ટ્રેનમાં જગ્યા કરતાં આવડી ગયું!
ટ્રેનમાં જગ્યા કરતાં આવડી ગયું!
મુસાફરોના નામ
રોહિત
રણજીત
સમીર
જયેશ
માધેશ
અમે બે હાર્દિક
નવલા નોરતાનું છેલ્લું નોરતું હતું.આગલા દિવસે પાર્ટીપ્લોટમાં ગરબા જવાનો પ્લાન બન્યો હતો.પણ અમારો ઇતિહાસ સાક્ષી છે કે બનાવેલો પ્લાન ક્યારેય સફળ થતો નથી. થયું એવું કે છેલ્લા નોરતાના દિવસે વરસાદી માહોલ હતો એટલે ગરબા રમવા જવાનું કેન્સલ કર્યું અને બીજા દિવસે દશેરા અને શનિવાર હોવાથી રવિવાર સાથે બે દિવસની રજા મળે. આથી ગરબાનું કેન્સલ કરીને તરત જ તે દિવસે અચાનક જ રાજસ્થાન જવાનો પ્લાન કર્યો. નક્કી એવું કર્યું કે શુક્રવારની રાતે જ નીકળી જઈએ તેથી શનિવાર અને રવિવાર નો પુરેપુરો ઉપયોગ કરી શકાય. હોસ્ટેલની લીવ લઈ લીધી અને પાંચ વાગ્યા સુધી કૉલેજ પૂરી કરીને હોસ્ટેલે આવ્યા. રાત્રે મહેસાણાથી 11 વાગ્યાની ટ્રેન હતી. માટે હોસ્ટેલેથી જમીને જવાનું નક્કી કર્યું. રાત્રે જમવામાં થેપલા હતા. જમતાં જમતાં અચાનક વિચાર આવ્યો કે થેપલા સાથે લઈ લઈએ જેથી બીજા દિવસે સવારે નાસ્તો કરી શકાય. એમ કરીને થેપલા પેક કરી લીધા. બધાએ સામાન પેક કરીને લગભગ 8 વાગ્યે સિધ્ધપુર જવા નીકળ્યા. સિધ્ધપુરથી મહેસાણા 40 કિ.મી. થાય, એટલે એકાદ કલાક પહોંચતા લાગે.થોડો સમય જરૂરી સામાન લેવામાં કાઢ્યો અને પછી ત્યાંથી 9 વાગ્યે મહેસાણા જવા રવાના થયા.લગભગ 10 વાગ્યે અમે ત્યાં પહોંચ્યા. હરવખતની જેમ આ વખતે પણ અમારો લીડર રોહિત હતો. અમને ફેરવવાની અને રહેવાની બધી જવાબદારી એના પર. પૈસાનો કારોબાર પણ એને જ સંભાળવાનો. અને હા, કઈ જગ્યાએ જવાનું, ત્યાં શું શું ફરવાનું, ક્યાં રાત્રિ રોકાણ કરવાનું બધું જ રીસર્ચ એણે અગાઉ કરેલું જ હોય અને કદાચ જો કંઈ અજાણ્યું પડે તો તરત જ મોબાઈલ ખોલીને ગૂગલ કરી લે એ અમારે રોહિત! આમ છેવટે અમે કયાંય ભૂલા તો ના જ પડીએ, પોતે આટલી જવાબદારી લઈ લે છે એટલે જ તો અમે નિશ્ચિત રીતે ફરી શકીએ છીએ! એટલે જ તો કદાચ અમે રોહિતને લોકલ ભોમિયાનું બિરુદ આપેલું છે. હા, તો પછી અમે ટ્રેનની મહેસાણાથી જેસલમેર સુધીની ટીકીટ લઈને પ્લેટફોર્મ પર ગયા.ટ્રેનને આવવાની હજુ એક કલાકની વાર હતી. અમે પ્લેટફોર્મ પર જઈને બેસ્યા, એટલો સમય ફોનમાં કાઢ્યો.થોડો ટાઈમ થયો ત્યાં અનાઉન્સમેન્ટ ચાલુ થયું. સાબરમતી સે જેસલમેર જાને વાલી ટ્રેન પ્લેટફોર્મ નં. 