ટાઈમ ટુ બી એ ફાધર
ટાઈમ ટુ બી એ ફાધર
એના સવારથી આમજ આરામખુરશી ઉપર શૂન્યમનસ્ક પડી હતી. દરરોજ ખુબજ સ્ફૂર્તિમાં બધા કાર્યોમાં વ્યસ્ત રહેનારી એનાના શરીરમાં સ્ફૂર્તિનું નામોનિશાન ન હતું . જાણે એક આત્મા વિનાનું શરીર. એનાનું તો જાણે વિશ્વ જ સમાપ્ત થઇ ગયું હતું.
સવારે ડોકટરે આપેલો રિપોર્ટ સામેના ટેબલ ઉપર પડ્યો હતો. રિપોર્ટ નોર્મલ ન હતો. એ એબ્નોર્મલ રિપોર્ટએ એનાનું આખું જીવન અસ્તવ્યસ્ત કરી મૂક્યું હતું. રિપોર્ટની પડખે ગોઠવાયેલી આલ્બર્ટ જોડેની એનાની તસ્વીર સુખી દામ્પત્ય જીવનની ચાડી ખાઈ રહી હતી. પણ હવે આ રિપોર્ટ આવ્યા પછી શું એ લગ્નજીવન એટલુંજ સુખી બની રહેશે? એનાના હય્યામાં સવારથીજ એજ પડઘા ઝીલાઈ રહ્યા હતા. આલ્બર્ટ એને ખુબ ચાહતો હતો. પણ એ જાણતી હતી કે આલ્બર્ટને બાળકો કેટલા પ્રિય હતા!
ડોકટરે કેટલી નિર્દય રીતે જણાવી દીધું.
"સોરી મિસ્ટર એન્ડ મિસિસ આલ્બર્ટ. આ રિપોર્ટ કહે છે યુ કેન નોટ હેવ અ ચાઈલ્ડ."
ઘરે પરત થતા આલ્બર્ટ ખુબજ સામાન્ય દેખાઈ રહ્યો હતો. એ પોતાનું દુઃખ છુપાવી રહ્યો હતો કે પછી.....
એનાના તો આંસુ રોકાઈ જ રહ્યા ન હતા. આલ્બર્ટ એનાને ઘરે છોડી બહાર નીકળી ગયો હતો. કેટલો સમય નીકળી ગયો? એ આમ ક્યાં જતો રહ્યો? કદી પિતા ન બની શકવાની વેદના કેવી અસહ્ય હશે? જેને બાળકો એટલા પ્રિય હોય એને કદી કોઈ 'ફાધર' કહેનાર ન હશે.
એનાનું હૃદય વિચારોના ભાર જોડે ડૂબી રહ્યું હતું. અચાનક ડોરબેલ વાગી. આલ્બર્ટ હશે એ વિચારે એનાએ આરામખુરશી છોડી. બારણું ખોલતાંજ એની સૂઝેલી આંખો આલ્બર્ટ ઉપર અચંભાથી જડાઈ ગઈ. આલ્બર્ટ હાસ્યસભર ચહેરે બારણે ઉભો હતો. એના હાથમાં એક મોટી થેલી હતી. જે ભાતભાતના રમકડાંઓથી ભરેલી હતી. એણે એનાના હાથમાં કંઈક આપ્યું ને થેલો લઇ ઉત્સાહ જોડે અંદરના ઓરડામાં જતો રહ્યો. આલ્બર્ટના શબ્દો એના જેવાજ ઉતાવળિયા હતા.
"કમોન એના. લેટ્સ ગેટ રેડી. હરિઅપ્પ! ઇટ્સ ટાઈમ ટુ બી એ ફાધર..."
એના ફાંટી આંખે અંદરના ઓરડામાં જઈ રહેલ આલ્બર્ટને તાકી રહી. એ ફરીથી આરામખુરશી ઉપર પછડાઈ પડી. હાથમાંનું ગાઉન વિસ્મયથી જોતા એના હય્યાના ધબકારા ચરમસીમાએ પહોંચ્યા. ડોક્ટરની માહિતીથી આલ્બર્ટને ઘેરો ધક્કો લાગ્યો હતો. એની અસર એના મગજને......
ઘભરાટ એનાના ચહેરાને પરસેવે ભીંજવી રહ્યો. એ આગળ કઈ કરે એ પહેલાજ આલ્બર્ટ તૈયાર થઇ બહાર નીકળ્યો. એનો રમકડાંનો થેલો એના ખભે વીંટળાયેલો હતો.
"હજુ તું તૈયાર ન થઇ? વી આર ગેટીંગ લેટ, એના ."
આલ્બર્ટનું કોશ્ચ્યુમ નિહાળી એનાના ચહેરા ઉપર રાહતભર્યું સ્મિત વેરાઈ ગયું. એ ઝડપથી ઉઠી તૈયાર થઇ ગઈ. થોડા સમય પછી શહેરની એક સંસ્થામાં અસંખ્ય બાળકો બુમાબુમ કરી રહ્યા હતા.
" ફાધર... ફાધર... ફાધર..."
ફાધર ક્રિસમસ એ બધાના હાથમાં એક પછી એક રમકડું પકડાવી રહ્યા હતા. એનાની નજર ગર્વથી એ 'ફાધર' ને નિહાળી રહી હતી.
