Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Rahul Makwana

Inspirational Others

4.5  

Rahul Makwana

Inspirational Others

ઊટી ભાગ ૫

ઊટી ભાગ ૫

9 mins
788


અખિલેશ કોલેજથી પોતે જે કાર બુક કરી હતી તે કાર મારફતે ઘરે પહોંચ્યો, ઘરે પહોંચ્યો એ દરમિયાન અખિલેશનાં મનમાં વિચારોનું એક વંટોળ જાગ્યું હતું, એક તરફ તે ખુબ ખુશ હતો કારણ કે તેણે સફળતાપૂર્વક કોમ્પ્યુટર એન્જીનીયર પૂર્ણ કરેલ હતું, ને ડિજિટેક જેવી નામાંકિત કંપનીમાં(મુંબઈ) સારી એવી જોબ પણ મળી ગઈ, બીજી બાજુ તેના પર આખા પરીવારની જવાબદારી પણ આવી પડી હતી, પોતાની બહેન સોનલનાં લગ્ન, તેના મમ્મી વર્ષાબેનની સંભાળ, કુટુંબનું ગુજરાન ચલાવવું વગેરેની ચિંતાઓ અખિલેશને અંદરથી સતાવી રહી હતી !


અખિલેશ પોતાના ઘરે પહોંચ્યો અને તેને આવતો જોઈ, જાણે વર્ષોથી આતુરતાપૂર્વક તેની રાહ જોઈ રહેલ તેની માતા વર્ષાબેનની આંખોમાં એકાએક ચમક આવી ગઈ. એટલીવારમાં સોનલ પણ દોડતી દોડતી આવી અને અખિલેશને ગળે મળી. અને ત્યારબાદ સોનલ અખિલેશ માટે પાણી લઈને આવી અને તેના મમ્મીએ કહ્યું કે બેટા 'તું ફ્રેશ થઈ જા, પછી આપણે ત્રણેય સાથે જ જમી લઈશું, તું આવવાનો હતો એ ખુશીમાં તારી લાડલી બહેન અને મેં હજુસુધી કાંઈ જમ્યુ નથી. કારણ કે અમે કાગડોળે તારી આવવાની રાહ જોઈ રહ્યાં હતાં. ત્યારબાદ અખિલેશે પોતાને નોકરી મળી તે જાણ કરતા કહ્યું કે,

"મમ્મી ! મારે બે દિવસ બાદ મને જ્યાં નોકરી મળી છે ત્યાં (ડિજિટેક કંપની - મુંબઈ) જવાનું છે." -

"હા ! બેટા ! તું ચોક્કસથી જાજે પરંતુ અત્યાર ઘરે છો, એટલાં દિવસ તો શાંતીથી ઘરે રેહજે !" - પોતાનું મન મનાવતા વર્ષાબેન બોલ્યાં.

ત્યારબાદ અખિલેશ ફ્રેશ થવા માટે જાય છે, અને પછી બધા જ પરિવારજનો એક સાથે જમવા બેસે છે, વર્ષાબેને પોતે જમ્યું તેના કરતાં તો વધારે અખિલેશને જમાડયું, અને કહ્યું કે 'બેટા તને જમાડવામાં તો હું ધરાય ગઈ, આજે તો ખાલી રોટલો પણ અમને સ્વાદિષ્ટ વાનગી જેટલો મીઠો લાગશે !' અખિલેશે પણ પોતાની મા અને બહેનનો આવો હેત અને વ્હાલ જોઈને પોતાની ચિંતા પણ થોડાક સમય પૂરતો ભૂલી જ ગયો. અને ઘણાં સમયબાદ ઘરનું જમ્યું હોય તેમ અખિલેશે શાંતિથી જમ્યું.


ત્યારબાદ તે જ દિવસે સાંજે અખિલેશે પોતાની બેગમાંથી એક કવર કાઢ્યું અને તેના મમ્મીને આપતાં કહ્યું કે,

"મમ્મી ! આ કવર તારી પાસે રાખ…! તારે આની જરૂર પડશે…!"

"પ..ણ… એવુ તો શું છે..આ કવરમાં કે જેની મારે જરૂર પડશે…?" - વર્ષાબેને આશ્ચર્ય સાથે પૂછ્યું.

