Mariyam Dhupli

Inspirational

3.4  

Mariyam Dhupli

Inspirational

ઉજવણી

ઉજવણી

4 mins
430


જાવેદ ઘરમાં પ્રવેશ્યો. રસોડા તરફના ટેબલ ઉપર શાકભાજી સમારી રહેલી એની અમ્મીના મોઢામાંથી રીતસરની ચીસ નીકળી ગઈ. 

"આ શું હાલત કરી છે ?"

ઉપરથી નીચે સુધી કાદવમાં લથપથ જાવેદનું શરીર એવું દુર્ગન્ધ મારી રહ્યું હતું કે એની અમ્મીએ ઓઢણીનો છેડો નાકે દબાવી દીધો. એમની આંખો અણગમાથી બમણી પહોળી થઇ ઉઠી. 

"લાહોલવલા...." 

સવારે સૂર્યોદય વખતે ઘરમાંથી નીકળેલો જાવેદ નવ વાગ્યે ઘરે આવી ઉભો રહ્યો હતો. એનું નાપાક શરીર ન જોવાને લાયક હતું, ન સૂંઘવાને. 

"ક્યાં હતો સવારથી ? તારા દોસ્તોના કેટલા ફોન આવ્યા."

જાવેદ અમ્મી તરફ આગળ વધવા ગયોજ કે હાથમાંની છરી વડે સંકેત કરતા અમ્મીએ સ્નાનાઘર તરફનો માર્ગ  દેખાડ્યો.

"સીધો ગુસુલ કરવા જા. ન્હાઈને ગુસલખાનું પણ પાક કરજે. વુઝૂખાના તરફ તો જતોજ નહીં. "

અમ્મીએ કરેલા સંકેતની દિશામાં જાવેદનું શરીર આગળ વધયુંજ કે અમ્મીનો બરાડો ફરી ઘરમાં ગુંજ્યો. 

"પણ આ હાલત કઈ રીતે થઇ ? શું કરીને આવ્યો છે ?" અમ્મીના બન્ને પ્રશ્નથી જાવેદને શંકાની સોય ભોંકાય. એમનો શક સાચે જ હકીકતમાં પરિવર્તિત થયો હતો. 

"પેલું દિવસોથી ભેગું થયેલું પાણી....."

"સત્યાનાશ ...."જાવેદના ઉત્તરથી અમ્મીનું લોહી ઉકળી ઉઠ્યું. "હું જાણતીજ હતી. રજાના દિવસે ગધ્ધામજૂરી કરીને આવ્યો. આ મહોલ્લામાં અન્ય દસ ઘર છે. એમાંથી કોઈ પણ આવ્યું હતું ? એ ભેગું થયેલું ગંદુ, નાપાક પાણી ફક્ત તારીજ નજરે ચઢ્યું ?"

હાથમાં લાગેલું કાદવ ઘરની ભોંયને મેલી ન કરે એની તકેદારી રાખતા જાવેદે અમ્મીને ટાઢી પાડવાનો પ્રયત્ન કર્યો. 

"બધાએ જ જોયું હતું. દસ દિવસ પહેલા અરજી પણ નોંધાવી હતી. પણ કઈ થયું ? થોડા કલાકનું કામ હતું એ માટે વર્ષો અરજી કરી હાથ પર હાથ ધરી બેસી થોડી રહેવાનું હોય ? એમાંથી મચ્છર, માખોનો ઉપદ્રવ મચતે તો જાતજાતની માંદગીઓનો આપણે જ બધા શિકાર બન્યા હોત. આ તો હાથ પર લીધું એટલે કામ પૂરું. અમ્મીને માહિતી આપી જાવેદ સ્નાનાઘર તરફ આગળ વધ્યો.

અમ્મીએ રીસથી કપાળ કૂટ્યું.

"લાગે છે મારી કોખે ગાંધીજી અવતર્યા છે. " 

અમ્મીના કટાક્ષને હૃદયથી સ્વીકારતા જાવેદે સ્નાનાઘર તરફથીજ જવાબ પરત કર્યો. 

"તું તો ધન્ય થઇ ગઈ,અમ્મી. "

શાકભાજી સમારતા હાથ ગુસ્સામાં વધુ ઝડપે કામ કરવા લાગ્યા. "શુભ શુભ બોલ. મારો એકનો એક દીકરો છે. બાપુ તો ગોળીએ વીંધાયા. " 

શાવરના અવાજ નીચે અમ્મીના શબ્દો જાવેદના કાનને સ્પર્શી શક્યા નહીં.  ગુસલ કરી, ગુસલખાનું પાક કરી આખરે એ કોલેજ જવા ઉપડ્યો. શહેરીના નાકે પહોંચેલી જાવેદની બાઇકને એક જોરદાર બ્રેક લાગી.  નાકા ઉપરના એ મકાનમાંથી ગુંજી રહેલું ગીત અત્યંત ઊંચા સ્વરે વાગી રહ્યું હતું. 

"એ મેરે વતનકે લોગો 

 જરા આંખમેં ભરલો પાની 

 જો શહીદ હુએ હે ઉનકી

  જરા યાદ કરો કુરબાની. " 

જાવેદે બાઈકની ચાવી ફેરવી અને મકાનની ડોરબેલ વગાડી. 

"આવું છું...આવું છું...."

થોડાજ સમયમાં પચાસેક વર્ષની સ્ત્રી બારણે ધસી આવી. 

"ઓહ..જાવેદ બેટા...આવ આવ....."

