kusum kundaria

Children Fantasy Inspirational

4  

kusum kundaria

Children Fantasy Inspirational

વાસંતી

વાસંતી

3 mins
14.6K


નિસર્ગ પોતાના ઘર પાસેના બગીચામાં લટાર મારી રહ્યો છે.સવારનું આહલાદક વાતાવરણ છે. પંખીઓનો મીઠો કલરવ સંભળાય છેં મંદ મંદ વહેતો વાયુ ફૂલડાની ફોરમને ચારે બાજુ ફેલાવી રહ્યો છે. ચારે બાજુ જાણે સંગીતની મહેફિલ જામી છે! પ્રકૃતિએ જાણે વસંત-બહાર રાગ છેડ્યો હોય તેવું વાતાવરણ છે. ફાગણી વાયુની લહેર પોતાનું સામ્રાજ્ય ફેલાવી રહી છે. કોયલ મીઠા ટહુકાથી વસંતને વધાવી રહી છે. વસંતના આગમન સાથેજ પ્રકૃતિએ અંગેઅંગમાં જાણે અવનવા રંગો ધારણ કરી લીધા છે. વૃક્ષની ડાળી પર તાજા કોળાયેલા પાંદડા ચળકી રહ્યાં છે. નિસર્ગનું હૈયું પણ અવનવી ઊર્મિઓના પરિસ્પંદન અનુભવી રહ્યું છે.

નિસર્ગને વાસંતીની યાદ વિહવળ કરી દે છે. જાણે એક યુગ વીતી ગયો હોય તેવું લાગે છે. વાસંતી વગરનું જીવન તેને પાનખર જેવું લાગે છે. તે વાસંતીની યાદમાં ખોવાઈ જાય છે. વર્ષો પહેલાની વાસંતી સાથેની મુલાકાત યાદ આવે છે. વાસંતીને પ્રકૃતિ પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. આવી જ પૂરબહાર ખીલેલી વસંત ઋતુમાં બંનેનો મેળાપ થયો હતો. પછી તો બંને અવાર નવાર મળતા. શહેરમાં આવેલા બગીચા, ડુંગરા અને કુદરતી સૌંદર્ય અને શાંત વાતાવરણ હોય તેવાં સ્થળે બેસીને બંને વાતો કરતાં ધીમે ધીમે મેળાપ પ્રેમમાં પરિણમ્યો. બંનેએ ઘરમાં વડીલોની મંજૂરી લઈ લગ્ન પણ કરી લીધાં. દામ્પત્ય જીવનના એ મધુરા દિવસો સ્વપ્નની જેમ ફટાફટ સરવા લાગ્યા. અને પ્રેમના પ્રતીકરૂપે વાસંતીની પ્રતિકૃતિ સમાન દીકરીનો જન્મ થયો. નિસર્ગ અને વાસંતી ખૂબ ખુશ હતા. તેમણે પોતાની લાડકી દીકરીનું નામ પ્રકૃતિ જ રાખી દીધું! બંનેને પ્રકૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ હતો. આથી જ પ્રકૃતિ નામ બંનેને ખૂબ જ પસંદ હતું નિસર્ગ અને વાસંતી પ્રકૃતિનું ખૂબ જ ધ્યાન રાખતા. તેને લઈને નિયમિત બગીચામાં જતા. દરેક વૃક્ષો અને પંખીઓની ઓળખ કરાવતા. ધીમે ધીમે પ્રકૃતિ મોટી થવા લાગી, તેને પણ વૃક્ષો ખૂબ જ ગમતા.

વસંત પછી પાનખર એ કુદરતનો નિયમ છે. તેમ નિસર્ગના જીવનમાં અચાનક પાનખરનું આગમન થયું વાસંતીનું બીમારીમાં અવસાન થયું. નિસર્ગ તો આવા અણધાર્યા આઘાતથી ભાંગી પડ્યો. પરંતુ પ્રકૃતિને સાચવવાની જવાબદારી તેના ઉપર આવી. પોતાની ફૂલ શી દીકરીને કોઈ વાતની કમી ન રહે તેની પૂરી સાવચેતી રાખતો. તેણે મનોમન નક્કી કરી લીધું કે હું પ્રકૃતિને તેની માની ખોટ નહિ પડવા દઉં, મારી જિંદગી હવે પ્રકૃતિ માટે જ છે. એટલામાં તેને પ્રકૃતિનો ગાવાનો અવાજ સંભળાયો,

કેસુડાની કળીએ બેસી,

ફાગણિયો લહેરાયો...

તે દોડતી આવી અને કહેવા લાગી, "કાલે અમને શાળામાં સરસ મજાની કવિતા ગવડાવી હતી. પપ્પા મને આ કવિતા ખૂબ જ ગમે છે." નિસર્ગ પ્રકૃતિનો હાથ પકડી વહાલ કરી કહેવા લાગ્યો; "હા બેટા તારી મમ્મીને પણ આવાં ગીતો બહુ ગમતાં હતાં મને પણ વસંત બહુ ગમે છે. પાનખર એ તો વસંતનો આરંભકાળ છે. બેટા, વસંત એટલે જ નવચૈતન્ય, તાજગી અને પ્રકૃતિનું સુંદરતમ રૂપ ! ઊગતી ઉષાને કે વનમાં ખીલતાં પુષ્પોને કહેવું નથી પડતું કે, વસંત આવી રહી છે, વસંતાગમન એટલે જ પુષ્પાગમન. મંજરીની મહેંક સાથે માનવહૈયા પણ કેવા મહોરી ઊઠે છે !"

પ્રકૃતિ તેના પપ્પા સામે જોઇ રહે છે. અને અચાનક પૂછે છે, "પપ્પા, મારાં મમ્મી ક્યાં છે ?" નિસર્ગ થોડીવાર મૌન બની પ્રકૃતિ સામે જોઇ, હસીને જવાબ આપે છે, "બેટા, વાસંતીતો આ વસંતના વૃંદગાનમાં છે, ખીલેલા ગુલાબમાં છે. તો સફેદ વસ્ત્ર ધારણ કરેલા બટમોગરાની મહેંકમાં છે. વાસંતી, વાયરાના સંગીતના સુમધુર સપ્તસૂરમાં છે. બેટા, જીવનમાં જે વસંતને પ્રગટાવે તે જ મનુષ્ય છે. સુખ-દુ;ખતો આવે, પરંતુ બધા જ પ્રસંગમાં અંદરના ભાવ પ્રવાહને સમત્વથી જાળવી શકે છે તે જ જીવનનો સાચો કલાકાર છે, પરિવર્તન તો જીવનમાં નવું સૌંદર્ય સર્જેં છે." પ્રકૃતિ ધ્યાનથી તેના પપ્પાની વાત સાંભળે છે અને જાણે બધું જ સમજી ગઈ હોય તેમ હસે છે! અને ફરી ગાવા લાગે છે,

કેસૂડાની કળીએ બેસી...


Rate this content
Log in

Similar gujarati story from Children