ટીમ કલ્ચર
ટીમ કલ્ચર


ઓહ ! પાછું આજે ઉઠતાં મોડું થઇ ગયું. અંશ તો હજી આરામથી સૂતો હતો. પણ સાસુ-સસરા ચાની રાહ જોતા બેઠા હશે. સાસુમાનો તોબરો ન ચડયો હોય તો સારું. જલ્દી -જલ્દી બ્રશ કરતાં મિશા એ વિચાર્યું.....ચા-નાસ્તો રેડી થયાં ત્યાં જ અંશ ઉઠીને બહાર આવ્યો ને બોલ્યો " મિશા, જલ્દી બ્રેકફાસ્ટ આપી દે.આજે તો જલ્દી લોગ ઇન કરી દેવું છે.ખૂબ કામ છે-મન્થ એન્ડ છે ને? " " શીટ્...મન્થનો છેલ્લો દિવસ છે ? હું તો ભૂલી જ ગયેલી. મારે તો ઘણું સબમીશન બાકી છે....જલ્દી ઘરકામ પતાવવું પડશે" આટલું બોલતાં જ મિશા જબરા ટેન્શનમાં આવી ગઇ. બધાને નાસ્તો પીરસી એણે ફ્રીજમાંથી શાક કાઢ્યું ને ફ્લાવર કાઢી ચોપીંગ શરુ કર્યુ ત્યાં સાસુમા બોલ્યા. "શાક ઝીણું સમારજે-અમે તો ઠીક ભાઈ, અંશ ને જ નહીં ભાવે". પણ મિશાનું ધ્યાન અહીં ક્યાં હતું એ તો ગણતરીમાં પડેલું.......આ શાક કાપી-કૂકર મૂકું...પછી માટલું ગાળી ,દૂધ ગરમ કરી નાહી લઉં ત્યાં બધાના કપડાં નીકળી ગયા હોય તો મશીનમાં નાંખી, લોટ બાંધી રોટલી કરું. વચમાં પાછી મીડ મોર્નીંગ ટી બધાને જોશે....માય ગોડ આ બધું કરતાં બે કલાક પાકાં. પછી હું મારું ઓફિસનું કામ ઓનલાઈન જઇ શરુ કરીશ ! ત્યાં પણ મન્થ એન્ડ ...આજે તો સબમીશન કરતાં રાતના મોડું જ થઇ જશે ! ત્યાં એને યાદ આવ્યું ઝાડુ-પોતાં નું કામ તો એણે ગણતરીમાં જ નથી લીધું!! શું કરું? ત્યાં એની નજર નાસ્તો કરી ઉઠતાં અંશ પર પડી એ બોલી" અંશ, આજે ઝાડુ-પોતાં નું કામ તું કરી દે ને?" ઓકે... કહેતાં અંશે ઝાડુ હાથમાં લીધું ત્યાં જ સાસુમા તાડૂક્યાં..." અરે પુરુષ માણસના હાથમાં ઝાડુ ન શોભે!! તું રહેવા દે...એ તો હું ધીમે-ધીમે કરીશ" અંશ ઝાડુ ફેંકતો ને રુમમાં ઘૂસ્યો ને લેપટોપ ખોલી ઓનલાઈન થઇ ગયો.
સંધિવા વાળા પગે સાસુ ઉઠે એ પહેલાં જ ઝાડૂ-પોતાના કામથી જ ઢગલો એક કામની શરુઆત કરતાં મિશા મનમાં ને મનમાં આ "કોરોના" ને એને કારણે આવી પડેલા લોકડાઉન ને કોસતી હતી. ઓફિસીસ, બધા જ મોડ ઓફ ટ્રાન્સપોર્ટ બંધ છે -બહાર નીકળવાની ના છે એ તો ઠીક ....પણ આ કામવાળી બાઈ, રસોઇ વાળી બાઇ બધા ને તો રજા આપવી પડી છે ને પોતાને તો એમનું કામ કરતાં -કરતાં - ઓનલાઈન જઇ ઓફિસનું કામ પણ કરવું જ પડે છે...આ બધું કરવું તો પડે... પણ કોઇના સાથ વગર...આમ સાવ એકલા ખેંચાવાનુ ? નો...નોટ ડન...આજે દોઢ મહીનાથી આજ પરિસ્થિતિ છે હજી કેટલો ટાઇમ આવો જ નીકળશે ખબર નથી....કંઇક તો કરવું પડે !
અંશ ને મિશા બંને એમબીએ થયેલા. એક જ કોર્પોરેટ કંપનીમાં પણ જૂદા ડિપાર્ટમેન્ટમાં કામ કરતા. કંપનીની ઇવેન્ટસ-કોન્ફરન્સમાં મળતાં તે પ્રેમમાં પડી પરણી ગયાં. બંને ખાસ્સું કમાતા તે ઘરમાં બાઇઓ-રસોયણ રાખી - બધું સરળતાથી ચાલતું. ભારે શરીરે સાસુ તો બેઠાડુ જ થઇ ગયેલા પણ આ બાઇઓ ને કારણે ઘર
વ્યવસ્થિત ચાલતું....
