STORYMIRROR

Hardik Dangodara 'Hard'

Children Stories Others Children

4  

Hardik Dangodara 'Hard'

Children Stories Others Children

વરસાદ અને બાળપણ

વરસાદ અને બાળપણ

3 mins
234

બાળકો માટે વરસાદ એટલે રમવા માટેનું એક મોકળું મેદાન જ બની જાય. ના તો કોઈ ટેન્શન ના તો કોઈ જવાબદારી અને એમાં પણ જો ફળિયામાંથી પેલું ઝરણું નીકળે એટલે બાળકો તો ગાંડા જ બની જાય. નાના હતા ત્યારે એ છબછબિયાં, આહા કેમેય કરીને વિસરાતું જ નથી. અને પેલી કાગળની બનાવેલ હોડીને તે ઝરણામાં વહાવીને મળતો આનંદ જ કંઈક અનેરો હતો. અને એ પાણીથી ભરેલા ખાબોચિયામાં પેલા નાના નાના પથ્થરો નાંખીને બનતા વમળને એક. . . બે. . . ત્રણ. . . એમ ગણીને જોવાની મજા જ કંઈક અલગ હતી. અને હા,ક્યારેક તો એ ભીની થયેલ માટી એટલે કે ગારામાં લપસી પડ્યા એટલે આવી જ બને. કેટલીય વાર ગોઠણ છોલાય જાય અને ઉપરથી ઘરે મમ્મી ખીજાય એ તો અલગ જ. એક તો ચોમાસુ હોય એટલે કપડાં સૂકાય પણ નહીં એટલે વધુ ખીજાય. પણ એના ખીજાવામાં પણ મીઠાશ હતી, હૂંફ હતી. બહારથી ભલે ખીજાય પણ અંદરથી તો પેટ બળતું જ હોય ને !

 અને હા, ક્યારેક એવું પણ બનતું શાળાએ જવાના સમયે આકાશ સાવ ચોખ્ખું હોય પણ જેવા શાળાએ પહોંચીએ ત્યારે જ ચાલુ થઈ જાય. આવી રીતે બિચારા ભોળા બાળકોને લચ્ચો વરસાદ પજવતો. તે વખતે એવી ગાળો આપવાનું મન થાય. પણ આખરે તો એ નિખાલસ બાળક જ છે ને ! એને તો માત્ર મોજથી જ લેવા દેવા હોય. પણ ક્યારેક આ જ વરસાદ અમારા માટે આશીર્વાદરૂપ સાબિત થતો. થાય એવું કે નદી ગામની વચ્ચેથી નીકળતી હોય એટલે બિચારા સાહેબોને એનું ટેન્શન હોય કે બિચારા બાળ ભૂલકાઓ નદીમાં તણાય જશે તો ! એમ સમજીને શાળાએથી બહુ વરસાદ પડે તો વહેલા રજા આપી દે. એટલે છોકરાઓ તો રાજી રાજી થઈ જતાં. અને પેલા દફતરમાં (આજનું તમારું બેગ) રહેલા ચોપડાઓ ના પલળે એટલે સાહેબ એવું કહેતા કે દફતર પણ રૂમમાં મૂકીને જજો. એટલે છોકરાઓને તો ઓર મજા પડી જાય. એના લીધે એક તો કાલના લેશનનું કોઈ જ ટેન્શન નહી. અને હા, ગામડાઓમાં તો રસ્તા પણ સાવ ધૂળિયા હોય એટલે આખો રસ્તો લપસણો હોય. પણ એમાં પણ છોકરાઓ દોડતા દોડતા,લપસતાં લપસતાં ખુશીના માર્યા જતા હોય છે. અને બીજા દિવસે પણ જો કદાચ વરસાદ ચાલુ હોય તો તો રજા પાક્કી જ એટલે ખુશી કાઈ સમાય જ નહી. અને પેલી પ્લાસ્ટિકની થેલીની મમ્મી એ બનાવી દીધેલ કુચલી, તમારી છત્રી પણ ટૂંકી પડે. એ જ અમારી છત્રી અને એજ અમારો રેઈનકોટ. એનાથી એક સાથે બે કામ થતાં, એક તો આપણું શરીર ના પલળે અને બીજું એ કે એનાથી અમારું દફતર પણ ન પલળે. ખરેખર તો તે વખતે છત્રી ન આપવાના પણ કારણ હતા. એક તો એ કે પરિવારમાં સભ્યો ઘણાં બધાં હોય અને તેના બદલામાં છત્રી એક અથવા તો બે જ હોય ! અને બીજું કારણ એ કે ત્યારે આપણી ઉંમર પણ નાની હોય એટલે ઘરનાને એ ડર હોય કે કદાચ કોઈ ચોરી જશે તો અથવા તો કાગડો થઈ જશે તો.

અને હા, એ વરસાદમાં મમ્મી પાસે રડી રડીને અડધા થઈ જતાં ત્યારે માંડ માંડ મમ્મી પિગળતી ત્યારે જ ભજીયા બને. ક્યારેક તો પપ્પા દ્વારા માર પણ ખાવો પડતો. પણ એ મજા જ કંઈક અલગ હતી. પણ જે કહો એ વરસાદ અને બાળપણનો નાતો ખુબજ ગાઢ, કોઈ છીનવી ના શકે આ મોજ. અને આજે મોટા થઈ ગયા તો પાણીમાં પલળવાનું જ મન નથી થતું. સાચેજ યાર એ વરસાદ સાથેનું બાળપણ બહુ જ યાદ આવે છે કાશ એ પાછું મળી જાય. જેટલું યાદ કરીએ એટલું ઓછું પડે, જેટલું લખીએ એટલું ઓછું પડે !


Rate this content
Log in