ત્યારે સમજાયું
ત્યારે સમજાયું


છેલ્લા દોઢ વર્ષથી આર્ય બેંગ્લોરથી આવ્યો ન હતો. બસ, રચના આંટી ગુજરી ગયા ત્યારે આવ્યો હતો, ના.. એ પછી એક વખત આવ્યો હતો જયારે વરસી વાળી ત્યારે. પણ, એ વાતને પણ તો દોઢ વર્ષ થઇ ગયું. પાંચ દિવસ પહેલા આવ્યો ત્યારે આર્ય લાગતો હતો એવો હવે લાગતો ન હતો. એમ કહું તો ચાલે કે આટલા વર્ષોમાં લાગ્યો, એવો લાગતો ન હતો. એ આખો દિવસ એમની બાજુમાં જ બેસી રહે, રાત્રે પણ. એ સુતા હોય ત્યારે એમને જુએ અને જાગે તો મોબાઈલ મચડે ક્યાંતો પછી બૂક વાંચ્યે રાખે. પણ, સામું ન જુએ.
હું સવાર સાંજ મળવા જતો ત્યારે એટલે આ બધી જ વાતોથી હું વાકેફ હતો. એક અજીબ નિરાંત હતી મુકેશકાકાના ચહેરા પર એ સમયે. બોલી નહોતા શકતા પણ હું એમની એ નિરાંત અનુભવી શકતો હતો. મારે તો માત્ર ગોળીઓ અને ઇન્જેક્શનની જ વાતો કરવની હોય, પણ મુકેશકાકાને પહેલેથી જાણતો એટલે કદાચ ઘરોબો થઇ ગયેલો. અને સાચું કહું તો આર્ય દોઢ વર્ષ જેવું આવ્યો જ નહીં અને બોલચાલ પણ બંધ કરી દીધી ત્યારે હું એમની ખાસ્સો નજીક આવ્યો, જસ્ટ લાઈક આર્ય.
હું અને આર્ય નાના હતા ત્યારથી સાથે સાથે હતા, પછી એ એન્જીનીઅરીંગમાં જોડાયો અને હું મેડીકલમાં. ત્યારથી મળવા મુકવાનું ઓછું થયું, બાકી એક જ સ્કુલમાં અને એક જ રીક્ષામાં આવતા જતા હતા. આર્ય રચના આંટીથી ખુબ અટેચ હતો, એ એક જ વ્યક્તિ હતું એ ઘરમાં જ્યાં આર્ય જોડાયેલો હતો. મુકેશકાકા ઓછાબોલા અને ઉપરથી ગરમ સ્વભાવ. આર્ય બાળપણથી જ મુકેશકાકાથી દુર થતો ગયેલો. હું તો વધારે ગભરાતો એમનાથી, પણ મને ક્યારેય ખરાબ અનુભવ થયો નહોતો એમનો. અને આર્યના મોઢે પણ મેં ક્યારેય એમના માટે કંઈ સાંભળ્યું પણ નહોતું. પણ, કહેવાયને કુછ લોગો કી શકલ હી એસી હોતી હૈ... બસ, આર્યની નિકટતા ક્યારેય મુકેશકાકા તરફ રહી નહી અને કદાચ એટલે જ લાગણીનો કુઓ સુકો જ રહી ગયેલો.
સીવીઅર અટેક હતો. હું તો સમાંત ફિઝીશિયન છું પણ એક્ષ્પર્ટસ પણ એમ જ કહે છે કે લાંબુ નહિ કાઢે, મારા નોલેજ પ્રમાણે તો... પાંચ દિવસથી જોઉં છું આર્યને. જેને પોતાના દસ, બાર કે કોલેજ ટોપ કર્યાનું રીઝલ્ટ મુકેશકાકાને ડાયરેક્ટ કહ્યું નથી એ આજે આખો આખો દિવસ એમની બાજુમાં રહે છે. બે ઘડી વાત નથી કરી જે બે જાણે એ એકમેકને અખો દિવસ જોયા કરે છે. ત્યારે બંને બોલી શકતા હતા અને આજે એક જ બોલી શકે છે છતાં મૌન અને સ્પર્શ જ ભાષા બની ગયા છે. મેં જયારે આજથી સાત દિવસ પહેલા મુકેશકાકાના એટેકના સમાચાર આર્યને આપ્યા ત્યારે બે ઘડી એ કંઈજ બોલી નહોતો શક્યો. અને બોલ્યો ત્યારે એટલું જ.."રિશી હું એકલો તો નહિ પડું ને ?"
આંટી કરતા પણ એને મુકેશકાકાનો આઘાત વધારે લાગ્યો હતો, આખું જીવન જેની સાથે બોલ્યો નહીં વધારે, એને માટે આટલો લગાવ કેમ ? મને હતું આંટી ગયા ત્યારે જ એ એકલો પડી ગયો હશે પણ મુકેશકાકાની નાદુરસ્ત તબિયતમાં એકલતાનો ડર કેમ? મને સમજાયું નહોતું. સત્તર દિવસ પછી આર્ય એમને પોતાની સાથે બેંગ્લોર લઇ ગયો અને ત્યાંજ એક ફૂલ ટાઈમ નર્સ રાખી.
હું કોન્ફોરન્સમાં હતો, ફોન અટેન્ડ ન કરી શક્યો, કોન્ફોરંસ પછી જોયું તો ઘરેથી ફોન હતો, પપ્પા ગુજરી ગયા હતા. ત્યારે સમજાયું. પપ્પાને સમજાવતા જેટલી વાર લાગે છે એથી પણ વધારે વાર એમને સમજતા લાગે છે. ત્યારે સમજાયું..!