"મમ્મી ! એ મને યુનિવર્સિટી અને કોલેજ તરફથી બેસ્ટ પરફોર્મન્સ કરવા બદલ આપેલ ઇનામ છે, જેના ઇનામ તરીકે મને 25,000 રૂપિયા આપવામાં આવેલ હશે. જ્યાં સુધી મારો પગાર આવતો ચાલુ ના થાય ત્યાં સુધી આ રકમથી આપણું ઘર ચલાવવાનું થશે !" - અખિલેશ તેના મમ્મીના હાથમાં કવર મુકતા બોલ્યો.

"પણ ! બેટા ! એ તો તારી મહેનતના પરિણામ સ્વરૂપે આવેલ રકમ છે, એ હું ઘરમાં કેવી રીતે વાપરી શકું ?"

"પણ ! મમ્મી ! એ સિવાય હાલ પૂરતો કોઈ વિકલ્પ પણ નથી આપણી પાસે !" 

"બેટા ! તારા.. ઇ..ના...મ...માં આવેલ ર..ક..મ..!"

"બસ ! મમ્મી...આ રકમ ઇનામ તરીકે કોને મળી છે" - અખિલેશ તેના મમ્મીને અધવચ્ચે જ અટકાવતા બોલ્યો.

"તને...મારા દીકરા…"

"અને હું કોનો દીકરો છું…?"

"મારો…"

"તો પછી મમ્મી…! મારું જે કંઈપણ છે એ બધું તારું જ છે. માટે હવે બીજું કંઈપણ વિચાર્યા વગર આ રકમ આપણાં ઘરના ખર્ચમાં વાપરી નાખજે."

પોતાને ઇનામમાં આવેલ રકમ પણ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે આપતા જોઈ વર્ષાબેનની આંખોમાં આનંદના આંસુઓ આવી ગયાં, તેને થયું કે મેં જેને નવ - નવ મહિના મારા પેટમાં પાળેલ હતો, તેણે આજે પોતાની કૂખ ઉજાળી. ત્યારબાદ અખિલેશ પોતાના ઘરની બાજુમાં રહેતા તેના મિત્રને મળવા ગયો, અને ઘરે પાછા ફરીને સાંજનું ભોજન કરીને બધા સુઈ ગયાં.


બે દિવસ બાદ.….

અખિલેશે પોતાનો થેલો, પોતાના બધા ડોક્યુમેન્ટની ફાઇલ, અને થોડોક સામાન લઈને મુંબઈ જવાં માટે રવાના થયો, કંપની તેને એકોમડેશન(રહેવાની વ્યવસ્થા) આપતી હોવાથી ફ્લેટ શોધવાની કોઈ માથાખૂટ હતી નહીં, ઉપરાંત ડિજિટેક કંપની તરફથી અખિલેશને રેલવેની થ્રિ-ટાયર એ.સીની ટીકીટ પણ આપવામાં આવેલ હતી.

અખિલેશ પોતાની લાઈફની એક નવી જ સફર શરૂ કરવા જઈ રહ્યો હતો, કદાચ પોતાના પરિવાર કે કુટુંબમાંથી અખિલેશ એકમાત્ર એવો વ્યક્તિ હશે કે જે સૌ પ્રથમ મુંબઇ જઇ રહ્યો હશે, અને આવી રીતે થ્રિ - ટાયર એ.સીમાં બેસીને મુસાફરી કરવાનો હશે. અખિલેશ ત્યારબાદ રેલવે સ્ટેશને પહોંચીને પોતાની ટ્રેન જે પ્લેટફોર્મ પર આવવાની હતી, તે પ્લેટફોર્મ પર જઈને ટ્રેન આવે તેની રાહ જોવા લાગ્યો.


પોતાના મનમાં એક અલગ ઉત્સાહ અને ઉમંગ હતો, કે પોતે એટલો તો સક્ષમ બન્યો કે જેને લીધે પોતાને અથવા પોતાના પરિવારજનોને રૂપીયા માટે ભવિષ્યમાં પણ કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર નહીં પડે. 


એટલીવારમાં મુંબઈ સેન્ટ્રલ ટ્રેન આવીને ઉભી રહી, અને અખિલેશ પોતાનો સીટ નંબર જે ડબ્બામાં હતો, તે ડબ્બામાં ચડીને પોતાની સીટ પર બેસી ગયો. આ બધું અખિલેશ માટે પણ કોઈ સપનાથી ઓછું ન હતું, કારણ કે આ તેની થ્રિ-ટાયર એ.સી. કોચમાં પહેલી મુસાફરી હતી. લગભગ સાંજના 7 : કલાકની આસપાસ રેલવે કર્મચારીઓ ડિનર ડીશ લઈને આવ્યા, અને અખિલેશને પણ એ ડિનર ડીશ સર્વ કરવામાં આવી, અખિલેશે તે જમી લીધું.


