તકલીફ
તકલીફ


ઓફિસમાંથી સાંજે ઘરે પરત આવી રહેલા હેમંતને રસ્તામાં તેનો એક મિત્ર આકાશ મળી ગયો. બંને મિત્રોએ એકબીજાને તેમના ખબર અંતર પૂછ્યા.
હેમંતે હતાશાથી કહ્યું, “દોસ્ત, મારી માની તબિયત દિવસેને દિવસે કથળતી જ જાય છે.”
આકાશ બોલ્યો, “કેમ શું થયું કાવેરી માસીને ?”
હેમંતે કહ્યું, “બસ.. વધતી ઉંમરની તકલીફો... બીજું તો શું ? હવે આપણે પણ કામધંધા લઈને બેઠા છીએ. હવે, તું જ વિચાર કર આખો દિવસ ઓફિસમાં વેતરું કરીને આ મોડી સાંજે ઘરે પાછા ગયા બાદ બીમાર માતાની સેવાચાકરી કરવી કોણે ગમે ? મારી પત્ની ગાયત્રી તો દિવસરાત તેમની સેવાચાકરી કરીને થાકી ગઈ છે. જયારે તેણે મને કહ્યું કે થોડોક દિવસ આરામ કરવા માટે હું મારા પિયર જઉં છું ત્યારે મેં પણ એને રોકટોક કરી નહીં. આખરે તેની પણ કોઈ જીંદગી છે કે નહીં ? આજે ઓફિસમાંથી આવતા આવતા હોટેલમાંથી હું મારા માટે જમવાનું લઇ આવ્યો છું. રાતે એ શાંતિથી ખાઈશ.”
આકાશ બોલ્યો, “પછી માસી ?”
હેમંતે નફ્ફટાઈથી કહ્યું, “એ થોડી ભૂખ્યા રહેવાના છે, એતો એમની મેળે કશુક રાંધીને ખાઈ લેશે. આપણે જ કેટકેટલી ચિંતાઓ કરવાની ? શું કહે છે ?”
હેમંતના વિચાર આકાશને જરાયે ગમ્યા નહીં છતાંયે એ દોસ્તનું દિલ રાખવા હકારમાં માથું હલાવી આગળ નીકળી ગયો. હેમત પણ તેના ઘર તરફ રવાના થયો. હોટેલમાંથી લાવેલા સ્વાદિષ્ટ ભોજનના પેકેટને પોતાની માતા જોઈન લે એ બીકે હેમંતે ઘરમાં બિલ્લીપગે પ્રવેશ કર્યો. પરંતુ કાવેરીબેન તેમના દીકરાના પગરવને તરત ઓળખી ગયા ! ખાટલામાંથી ખાસતાં ખાસતાં તેઓએ ઉભા થઈને પૂછ્યું, “આવી ગયો બેટા !”
હેમંતે અકળાઈને કહ્યું, “હા...”
કાવેરીબેને વહાલથી પૂછ્યું, “બેટા, તને ભૂખ લાગી હશે નહીં ?”
હેમંતે વાતને ઉડાવવા કહ્યું, “ના.. મા આજે ભૂખ નથી.”
કાવેરીબેને લાકડીના સહારે પલંગ પરથી ઉભા થતાં થતાં કહ્યું, “અરે! આમ ભૂખ્યા પેટે કોઈ સુતું હશે ? ચાલ હું તારા માટે રસોઈ બનાવું છું.”
કાવેરીબેનની વાત સાંભળી હેમંતની આંખમાંથી અશ્રુ વહી રહ્યા. તેણે પૂછ્યું, “મા, તે જમી લીધું ?”
કાવેરીબેન બોલ્યા, “બેટા, મારૂ શું... આ ઉંમરે મને કેટલું ખાવા માટે જોઈએ ! સવારે તારા માટે નાસ્તો બનાવ્યો હતો ત્યારે એક રોટલી વધી હતી તે ખાઈ લીધી.”
હેમંતે ધુજતે હાથે હોટેલમાંથી લાવેલું ભોજનનું પેકેટ થેલીમાંથી કાઢીને કાવેરીબેનને દેખાડતા કહ્યું, “મા, હું હોટેલમાંથી જમવાનું લઇ આવ્યો છું. ચાલ આપણે સાથે મળીને એ ખાઈએ.”
કાવેરીબેન થોડા રોષમાં બોલ્યા, “અરે! હોઈ કાંઈ... આવા હોટેલના જમવાથી તો બીમાર પડી જવાય... ચાલ બેસ... હું તારા માટે ગરમ ગરમ રોટલી બનાવું છું.”
હેમંત બોલ્યો, “પણ.. મા... તું બીમાર છું ત્યારે આવી હાલતે ક્યાં રસોઈ બનાવવાની તકલીફ ઉઠાવે છે ?”
કાવેરીબેને ખાસતાં ખાસતાં કહ્યું, “મારા દીકરા માટે રસોઈ બનાવવામાં મને કેવી તકલીફ ? ઉલટાનું તું ભૂખ્યો રહીશ કે બહારનું એલફેલ ખાઈને માંદો પડીશ એ વિચારી મને તકલીફ થઇ રહી છે.”
હેમંત લજ્જિત નજરે તેના માટે ગરમાગરમ રસોઈ બનાવવા રસોડા તરફ જઈ રહેલી તેની બીમાર માને જોઈ રહ્યો.