Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Sujal Patel

Thriller


4  

Sujal Patel

Thriller


તારી એક ઝલક - ૪

તારી એક ઝલક - ૪

5 mins 174 5 mins 174

જીતુ અને સતિષ પણ મેળામાં પહોંચી ગયાં હતાં. આ લોકોનું કામ અહીં મેળો કરવો એ નહોતું. પણ અહીં આવી બધી છોકરીઓને હેરાન કરવી, એ તેમનો મુખ્ય હેતુ હતો. જે તેજસના રહેતાં પૂરો કરવું અઘરું કામ હતું.

"જો જીતું, પેલાં તેજસ સાથે એ ફટાકડી કોણ છે ?" સતિષે તેજસ પાસે ઉભેલી ઝલક તરફ આંગળી ચીંધીને કહ્યું.

"જોતાં તો વિદેશથી આવી હોય, એવી લાગે છે. આ વખતે તો-"

"એ ઝલક જ આપણો શિકાર બનશે." સતિષે જીતુનુ અધૂરું છોડેલ વાક્ય પૂરું કર્યું.

ઝલકને જોઈને બંનેનાં મનમાં એક વિચાર ટપક્યો હતો. જેનું અમલીકરણ ઝલક પર થવાનું હતું. જીતું અને સતિષ ખતરનાક હાસ્ય કરતાં તેજસની ટોળકી તરફ આગળ વધી રહ્યાં હતાં. એ બંને તેમની પાસે પહોંચે એ પહેલાં જ તેજસની આખી ટોળકી મંદિરનાં રસોઈઘરમાં પહોંચી ગઈ.

તેજસે અંદર જઈને બધી રસોઈનું કામકાજ સંભાળી લીધું. બધાંને જમાડવામાં અને પીરસવામાં તે એક અલગ જ પ્રકારની ખુશીનો અનુભવ કરતો હતો. તેનાં ચહેરા પર અલગ જ પ્રકારનું હાસ્ય રમતું હતું.

ઝલક તેજસનું આ રૂપ જોઈને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ હતી. જેની નોંધ જિગ્નેશ, અર્પિતા, ગંગા, તન્વી અને તેજસનાં મિત્રોએ લીધી હતી.

મરુન શર્ટ, બ્લેક જીન્સ અને સહેજ લાંબા વાળને સરસ રીતે ઓળેલા હતાં. આંખોમાં એક અલગ જ ચમક અને કામમાં સેવાનો ભાવ, ઝલક તેજસને આ રીતે જોઈને દંગ રહી ગઈ. ઝલક તેજસને પહેલીવાર જોતી હતી, એવું નહોતું. પણ તેજસને એક સારાં વ્યક્તિની નજરે ઝલક પહેલીવાર જોઈ રહી હતી.

"જોયું ઝલક ?? તેજસ અહીં આ બધાં કામ કરવાં આવે છે. જેનાં લીધે લોકો તેને અહીં પહોંચવા રસ્તો કરી આપતાં હતાં." અર્પિતા ઝલક પાસે આવીને બોલી.

"મારો ભાઈ ઘણાં સમયથી આ કામ કરે છે. જેનાં લીધે લોકોનાં મનમાં તેનાં પ્રત્યે લાગણી અને પ્રેમ છે. રસ્તામાં તેનાં માટે જે જગ્યા થતી હતી. એ કોઈ ગુંડાગીરીનુ નહીં, તેની આ સેવાનું પરિણામ હતું." તન્વી પણ ઝલકને કહેવા લાગી.

ઝલક બધું સાંભળીને કાંઈ પણ બોલી નહીં. તેજસ સામે જોતાં જોતાં તેની તરફ આગળ વધવા લાગી. તેજસનુ ધ્યાન તો‌ માત્ર તેનાં કામમાં જ હતું. કોણ શું કરે છે ? તેની તેને કાંઈ પણ ખબર નહોતી.

"હું પણ કાંઈ કામ કરી શકું ?" ઝલક સીધી તેજસ પાસે જઈને બોલી.

તેજસ માત્ર ઝલક સામે જોઈ રહ્યો. ઝલકને શું જવાબ આપવો ? એ તેને પણ નાં સમજાયું. એ ઝલકને અહીં પોતાનો સાચો સ્વભાવ જણાવવા જ લાવ્યો હતો. પણ ઝલક એટલી જલ્દી તેનાં એ સ્વભાવ પર વિશ્વાસ કરી લેશે ! એ વાત તેજસની જાણ બહાર હતી.

