તેનું સપનું...
તેનું સપનું...
રાતના સવા બે વાગ્યા હતા, પણ કંચનની આંખોમાં ઊંઘનું નામોનિશાન નહતું. તેનું મન વ્યગ્ર હતું. આવતી કાલે તેની બોર્ડ એક્ઝામનું રિઝલ્ટ જાહેર થવાનું હતું. અંધારા રૂમમાં તે બેડમાં આડી પડી હતી. ગુડ નાઈટની બત્તીનું આછું નારંગી અજવાળું આખા રૂમમાં પથરાતું હતું. ખુલ્લી આંખે તે છત પર ફરતા પંખાને તાકી રહી હતી. તેનું મન કશાક વિચારમાં ખોવાયેલું હતું. પરિણામ કેવું આવશે એના ફફડાટ કરતાં તો તેણે મનમાં દબાવી રાખેલી એક વાત પપ્પાને કહેવાનો ડર તેની છાતીમાં સતત ઘૂંટાયે જતો હતો.
બેડમાં તે પડખા ઘસતી રહી પણ ઊંઘનું ઠેકાણું પડતું નહતું. તેણે બાજુમાં ટેબલ પર પડેલી ઘડિયાળ તરફ નજર કરી. અઢી વાગ્યા હતા. ઊંડો શ્વાસ ફેફસામાં ભરીને તે ધીમા અવાજે બબડી: “સાડા દસ વાગ્યે તો રિઝલ્ટ જાહેર થઈ જશે. રિઝલ્ટ તો જે આવવું હોય તે આવે, પણ પપ્પાને હું ગમે તે કરીને મનાઈ જ લઇશ. એ મારી વાતની બિલકુલ ના નહીં પાડે.” તેણે બંને હાથની આંગળીઓ એકબીજામાં પરોવીને આંખો મીંચી, “…પ્લીઝ ગોડ ! મારી પ્રાર્થના સ્વીકારી લેજો.”
બીજા દિવસે સવારે તે સાડા સાતે ઉઠી ગઈ. ફટાફટ તૈયાર થઈને કાગડોળે સાડા દસ થવાની રાહ દેખવા લાગી. પાડોશના ઘરે જઈને તેણે કોમ્પ્યુટરમાં બોર્ડની વેબસાઇટ ઓપન કરી. દસમાં ધોરણનું પરિણામ જાહેર થઇ ગયું હતું. એક્ઝામ નંબર ટાઈપ કરીને એન્ટર પ્રેસ કર્યું. સ્ક્રીન પર રિઝલ્ટનું વેબપેજ લોડ થયું. રિઝલ્ટ દેખીને તેના ચહેરા પર ખુશીના ભાવ ઉમટી પડ્યા. ૯૪.૭% દેખીને તેની આંખો ખુશીથી હસી પડી. ઉત્સાહિત ચહેરે દોડતી ઘરે જઈને તેણે ખુશખુશાલ સ્વરે રિઝલ્ટ જણાવ્યું. ખૂબ જ સરસ પરિણામ આવ્યાની ખુશાલી ઘરમાં બધાના ચહેરા પર વ્યાપી ગઈ. કંચને આડોશ-પાડોશમાં મીઠાઇ વહેંચી દરેકનું મોં ગળ્યું કરાવ્યું. અને બધાએ તેને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવી આર્શીવાદ આપ્યા. પણ કંચનના ચહેરા પર પેલી વાત પપ્પાને કહી દેવાનો ડર લીંપાઈ રહ્યો હતો.
કંચન ઘરે આવી. બપોરનું ભોજન જમી લઈ, તેણે એ વાત સોફામાં બેઠેલા પપ્પાને કહી દેવા હિંમત જૂટાવી. તેણે થોડાક ખચકાટભર્યા સ્વરે કહ્યું,
"પપ્પા, મારે મારું કરિયર મેડિકલ લાઇનમાં બનાવવું છે. હું વિજ્ઞાન પ્રવાહ પસંદ કરીશ."
