તમારી પાસે છે તેની કદર કરો
તમારી પાસે છે તેની કદર કરો
તમારી પાસે જે છે તેની કદર કરતાં શીખો. આ જગતમાં બધાને બધું જ નથી મળી જતું. ...પણ તમારી પાસે જે છે તેની કદર કરતાં શીખો. માણસ જાતનો સ્વભાવ જ થોડો ઉલટો છે. પોતાની પાસે જે છે તેની ખુશી નહીં મનાવે પણ જે નથી તેનો અફસોસમાં જીવનભર રોદણાં રડશે.
મારી જ એક મિત્ર છે. દેખાવે બહુ જ રૂપાળી, લેખન ક્ષેત્રે પણ તેનું નામ છે, પૈસે ટકે પણ સુખી છે. પણ જયારે હોય ત્યારે તે બસ એક જ અફસોસ કરતી હોય. " કાશ મારી હાઈટ પણ સુસ્મિતા સેન જેટલી હોત..."
કોઈની પાસે રૂપ છે તો કોઈની પાસે પૈસો છે, કોઈ બિઝનેસમાં આગળ પડતો છે. જો બધાને બધુ મળી જાય તો આ માણસજાત ઈશ્વરને ભૂલી અભિમાની બની જાય. માટે તમારી પાસે જે ખુબી છે તેમાં આગળ વધો. સચિન તેંડુલકર બેટથી છક્કા મારી શકે પણ સારૂ ગાઈ ન શકે. અમિતાભ બચ્ચન સારો અભિનય કરી શકે પણ સચિનની જેમ છક્કા ન મારી શકે. તો કહેવાનો મતલબ એ છે કે તમારામાં જે છે તેમા આગળ વધો, નહીં કે તમારી નબળાઈને કોસતા રહો. તમારા બાળકોને પણ જે વિષયમાં રસ, રૂચિ હોય તેમા આગળ વધવા દો. કોઈ બાળકને આર્ટસમાં રસ હોય તો સમાજમાં સ્ટેટ્સ બનાવવાં મા બાપ જો ડોક્ટર બનાવવાં પ્રેશર કરશે તો તે ક્યારેય ખુશ નહી રહીં શકે. આમ, તમારામાં જે છે તેનો સ્વીકાર કરો અને કમીઓને નજરઅંદાજ કરો.
