સમી સાંજનો સોનેરી રંગ
સમી સાંજનો સોનેરી રંગ
આજે વર્ષો પછી ફરી એ બેન્ચ પર આવી બેઠો. પણ એનાં ચહેરા પર એ ખુશી ન હતી. દૂર ક્ષિતિજ પર આથમતા સૂર્ય તરફ જોયું. તૃપ્ત થયેલ ધરતી માટીની મધુર સુગંધ છોડતી હતી. કાળા વાદળો સૂર્ય ને છૂપાવવા પ્રયત્ન કરતા હતા અને એની કિનારી સોનેરી રંગથી રંગાઈ ગઈ હતી. કહેવાય છે ને કાળા વાદળની સોનેરી કિનાર ! લાખો નિરાશામાં એક આશા !
બારમા ધોરણની પરીક્ષા આપી રવિ આ બાકડા પર બેઠો. આજે સ્કૂલનો છેલ્લા દિવસે એ બહુ જ આનંદમાં હતો. થોડી વારમાં ઉષા અને નિશા આવ્યા.
"કેવું ગયું પેપર ?" રવિએ પૂછયું.
એટલે બન્ને એક સાથે બોલી ઉઠયા
" બસ હવે પેપરની ચિંતા નહીં કરવાની. પાસીગ આવી જશે."
નિશાએ કહ્યું "મારા પપ્પા એ તો મારે માટે એક બિઝનેસ મેન શોધી કાઢયો છે એટલે મને પરણાવી દેશે.
પણ ઉષા ચૂપ રહી. ઉષા રવિને બહુજ પ્રેમ કરતી હતી અને રવિ પણ એટલોજ પ્રેમ કરતો હતો પણ કોઈ એ વાચામાં ઢાળ્યો ન હતો.
ચાર વર્ષ પછી રવિએ ઈજનેર ની પરીક્ષા પાસ કરી સરકારી નોકરી લઈ લીધી. ઉષા એ બીએસઈ પાસ કરી બી એડ થઈ અને સ્કૂલમાં નોકરી લઈ લીધી. બન્ને એ લગ્ન કર્યા અને એમનો જીવન રથ દોડવા માંડયો. આમ તો સંતોષની જિંદગી હતી. માત્ર દુઃખ શેર માટીનું હતું. એ પણ ભગવાને પુરુ કર્યું. ઉષા રવિને ઘેર સરસ મજાનો દીકરાનો જન્મ થયો. બન્ને દીકરા પાછળ ઘેલાં કાઢતા. ધીમે ધીમે દીકરો મોટો થતો ગયો. ભણવામાં પણ ખૂબ હોશિયાર હતો એટલે ઉષાબેન ના કહેવાથી રવિ એ પોતાનું ગામનું ઘર અને ખેતર વેચીને અમેરિકા ભણવા મોકલ્યો. ભણી ગણીને દીકરો માનવ પાછો આવ્યો ત્યારે સુંદર છોકરીઓની લાઈન લાગી હતી. એમાંથી એક છોકરી સાથે એના લગ્ન કર્યા.
શરૂઆતમાં તો એ બહુ ધ્યાન રાખતી પણ પછી એ પોતાના કામમાં મસ્ત રહેવા લાગી આજે આને ત્યાં તો કાલે બીજા ને ત્યાં. પછી ખબર પડી એ પણ બીઝનેસના સીલસીલા મા જતી હતી. ઘેર લોકો આવતા એટલે ઘર ટીપટોપ રખાવતી. અમારે આખો દિવસ રુમમાં ૬×૮'મા બેસી રહેવું પડતું. બહાર લોકો ના હોય તો જમવા જવાતું અને હોય તો રાહ જોવી પડતી સવારે પહેલા ભજન સાંભળતા તે પણ બંધ થઈ ગયા. આ સ્થિતિ ઉષા સહન ન હતી કરી શકતી.
ઉમર ની સાથે સાથે તબિયત બગડી જવા માડી. ઉષા ને હાઈ બ્લડ પ્રેશર રહેવા માંડયુ. બધું ભૂલી જતી. હાથ પર પણ કાબૂ રહયો નહીં અને હાથમાંથી પડી જતું.
ઘણી વાર માણસ ભણેલા ગણેલા હોય પણ જો સમજણનો અભાવ હોય તો જીવન દુષ્વાર બની જાય છે. એ કહેતી, " મમ્મી તમે ચુપચાપ તમારા રુમમાં બેસી રહો ને ! પણ એને અમારી લાગણી ની કયાં ખબર હતી કે અમે જેલમાં હોઈએ એવું લાગે છે. ઉષા ને એવું થતું.
રોજની કચકચથી માનવ બહાર રહેવા માડયો. પતિ પત્ની વચ્ચે પણ ઘર્ષણ થવા માંડયુ. એટલે રવિ એ એક દિવસ કહ્યું, "તમે બંને શાંતિ થી જીવો અને રહો. અમે જુદા જતા રહીયે.
