ત્યાગમૂર્તિ
ત્યાગમૂર્તિ
રાકેશ એક પ્રતિષ્ઠિત કંપનીમાં સી. એસ. નો હોદો શોભાવે છે. તે ઘરે અવારનવાર પપ્પા જોડે કોઈપણ વિષય પર ચર્ચા કરે, પરંતુ મમ્મીને સતત દાદા-દાદીની સેવામાં જોતો હોવાથી ધારણાં બાંધી લે છે કે મમ્મીને સમય નથી, અથવા મમ્મીને કોઈપણ વિષયમાં રસ નથી.
અત્યારે દાદા -દાદી જીવિત નથી. રાકેશને આદત નથી કે મમ્મી સાથે ચર્ચા કરે, એટલે પપ્પાના નામની બૂમ પાડે છે. રાકેશને મમ્મી પુછે છે કે 'બોલ બેટા, પપ્પાનું શું કામ હતું ?'
રાકેશ મમ્મી સામે જોઈ રહ્યો કે 'મમ્મી હવે ફ્રી થઈ ?'
રાકેશ પપ્પાના આવતાં જ ઉત્સાહથી વાત કરે છે કે મારું ફલાણી કંપનીમાં પ્રમોશન સાથે વીસ લાખના પેકેજમાં નક્કી થયું છે. કંપનીનું નામ સાંભળતા જ મમ્મીની આંખોમાં ચમક ઉપસી આવે છે. દીકરાના હાથમાં રહેલ પત્રનો પ્રેમથી સ્પર્શ કરે છે.
રાકેશ: 'મમ્મી, હાથ ભીનાં નથી ને ?'
મમ્મી: 'ના બેટા, હાથ તો કોરા ને હવે ખાલી છે, પણ આંખો ભીની છે.'
રાકેશના પપ્પા સમજી જાય છે. રાકેશના પપ્પા એક જ વાક્ય બોલે છે, દીકરા, આ કંપનીમાં નોકરીએ લાગતા જ પહેલા દિવસે દરેકનાં રાજીનામું આપવાનું કારણ વાંચી લેજે.
***
રાકેશ પહેલાં દિવસે ઑફિસ ગયો.
દરેક કંપની સેક્રેટરીનું લગભગ એકસરખું જ કારણ હતું કે બીજે જવાથી વિકાસ થાય. પચ્ચીસ વર્ષ પહેલાં રજની પંડ્યાએ નવજાત શિશુના ઉછેર અને સાસુ સસરાની દેખભાળ માટે રાજીનામું આપ્યું હતું. રાકેશ ઊભો થઈ ગયો, ફટાફટ ઘરે આવ્યો. રાકેશ ઘરે આવતા જ મમ્મીના ખોળામાં માથું મૂકીને મમ્મી...મમ્મી... કરતાં રડી પડ્યો. રાકેશ બોલ્યો કે
‘ફક્ત આજે એક દિવસની માતૃદિન તરીકે ઉજવણી કરીને હું મારી જાતને મહાન ગણવા માંડ્યો હતો.‘ ‘મમ્મી, તમે આખી જીંદગી માતૃ-પિતૃ દિન અને સંતાનદિન જ ઉજવ્યો.‘
રજનીને ગર્ભાવસ્થાના દિવસો, બાળકોનો ઉછેરનાં દિવસો અને બાળકોની શાળાનાં દિવસો યાદ આવતાં આંખો છલકી
ઉઠી. રાકેશના પપ્પા મેઘા સાથે ઘરમાં પ્રવેશ્યા. રજની દીકરી મેઘાને જોઈ ખુશ થઈ ગઈ. રાકેશ પણ નાની બહેનને જોઈને
આનંદમાં આવી ગયો. મેઘા આજે જ સ્નાતકની ઉપાધિ મેળવીને પુનાથી આવી છે.
બંને ભાઈ-બહેન મમ્મીને આજના દિવસે શુભેચ્છાઓ અભિનંદન પાઠવે છે. રાકેશના પપ્પા પોતાની પ્રેરણામૂર્તિ અને પોતાના પરિવારની ત્યાગમૂર્તિને પ્રેમથી નિહાળી રહ્યા.
