તું નહી તો ઓર સહી
તું નહી તો ઓર સહી
દૂર રેડિયો પર ગીત આવતું હતું "કયા સે કયા હો ગયા" અને ખાટલા મા સૂતી સૂતી નંદિતાની આંખમાંથી પાણી નિકળવા માંડયુ. ધીરે રહીને એણે ગાલ પરથી આંસુ લૂછ્યા અને ઘોડી લઈને ચાલવાનો પ્રયત્ન કરવા માડી. એણે બારીમાંથી આકાશ તરફ જોયું. થોડી પતંગ આજે પણ ઉડતી હતી. રવિવારનો દિવસ હતો. મકરસંક્રાંતિને આજે એક મહિનો થઈ ગયો.
મકરસંક્રાંતિનો એ દિવસ ! એ સવારે વહેલી ઊઠી. આજે એ ખૂબ ખુશ હતી. ખુશ કેમ ના હોય...! આજે તો એના વિવાહ બહાર પડવાના હતા, એના મનમિતે એને સામે ચાલીને કહ્યું હતું. આગલે દિવસે વાળ પણ સેટ કરાવી ફેસિયલ પણ લઈ લીધો. સુંદર લાગતી હતી એ નંદિતા !
એણે તલની ચીકી અને તલના લાડુ, બોર, જામફળ બધું એક બેગમાં મુકયું. આજે એના ઉત્સાહનો કોઈ પાર ન હતો. ઘડી ઘડી હસતી હતી. રસ્તામાંથી પતંગ પણ લઈ ને આકાશેઠ કૂવા પાસે આવેલી નાની ગલી પાસે લીમડા ચોકના નવા બંધાયેલ"સુમંગલ"માં પહોચી ગઈ. મકાનો બધા એટલા પાસે પાસે કે હાથ લંબાવી એ તો બીજા છાપરા ને અડકે. ગગન એની જ રાહ જોઈ રહ્યો હતો.
આકાશમાં લાલ પીળી પતંગ ઉડતી હતી. મોટો લીલો પતંગ ગોથા ખાતો હતો.ચીલ અને ઘેસીયા ના પેચ લાગ્યા હતા. ગગને નંદિતાના હાથમાં ફિરકી પકડાવી અને ઢીલ છોડવા કહ્યું. અને ચીલ કપાઈ ગયો. ગગનની બહેને "એય કાઈપો છે" ની થાળી વગાડી બૂમો પાડી. ચારેબાજુ આનંદનું વાતાવરણ હતું. સામે ના છાપરા પરથી રમેશ ગગનની બહેનને ઈશારો કરીને કંઈ કહેતો હતો. બન્ને વચ્ચે પણ પેચ લાગેલા જ હતાં માટે જ એ ચાર ફળિયું છોડી અહીં પતંગ ચગાવવા આવ્યો હતો.
ધાબા અગાસી પર અદભૂત આનંદનું વાતાવરણ હતું.જેને પતંગ ઉડાડવા હોય તે અને ના ઉડાડવા હોય, જેને ઉડતા પતંગ જોવાની મજા લેવી હોય અને જેને ના જોવા હોય તે બધા જ આજે ઉપર હતાં. બાળકો, વૃદ્ધ, સ્ત્રીઓ, અને છોકરીઓ બધા જ આનંદ લૂંટતા હતા. આજના હીરો જેવા જુવાનીયા ગોગલ્સ પહેરી, શર્ટ નો કોલર ઊંચે ચઢાવતા ચઢાવતા, આજુબાજુ મા કોઈ સુંદર છોકરીઓ દેખાય છે કે નહીં તે પણ સાથે સાથે નજર નાખતાં.
આજે ઢોલ, નગારા તથા લાઉડ સ્પીકર થી કોઈ ને પણ પરેશાની ન હતી થતી. તલની ચીકી ખવાતી હતી, તેમજ એકબીજા પર બોર ખાઈને ઠળિયા ફેંકાતા હતા પણ કોઈ ને એનો વાંધો ન હતો. ઉંધીયું અને ગરમ ગરમ જલેબી ની મહેફિલ જામી હતી. રસ્તાઓ પર કરફ્યુ લાગ્યો હોય તેમ ખાલી હતા. કોઈ એકલદોકલ, બીજે ધાબે જવા કે ખુટી ગયેલી બીજી પતંગ લેવા જતાં હતાં બાકી શેરીઓ ખાલી હતી.
ગગન પતંગ ચગાવતા ચગાવતા ચીકી ની કે બોરની ફરમાઈશ કરતો અને નંદિતા ને ચીડવતો હતો. એ ગાતો હતો કે
નીલ ગગન તલે નંદિતા ગગન કા પ્રેમ પલે.
કોઈ જોતું ના હોય તો કીસ પણ કરી લેતો અને નંદિતા ખોટો ગુસ્સો કરતી.
