ત્રેવડનો ત્રીજો ભાઈ
ત્રેવડનો ત્રીજો ભાઈ


અરે! આ વધેલી ખીચડી ફેંકવા કેમ મૂકી? લાવો હું મુઠીયા કરી દઉં. કે પછી લે આ સાડલો તો આખો જ છે એમ વાસણવાળી ને ન અપાય.. આવા સાડલા ભેગા કરી મજાની ગોદડી થઈ જાય..મારા સાસુમાની આવી વાત સાંભળી મનમાં તો મને હસવું જ આવતું કે વાટકી ખીચડી કે જૂની સાડી માટે આ તે કેવી કટકટ. મારી મા પણ કેરીના ગોટલા ધોઈ ફજેતો બનાવે,દાળની બચત કરવા. થાળીમાં પીરસેલું છાંડવાનું નહીં. એ કહેતી "કરકસર ત્રેવડનો ત્રીજો ભાઈ છે" મને લાગતું આગલી પેઢીએ ઓછી આવક જોઈ છે એટલે આવા વિચારો છે.
પછી હજી એક પેઢી બદલાઈ..એ પેઢીનો તો એક જ મંત્ર..એક જ લાઈફ છે,મોજ કરો. અઠવાડિયા માં બે ત્રણ ડીનર નાઈટ્સ મિત્રો સાથે જે અચાનક ગોઠવાઈ હોય એટલે મમ્મીની વધેલી રસોઈ પડી રહે..ઘરે ન ભાવે એવું બન્યું છે..ઓકે...સ્વીગી, ઝોમેટો બીજું પીરસવા હાજર જ છે...ઘરની રસોઈ બગડશે? હુ કેર્સ?
કદાચ સાસુ ને મા ની દાબમાં મોટી થયેલ મમ્મીઓ ને પણ હજુ હમણાં સુધી વાંધો ન હોતો..જ્યાં સુધી કોરોનાએ સંપૂર્ણ પરિસ્થિતિ જ બદલી નાખી.
આજે બધાના રસોડામાં સિમિત વસ્તુઓ છે. દુકાનમાં પણ જે જોઈએ એ મળશે જ એની ખાત્રી નથી. લોકડાઉનમાં બહાર જવું નથી. થોડી હોમડીલીવરી ચાલુ છે ત્યાં ઓર્ડર કરતાં ડર લાગે. કોરોના પણ ડીલીવર થઈ જાય તો....
પરિણામે હું પણ ખીચડી ના મૂઠીયા ને કેળાની છાલનું શાક કરતી થઈ ગઈ. ઘરે ઘરે 'મા કે હાથ કી દાલ' ની મહત્તા વધી ગઈ કારણ હોટલ બંધ છે. અમે તો ઠંડુ ખાવાનું ઘણુંબધું હોય તો પણ ફેંકી જ દઈએ માં રાચનારા ફ્રીજમાં રાખી વાપરતાં થઈ ગયાં કારણ એ વસ્તુ જાત મહેનતની છે બાઈ કે મહારાજની બનાવેલ નહીં.
આ કટોકટીની આર્થિક અસર પણ લાંબી રહેવાની. આ કરકસર ચાલુ રાખવી જરૂરી છે..આપણી ત્રેવડ વધારી --કરકસર એ ત્રેવડનો ત્રીજો ભાઈ છે- એ સમજવા.