અંશ-મિશાની ઓફિસમાં જોબ કરતી છોકરીઓ અને મેલ ક્લીગ્સની પત્નીઓએ મળીને એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું. મિશાએ પોતાની પરિસ્થિતિ ત્યાં વર્ણવી તો લગભગ બધી જ છોકરીઓનો સમાન અનુભવ....ઘરકામથી ઓવર-બર્ડન.....વહુની -સ્ત્રીની આ પરિસ્થિતિ માટે આપણા પુરુષ પ્રધાન સમાજનો ઉછેર -છોકરાઓના મગજમાં ઠસાવવામાં આવતાં સુપિરિયર સેક્સનાં ખ્યાલ ને ઇગો જ જવાબદાર છે ..એમ સૌનો મત હતો..પણ આ કેમ બદલવું એટલીસ્ટ આ કપરા સમયમાં આપણને કંઇક રાહત મળે??!!....
મિશાને થયું અત્યારે ચારેબાજુ બધું જ બદલાઈ રહ્યું છે. આ પુરુષોએ પણ બદલાવું જ જોઈએ....સારા ભવિષ્ય માટે....એને પોતાનો મેનેજમેન્ટનો પાઠ યાદ આવ્યો કે......
'તમે ક્યાં છો ને તમારે ક્યાં પહોંચવું છે એ નક્કી કરો .... એક ટીમ કલ્ચર વિકસીત કરી..સૌનો સાથ લેશો તો ત્યાં જલ્દી પહોંચી જશો' યસ....ઘરકામમાં પણ ટીમ કલ્ચર જ હોવું જોઈએ...આ વાત આ બધા કોરપોરેટ એમ્પ્લોઈઝનાં દિમાગમાં નાંખવી કેવી રીતે?
એને મેનેજમેન્ટ નો બીજો મંત્ર યાદ આવ્યો..
કામની જગ્યાએ ઉદભવતા સામાન્ય પ્રશ્નો માટે કોઇ ક્રિએટિવ ટેક્ સોલ્યુશન શોધો.....
યસ...હું પણ મેનેજમેન્ટ ગુરુ જ છું..એમની ભાષામાં જ એમને સમજાવીશ. વિચારતાં એણે પોતાની એચ આર ને અને લાઇફમેનેજમેન્ટના --હાલનાં સંજોગોમાં ઓનલાઈન ક્લાસ લેતી સખીને ફોન કર્યો.
પછીના અઠવાડિયે એમની કંપનીની ઓનલાઈન ઇવેન્ટ યોજાઈ.. ઓનલાઈન તો ઓનલાઈન કોઇ ઇવેન્ટ માં ભાગ લઇ ચેન્જ મળશે વિચારી બધાએ પોતપોતાના સ્પાઉઝ સાથે ઇવેન્ટ એટેન્ડ કરી.. લાઇફમેનેજમેન્ટની વર્કશોપ માં રમતો રમાડતાં -હસતાં -હસાવતા-દાખલા આપી-પ્રશ્નો નું સમાધાન આપતા લાઇફ કોચે સર્વ પુરુષોનાં દિમાગમાં ઉતારી દીધું કે હાલના સંજોગોમાં તમારું ઘર જ તમારી વર્ક પ્લેસ છે--કદાચ લાંબો સમય આમ જ જશે એટલે હકારાત્મક બનો--અને મેનેજમેન્ટનાં નિયમો તમારા ઘરમાં લાગુ કરો જેવા કે....
બધા સાથે મળી સ્વાસ્થ્ય -સુરક્ષા-ઘરની વ્યવસ્થા જેવા કોમન લક્ષ તરફ આગળ વધો. તમે નક્કી કરશો એવું તમારું કલ્ચર -વાતાવરણ બનશે અને ઓફિસની જેમ જ, ઓનલાઈન કામ કરતા પણ ટીમ વર્ક કરશો -પછી એ કોર્પોરેટ કામ હોય કે ઘરનું કામ હોય ...આ ટીમ વર્ક જ તમારી પ્રોડક્ટીવીટી-સમૃધ્ધિ ને શાંતિ નું કલ્ચર -વાતાવરણ ઊભું કરશે......
બીજે દિવસે મિશા ઉઠી ત્યારે......અંશ કિચનમાં ચા બનાવી બધાનાં કપ ભરતાં ભરતાં.....સામે ટેબલ પર બેસી કંઈક બબડી રહેલાં સાસુને હસતાં -હસતાં કહી રહ્યો હતો "મમ્મી !! કંપની કલ્ચરની જેમ ઘરનું પણ એક કલ્ચર હોય... ને એમાં ટીમ-વર્ક સિવાય તો ચાલે જ નહીં........"
દરવાજે ઊભેલી મિશાએ પોતે રમેલી સફળ કોર્પોરેટ ગેમ માટે પોતાને જ અભિનંદન આપી દીધાં...!