બપોર થવા આવી, વડીલો વામકુક્ષી માટે નીચે ઉતર્યા. નંદિતા ને કકડીને ભૂખ લાગી હતી પણ ગગન, "આ છેલ્લો, એમ એમ કરતાં નીચે જવાનું નામ ન હતો લેતો. ત્યાં એની બહેન બન્ને માટે જલેબી ઉંધીયું લઈ આવી. ગગને નંદિતા ને કહ્યું" તું દોરી લપેટ, હું જલ્દી ખાઈ લવુ પછી તું ખાજે. આજે તો તને નીચે નહીં જવા દઉં. નંદિતા દોરો વિટવા લાગી ત્યાં જ એક મોટો લકડેદાર પતંગ કપાતો કપાતો આવ્યો. ગગને બૂમ મારી કહ્યું "પકડ, નંદિતા પકડ ! છેક છાપરા ની ધાર પાસે દોડી ને પકડવા ગઈ કે ગગને તકનો લાભ લઈ જોરથી ધકકો માર્યો અને એની સાથે નંદિતા લથડી. એણે ગગનના ઝભ્ભા ને પકડવા પ્રયત્ન કર્યો પણ ગગને છોડાવી દીધો અને ચોથે માળથી ગબડતી ગબડતી નંદિતા નીચે પડી. પડતાં પડતાં બૂમ પાડતી ગઈ કે ગગને મને ધક્કો માર્યો અને એ બેભાન થઈ ગઈ. ગગન બોલ્યો, હાશ ! જાન છૂટી પણ બીજી જ ક્ષણે બુમરાણ કરવા માંડી.
હમણાં જ આરામ કરવા ગયેલા લોકો ભેગા થયા અને જુઠું જુઠું રડતાં ગગન ને સાત્વના આપવા માડયા. ત્યાં કોઈ એ કહ્યું પણ આને હોસ્પિટલમાં દાખલ કરો. મરી જશે બિચારી ! એના માબાપને ખબર આપો. ૧૦૮ બોલાવી એને હોસ્પિટલમાં દાખલ કરી. એનું થાપાનુ હાડકું તૂટી ગયું હતું. જમણા હાથનુ પણ હાડકું તૂટી ગયું હતું. મોઢા ના દાંત પણ તુટી ગયા હતા
એનું નસીબ પણ એટલું સારું કે એક પેશંટ ને માટે અમેરિકાથી સ્પેશિયલ ડોક્ટર આવ્યા હતાં અને નંદિતા નું થાપાનું ઓપરેશન કર્યું. ત્રણ દિવસ પછી એને હોશ આવ્યો. ગગન કોઈ દિવસ એને જોવા ના આવ્યો. એને પોલીસમા ફરીયાદ કરવાની ઈચ્છા થઈ પણ છોડી દીધું. અમેરિકન ડોક્ટરે એને માલિશ કરી એકસરસાઈઝ બતાવી અને વારંવાર એને જોવા આવશે એમ કહીને જતાં રહ્યાં.
કોણ જાણે કેમ પણ ભગવાન એક દરવાજો બંધ કરે છે તો બીજો ખોલી આપે છે.
બરાબર દોઢ મહિનો એ હોસ્પિટલમાં રહી. બધા જુનીયર અને સીનીયર ડોકટર તથા સિસ્ટર, બધાને એને માટે ખુબ સહાનુભૂતિ હતી આટલા દુઃખ મા પણ એ હસતી રહેતી હતી અને બધા ને હરાવી રહેતી હતી.
આજે એને હોસ્પિટલમાંથી છુટ્ટી મળવાની હતી. બધા ભેગા થયા હતાં. અમેરિકન ડોક્ટર પણ આવ્યા હતા. નંદિતાના મમ્મી, પપ્પા પણ એને લઈ જવા આવ્યાં હતા
ડોક્ટરે નંદિતા ને પૂછ્યું, "નંદિતા, વોટ નેકસ્ટ ? ( હવે પછી શું?) "
નંદિતા ભાવુક થઈ ગઈ પણ ઝળઝળિયાં છૂપાવી મોઢું હસતું રાખી બોલી,
" મેં તો ફુડ્સ એન્ડ ન્યુટ્રીશન કર્યું છે. હું ડાયેટીશયન થઈશ. અને હોસ્પિટલમાં કામ કરીશ. નો મોર ટીયરસ"એ મનમાં બોલી, "દુનિયામાં તું એકલો થોડો છે ? તું નહીં ઓર સહી" હું મારી જાતે મારું જીવન જીવીશ "
ડોક્ટર જોન બોલ્યા, "શાબાશ ! " થી . ધીસીસ વોટ આઈ એકસપેકટેડ . (તમારી પાસે થી આજ આશા રાખી હતી.)
નંદિતા ઘેર ગઈ અને ફિઝીયોથેરાપીથી એકસરસાઈઝ કરવા માંડી. પાસે જ અખાડો હતો એટલે ત્યાં પણ જવા માડી. વખત ને જતાં વાર થોડી લાગે છે !
થોડા જ સમય માં એ એકદમ સાજી થઈ ગઈ. ગગન કોઈ દિવસ જોવા પણ ના આવ્યો. ફરકયો પણ નહીં. નંદિતાએ અમેરિકન યુનિવર્સિટી ફેલોશિપ સ્વીકારી લીધી અને સદા માટે ઈન્ડિયા છોડી દીધું.