1 પર અપને ટાઈમ પર હી આયેગી. લગભગ આવું અમે અડધા કલાકથી સાંભળીને કંટાળી ગયા હતા. અને છેવટે 11 વાગ્યે ટ્રેનને આવતી જોઈ. ધીરે ધીરે વાતાનુકૂલિત 1 ટિયર,વાતાનુકૂલિત 2 ટિયર, વાતાનુકૂલિત 3 ટિયર, શયનયાન ના ડબ્બાઓ અમારી આંખ સામેથી પસાર થઈ રહ્યા હતા અને છેલ્લે ફૂલ ભરાયેલ જનરલ ડબ્બાઓ અમારી સામે આવીને ઊભા રહી ગયા. અમે ઝડપભેર ચડીને જોયું તો લોકો ચાલવાના રસ્તા વચ્ચે પણ સૂતા હતા.નીચેના સોફા પણ ફૂલ હતા અને ઉપરના સોફામાં એક એક જણ સૂતા હતા. હવે અમે ઊભા રહીને મુસાફરી કરીએ એવું તો બને જ નઈ. હરવખતની જેમ અમારો બસ એક જ નિયમ. અમે ઉપરવાળાને ઉઠાડવાના ચાલુ કર્યા અને એક એક ને બદલે બે બે ને બેસવા કહ્યું. એ રીતે અમે બધા બે ડબ્બામાં ગોઠવાય ગયા અને પૂરતો આરામ મળી રહે એ રીતે જગ્યા મેળવી લીધી. અને જો આની જગ્યાએ અમે એક એક જ સૂતાં હોઈએ તો અમે કોઈને ના બેસવા દઈએ. અલબત્ત કોઈ જગ્યા માંગવાનું સાહસ જ ના કરે. મને તો એ વિચાર આવે કે જે લોકો રસ્તા વચ્ચે ક્યારના બેઠા હશે અને અમે ડબ્બામાં ચડીને જે રીતે જગ્યા કરી લેતાં હોઈએ છે ત્યારે એ લોકો શું વિચારતા હશે!
ટ્રેનમાં આખી રાતમાં ત્રણ ચાર સારા એવા ઝોંકા આવી જાય એટલું પૂરતું છે.ટ્રેનનો એક પ્લસ પોઇન્ટ એ છે કે ચાર્જીંગ પોઇન્ટ બાજુમાં જ મળી રહે છે જે મારા માટે તો અતિમહત્વનું કહી શકાય કારણ કે એક એક જગ્યાને મેમરીમાં કેપ્ચર કરવી એ મારી ટેવ છે એટલે બેટરી તો જોઈએ જ. અલબત્ત ટ્રેન એક કલાક લેટ ચાલતી હતી. પેલા એવું નક્કી કરેલું કે જેસલમેર ઉતરીશું અને સાંજ સુધીમાં રિટર્ન થઈ રામદેવરા રોકાઈશું. પણ લેટ થવાના લીધે આખું શેડ્યુલ બગડે તેમ હતું. પછી નક્કી એવુ કર્યું કે અત્યારે રામદેવરા ઉતરીને એક રૂમ રાખી લઈએ અને ફ્રેશ થઈ જઈએ અને તરત જ અડધી કલાક પછીની બીજી ટ્રેનમાં ચડીને જેસલમેર જઈએ અને રાતે ફરી રામદેવરા આવી જઈએ. રામદેવરા સ્ટેશન આવતાં લગભગ 10.30 થયા હશે અને બીજી ટ્રેનનો સમય 11.08 હતો. અમારી પાસે અડધા કલાકનો ટાઇમ હતો.રોહિતે ગૂગલ મેપ ખોલ્યું અને અમારે તો પાછળ પાછળ જ જવાનું હતું. રૂમ સાવ નજીક જ હતો એટલે ફટાફટ ચાલતા થયા. રાજસ્થાનના રસ્તા પર ઘણાં ગુજરાતી બોર્ડ વાંચ્યા પરંતુ તે હવે નવાઈની બાબત તો નહોતી લાગતી! અમે થોડી વારમાં ફ્રેશ થઈ ફરી રેલવે સ્ટેશન પર આવી ગયા. આ બધામાં સવારનો નાસ્તો જ કરવાનો રહી ગયો.ટ્રેનને હજુ 8 મિનિટની વાર હતી. અચાનક જ જયેશ બોલ્યો કે ટ્રેનની ટીકીટ ખોવાય ગઈ, આખું બેગ ખોળી માર્યું છતાં ક્યાંય મળી નહિ.કદાચ મારી પાસે ટીકીટ હોત તો નિશ્ચિતપણે મેં ફોટો તો પાડયો જ હોય પણ એવું હતું નહી! હવે નવી ટીકીટ લઈએ તો બજેટ ખોરવાઈ જાય એટલે અમે વગર ટીકીટે જવાનું સાહસ કર્યું. આમ તો એ ખોટું ન કહેવાય કારણ કે અમે તો ટિકિટ લીધેલી જ પણ કોઈ કારણવશ ખોવાઈ ગયેલી. એવામાં 11.08 એ ટ્રેન આવી અને અમે તેમાં બેસી ગયા. આખી ટ્રેન ખાલી હોવાના લીધે પૂરતી જગ્યા મળી ગયેલી.જેસલમેરના હજુ આવતા ત્રણ કલાકની વાર હતી. થોડીવાર થઈને પોકરણ સ્ટેશન આવ્યું. ત્યાં ટ્રેન થોડીવાર ઊભી. બધાને જોરની ભૂખ લાગી હતી. માધેશ અમારા માટે લસ્સી લઈ આવ્યો અને અમે થેપલાં ખોલ્યા. બધાએ થેપલા ખાઈને ધરાઈ ગયા છતાં બે થેપલા વધેલા. પછી ટ્રેન ફરી ચાલુ થઈ. હું બારી વાળી સીટ પર બેસી ગયો. બધા એકબીજાની મસ્તી કરતા હતા અને ટાઇમપાસ કરતા હતા. બારીમાંથી સાવ મરુંભૂમિ અને કાળજાળ તડકો મારા આંખ સામેથી પસાર થઈ રહ્યો હતો અને મારું કેપ્ચરિંગ પણ વચ્ચે વચ્ચે ચાલું હતું. આમ કરતાં કરતાં અમે લગભગ 2 વાગ્યે જેસલમેરના સ્ટેશન પર ઉતર્યા અને અમારા ભાગ્ય કે ટી.સી. સાથે અમારી મુલાકાત ના થઈ. બહાર આવ્યા અને રીક્ષા વાળા અમને બોલાવી રહ્યા હતા અને અમને લઈ જવા આતુર હતા. પણ રોહિતના મેપના કિલોમીટર મુજબ અમે સારા એવા રિક્ષાવાળાને લઈને 'ગોલ્ડન ફોર્ટ' ગયા. ત્યાંથી ચાલીને અમે કિલ્લા પર ચડ્યા. ત્યાં અમે ગલીઓમાંથી ફરી ફરીને ઘણી આકર્ષિત વસ્તુઓ જોઈ. રાજા - રાણીનો મહેલ, જે તે વખતની પથ્થરની કિલ્લા ફરતેની દીવાલો, નકશી કામ, જુદા જુદા કારીગરોની બજાર વગેરે જોયું. પછી અમે ટોપ વ્યુમાં ગયા જ્યાંથી આખું સીટી દેખાતું હતું. સાચે જ સોના જેવું દેખાય રહ્યું હતું ગોલ્ડન સીટી. ત્યાં અમે થોડા ફોટોશૂટ કર્યા. ત્યાંથી લગભગ ચાર વાગ્યે નીકળીને અમે 'ગાડીસર તળાવ' જવા નીકળ્યાં. ત્યાં થોડીવાર આરામ કર્યો અને આથમતા સૂર્ય સાથે સાંજ ગાળી. ફરી ત્યાંથી 6 વાગ્યાની ટ્રેન હતી એટલે એકાદ કલાક પેલા અમે સ્ટેશન પર પહોંચ્યા અને ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. લગભગ 6 વાગ્યે ટ્રેન આવી અને અમે રામદેવરા જવા નીકળ્યા. ત્યાં પહોંચતા 2 કલાક લાગવાની હતી એટલે બધાએ થોડો આરામ કર્યો. રામદેવરા પહોંચતા 8.20 થવા આવ્યા હતા. ત્યાંથી રામદેવપીરનું મંદિર થોડે દૂર હતું એટલે અમે ચાલીને મંદિરે ગયા. ત્યાં દર્શન કરીને પછી અમે હોટલમાં જમવા ગયા. જમીને પછી જ્યાં રૂમ રાખી હતી ત્યાં ગયા. બધા થાકેલા હતા અને બીજા દિવસે જોધપુર જવાનું હતું એટલે વહેલું જાગવાનું હતું એટલે બધા તરત જ સૂઈ ગયા.
બીજા દિવસે સવારે 4 વાગ્યે સમીરે બધાને ઉઠાડ્યા. અમે ફટાફટ ફ્રેશ થઈને સ્ટેશન જવા રવાના થયા. 5 વાગ્યાની જોધપુર જવાની ટ્રેન હતી. અમે ટીકીટ લઈને પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોતા હતા. એવામાં ટ્રેન આવી અને અમે ચડ્યા. જોધપુર પહોંચતા ત્રણ કલાક લાગવાની હતી એટલે રાતની ઊંઘ પૂરી કરવા બધા સૂઈ ગયા.છેવટે 8.15 એ જોધપુરના સ્ટેશન પર પહોંચ્યા. ત્યાંથી સવારનો નાસ્તો કરવા જોધપુરની બજારમાં નીકળી પડ્યા. ત્યાં અમે રાજસ્થાનની ફેમસ કચોરીનો નાસ્તો કર્યો. ત્યાર પછી અમે નજીક જ 'બાઈજી કા તાલાબ' જોવા ગયા. સવારનો સમય હતો. મસ્ત પાણી સાથે ચકલાના કિલ્લકિલાટ સાથે તળાવ ખીલી ઊઠેલું હતું. ત્યાં થોડીવાર બેસ્યા અને થોડા ઘણા ફોટો પાડ્યા. ત્યાંથી નીકળીને રિક્ષા પકડીને અમે 'મેહરાનગઢ કિલ્લા' એ ગયા. અમારી સાથે સાથે વિદેશના ભૂરિયાઓ પણ મુલાકાતે આવ્યા હતા. મેહરાનગઢ કિલ્લો શહેરથી ૪૦૦ ફૂટ (૧૨૨ મી) ની ઊંચાઈ પર આવેલ છે, અને તેની ફરતે જાડી દિવાલ આવેલી છે. આની સીમાની ભીત્ર ઘણાં મહેલ આવેલાં છે,જેઓ તેમની શાનદાર મહીમ કોતરણી અને સુંદર પ્રાંગણ જાણીતા છે. એક વાંકડીયો માર્ગ નીચેના શહેર અને કિલ્લાને જોડે છે. આ કિલ્લાના બીજા દરવાજા પર જયપુરની સેના દ્વારા દાગાયેલ તોપગોળાની છાપ અને પણે જોઈ શકાય છે. આ કિલ્લાની ડાબી તરફ કિરાત સિંહ સોઢાની છત્રી છે જે આ કિલ્લાનું રક્ષણ કરતાં આ જ સ્થળે વીરગતિ પામ્યાં હતાં. આ કિલ્લાને સાત દરવાજા છે, જેમાંના એકનું નામ જયપોળ છે, આને મહારાજા માનસિંહે જયપુર અને બિકાનેર સૈન્ય પરના વિજયની યાદગીરીમાં બનાવડાવ્યો. મોગલોને હરાવવાની યાદમાં મહારાજા અજીત સિંહે ફતેહપોળ નામનો દ્વાર બંધાવ્યો. અહીંના ચાંદીના વરખ અને કંકુના રંગે રંગાયેલી હથેળીની છાપ આજે પણ શ્રદ્ધાળુઓને આકર્ષે છે.આ સંગ્રહાલયનો પાલખી વિભાગ ખૂબ રોચક છે. આમાં આશ્ચર્ય પમાડે તેવી પાલખીઓ છે. ૧૭૩૦માં થયેલ ગુજરાત ગવર્નર સાથે થયેલ યુદ્ધમાં જીતી લવાયેલ સોને મઢેલ ઘુમ્મટવાળો મહાડોલ ખૂબ આકર્ષક છે.
આ ઉપરાંત મોતી મહેલ,શીશ મહેલ, ફૂલમહેલ, અંબાડી,દૌલત ખાના સંગ્રહાલયના ખજાનો,શસ્ત્રાગાર,પાઘડીઓનું સંગ્રહાલય,ચિત્રો, લોક સંગીત વાદ્યો, જે તે સમયે વપરાતા જુદા જુદા હથિયારો જેવા કે ભાલા,જુદી જુદી તલવારો, બખતર, ઢાલ,હાથ બનાવટના વસ્ત્રો, જે તે વખતના તાળા અને ચાવી, તોપ, અન્ય કારીગરી કિલ્લાની શોભા વધારે છે.કિલ્લાના ટોપ વ્યું પરથી અમે આખા શહેરનું નયનરમ્ય દ્રશ્ય જોયું. ક્યાંક ક્યાંક વળી ઘરોની બ્લુ દિવાલો દેખાય આવતી હતી. જેના પરથી જોધપુરને બ્લુ સીટી કહેવામાં આવે છે.ત્યાંથી ચામુંડા માતાજીના મંદિરે દર્શન કરવા ગયા. આ કિલ્લા પરથી સનસેટ સરસ જોવા મળે છે પરંતુ સાંજ સુધી રોકાવું પડે તેમ હતું.
આ બધું જોઈને લગભગ 1 વાગ્યો હતો અને ભૂખ પણ લાગી હતી. બધાને કોઈ સારી એવી જમવા માટેની જગ્યા શોધવાનું કહેવામાં આવ્યું. પછી ત્યાંથી ચાલતા ચાલતા અમે જોધપુરની ફેમસ નાસ્તા હાઉસ અરોડા ચાટ ભંડારમાં પહોંચી ગયા. ત્યાંથી જમીને અમે નજીકના ગાર્ડનમાં ગયા. બસ હવે બધું ફરી લીધા હતા. પરત જવાની ટ્રેન 9 વાગ્યાની હતી તેથી સાંજ સુધી અહીં જ ટાઇમપાસ કરવાનો હતો. સાંજ થવામાં હજુ ટાઈમ હતો અને સમય જતો નહોતો.ત્યાં વળી રોહિત,સમીર અને માધેશે ફરી કિલ્લા પર જઈને સનસેટ જોવા જવાનું ઉચ્ચાર્યું. પણ ત્યાં ફરી જવાની તાકાત નહોતી તેથી બીજા કોઈની બહુમતી મળી નહિ અને છેવટે એ મોફૂક રાખ્યું. કદાચ સનસેટ ના જોયાનો અફસોસ તેમને રહેશે. લગભગ 5 વાગ્યા સુધી આ રીતે એકબીજાની મસ્તી કરી અને પછી ધીમે ધીમે ત્યાંથી ચાલતા થયા.ત્યાંની બજારોમાં રખડ્યા અને 7 વગાડ્યા. પછી સારી એવી હોટેલ શોધી અને જમવા ગયા. રાજસ્થાન આવ્યા હોય અને દાલબાટી ના ખાઈએ એવું બને? ત્યાંથી જમીને પછી અમે સ્ટેશન પર ગયા અને ટીકીટ લઈ પ્લેટફોર્મ પર ગયા. એક કલાકની રાહ જોયા પછી 9.10 એ ટ્રેન આવી. બધાં ડબ્બા ભીડથી ફૂલ જ હતા. છતાં અમે તો અમારા નિયમ મુજબ જગ્યા તો કરી જ લીધી. થાકીને સાવ અમે સૂઈ ગયા અને છેવટે 4.20 વાગ્યે અમે મહેસાણા સ્ટેશન પર ઉતર્યા.ત્યાંથી અમે સિધ્ધપુર આવ્યા અને લગભગ 6 વાગ્યે હોસ્ટેલ પહોંચી ગયા. આવીને તરત જ બેડ પર ઢળી ગયા કેમકે 9 વાગ્યે તો ફરી શેડયુલ મુજબ કોલેજ જવાનું હતું ને!
- હાર્દિક ડાંગોદરા 'હાર્દ'