બારણેજ ઉભા રહી જાવેદે પોતાના કાનના પરદા ફાટી ન જાય એવી આશ જોડે એ હાઈ વોલ્યુમ સંગીત સામે વાંધો ઉઠાવ્યો.

"આંટી. પ્લીઝ, આ જરા ધીમું વગાડો ને...."

સ્ત્રીના ચહેરાના હાવભાવો થોડા કટ્ટર થયા. 

"આપણે રોજ રોજ થોડી વગાડીએ. એ તો આજે ખાસ દિવસ છે એટલે....."

"હા, પણ બાજુના મકાનમાં વ્યાસકાકા ગઈ કાલેજ હોસ્પિટલથી પરત થયા છે. એ આરામ કરતા હશે....."

જાવેદ આગળ બોલે એ પહેલા જ સ્ત્રી સંગીતનો અવાજ ધીમો કરવા તૈયારી દર્શાવી રહી. 

"હા, હા. કોઈ વાંધો નહીં. આ લે. બસ ?"

અવાજ ધીમો થયો કે સ્ત્રીએ ફક્ત મ્યુઝિક સિસ્ટમ ઉપર હાથ મૂકી પરત લઇ લીધો. ખબર નહીં ? પણ જાવેદના માથામાં તો હજી પણ હથોડા અફળાઈ રહ્યા હતા. 

વ્યાસકાકાની મનોમન દયા ખાતા એણે બાઈક કોલેજની દિશામાં ભગાડી. મ્યુઝિક સિસ્ટમ ઉપર હજી પણ એજ શબ્દો જોરશોરથી રમી રહ્યા હતા. 

"એ મેરે વતનકે લોગો 

 જરા આંખમેં ભરલો પાની....."

સિગ્નલ ઉપર રાહ જોઈ રહેલ જાવેદની બાઈક આગળ એક આઠ વર્ષની બાળકી નાના તિરંગા લઇ આવી પહોંચી. બાઈક ઉપર શણગારવા માટે એક તિરંગો ખરીદી લેવા આજીજી કરવા લાગી. જાવેદે ૧૦૦ રૂપિયા એ નિર્દોષ હાથમાં થમાવી દીધા. હાથમાંના બધાજ તિરંગા એણે પ્રમાણિકપણે જાવેદ આગળ ધરી દીધા. જાવેદે ગરદન હળવેથી હલાવી એ સ્વીકારવાની ના પાડી દીધી. ૧૦૦ રૂપિયા એક હાથમાં અને બીજા હાથમાં હજી એમ ના એમ વધેલા તિરંગાઓ સાથે નાનકડા મગજનું ગણિત અતિ ઝડપે સરવાળા માંડી રહ્યું. બમણા નફાની ખુશી બે નાની આંખોને ઉલ્લાસથી ચળકાવી રહી. સિગ્નલ 

લીલું થયું. એ ચળકાટને હૃદયમાં સઁગ્રહી જાવેદ આગળ વધી ગયો. 

કોલેજની બહાર તરફ પાર્ક થયેલી મિત્રોની દરેક બાઈક ઉપર તિરંગો લહેરાઈ રહ્યો હતો. એક ફક્ત જાવેદની બાઈક ઉપર તિરંગો ન હતો. બધી નજર એ વાતની તુલનાત્મક નોંધ કરી રહી. 

કોલેજની બહાર તરફના માર્ગ ઉપર મહેફિલ જમાવી ઉભા મિત્રોની નજર જેવી જાવેદ ઉપર આવી કે બધા એકીસાથે શબ્દોના બાણ છોડવા લાગ્યા.


"લો, હવે આવ્યા સાહેબ...."

"કેટલા ફોન કર્યા ભાઈ ? એવું તે શું કામ હતું ?"

"આજે પ્રજાસત્તાક દિન છે. ખબર તો છે ને ?"

"ધ્વજ વંદન કાર્યક્રમમાં ભાગ પણ નહીં લીધો ? "

"આ દેશના નાગરિક તરીકે એ તારી ફરજ છે. "

"દેશ પ્રત્યે પ્રેમ હોય તો બધું યાદ રહે. પ્રેમ છે કે પછી......." 

આખી મિત્ર મંડળી ખડખડાટ હસી પડી. જાવેદને જરાયે ન ગમ્યું. ના, એમનું વ્યંગ કે કટાક્ષ નહીં. એની તો એને ટેવ પડી ચુકી હતી. એનું ધ્યાન એ મુદ્દા પર હતુજ નહીં. એનું ધ્યાન તો વેફરના એ ખાલી પ્લાસ્ટિકના પાકીટ ઉપર હતું જે એના મિત્રના હાથમાંથી વ્યંગ કરતા સમયે હવામાં સહજ મુક્ત વહાવી દેવામાં આવ્યું હતું. એ પાકીટનો શીઘ્ર પીછો કરી એણે હવાની દિશામાં ઝડપથી ડગલાં માંડ્યા. રસ્તા ઉપરથી એ ખાલી પાકીટ ઉઠાવી એણે થોડા અંતરે રખાયેલી કચરાપેટી ભેગું કર્યું. એના ચહેરા ઉપર સંતોષ છવાઈ ગયો. એના મિત્ર મંડળે એની પ્રતિક્રિયા કે સંતોષની નોંધ સુદ્ધાં ન લીધી. એમનું ધ્યાન એ બાબત પર હતું જ નહીં. તેઓ દેશપ્રેમના મહત્વના મુદ્દાની ઊંડી ચર્ચામાં વ્યસ્ત હતા. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational