ઊર્મિ
ઊર્મિ
" તો પછી મને સવાલ કેમ ?" ઊર્મિ બહેન ગુસ્સામાં બબડ્યા.
ઊર્મિ બહેનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો.જ્યારે સાસુમાં રતન બા. ઊર્મિ બહેનને નિશાળેથી મોડું આવવાનું કારણ પૂછ્યું.
"આજે સહેજ આવતા મોડું થઈ ગયું એમાં શું આભ ફાટી ગયુ." ઊર્મિ બહેન, ગુસ્સામાં બોલ્યા.
"હા ,લો આજકાલની આવેલ વહુને કઈ પૂછાતું પણ નથી." રતન બા વહુ ઊર્મિ ઉપર શબ્દોનાં તીર છોડતાં કહ્યું.
"પણ, બા હવે થોડું મોડું થયું. એમાં આટલું બધું શું કામ બોલો છો."ઊર્મિએ વાત કાપતા કહ્યું.
"અરે! આ રોજનો કકળાટ.."એકતો વહુ આખો દિવસ નોકરી કરે, એ હજુ તો બિચારી થાકી પાકી માંડ ઘરે આવી છે. ત્યાં તે તારું બાધવાનું ચાલુ કરી દીધું. થોડીક તો દયા ખા તેના ઉપર."ઊર્મિ ના સસરા જેન્તી બાપા એ ઊર્મિનો પક્ષ લેતા કહ્યું.
"નોકરી કરે તો શું નવાઈ કરે છે.અને હું તો તમને ના જ પાડતી હતી, કે આને ભણાવો માં. પણ તમે એક ટરી ને બીજા ના થયા. અને મારું કઈ હાલવા ના દીધું. આ બાયું નોકરીયુ કરે ઇ મને ના ગમે. બાયું ના પૈસાને હું તો હાથેયના લગાડું."રતન બા બોલી રહ્યા હતા.
" બા ,પીવાનું પાણી નથી. હું પાદરેથી પાણી ભરી આવું. "રતન બા ના રોજ ના કકળાટ અને વાંક વચનોથી ત્રસ્ત થયેલ ઊર્મિ માથે બેડું ઉપાડી સીધી પાદર તરફ જવા લાગી.
પાણી ગોળામાં નહિ પણ ઊર્મિની આંખોમાં ખૂટ્યા હતા. ઊર્મિ પાણી ભરવા તળાવ પાસે પહોંચી. તળાવના કિનારે નિરવ શાંતિ છવાયેલ હતી. ખુલ્લું આકાશ. સાંજનો સમય હતો સંધ્યા રાણીના આગમનની તૈયારીઓ થઈ રહી હતી. પંખીઓ પોત પોતાના માળામાં પાછા ફરી રહ્યા હતા. તળાવના પાણીમાં સૂર્ય અસ્ત થતું પ્રતિબિંબ દેખાય રહ્યું હતું. ઊર્મિ તળાવના કિનારે આવી ને બેસી. એને પોતાની આંખો બંધ કરી. જોતજોતંમાં તો એ ભૂતકાળ તરફ સરકવા લાગી.
***
કોલેજમાં છેલ્લા વર્ષનું પરિણામ આવ્યું. ઊર્મિ ફસ્ટ ક્લાસ પાસ થઈ. કોલેજથી ઊર્મિ ઘરે આવી. ઊર્મિને લાગ્યું કે ઘરે બા - બાપુજી રાજીના રેડ થઈ જશે. પણ ઘરે જઈ ને જોયું તો મહેમાનો બેઠા હતા. ઊર્મિને આવતી જોઈ ભાભી સીધા તેને અંદર લઈ ગયા.
" લ્યો ઊર્મિ બેન આ સાડી તમને બહ ગમેને. હાલો તમને પહેરાવું." ભાભી મંજુ,ઊર્મિને પોતાની સાડી બતાવતા બોલી.
" પણ ભાભી મારે આ સાડી નથી પે'રવી. પે'લા મારી વાત તો સાંભળો"
" ઊર્મિ બેન, બાર મે'માન છેહો, આપણે નણંદ - ભોજાય પસી ધરાઈ ને વાતો કરશું."
" મે'માન કોન સે ? ભાભી"
" એ ..સેને બેન આઘણી તમને હંધુય હમજાઈ જાહે. હવે ઝટ તમઈ ત્યાર થઈ જાવ હો. હું ચા ની ત્યારી કરું સુ. પસી ચા દેવા જવાનો સ તમારે."
"ચા.. આપવા જવાનો છે. અને મને આ સાડી...એટલે..શું આ લોકો મને જોવા આવ્યા છે.?"
"હા, નઇતો હું કંઇ ગાંડી થોડી થઈ ગઈ, કે તમને અતારે સાડી પે'રાવું બેન. હવે ઝટ કરો,મે'માન બિસારા કારના તમારી વાટ જોઇને બેઠા." કહેતા મંજુ રસોડામાં ચા મૂકવા ગઈ.
ઊર્મિ સાડી પહેરીને તૈયાર થઈ. અરીસા સામે પોતાને જોઈ રહી. "આમજ સાડી પહેરીને હું નિશાળે જઈશ. નિશાળમાં ભણાવતી બહેનો, રોજ આમ જ આવે છે. હું પણ આવી રીતેજ જઈશ." ઊર્મિ વિચાર મગ્ન થઈ ગઈ.
" હાલો, ઊર્મિ બેન. ચા બની ગયો તમે દયાવો." પાછળથી મંજુ બોલી.
" હા , ભાભી" ઊર્મિ મંજુનો અવાજ સાંભળી ઝબકી ગઈ.
ધીમા પગલે ઊર્મિ બહાર આવી. મે'માન ને ચા દીધો. ત્યાં રતન બા બોલ્યા."અહી બેસ વહુ મારી પાસે.હું પણ જોઉં મારી વહુ કેવી રૂપાળી. જીવા ભાઈ (ઊર્મિ ના પિતા)તમે જરાય આની ઉપાદી ના કરતા. અમારે હું ઘટે આ સો વીઘા જમીન, ઘરના મકાન અને એમાંય મારો મહેશ અમારે એકનો એક દીકરો. ઘરના ટેકટર. તમારા નસીબ ઉઘડી ગયા જીવા ભાઈ. તમારી આ સોડી ને સ્વર્ગ જેવું સુખ મળસે હો.
"હા બેન ,એટલે તો જેવી વેલજી ભાઈએ વાત નાખી એવી અમે હા પાડી દીધી. અને કીધું કે કેજો સીધું સવા રૂપિયો અને નારિયળ લેતાજ આવે. અમને ગમે છે." જીવા ભાઈ હરખ માં બોલ્યા.
"હા,વો અમાર જેવું ખોયડું તમને ક્યાંથી મલે ." રતન બા પોતાના પૈસાનો પોરહ કરતા થાકતાં નોતા.
સવા રૂપિયો ને નારિયેળ દઇ ઊર્મિની સગાઈ કરી નાંખી. ગોર બાપાને તેડાવી એક મહિના પછી લગ્નનું મૂરત પણ જોવડાવી નાખ્યું.
એ જ રાતે.....
" બા, જુઓ મારું પરિણામ, હું કોલેજમાં પ્રથમ આવી. બા, મારે આગળ ભણવું છે. મારે શિક્ષિકા બનવું છે. અને તમે મારી સગાઈ કરી નાખી. લગ્ન પણ જોવડાવી નાખ્યા. અને મને એક વાર પણ પૂછ્યું નહિ. અને બા મે છોકરો પણ નથી જોયો."
" તું મૂંગી મર, તારા બાપને ખબર પડશે તો ચામડું ઉધેળશે તારું."
" પણ બા.મારે લગન નથી કરવા. તમે મને કીધા વગર મારા લગન નક્કી કરી નાખ્યાં."
"એમાં તને પૂછવાનું ના હોય. " ફરિયામાં બેઠા જીવા ભાઈ તાડુકીયા.
ઊર્મિ ,ચૂપ થઈ ગઈ. એ જાણતી હતી જીવા ભાઈના મોઢામાંથી નીકળેલ શબ્દ એટલે પથ્થરની લકીર સમાન હતું..હવે કોઈ આ નિર્ણયને બદલી શકે તેમ નહોતું. હવે તો પરાણે પણ ઊર્મિ ને ઝૂકવુજ રહ્યું.
જોત જોતામાં ઊર્મિ ના લગનનો દિવસ આવી ગયો.લગનની આગલી રાતે. ઊર્મિના બા ઊર્મિ પાસે આવ્યા.
" બેટા, હું હંધૂય જાણું સુ. તારે માસ્તરની બનવું સ.પણ જો દીકરી આપણી નાયતમાં પસી આવું ઉજળું ખોરડું ના મળે. તારા બાપ ની આબરૂ હાચવજે હો બેટા." કહેતા ધિરી બા(ઊર્મિ ના માતા) રડવા લાગ્યા. બા ને રડતા જોઈ ઊર્મિની આંખોમાં પણ આંસુ આવી ગયા. આંસુ સાથે શિક્ષિકા બનવાનું સપનું પણ વહી ગયું.
ઊર્મિ ના લગ્ન લેવાયાં. સાસરું ભારે પૈસાદાર પણ સાસુ આખાબોલા હતા. સસરા જેન્તી બાપા ગામના મુખી. પણ સ્વભાવ અતિ કોમળ,માયાળુ અને સમજદાર. જેન્તી બાપા જાણતા હતા કે ઊર્મિને શિક્ષિકા બનવું છે. આગળ ભણવું છે. એટલે એક દિવસ જેન્તી ભાઈ એ ઊર્મિને બોલાવી.
"બેટા ઊર્મિ તારે આગળ ભણવું ને ? જા કાલે તું અને મહેશ કોલેજમાં દાખલો કરી આવજો."
જેન્તી બાપાની વાત સાંભળી ઊર્મિની ખુશીનો પાર નહોતો રહ્યો. પોતાના સપનાઓને આકાશમાં ઊડવા ફરી પાંખો મળી ગઈ હતી. પણ આ વાત મહેશ અને રતન બા ને જરા પણ ના ગમી. બંનેએ ખુબ વિરોધ કર્યો. જ્યારે જેન્તી ભાઈ ઘરે ના હોય ત્યારે ઊર્મિ ને મહેશ ઢોર માર મારતો.પણ ઊર્મિ એક ની બે ના થઈ.અને પોતે એકલી જઈ ને કોલેજમાં એડમીશન લઈ આવી.
ઊર્મિનું ભણતર જેમ આગળ વધી રહ્યું હતું તેમ તેમ રતન બા અને મહેશના પણ અત્યાચારો વધી રહ્યા હતા. બધું સહન કરતા કરતા ઊર્મિ ટેવાઈ ગઈ હતી. બી.એડ કર્યા પછી ઊર્મિને પોતાના ગામની નિશાળમાં જ નોકરી મળી ગઈ.
આખું ગામ ઊર્મિના વખાણ કરતું હતું. ઊર્મિનું માન સન્માન વધ્યું. ગામના લોકો બહેન કહીને બોલાવતાં પણ મહેશની અંદરનો પુરૂષ આ બધું સ્વીકારવા નહોતો માંગતો. એને ઇર્ષાની આગમાં, દારૂ પીવાનું શરૂ કર્યું. પીધેલ હાલતમાં એ ઊર્મિ ઉપર ગાળો અને ઢીકા - પાટાનો વરસાદ કરતો. અને નશો ઉતરી ગયા પછી ઊર્મિ પર સ્નેહનો વરસાદ કરતો.
એમાં રતન બા તો રાહ જોઈને જ બેઠા હોય ઊર્મિ ને નીચી બતાવવા અને ઝઘડવા માટે હંમેશ તૈયાર.
તહેવાર ઉપર ઊર્મિ પોતાના પિયરમાં ગઈ. ઊર્મિએ બા ને બધી વાત કરી. બા ના ખોળામાં માથું મૂકી ખૂબ રડી. પણ બા નો એક જ જવાબ હતો.
"બેટા, દીકરી તો સાસરે જ શોભે. સુખ હોય કે દુઃખ એ તો એના ભાગ્યની વાત છે. પણ એક વખત અહીથી દીકરીની વિદાય થઈ જાય એટલે એ પારકી બની જાય. પારકી થાપણને ઘરમાં થોડી રખાય. હવે તો તારી ઠાઠળી જ ત્યાંથી ઉપડે."
બા ની વાત સાંભળી ઊર્મિ અંદરથી હલી ગઈ, ધ્રુજી ઊઠી. " બા શું દીકરી હોવું એ ગુનો છે ?" બા ઊર્મિ સામે જોઈ રહ્યા. આમ ને આમ વર્ષોના વર્ષો વીતતાં જતા હતા. ઊર્મીએ પોતાના પિયરમાં એ દિવસ પછી કોઈ દિવસ પગ નહોતો મૂક્યો.
હવે જિંદગી, આમ જ વીતી રહી હતી. આ અત્યાચારોથી ટેવાયલ ઊર્મિ બરાડી પડી, શું વાંક છે મારો.?
અને ઊર્મિ તંદ્રામાંથી બહાર આવી. આંખો ખોલી જોયું તો. સૂરજ દાદા ઘરે જવા રથ ઉપર બેસી ગયા હતા. અને ઊર્મિ પણ પાણીના ઘડા ભરીને, માથે લઈ ચાલતી થઈ.
