ઉછેર
ઉછેર
આખી રાત ધોધમાર વરસાદના લીધે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું. ઘડી ઘડી બારી બહાર જોઈ મનમાં મૂંઝવણ, ઘડિયાળના કાંટાની જેમ સમય સાથે વધ્યે જતી હતી. બહાર જાઉં કે નહિ એ વિચાર સતત ફિંગર ક્રોસ કરેલી મારી આંગળીઓ ગૂંચવી રહી હતી. મોબાઇલ નેટવર્ક આવતું નહતું. કોઈ સાથે ચર્ચા કરી શકાતી ન હતી. અચાનક નજર દરવાજા પાસે પડેલી છત્રી ઉપર પડી. ન જાણે ક્યાંથી હિંમત આવી અને બસ હાથમાં લઈ દરવાજો ખોલી નીકળી ગયો. ઘરમાં કોઈને ઉઠાડી વધુ ચિંતિત કરવાની ઈરછા ન થઈ. જલ્દી જલ્દી દરવાજો બંધ કરી ચાલતો થયો.
છેલ્લા 25 વર્ષથી આ વિસ્તારમાં રહેતો એટલે વિસ્તાર અજાણ્યો નહતો પરંતુ, અંધારી રાતે ધોધમાર વરસાદમાં, ગાજતો પવન રાતને વધુ ડરામણું સ્વરૂપ આપી રહ્યો હતો. ધીમે ધીમે રહેણાંક વિસ્તારની બહાર નીકળતા નીકળી ગયો. સાચો ભય હવે થઈ રહ્યો હતો કેમકે, મંઝિલ સુધી પહોંચતા વચ્ચે આવતો એ દસ મિનિટનો ભયાનક રસ્તો પસાર કરવો ખૂબ અઘરો હતો, પરંતુ જવું જરૂરી હતું. જલ્દી જલ્દી ચાલતો હું ઘણો આગળ નીકળી ગયો અને સામે પહોર પણ બદલાતો હતો. આકાશ સામું જોયું તો હજુ સૂરજને ઊગવાની ઘણી વાર હતી. હું ઝડપથી ચાલતો હતો પરંતુ, વરસાદને લીધે પાણી ભરાય ગયા હતા.
દૂરથી ધજા દેખાતાં હાશકારો થયો અને મંદિર ભણી ઝડપથી પગ ઉપાડવા લાગ્યો. મંદિર નજીક પહોંચતા જ જલ્દી પગથિયાં ચડી અંદર ગયો. કોઈ દેખાયું નહીં તો મનમાં વધુ ચિંતા ઉપજી, છેલ્લા મેસેજમાં આ મંદિરે રોકાઈ જવાની વાત હતી. ઘર સુધી નહિ પહોંચી શકાય. ઉતાવળે મેં મોબાઇલ પણ ન લીધો શું કરું એ સમજાતું નહતું. પરોઢની રાહ જોવી જ પડે એમ હતી. વરસાદ વધતો હતો સાથે મંદિર નજીક રહેલી નદીમાં પાણી વધવાનું સ્પષ્ટ સંભળાય રહ્યું હતું. વીજળીના કડાકા તેમજ એ પ્રકાશે હું મંદિરમાં નજર કરતો પણ કોઈ દેખાતું નહતું. અહી નથી તો ક્યાં હશે એ ચિંતા અને પ્રશ્નનો જવાબ માત્ર વહેલી સવારે અજવાળું થાય ત્યારે મળે એમ જ હતો. બસ થોડી વાર હતી. મંદિરની દિવાલના ખૂણે હું બેઠો અને થાકના કારણે ઊંઘ આવી ગઈ એ ખ્યાલ જ ન રહ્યો.
સવાર પડતાં જ સૂરજના કિરણો જાણે મારા માટે આશાના કિરણ લાવ્યાં હોય એમ આંખ ઉપર પડતાં જ હું ઝડપથી ઊભો થયો. વરસાદે વિરામ લીધો હતો. વરસીને જાણે હળવા થયેલા વાદળો આકાશને મુક્ત કરી જતાં રહ્યાં હોય તેવું લાગ્યું. વાતવરણ ખૂબ સુંદર હતું પરંતુ, મારું મન હજુ મૂંઝવણ અનુભવી રહ્યું હતું કે એ ક્યાં ? આમ-તેમ દોડતા નજર કરી તો મંદિરની પાછળની દીવાલે ઓટલા ઉપર કોઈ સૂતું હોય તેવું લાગ્યું. એમની પાસે જઈ ગળે મળીને આંખોમાં આંસુ સાથે મેં કહ્યું," બાપુજી કેટલી ચિંતા હતી ખબર તમને ?"
ધૂજતા શરીરે એમને કહ્યું,"દીકરા, આરતી કરી નીકળતો હતો ત્યાં એકદમ વરસાદ વધી ગયો એટલે ઘરે આવવાની હિંમત ન થઈ એટલે અહી ઓટલા ઉપર સૂઈ ગયો. પણ, તું કેમ આવ્યો ? ઘરે બીજું કોઈ ન આવ્યું જોવા ?"
"ચાલો ઘરે "મેં વધુ વાત ન કરી. એમને ખભે ટેકો આપી ઊભા કર્યા. ઘરે જવા નીકળ્યા.
ચાલતાં ચાલતાં રસ્તામાં આવતાં વૃદ્ધાશ્રમ આવતાં જ એક બાપે પોતાના દીકરાને ખભે મજબૂતીથી હાથ મૂક્યો અને આજે પોતાના ઉછેર ઉપર ગર્વ થતો હતો.