"મગની દાળનો શીરો બનાવતાં આવડે ?" જાદવે આવીને પૂછ્યું.

ઝલકે તો ક્યારેય કિચનમાં પગ જ નહોતો મૂક્યો. તેની ઘરે તેને પાણીનો ગ્લાસ પણ તેનાં ઘરના નોકર જ ભરીને આપતાં. એવામાં તેને શીરો આવડે. એ વાત તો કેવી રીતે શક્ય બને ?

"તું અહીં લોકોને પીરસવાનું કામ કર, શીરાનું કામ હું સંભાળી લઈશ." શીરાનું નામ સાંભળીને, અસમંજસમાં મુકાયેલી ઝલકને જોઈને, તેજસ શાક પીરસવાનો ચમચો ઝલકના હાથમાં આપતાં બોલ્યો.

ચમચો આપીને તેજસ શીરો બનાવવાં ચાલ્યો ગયો. ઝલક હોંશેહોંશે બધાંને જમવાનું પીરસવા લાગી. અર્પિતા, ગંગા અને તન્વી પણ એ કામમાં જોડાઈ ગયાં. બધાં ઝલકને એ રીતે કામ કરતાં જોઈને ખુશ હતાં. કામ કરવામાં સમય ક્યારે પસાર થઈ ગયો ! કોઈને ખબર જ નાં રહી. તેજસે એક નજર બહારની તરફ કરી. બહાર સૂરજ ડૂબવાની તૈયારીમાં હતો. ચારેતરફ કેસરી રંગની સંધ્યા તેનું સામ્રાજ્ય જમાવીને બેઠી હતી. એક તરફ બીજનો ચંદ્ર અને બીજી તરફ ડૂબતો સૂરજ બંને મળીને અદભૂત દ્રશ્ય સર્જી રહ્યાં હતાં.

"ચાલો, હવે બહાર મેળામાં એક ચક્કર લગાવીએ. અહીંનું કામ હવે અહીંના લોકો સંભાળી લેશે." તેજસે બહાર આવીને બધાંને કહ્યું.

તેજસની વાત પૂરી થતાં બધાં પોતાનું કામ પૂરું કરીને બહાર ગયાં. બાળકો માટે અવનવી રાઈડસ્, ખાણીપીણીની લારીઓ, રમકડાના સ્ટોલસ્ જેવી વસ્તુઓથી મેળો એક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. લોકોની ભારે ભીડ જામી હતી. મોતનાં કૂવા પાસે તો કેટલાંય લોકોએ હોબાળો મચાવ્યો હતો.

તેજસની આખી ટોળકી મેળામાં બધું જોતી હતી. એ લોકોનાં બહાર આવતાં જ જીતું અને સતિષ તેમની પાછળ પાછળ ફરવા લાગ્યાં. જીતુએ મનમાં જ ઝલકને પરેશાન કરવાની યોજના ઘડી કાઢી હતી. એ વાતથી અજાણ એવી ઝલક બ્રેક ડાન્સમાં બેસીને તેમાં વાગતાં મધુર સંગીત સાથે પોતાનાં શરીરને ડોલાવી રહી હતી.

તેજસ અહીં આવીને પણ બધાં સ્ટોલની અને લારીવાળાની મુલાકાત લઈને તેમની મદદ કરતો હતો. જાદવ અને કાળું નાનાં નાનાં ભૂલકાંઓને જમવાનું આપતાં હતાં. જીગ્નેશ મેળાની બધી ગોઠવણી જોતો હતો. ખરેખર, મેળો તેણે જેવું સાંભળ્યું હતું. એવો જ અદભૂત હતો. લખન આખાં મેળાનું અવલોકન કરીને કંઈક વિચારી રહ્યો હતો. તન્વી, અર્પિતા અને ગંગા પોતાની રીતે મેળામાં ફરી રહી હતી.

"ભાઈ, વર્ષો પહેલાંની વાતને તું હજું સુધી ભૂલ્યો નથી ? હવે તે વાતને યાદ કરીને કોઈ ફાયદો નથી. જીવનમાં એક સમયે તો આગળ વધવું જ પડે છે." લખનને વિચારોમાં ખોવાયેલો જોઈને ગંગાએ તેની પાસે આવીને કહ્યું.