એકાદ કલાક બાદ અખિલેશે પોતાના બેગમાંથી હેન્ડ ફ્રિ બહાર કાઢી, અને મોબાઈલમાં એટેચ કરીને મોબાઈલમાં મ્યુઝિક પ્લેયર ઓપન કરીને પોતાના ફેવરિટ સોંગ્સનું ફોલ્ડર ઓપન કરીને પ્લે ઓલ ક્લિક કરીને એ સાંભળવા લાગ્યો, જેમાં અલગ - અલગ જાણીતી ગઝલોનું કલેક્શન હતું, આમ પણ અખિલશ જ્યારે ફ્રિ હોય ત્યારે તે એકાદ ગઝલતો ચોક્કસથી સાંભળતો જ હતો, ગઝલો સાંભળતાં - સાંભળતાં કયાં પોતાને ઊંઘ આવી ગઈ એ ખ્યાલ ના રહ્યો.


બીજે દિવસે

સ્થળ : મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન

સમય : સવારનાં આઠ કલાક.

અખિલેશે જ્યારે પોતાની આંખ ખોલી ત્યારે ટ્રેન મુંબઈ પહોંચવા આવી હતી, મુંબઇ આવતાની સાથે જ ટ્રેન પ્લેટફોર્મ પર ઉભી રહી, અખિલેશ પોતાનો બધો જ સામાન અને બેગ લઈને ટ્રેનમાંથી નીચે ઉતર્યો, અને રેલવે સ્ટેશનની બહાર જવાનાં રસ્તે આગળ વધવા લાગ્યો.


રેલવે સ્ટેશનની બહાર નિકળતાની સાથે જ અખિલેશને અલગ -અલગ વહાનો જેવા કે રીક્ષા, ટેક્ષી વગેરેના ડ્રાયવરોએ ઘેરી લીધો, અને પોતાની રીક્ષા કે ટેક્ષીમાં બેસવા માટે આજીજી કરવા લાગ્યાં, પરંતુ તેણે રીક્ષા કે ટેક્ષીમાં નહીં જવું, એવું જણાવીને આગળ વધ્યો.


અખિલશ મુંબઈ પહોંચતા વિચારવા લાગ્યો કે આ જ એ મુંબઈ શહેર છે, કે જેને લોકો સપનાઓની નગરી તરીકે ઓળખે છે, અહીં ખબર નહીં મારા જેવા કેટલાય યુવકો પોતાના સપનાઓ પુરા કરવા માટે આવતાં હશે, "જેમાંથી અમુકના સપનાઓ પુરા થતા હશે, જ્યારે અમૂકની આખી જિંદગી પુરી થઈ જાય છે પરંતુ સપનાઓ પુરા થતા નથી !", અહીંના લોકો બહુમાળી ઇમારતો કે મોટા- મોટા બંગલાઓ તો બનાવી બેઠા છે પરંતુ તે બધાનાં હદય સંકુચિત(નાના) બની ગયાં છે.


અખિલેશ જ્યારે રેલવે સ્ટેશનથી થોડેક દૂર આવેલ ચાની દુકાન પર ચા પી રહ્યો હતો, ત્યારે તેનું ધ્યાન એક વૃધ્ધ રીક્ષા ડ્રાઇવર પર ગયું, તેને જોતા જ અખિલેશને પોતાનાં પિતાની ચિત્રકૃતિ પેલા વૃધ્ધ રિક્ષા ડ્રાઈવરમાં દેખાય, આથી અખિલેશ તેની નજીક ગયો અને ડિજિટેક કંપનીનું કાર્ડ બતાવતા કહ્યું કે…

"કાકા ! મારે આ એડ્રેસ પર જવાનું છે…! તમે મને આવશો મુકવા..!"

"હા ! બેટા.. ચોક્કસ પણ...100 રૂપિયા ભાડું થશે…!"

"હા ! વાંધો નહીં કાકા…!" - આટલું બોલી અખિલશ તે વૃધ્ધ વ્યક્તિની રિક્ષામાં બેસ્યો.