"વિજ્ઞાન પ્રવાહ ? તને ખબર છે ડૉક્ટર બનવા કેટલા રૂપિયા ભરવા પડે છે !" એમના અવાજમાં ચોખ્ખી ના હતી.
"પણ પપ્પા, મેડિકલ લાઇન માત્ર ડૉક્ટર બનવા માટે જ નથી હોતી, એમાં બીજા પ્રોફેશન પણ હોય છે, જેમકે...."
"હા હવે...! ખબર છે...!" હાકોટો પાડી તેને બોલતી અટકાવી દીધી, "મારે તારી કોઈ વાત સાંભળવી નથી. લાખો રૂપિયા ખર્ચી તારી કોલેજની ફી અને એડમિશન લેવાની આપણી ક્ષમતા નથી. ચાદર જોઈને પગ પહોળા કરાય, બેટા. પૈસા કંઈ ઝાડ પર નથી ઊગતા !"
"પણ પપ્પા, હું ખૂબ મહેનત કરીને ગવર્નમેન્ટ કોલેજમાં..."
"કહ્યુંને મારે એ બાબતે કશુંયે નથી સાંભળવું ! તારે આર્ટ્સ કે કોમર્સ લાઇનમાંથી જે પસંદ કરવી હોય એ કરી દે ! આ મારો ફાઇનલ નિર્ણય છે, સાંભળ્યું કે નઇ !" ઊંચા કડક અવાજમાં ફેંસલો સંભળાવી દીધો.
"મમ્મી પ્લીઝ, તું તો કંઈક બોલ પપ્પાને..." તેણે આજીજીભર્યા સ્વરે કહ્યું.
"પણ બેટા, આર્ટ્સ કે કોમર્સ લાઇન લેવામાં તને વાંધો શું છે ?"
"પણ મારે એમાં કરિયર બનાવવાની બિલકુલ ઈચ્છા જ નથી. મારે મેડિકલ લાઇનમાં જવું છે. પ્લીઝ મમ્મી ! તું પપ્પાની સાઈડ ના લઇશ...!" દુ:ખદ મુખભાવ સાથે કહ્યું.
"તારા પપ્પાનો એ નિર્ણય છે. એમાં હું શું કહું ?" કહીને તે રસોડામાં ચાલી ગયા.
એ રાતે તે એના રૂમમાં દિલ ખોલીને રડી. એની તેજસ્વી આંખોમાં પનપતા સપનાઓ આંસુ બની વહી ગયા.
*
પાંચવર્ષ બાદ કંચનના લગ્નની તૈયારીઓ ધામધુમથી ચાલી રહી હતી.
"તો... ટોટલ ફિગર કેટલું થાય છે ? ગોલ્ડ અને દહેજ બંને ગણીને ?" મમ્મીએ પૂછ્યું.
"અંદાજિત ફિગર સુડતાલીસ લાખ જેવુ થાય છે." તેમણે જવાબ આપ્યો.
"સરસ ! લોન લઈને આટલા રૂપિયાની ગોઠવણી તો આપણાથી આસાનીથી થઈ જશે." આછા સ્મિત સાથે કહ્યું.
કંચન સોફામાં બેસી એમની વાતચીત સાંભળી રહી હતી. તેના લગ્નની ખુશીના ભાવ તેના ચહેરા પરથી ખોવાયેલા હતા. તેણે રોષે ભરાઈને દાંત ભીંસ્યા, અને મનમાં ગણગણી : ‘જો આટલા રૂપિયા મારા કરિયરમાં તમે ઇન્વેસ્ટ કર્યા હોત તો આજે મેં આસાનીથી મારી મેડિકલની સ્ટડી પૂરી કરી દીધી હોત ! પણ તમને મારું સુખી ભવિષ્ય માત્ર લગ્ન-જીવનમાં જ દેખાતું હતું, એનાથી આગળ કરિયર બનાવી સ્વનિર્ભર થવામાં નહીં !’
ખાળી ન શકાતા આંસુનો પ્રવાહ વહાવવા તે ઊભી થઈ બહાર ગાર્ડનમાં દોડી ગઈ...
