ઘેર આવતી વખતે સવિતા નંદાબહેનની સાથે કારમાં ગોઠવાઈ ગઈ. “આવને..થોડી વાર આરામથી બેસીને જજે..” ઘેર પહોંચ્યા પછી નંદાબહેને આગ્રહ કર્યો એટલે સવિતા રોકાઈ ગઈ.દિલીપભાઈ અંદરના રૂમમાં આરામ કરવા ગયા.

        “તેં ખરેખર પુણ્યનું કામ કર્યું..” સવિતાના અવાજમાં આદરભાવ હતો.“ બે દુ:ખિયારા હૈયાને એક કરીને એમનું જીવતર સુધારી નાખ્યું..વલોપાત કરતા વેવાઈને રસિલા જોડે પરણાવીને બંનેની પીડા હળવી કરી..ખરેખર સાચી સેવા!”

 “સેવા?ધૂળ ને ઢેફાં!” નંદાબહેન ખડખડાટ હસી પડી. “ એ નગીન કાલ મરતો હોય તો આજ મરે, એની પીડા દૂર કરવામાં મને શું રસ હોય?મને તો મારી દીકરીની જ ચિંતા હોયને? વેવાણ મરી ગઈ પછી સાવ નવરોધૂપ આ નમૂનો લંડન જવાનું વિચારતો હતો. પાકા પાયે બધી તૈયારી શરૂ કરી દીધેલી. બાપ-દીકરા વચ્ચે ફોન ઉપર લાંબી લાંબી વાત થાય એ સાંભળીને મારી દીકરી ભડકી ગઈ હતી.  ફોન ઉપર મારી પાસે ઉભરો ઠાલવ્યો. કાયમ માટે સસરાનો બોજો એ કઈ રીતે વેંઢારે? એનો દીકરો હજુ એક વર્ષનો છે. એને રડાવીને એ બિચારી ઘેર બેસીને ઑફિસનું કામ કરે છે.મને કહે કે છોકરાના બાળોતિયાં ધોવાનોય ટાઈમ નથી મળતો એમાં આ ડોસાના ધોતિયા ક્યાંથી ધોવાશે? દીકરીની મા છું એટલે મગજમારી કરીને પણ કોઈક રસ્તો તો શોધવો પડેને? એમાં આ રસિલા મળી ગઈ ને મને રસ્તો જડી ગયો.એ બિચારીને આશરો મળી ગયો ને મારી ઉપાધિ ટળી ગઈ!” આંખ મિચકારીને એણે ઉમેર્યું. “કુદરતની મહેરબાની એવી કે રસિલાને અસ્થમાની તકલીફ છે.એ ક્યારેય લંડન જવાનું વિચારી પણ ના શકે.ત્યાંની હવામાં તો તરત ઉથલો મારે..એની માયામાં નગીનભાઈ પૂરેપૂરો લપેટાઈ જશે એટલે એને અહીં મૂકીને એ એકલો લંડન કઈ રીતે જવાનો? શીતલને કાયમી શાંતિ!..” નંદાબહેન બોલતી હતી ને સવિતા સ્તબ્ધ બનીને સાંભળતી હતી.


Rate this content
Log in

More gujarati story from Mahesh Yagnik

Similar gujarati story from Drama