"બેટા ! આ મારી પહેલી બોણી છે ! હું સવારનાં 6 વાગ્યાથી અહીં કોઈ ભાડું મળે તેની રાહ જોઈ રહ્યો હતો, મારી ઉંમર જોઈને કોઈ મારી રિક્ષામાં બેસવા રાજી નહીં થતું, પરંતુ રીક્ષા ચલાવવી એ મારી લાચારી કરતાં પણ મારી મજબૂરી વધું છે, બાકી તો હાલનાં સમયમાં એટલું બધું ડિજિટલાઈઝેશન એટલે કે ડિજિટલ ઇન્ડિયા બની ગયું છે, કે અમારા જેવા લાચાર રીક્ષા ડ્રાઇવરની રીક્ષામાં ભાગ્યે જ કોઈ બેસતું હોય છે, બાકી બધા તો ઓનલાઈન કેબ (ટેક્ષી) જ બુક કરાવતાં હોય છે, જાણે અમારી રોજી-રોટી પર કોઈ ગ્રહણ લાગ્યું હોય એવું લાગે છે !


આ વૃધ્ધ રીક્ષા ડ્રાઇવરની કહેલી દરેક વાત અખિલેશ શાંતિપૂર્વક સાંભળી રહ્યો હતો, અને મનોમન વિચારી રહ્યો હતો કે ઇન્ડિયા ડિજિટલ બન્યું એમાં ફાયદો કોને થયો ? કારણ કે આવા નાના લોકોની રોજી-રોટી જો આ ડિજિટલ ઇન્ડિયા ભરખી લેતું હોય તો ડિજિટલાઈઝેશનનો કોઈ મતલબ નથી, નાના કરિયાણાના વેપારી, કપડાંની દુકાનો, વગેરેની રોઝી-રોટી મોટા-મોટા મોલે છીનવી લીધી છે !


એવામાં એકાએક રસ્તો ક્રોસ કરી રહેલા એક વિદ્યાર્થીને એક કાર અડફેટે લઈને નાસી છૂટી, અને લોકોનું ટોળું વળી ગયું હતું, એવામાં અખિલેશ અને રીક્ષા ડ્રાઈવરનું ધ્યાન એ ટોળાં તરફ ગયું, આથી તેઓએ રીક્ષા ઉભી રાખી, અને ટોળું ચીરતા -ચીરતા આગળ ગયા, ત્યાં જઈને જોયું તો એક વિદ્યાર્થી લોહી-લુહાણ હાલતમાં રોડ પર તરફડીયા મારી રહ્યો હતો, અને આ સમાજના શિક્ષિત અને ડિજિટલ ઇન્ડિયાની ડંફાંસો મારતા બધા જ લોકો પેલા વિદ્યાર્થીના ફોટા પાડવામાં અને વીડિયો ઉતારવામાં વ્યસ્ત હતાં, પરંતુ તે વિદ્યાર્થીને મદદ કરવા માટે એક પણ વ્યક્તિ આગળ આવી ન હતી, આથી પેલા રીક્ષા ડ્રાઇવરે અખિલેશને કહ્યું.


"સાહેબ ! જો તમારે મોડું ન થતું હોય તો આપણે આ માસૂમ ફૂલ જેવા બચ્ચાને હોસ્પિટલે લઈ જઈએ, હોસ્પિટલ અહીંથી માત્ર એકાદ કી.મી જેટલી દુર છે ?"


અખિલેશે પોતાનું માથું હલાવતા પોતાની સહમતી દર્શાવી, ત્યારબાદ, તે બનેવે પેલા વિદ્યાર્થીને નજીકની હોસ્પિટલમાં લઈ ગયાં, અને એક માસૂમ ફૂલને કરમાતુ કે મુર્જાતા બચાવ્યું, કોઈના ઘરનાં દીપકને ઓલવાતા બચાવ્યો, થોડીકવારમાં તે વિદ્યાર્થીના માતા-પિતા પણ આવી ગયાં, અને મેડિકલ ટીમની મહેનત અંતે રંગ લાવી, પેલા વિદ્યાર્થી મોતને માત દઈને પાછો આવ્યો, તેના યશ માત્રને માત્ર પેલા વૃધ્ધ રિક્ષાવાળા અને અખિલેશને જતો હતો.


ત્યારબાદ અખિલેશ આ બધું જોઈને પોતાની જાતને રોકી ના શક્યો અને તેણે પેલા વૃધ્ધ રિક્ષાવાળા કાકાને પૂછ્યું.

"કાકા ! આ વિદ્યાર્થીને તમે કેમ બચાવ્યો ? પેલા ટોળામાંથી કેમ તે વિદ્યાર્થીની મદદ કરવા માટે આગળ ના આવ્યું ?"