લખન ગંગાની વાત સાંભળી કાંઈ બોલી નાં શક્યો. જવાબ સ્વરૂપે તેની આંખો ભીની થઈ ગઈ. ગંગા પણ થોડી ભાવુક થઈ ગઈ. ગંગાને કમજોર પડતી જોઈને લખન કાંઈ પણ બોલ્યાં વગર તેજસ પાસે જતો રહ્યો. ગંગા પણ ફરી તન્વી અને અર્પિતા પાસે જતી રહી.

"તેજાભાઈ, તમારો પ્લાન કદાચ કામ કરી રહ્યો છે. ઝલકના વિચારો તમારાં પ્રત્યે બદલાઈ રહ્યાં છે." જાદવે આવીને કહ્યું.

તેજસનું સંપૂર્ણ ધ્યાન કામમાં હતું. પણ એ ઝલકના જ વિચારોમાં ખોવાયેલો હતો. તેજસની પહેલેથી એક સાથે બે કામ કરવાની ટેવ હતી. તેનાં મનનાં વિચારોની તેનાં હાથ વડે થતાં કામ પર કોઈ અસર નાં પડતી. જેનાં લીધે એ બંને કાર્ય સારી રીતે કરી શકતો. અત્યારે પણ એ એવું જ કરી રહ્યો હતો. આજ સુધી તેણે પોતાનો સ્વભાવ કેવો છે? એ કોઈને પણ બતાવવું જરૂરી નહોતું સમજ્યું. પણ આજે ઝલકને પોતાનાં જ સ્વભાવ વિશે જણાવવા તે શાં માટે ઉત્સુક હતો ? તેની પોતાને જ જાણ નહોતી.

"તેજસભાઈ, ઝલક અહીં છે ? તેને અમે ક્યારનાં શોધીએ છીએ. તેને કોઈનો કોલ આવ્યો, પછી એ જતી રહી. અમે બધી જગ્યાએ તેને શોધી. પણ એ ક્યાંય મળતી નથી." તન્વીના ગભરાયેલા અવાજે તેજસના વિચારોની હારમાળા તોડી.. સાથે-સાથે તેનાં હાથ પણ કામ કરતાં રોકાઈ ગયાં.

"અરે, અહીં જ ક્યાંક હશે...તે કાંઈ નાની નથી, કે તમે તેને શોધો છો..લંડનથી આવી છે.. બોલતાં અને ગુસ્સો કરતાં બંને સારી રીતે આવડે છે." કાળું જાણે હજું પણ‌ ઝલકની કાલની વાતથી ગુસ્સે હોય, એમ તે બોલ્યો.

"રહેવા દે, કાળું.. આ મેળો બહું મોટો છે. જો હકીકતમાં ઝલક રસ્તો ભૂલી હશે...તો તેને શોધવી મુશ્કેલ બની જાશે. ઉપરથી અહીં મોબાઈલમાં નેટવર્ક પણ નથી આવતું. જેનાં લીધે લોકો નેટવર્ક આવે એવી જગ્યાની શોધ માટે બહું દૂર સુધી નીકળી જતાં હોય છે. પરિણામે રસ્તો ભૂલાઈ જાય છે. ઝલકે પણ એવું જ કર્યું હોવું જોઈએ." તેજસ કંઈક વિચારતાં વિચારતાં જ બોલ્યો...ને તરત જ ચાલવા લાગ્યો.

તેજસ હજું થોડું એવું ચાલ્યો હશે.. ત્યાં જ તેણે થોડાં લોકોને દોડીને, જે તરફ રાઈડસ્ હતી.. એ તરફ જતાં જોયાં.

"એ ચાલો...ચાલો...પેલી તરફ કંઈક નવો જ ખેલ ચાલી રહ્યો છે. બધાં એ તરફ જ જઈ રહ્યાં છે." અમુક લોકો તેજસની પાસેથી બોલતાં બોલતાં નીકળ્યાં.

તેમની વાતો સાંભળી તેજસે પહેલાં ત્યાં જવાનું નક્કી કર્યું. તેની આખી ટોળકી સાથે, અર્પિતા અને જીગ્નેશ પણ તેની પાછળ પાછળ ગયાં.

ક્રમશઃ


Rate this content
Log in

More gujarati story from Sujal Patel

Similar gujarati story from Thriller