તહેવારની સાચી મજા
તહેવારની સાચી મજા
હિના અને તેના ઘરના બધા સભ્યો આજે ખુશ દેખાય છે. તહેવારની રાહ અને તેની તૈયારીમાં સૌ મગ્ન છે. પરિવારના બધા સભ્યોને અલગ અલગ કામ સોંપવામાં આવ્યા.
દાદા - દાદીને ઘરના સૌ સભ્યોને કામ અંગે માર્ગદર્શન આપવાનું. તેમજ તહેવાર વિશે માહિતી આપવાની. હિના અને તેના પતિને બજારમાંથી જે કોઈ વસ્તુ જોઈએ તે ખરીદીને લાવવાની જવાબદારી સોંપવામાં આવી.
હિનાના બંને દીકરાને ઘર શણગારવાની જવાબદારી આપવામાં આવી. તેમજ હિનાની બે દીકરીઓને ઘરની સાફસફાઈની જવાબદારી આપવામાં આવી.
દરેક ખુશી ખુશી પોતાની કામગીરી સહર્ષ સ્વીકારી તૈયારીમાં લાગી ગયા. બધા આમ ખુશ હતા. છતાં કોણ જાણે કેમ એક ઉદાસીની ઝલક સૌના ચહેરા પર દેખાતી હતી.
કોઈ પોતાની ઉદાસી સામેવાળી વ્યક્તિને દેખાડવા નહોતું માગતું ,કે ન તો કોઈ આ વિષય પર વાત કરવા માંગતું. તહેવારની તૈયારી થતી હતી પણ ઉદાસ ચહેરાએ. ખુશીની જે ઝલક જોવા મળવી જોઈએ એ ન હતી.
આખરે તહેવારનો દિવસ આવી ગયો. બધા બપોર સમયે જમવા બેઠા હતા. ત્યારે નાના પુત્ર અશોકથી ચૂપ ન રહેવાયું તેણે ઉદાસી પાછળની વાત જાહેર કરી.
તેણે દાદા દાદી સાથે વાત કરી તમે કેમ મોટાભાઈ અને ભાભીને ઘરમાંથી બહાર રહેવા મોકલી આપ્યા. એનો વાંક શું હતો ? એટલો જ કે એમણે તેમને પસંદ હતી તે છોકરી સાથે લગ્ન કર્યા. તમારી પસંદ ન સ્વીકારી. તો એમાં શું ખોટું કર્યું ?
અત્યારે તમે જુઓ, મોટો તહેવાર છે, આપણે બધા સાથે છીએ છતાં ક્યાંક ને ક્યાંક બધાના ચહેરા પર ભાઈ ભાભી ન હોવાથી ખુશી નથી. તહેવારની મજા તો જ આવે જ્યારે બધા સાથે હોય અને ખુશ હોય. તમે પાછા બોલાવી લાવોને.
તે વાત પર બધા સહમત થયા. ભાઈ ભાભીને આદર સહિત ઘરમાં બોલાવી લાવ્યા. પછી તો ઘરની રોનક જ બદલાઈ ગઈ.
દીવાની ઝગમગ
રંગોની રમઝટ
મીઠાઈની ઝપાઝપ
ચહેરા પર હાસ્ય ફૂલઝરી
આ છે તહેવારની સાચી મજા.