"બેટા ! એની પાછળનું ચોક્કસ કારણ છે, જે તું સાંભળીશ તો તને રડવું આવશે ! આજથી દસ વર્ષ પહેલાં મારો ૫ વર્ષનો દીકરો અભય પણ આવા જ એક રોડ અકસ્માતનો ભોગ બન્યો હતો. ત્યારે પણ આવી જ રીતે લોકોનું ટોળું વળેલ હતું પરંતુ તેની મદદ કરવા કે તેનો જીવ બચાવવા માટે કોઈ જ આગળ ના આવ્યું અને એ માસુમે રોડ પર જ પોતાનો દમ તોડી દીધો પરંતુ અફસોસ એ વાતનો રહ્યો કે એ સમયે મારી જેવો જો માત્ર એક જ વ્યક્તિ આગળ વધ્યો હોત અને અભયને હોસ્પિટલે લઈ ગયાં હોત, તો તે આજે અમારી વચ્ચે હયાત હોત, ત્યારથી માંડીને હું જ્યારે આવી રીતે કોઈને હેરાન થતો જોવ કે જરૂરિયાત વાળા લોકોને જોવ ત્યારે તે બધામાં મને મારો દીકરો અભય જ દેખાય છે. એટલે હું કંઈપણ વિચાર્યા વગર જ એ લોકોને મદદ કરવા માટે દોડું છું ! બાકી વાત રહી ટોળામાંથી મદદ કરવાની તો આ મુંબઈ છે જ્યાં કોઈને કોઈની કાંઈ પડી નથી, અહીં માણસો નહીં પરંતુ માણસોના સ્વરૂપમાં મશીનો જ ફરતા હોય એવું મને ક્યારેક લાગે છે, કેમ કે એ લોકો મશીનની જેમ લાગણીહીન બની ગયાં છે, બસ માત્ર ફેસબુક કે વ્હોટ્સ અપમાં સ્ટેટ્સ મુકવામાં જ એ લોકો રાજી છે. કોઈનું મરણ થયું હોય તો કોમેન્ટમાં "ઓમ શાંતિ" લખી નાખવાથી એ બધાં એવું સમજે છે કે મૃતકના પરિવારને તેઓએ ખુબજ મોટી મદદ કરી હોય' - આટલું બોલતાની સાથે જ પેલા રીક્ષાવાળા કાકાની આંખોમાં આંસુઓ આવી ગયાં અને અખિલેશ પણ રડવા જેવો થઈ ગયો હતો.


 એટલીવારમાં રોડની એક તરફ મોટું બોર્ડ લગાવેલ હતું, "ડિજિટેક સોફ્ટવેર કંપની" આથી પેલા રીક્ષા વાળા કાકાએ કહ્યું.

"સાહેબ ! તમારી ઓફીસ આવી ગઈ..!" 

પરંતુ અખિલેશનાં મનમાં તો હજુપણ પેલા કાકાએ કહેલ વાત જ ઘૂમી રહી હતી, કારણ કે અખિલેશ પણ ડીઝીટલ ઇન્ડિયાનો જ એક ભાગ હતો, કારણ કે હવે પોતે સોફ્ટવેર કંપનીમાં જોબ કરવાનો હતો, એક સામાન્ય માણસ કે વ્યક્તિ જાણે અખિલેશને જીવનનો બોધ આપી ગયો હોય એવું લાગી રહ્યું હતું…! આથી અખિલશ રીક્ષામાંથી ઉતર્યો, પોતાનો સામાન ઉતર્યો અને પેલા કાકાને બસો રૂપિયા આપ્યા.

"સાહેબ ! આપણે તો 100 રૂપિયા જ ભાડું નક્કી થયું હતું. .મારે આ વધારાના 100 રૂપિયા નહીં જોતા..!"

"કાકા ! આ 100 રૂપિયા ભાડા પેટે વધારે નહીં આપ્યા, પરંતુ આજના સમયમાં પણ માણસાઈ કે ઇન્સાનિયત જીવતી રાખવા બદલ મેં ખુશ થઈને એક નાનકડી ફૂલ સમાન બક્ષિસ આપી છે, જે તમને અભય જેવા અન્ય લાચાર બાળકો કે વ્યક્તિની મદદ કરવા માટે પ્રેરણા પુરી પાડશે !

ત્યારબાદ અખિલેશ પેલા રીક્ષાવાળા કાકાનો ફોન નંબર લઈને પોતાની કંપની "ડિજિટલ સોફ્ટવેર" માં એક નવા જ અવતાર સાથે પ્રવેશ્યો !

ક્રમશ : 


Rate this content
Log in