આની અસર વધારે ખરાબ થઈ. ઉષા પોતાની જાતને દોષીત માનતી અને રાત્રે ઊંઘમાંથી ઊઠી ઝઘડો કરતી અથવા લવારા કરતી. માનવ દિવસમા એકવાર આવી જતો. એને મમ્મીની આવી દશા જોઇને બહુ દુઃખ થતું. અને અશ્રુ નિકળી આવતા. એ ડોકટર ને બતાવવાનું કહેતો પણ રવિ ને વિશ્વાસ હતો કે એ એને સાજી કરી દેશે.
રવિ સવારે વહેલો ઊઠી જતો અને ઉષા માટે બધું તૈયાર રાખતો. એને ચા, નાસ્તો બનાવી રાખતો. નહાવાનું પાણી વગેરે પણ તૈયાર રાખતો. નિશા આવતી એને કહેતો કે એક વખત એની નોકરી એ જતા પહેલા મારે માટે બધું તૈયાર રાખતી બીલકુલ પડછાયા ની જેમ ! આજે મારો વારો ! એ પતિ અને હું પત્ની. ખરેખર નિશા ! આ તો જીવનનો સોનેરી કાળ છે.
જિંદગી ના જુદા જુદા તબક્કા ! એમાં બાળક જન્મે અને ત્રણ વર્ષ સુધી નો પ્રાતઃ કાળ! એ રાજા! બધા એની આગળપાછળ ફરે અને એ! કદાચ મનમાં ખુશ થતો હશે. પછી સવાર-બાલ્યકાળ સ્કૂલ જવા નું, ભણવાનું. સૌથી અઘરું બપોર ! એટલે કે ગૃહસ્થી. બન્ને છેડા પુરા કરવાના. છોકરાઓની મોંઘીદાટ ફી, સમાજ ના વ્યવહારમાં પણ રહેવાનું. અને હેકટીક સમય. પણ સંધ્યા સમયે શાંતિ, પતિ પત્ની એકબીજાને ટાઈમ આપે. પત્ની રસોડામાં જાય તો પતિ પણ પાછળ જાય. એકબીજાને મદદ કરે. એકબીજા વગર ચાલે નહીં. મંદિરથી આવતા મોડું થાય તો વરંડામાં ચકકર મારવા માડે. ખખડાવી પણ નાખે પણ એ પ્રેમ એક મીઠો હોય છે. "
નિશા બોલી, " ખરી વાત રવિ પણ બધા ના નસીબમાં નથી હોતો એવો નિ:સ્વાર્થ પ્રેમ !"
"શું કહ્યું ? નિસ્વાર્થ ? "
"ના, એ બિલકુલ નિસ્વાર્થ નથી. પતિ ને ભય હોય છે, રખેને એ મારાં પહેલા જતી રહે તો ?
અને પત્ની ને ચૂડીચાદલા સાથે જવાની ઈચ્છા હોય છે. જયારે વડીલો એને" અખંડ સૌભાગ્યવતી નો આશીર્વાદ આપતાં ત્યારે મને બહુ ગુસ્સો આવતો "દાંપત્ય જીવનમા એકબીજાને પ્રેમ સહારો આપવામાં આવે તો જિંદગી મધુવન બની જાય.
નિશા હસી.
એટલામાં ઉષા ઊઠી. રવિએ એને દવા આપી, પાણી લેવા ગયો. નાના બાળકની જેમ દવા આપી જમવા બેસાડી, એપ્રન બાધયુ અને થાળી પીરસી સામે બેઠો અને કહ્યું "જાતે જાતે ખા"
ત્યાં માનવ આવ્યો. મુગ્ધતાથી પોતાના પિતાના પ્રેમને જોઈ રહ્યો. અને લોચન લુછી ચાલતો થયો.
એક દિવસ શ્રાવણની એકાદશી હતી. સતત વરસાદ વરસ્યો. બંધ થવાનું નામ ના લે! રવિ કહે, આભ રુવે એની નવલખ ધારે ! એવામાં ઉષા ઊઠી. રવિ ખૂબ ખુશ થયો. એણે કહ્યું, "જો ,જો ! નિશા મારી ઉષા સાજી થઈ ગઈ. જાતે ઊઠી બાથરૂમ ગઈ.
પણ ત્યાંથી પડવાનો અવાજ સાંભળ્યો અને બન્ને દોડયા. પણ....... ઉષા ન હતી.
એ બેબાકળો બની ગયો. એ ઉષા ને કહે" ઉઠ, ઉષા અહીં ના બેસાય ! "
નિશા એ ૧૦૮બોલાવી અને નીચેથી માનવને !
હવે કશું રહ્યું ન હતું. ઉષા રવિને નિશાના સહારે છોડી ગઈ.
આજે ઘણા વર્ષો બાદ એ બાકડા પર બેસી દૂર આકાશના બદલાતા રંગ જોઈ રહ્યો હતો ત્યાં પાછળથી નિશા આવી એને ખભે હાથ મૂકી બોલી
"જો રવિ, સમી સાંજનો સોનેરી રંગ ! " કાળા વાદળમાંથી બહાર આવતા સોનેરી કિરણોને વધાવીએ.
