તથાસ્તુ
તથાસ્તુ
આ લાંબુ-લાંબુ અંધારીયું બોગદું જાણે પૂરું જ નહોતું થતું. જાણે અંતહીન હતું. અંદરની શાંતિ અને ઠંડક જીવને પહેલાં ક્યારેય ન અનુભવી હોય એવી ટાઢક પહોંચાડતા હતાં. આમતો બંને સડસડાટ સરકતાં હતાં અને શાતામાં હતાં પણ જીવ-1 ને રહી રહીને અફસોસ થતો હતો ' અરે ! બધું રળેલું...આખી જિંદગી સખત કામ-કાવાદાવા અને કંજૂસાઈથી જમા કરેલી પૂંજી તો પાછળ જ રહી ગઈ ' જ્યારે જીવ-2 તો મસ્ત મૌલા ની જેમ આનંદમાં હતો ' અરે ! જીવનભર રળેલું મોટાભાગનું તો મારી સાથે જ છે ! મને આ અજાણ્યા પ્રવાસમાં એ આનંદ આપી રહ્યું છે...'
યમદૂતના પાડાની પાછળ ખેંચાતા જતાં બંનેએ અચાનક યમદૂત જ કરી શકે એવું અટહાસ્ય સાંભળ્યું..." હા...હા...હા...જય હો પ્રભુ ચિત્રગુપ્તનો "
ત્યાં તો સામે એક તેજપુંજમાંથી જાણે પડઘાં પડ્યા..." જય હો ! પણ આ બબ્બે જીવને કેમ ઉપાડી લાવ્યા ? સ્વર્ગમાં તો અત્યારે એક જ એન્ટ્રી મળે એમ છે, એકને તો પાછો જીવલોકના ચક્કરમાં જ નાંખવો પડશે."
"પ્રભુ બંનેનો સમય ભરાય ગયેલો તે મારે બંનેને ઉપાડવા પડ્યાં. પણ તમે તમારો ચોપડો ખોલીને બંનેનો હિસાબ -કિતાબ જોઈ નક્કી કરીલોને કે કોને સ્વર્ગમાં રાખી મોક્ષ આપવો."યમદૂતના આ શબ્દો સાંભળતા જ જીવ- 1 ને તો આનંદ-આનંદ થઈ ગયો.' હાશ ! મારા હિસાબેતો મારા ચોપડે -મારી પાસબુકમાં તો લાખો જમા છે. આખી જિંદગી કમાઈને પાઈ પાઈ કરી બનાવેલું સોનું -ચાદી -મિલ્કતતો અલગ....આટલી અધધધ..કમાઈ કરી તે આપણી તો સ્વર્ગની એન્ટ્રી ફીક્સ...."એણે તો સ્વર્ગના દરવાજા તરફ લગભગ ચાલવા જ માંડ્યું.
ત્યાં તો ચિત્રગુપ્તનો અવાજ પાછો પડઘાયો..." જીવ-1, થોભ.....તારો ચોપડો તો ખાલીખમ્મ છે...તેં ભેગું કરેલું ધન તો નકામનું બની પૃથ્વીલોકમાંજ રહી ગયું.....જ્યારે આ જીવ-2 એ તો ખૂબ બધો આનંદ-અનુભવ-રોમાંચ-જ્ઞાન -કુદરત સાથે એકાકાર અને જુદા જુદા મનુષ્યો સાથે દોસ્તી -પ્યારની લાગણીથી પોતાને ભરી દીધો છે. આ બધું મેળવવા એ જંગલ-પહાડ-રણ-સમુદ્ર-નદી-નાળા -અને અનેક લોકોનાં દિલ ખૂંદી વળ્યો છે. આ અંદરથી સભર જીવ જ સ્વર્ગની મજા લઈ શકે. નિર્વાણને પામી શકે. જીવ- 2 નું સ્વર્ગીય સફરમાં સ્વાગત હો.....! "
જીવ-1 કંઈક બોલવા મોઢું ખોલે ત્યાંતો દેવાધિદેવ બ્રહમાજીનો નાદ સંભળાયો " તથાસ્તુ...."
